તુલસી ઇસ સંસાર મેં ભાત-ભાત કે લોગ:આ લોકોમાં તમે કઈ કૅટેગરીમાં આવો છો?

21 February, 2020 11:52 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

તુલસી ઇસ સંસાર મેં ભાત-ભાત કે લોગ:આ લોકોમાં તમે કઈ કૅટેગરીમાં આવો છો?

પશુ અને માણસ વચ્ચે એક બેઝિક ડિફરન્સ છે, કયો એની ખબર છે તમને?
માણસ વિચારી શકે છે. તેનામાં વિવેકબુદ્ધિ હોય, પણ પ્રાણીઓ પાસે એ ક્ષમતા પોતાની મુખ્ય જરૂરિયાતો પૂરી કરવા પૂરતી જ મર્યાદિત છે. પશુઓ સામાન્ય રીતે કુદરતના નિયમોને અનુસરીને ખોરાક, પાણી અને પ્રજનનની જરૂરિયાતને પૂરી કરવા માટે આખી જિંદગી મથે છે. શાકાહારી હોય કે માંસાહારી, પશુને તેમની મૂળભૂત જરૂરિયાતો અને આવશ્યકતા સિવાય બીજી કોઈ બાબતમાં રસ નથી પડતો. માણસ પણ જો આ રીતે માત્ર પોતાના સ્વાર્થ અને જરૂરિયાતો કે આવશ્યકતા માટે દોડ્યા કરે તો માણસ અને પ્રાણીઓમાં કોઈ ફરક નથી એવું માની લેવામાં કશું ખોટું નથી. મોટા ભાગના લોકો એ જ રીતે ૭૦-૮૦ વર્ષની જિંદગી પૂરી કરી નાખતાં હોય છે. હવે સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે, તમે કેવી રીતે જીવી રહ્યા છો? માત્ર તમારા માટે, તમારા પરિવાર માટે કે થોડોક સમય સમાજ માટે પણ કાઢી રહ્યા છો?
અંગત જીવનમાં અનેક પ્રકારના લોકો મળતા રહ્યા છે. ક્યારેક એવા પણ લોકો મળ્યા જેમણે ખરા સમયે ખૂબ મામૂલી ઓળખાણ પછીયે જીવનના કેટલાક એવા મહત્ત્વના પ્રશ્નોને ઉકેલી આપ્યા જેણે માણસાઈ માટેની શ્રદ્ધા બેવડી કરી નાખી તો ક્યારેક એવા પણ લોકો મળ્યા જેમણે આખી જિંદગી પડછાયો હોવાનો ડોળ કર્યો, પણ ખરા સમયે જાણે ઓળખતા પણ ન હોય એમ જાતને સામેથી સંકેલી લીધી.
સંત તુલસીદાસે બહુ સરસ કહ્યું છે ‘તુલસી ઇસ સંસાર મેં ભાત-ભાત કે લોગ’.
આ વાત ખરેખર ખૂબ જ સાચી છે. હમણાં જગ્ગી વાસુદેવજી સાથે વાત થતી હતી ત્યારે તેમણે ત્રણ પ્રકારના લોકો વિશે કહ્યું. પહેલા, આયુર્વેદિક પ્રકારના લોકો, જે વાતચીતમાં ખૂબ સારા, પણ ખરા સમયે કે પછી ઇમર્જન્સીમાં કામ ન આવે. બીજા, એલોપથિક પ્રકારના લોકો, ઇમર્જન્સીમાં એ જ લોકો કામ આવે, પરંતુ ક્યારે અને કેવા પ્રકારની સાઇડ ઇફેક્ટ આપી જાય એ કોઈ કહી શકે નહીં. ત્રીજા પ્રકારના લોકો હોમિયોપથિક બેઝ્ડ. જે સ્વાભાવિક રીતે કોઈ ઉપયોગના નથી હોતા, પણ સાથે હોય તો ગમે. વાત તો માત્ર એમ જ ચાલતી હતી, પણ આ વાત માટે ખરેખર જગ્ગીજીને ધન્યવાદ આપવા ઘટે.
સાહેબ, દરેક વખતે દુનિયાને બદલવાની વાત જરૂરી નથી હોતી. કેટલીક વખત દુનિયાને નહીં, જાતને બદલવા વિશે પણ વિચારવું જોઈએ અને એ ઘટના સાથે આપણને કંઈ નિસબત નથી. દુનિયા બદલે, હું નહીં બદલું. પેલી વાર્તા યાદ છેને, ગામમાં તળાવ બન્યું, તળાવમાં બધાએ એક લોટો દૂધ નાખવાનું હતું. બધાએ એવું ધાર્યું કે હું નાખું નહીં તો શું ફરક પડવાનો. સરવાળે આખું તળાવ ખાલી જ રહ્યું. હું નહીં બદલું એવું ધારીને આપણે આખી દુનિયાને ચેન્જ થતી રોકીએ છીએ. જાતને પૂછો એકવાર, હું કેવો માણસ છું. હું કોઈના સંકટ સમયે ઊભો રહીશ ખરો? હું પશુઓથી અલગ તરી આવું એવી રીતે જીવી રહ્યો છું ખરો?
જવાબ જો હકારાત્મક આવે તો પીઠ થાબડી લેજો અને જવાબ જો નકારાત્મક હોય તો દુનિયાને બદલવાને બદલે જાતને બદલવાનો પ્રયાસ કરજો. સફળતા સરળતાથી મળશે.

manoj joshi columnists