પાછા વળી જવું એ કોઈ વિકલ્પ નથી અને સ્થિર ઊભા રહેવું પૂરતું નથી

05 January, 2021 04:15 PM IST  |  Mumbai | Taru Kajaria

પાછા વળી જવું એ કોઈ વિકલ્પ નથી અને સ્થિર ઊભા રહેવું પૂરતું નથી

પ્રતીકાત્મક તસવીર

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને આપણા સૌના હૃદયમાં આશાની એક રેખા અંકાઈ છે, ‘હાશ’ ૨૦૨૦ પૂરું થયું. ગયા વર્ષે માનવજાતે જે ભોગવ્યું છે એ જોયા પછી મને ખાતરી છે કે દુનિયાના મોટા ભાગના લોકોએ વીતેલા વર્ષને સૌથી ભયંકર અને વસમું વર્ષ કરાર કરી દીધું હશે અને એટલે જ ભવિષ્યવેત્તાઓની નવા વર્ષ માટેની પૉઝિટિવ આગાહીઓને માનવાનું અને એના પર વિશ્વાસ રાખવાનું મન થાય છે. એમાંય જેમણે ૨૦૨૦ વિશે સચોટ આગાહીઓ કરી હતી એવા ભવિષ્યવેત્તાઓ આ વખતે આપણી શ્રદ્ધાને વધુ પાત્ર બન્યા છે. આવા જ એક પ્રખ્યાત ન્યુમરોલૉજિસ્ટ (આંકડાશાસ્ત્રી)એ કહ્યું છે કે આ નવું વર્ષ ગયા વર્ષ કરતાં સારું અને સહ્ય હશે એટલું જ નહીં, તેમણે દેશ માટે ૨૦૨૨ને તો બહુ જ પૉઝિટિવ ગણાવ્યું છે અને ખૂબ જ ખાતરીપૂર્વક ભારતના સોનેરી ભાવિનું પાનું ગણાવ્યું છે. મને ખાતરી છે કે જેમણે યુટ્યુબ પર તેમની ચૅનલ પર આ ભવિષ્યવાણી સાંભળી હશે એ વ્યક્તિએ ચોક્કસ ૨૦૨૧ની શરૂઆત થોડી આશાપૂર્વક કરી હશે. ભલેને તેની સ્થિતિ જે હતી એ જ હોય, પણ એ આશાના કિરણે તેના ચહેરા પર હળવી તો હળવી પણ નચિંતપણાની લકીરો ખેંચી હશે.

માણસ નાની અમથી આશાના તરાપા પર જીવનનો આ ઘૂઘવતો સમંદર પાર કરવાનો પડકાર કેવો ઝીલી લે છે, પછી ભલેને ભૂતકાળમાં તેણે અવારનવાર નિરાશા વેઠી હોય. ખરેખર! પોતાની આશાઓ પાક્કે પાયે ફળવાની નથી એનો અનુભવ હોય, જાણ હોય તો પણ ફરી-ફરી એ આશાના સહારે જ આવતી કાલ સાથે કદમ મિલાવે છે! અલબત્ત, ભૂતકાળના અનુભવો પરથી શીખેલી અને એ શીખનો ઉપયોગ કરનારી વ્યક્તિની આશાઓ ફળવાની શક્યતા ચોક્કસ વધારે હોય છે. આજે નવા વર્ષની આપણી આ પહેલી મુલાકાત છે ત્યારે આવી જ એક વ્યક્તિની વાતથી આરંભ કરીએ.

૪૭ વર્ષની સ્ટેસી અબ્રામ્સ પહેલી શ્યામ અમેરિકન મહિલા છે જેને અમેરિકાના રાજ્યના ગવર્નરપદ માટે એક મોટા રાજકીય પક્ષે નીમી છે. હા, અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યના ગવર્નરના પદ માટે ડેમોક્રેટિક પાર્ટીએ સ્ટેસીને પસંદ કરી છે.

ગરીબ પરિવારમાં જન્મેલી અને ઊછરેલી સ્ટેસીનાં મા-બાપે પોતાનાં પાંચેય સંતાનોને શિક્ષણ આપવા સાથે સેવાના સંસ્કાર પણ પાયામાંથી આપ્યા હતા. ભણવામાં તેજસ્વી સ્ટેસીનું સ્કૂલની ફાઇનલ પરીક્ષાઓનું પરિણામ આવ્યું ત્યારે વેલેડિક્ટોરિયન (સૌથી વધુ માર્ક્સ લાવનારા) સ્ટુડન્ટ્સની યાદીમાં સ્ટેસીનું નામ હતું. વેલેડિક્ટોરિયન્સને જ્યૉર્જિયા રાજ્યના ગવર્નરને મળવાની તક મળતી. દર વરસે રાજ્યના તમામ વેલેડિક્ટોરિયન્સને ગવર્નરના નિવાસસ્થાને જવાનું આમંત્રણ મળતું. એ વર્ષે સ્ટેસીને પણ ગવર્નરનું આમંત્રણ મળ્યું હતું. ગવર્નરને મળવાની વાતે સ્ટેસી ખૂબ જ એક્સાઇટેડ હતી. સ્ટેસી તેનાં મમ્મી-પપ્પા સાથે ગવર્નરના બંગલે ગઈ. એ લોકો બસમાંથી ઊતરીને ગવર્નરના બંગલે પહોંચ્યાં. બીજા અનેક વેલેડિક્ટોરિયન્સ પણ ત્યાં આવ્યા હતા પણ તેમની મોટી-મોટી ગાડીઓમાં. સ્ટેસી અને તેનાં મમ્મી-પપ્પા બંગલાના દરવાજે પહોંચ્યાં તો ત્યાં ફરજ બજાવતા ગાર્ડે તેમના પર એક નજર નાખી કહ્યું કે આ તો પ્રાઇવેટ ઇવેન્ટ છે, તમારા માટે નથી. સ્ટેસીના પપ્પાએ તેને કહ્યું કે આ મારી દીકરી સ્ટેસી વેલેડિક્ટોરિયન છે અને અમને અહીં આવવાનું આમંત્રણ મળ્યું છે, પરંતુ પેલો ગાર્ડ તો પોતાના હાથમાં પકડેલી યાદીમાં સ્ટેસીનું નામ ચેક કરવાને બદલે કે તેમનું આમંત્રણ કાર્ડ માગવાને બદલે તેમના દીદાર જોઈને જ તેમને બંગલોમાં જતાં અટકાવી રહ્યો હતો. અને ‘યુ ડોન્ટ બિલૉન્ગ ટુ હિયર’ની રેકૉર્ડ વગાડી રહ્યો હતો. આખરે બહુ રકઝક બાદ તે પોતાના હાથમાંની યાદીમાં સ્ટેસીનું નામ શોધવા તૈયાર થયો અને નામ મળતાં તેમને બંગલોમાં અંદર જવા મળ્યું હતું.

એ દિવસે સ્ટેસીએ નક્કી કરી લીધું હતું કે એક દિવસ તે દરવાજા ખોલી બતાવશે અને બે દાયકામાં જ તેણે એ કરી બતાવ્યું. માત્ર અશ્વેત મહિલાઓ માટે જ નહીં, લેટિન અમેરિકન અને એશિયન અમેરિકન મહિલાઓ માટે પણ અને બીજા અનેક વંચિતો માટે તેણે દરવાજા ખોલી બતાવ્યા. કેમ કે તે માનતી હતી કે જ્યૉર્જિયા તેમનું રાજ્ય હતું અને એ સૌને માટે એ દરવાજા ખૂલવા જોઈએ. સ્ટેસી કહે છે કે જીવનમાં કંઈ પણ કરતી વખતે હું પોતાની જાતને ત્રણ સવાલ કરું છું : મારે શું જોઈએ છે? શા માટે એ જોઈએ છે? અને એ મને કેવી રીતે મળશે? કોઈ પણ પરિસ્થિતિમાંથી આગળ કેવી રીતે વધવું એની મથામણ કરતી સ્ટેસી કહે છે કે હું હંમેશાં આગળ જવામાં માનું છું, કેમ કે પાછા વળી જવું એ કોઈ વિકલ્પ નથી અને સ્થિર ઊભા રહેવું પૂરતું નથી.

ટેક્સસ યુનિવર્સિટી અને યેલલૉ સ્કૂલમાંથી ડિગ્રીઓ મેળવીને સ્ટેસીએ જ્યૉર્જિયાના નાગરિકોની જિંદગી બહેતર બનાવવા માટે કામ કરવા માંડ્યું. સરકારી, વ્યવસાયી અને સ્વૈચ્છિક આંદોલનો દ્વારા તેણે આ દિશામાં કામ કરવા માંડ્યું. ૨૦૧૦માં જ્યૉર્જિયાની જનરલ એસેમ્બલીમાં તે પ્રથમ મહિલા નેતા બની. પ્રતિનિધિ સભામાં લઘુમતીના નેતા તરીકે તેણે ડેમોક્રેટિક પક્ષના સભ્યોમાં નવી ઊર્જા સીંચી અને રિપબ્લિકનોની બહુમતી પર અંકુશ રાખ્યો હતો. ગરીબ અને મધ્યમવર્ગીઓ પર કરવેરા નાખતા કાયદાઓ ઘડવાનું  અટકાવ્યું. જનતાના સ્વાસ્થ્ય, પરિવહન, રોજગાર જેવાં પાયાનાં કાર્યો પર ધ્યાન આપ્યું. જ્યૉર્જિયાના વિકાસ માટે જરૂરી તમામ દિશાઓમાં તેણે કામ કર્યું. ‘ન્યુ જ્યૉર્જિયા પ્રોજેક્ટ’ હેઠળ તેણે ૨૦૧૪થી ૨૦૧૬ની વચ્ચે બે લાખથી વધુ મતદારોની યાદી બનાવી અને તેમનાં નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરાવવા માટે આપ્યાં. સેલીના મૉન્ટગોમરી નામથી તેણે રોમૅન્ટિક સસ્પેન્સ નવલકથાઓ લખી, જેની લાખો નકલો વેચાઈ છે. નાણાકીય સેવાની એક કંપની સ્થાપીને તેણે અનેક જ્યૉર્જિયાવાસીઓને રોજગારી આપી છે. તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ કહેલું કે મોટા ભાગના રાજકારણીઓ માત્ર ચૂંટણી કેમ જીતવી એના પર જ બધું ધ્યાન આપી રહ્યા છે એવા આજના સમયમાં સ્ટેસી એવી બાબતો પર ધ્યાન આપી રહી છે જે વધુ મહત્ત્વની છે અને એટલે જ હું સ્ટેસી અબ્રામ્સને ટેકો આપું છું. સ્ટેસી કહે છે કે આપણે શું બનવાના છીએ એની દિશા નક્કી કરનાર આપણા શરૂઆતના દિવસો નથી. લોકોને સ્ટેસીના શબ્દોમાં વિશ્વાસ બેસે છે કેમ કે પોતાના સ્વપ્નને હકીકત બનાવવા માટે જરૂરી હિમ્મત, સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને અનુભવ તેની પાસે છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists taru kajaria