ખેડૂત આંદોલન: કાનૂનવાપસી કે ઘરવાપસી?

10 January, 2021 04:26 PM IST  |  Mumbai | Raj Goswami

ખેડૂત આંદોલન: કાનૂનવાપસી કે ઘરવાપસી?

ખેડૂત આંદોલન

લગભગ દોઢ મહિનાથી દિલ્હીની સીમા પર ધરણાં પર બેસીને કૃષિ-કાનૂનનો વિરોધ કરી રહેલા કિસાનો અને સરકારના પ્રતિનિધિઓની વાટાઘાટોનો જાણે અંત જ નથી એવું લાગી રહ્યું છે. કદાચ આમઆદમીને એનાથી કોઈ ડાયરેક્ટ અસર નથી થવાની, પરંતુ ભૂમિપુત્રોની માગણીઓ શું છે અને સરકારની નીતિ અને વિઝન શું છે એ સમજવું પ્રત્યેક ભારતીય માટે બહુ જરૂરી છે. કિસાન અને સરકાર વચ્ચેની આ ખેંચતાણના મૂળ અને મુખ્ય મુદ્દા શું છે એને જરા સાદી ભાષામાં સમજવાની કોશિશ કરીએ...

આજથી ૪૨ વર્ષ પહેલાં, ૧૯૭૮ની ૨૩ ડિસેમ્બરે પણ એવી જ ઠંડી પડતી હતી, જેવી આજે પડે છે અને અને ત્યારે પણ હજારો ખેડૂતો દિલ્હીમાં ભેગા થયા હતા. ફરક એટલો હતો કે તેમને દિલ્હીની સીમાઓ પર અટકાવવામાં આવ્યા નહોતા. એ દિવસે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની બોટ ક્લબમાં એકઠા થયા હતા. તે વખતનાં અખબારોએ ખેડૂતોના એ જમાવડાને ચીનમાં માઓ ત્સુ તુંગની લૉન્ગ માર્ચ સાથે સરખાવ્યો હતો. દેશના ખેડૂતોનું એ પહેલું શક્તિ પ્રદર્શન હતું અને એ દિવસથી ખેડૂતોને તેમની સમસ્યાઓને લઈને અંદોલનનો રસ્તો મળ્યો હતો.

એ પ્રદર્શનનું નેતૃત્વ હરિયાણાના જાટ નેતા ચૌધરી ચરણ સિંહે કર્યું હતું. એ દિવસે તેમનો જન્મદિવસ પણ હતો. એ દિવસથી ૨૩ ડિસેમ્બરે તેમના જન્મદિવસને કિસાન દિવસના રૂપે ઊજવવામાં આવે છે. ભારત સરકાર પણ ૨૩ ડિસેમ્બરે કિસાન દિવસ ઉપરાંત ૨૩થી ૨૯ ડિસેમ્બર વચ્ચે જય જવાન જય કિસાન સપ્તાહ પણ મનાવે છે. રાષ્ટ્રીય રાજકારણમાં ચરણ સિંહનો એ દિવસે પ્રવેશ થયો હતો. સાત મહિના પછી, ૨૮ જુલાઈ ૧૯૭૯ના દિવસે તેમણે ભારતના પાંચમા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ચરણ સિંહનું આખું રાજકીય જીવન ખેડૂતો પર કેન્દ્રિત રહ્યું હતું. તેઓ છેલ્લા દિવસ સુધી દેશના ખેડૂતોની ચેતના જગાવતા રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતમાં ગ્રામ્ય અને શહેરી સંસાર વસે છે, પરંતુ ગ્રામ સંસાર શહેરી સંસાર કરતાં મોટો છે, એટલે એ જ અસલી ભારત છે.

ચરણ સિંહે ૧૯૩૮માં ઉત્તર પ્રદેશમાં પહેલી વાર કૃષિબજાર કાનૂનની પહેલ કરી હતી. એના આધારે જ પંજાબમાં દેશનો પહેલો બજાર-કાનૂન બન્યો હતો. જોકે એનો અમલ થતાં ૨૫ વર્ષ લાગ્યાં હતાં. આજે પંજાબ-હરિયાણાના ખેડૂતો એ કાનૂનની રક્ષા માટે જ લડાઈ કરી રહ્યા છે.

૨૦૨૦માં દિલ્હીની સીમાઓ પર ૪૫ દિવસથી એકઠા થયેલા ખેડૂતોનાં ધરણાં એક રીતે ભારત અને ઇન્ડિયાની લડાઈ છે. તમે આ અંદોલનકારી ખેડૂતોના મોઢે કૉર્પોરેટ ફાર્મિંગનું નામ સાંભળ્યું હશે. કૉર્પોરેટ ફાર્મિંગ એટલે એક એવી વ્યવસ્થા જેમાં મોટી-મોટી કંપનીઓ ખેતરોની માલિક બનીને અથવા ખેડૂતો સાથે કરાર કરીને પોતાનાં ધંધાદારી હિતો મુજબ ખેતી કરાવે, ખેતપેદાશોને પોતાના ભાવે વેચે અને ખેતીમાં જાતભાતનાં સંશોધન કરાવે તેમ જ વિશાળ ફન્ડિંગ દ્વારા સરકારની કૃષિનીતિમાં પોતાનો કક્કો ખરો કરાવે.

મોદી સરકાર જે ત્રણ નવા કૃષિ-કાનૂન લાવી છે એની સામે ખેડૂતોના વિરોધનું એક કારણ કૉર્પોરેટ ફાર્મિંગ છે. ખેડૂતોને ડર છે કે કૃષિ ઉત્પન બજાર સમિતિઓ અને ખેતપેદાશોના લઘુતમ ટેકાના ભાવનો એકડો કાઢી નાખીને સરકાર કૉર્પોરેટ-ખેતીને પ્રોત્સાહન આપવા માગે છે. ખેડૂતોને બીક છે કે એમાં અંતત: નાના ખેડૂતો પાયમાલ થઈ જશે અથવા કંપનીઓના ગુલામ થઈ જશે. આમાં જેમનું નામ વારંવાર ઊછળ્યું છે એ રિલાયન્સ અને અદાણી જુથે સોય ઝાટકીને કહ્યું છે કે કૉર્પોરેટ કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગની તેમની કોઈ યોજના નથી અને આ ત્રણે કૃષિ બિલ સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

સ્વતંત્ર ભારતમાં આ ત્રણ નવા કાનૂન દેશના કૃષિક્ષેત્રમાં ‘ક્રાન્તિકારી’ પરિવર્તન લાવનારા છે. સરકાર આ કાનૂનોને કૃષિ સુધાર માટેનું મહત્ત્વનું પગલું ગણાવી રહી છે. ત્રણે બિલ લોકસભામાં પસાર થઈ ગયાં છે. તમને જો યાદ હોય તો સપ્ટેમ્બર મહિનામાં આ બિલ લોકસભામાં રજૂ થયું, ત્યારે કેન્દ્રીય ખાદ્ય સંસ્કરણ પ્રધાન હરસિમરત કૌર બાદલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હરસિમરત પંજાબમાં ભાજપનાં સૌથી જૂના સાથીદાર શિરોમણિ અકાલી દલનાં સભ્ય છે. મહારાષ્ટ્રમાં શિવસેના પછી પંજાબના અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડીને ઝટકો આપ્યો હતો. એટલે આમ તો છેલ્લા ચાર મહિનાથી પંજાબના ખેડૂતો આ કાનૂન સામે વિરોધ કરી રહ્યા છે. એનું કોઈ પરિણામ ન આવતાં તેમણે ૨૫ નવેમ્બરે દિલ્હી તરફ કૂચ કરી હતી. તેમને દિલ્હી બહારની સીમાઓ પર જ રોકી દેવામાં આવ્યા હતા. ત્યારથી હજારો ખેડૂતોએ ત્યાં જ ધામા નાખ્યા છે અને આ ત્રણે કાનૂન પાછા ન ખેંચાય તો ‘ત્રણ વર્ષ’ સુધી ધરણાં પર જ બેસી રહેવાનો નિર્ધાર કર્યો છે.

ખેડૂત સંગઠનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે અત્યાર સુધીમાં ૮ વખત મંત્રણા થઈ ચૂકી છે. સરકારે આ કાનૂનોમાં ખેડૂતોની શંકા-કુશંકાઓ દૂર કરે એવા તમામ સુધારા કરવા માટે તૈયારી બતાવી છે, પરંતુ ખેડૂતો લોકસભાનું વિશેષ સત્ર બોલાવીને ત્રણે કાનૂનો પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે. સરકાર લગાતાર ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતોને શંકા છે કે સરકાર તેમને ભરમાવાની કોશિશ કરી રહી છે. ખેડૂતોને સરકાર પર વિશ્વાસ નથી. એનું એક કારણ એ છે કે મોદી સરકારે કૃષિ બિલ પર સંસદમાં ચર્ચા અને મતદાન કરવાની વિરોધ પક્ષોની માગણીને ફગાવી દઈને સીધા વટહુકમથી બિલ પાસ કરી લીધું છે.

એ જ મુદ્દા પર અકાલી દળે છેડો ફાડ્યો હતો. સરકારને ખબર જ હતી કે બિલ પર જો મતદાન થશે તો ફજેતી થશે. ખેડૂતોને એટલે સરકારના સુધારા-વધારા કરવાના આશ્વાસન પર વિશ્વાસ નથી. ૮ ડિસેમ્બરે ૮મી મંત્રણાના દોર પછી ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર ત્રણે કાનૂન પાછા ન ખેંચે ત્યાં સુધી તેઓ દિલ્હીની સીમાઓ પરથી ઘરે પાછા નહીં જાય. સરકાર પર દબાણ વધારવા માટે હવે ખેડૂતોએ ૨૬ જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં ટ્રૅક્ટર કૂચ કરવાનું એલાન કર્યું છે. ‘૨૬મીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ટ્રૅક્ટર અને ટૅન્કની કૂચ નીકળશે’ એમ એક ખેડૂત આગેવાને કહ્યું હતું. હવે ૯મી મંત્રણા ૧૫ જાન્યુઆરીએ થવાની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત આ કાનૂનોનો બચાવ કરી રહ્યા છે. તેમના જન્મદિવસે મોદીએ સ્પષ્ટતા કરી હતી કે નવા કાનૂનો દેશના ખેડૂતોનાં હિતમાં છે, તેમની ખેતપેદાશોના લઘુતમ ટેકાના ભાવ અને સરકારી ખરીદી ચાલુ જ રહેવાની છે. ખેડૂતોનો નફો વધવાનો છે છતાં અમુક તાકાતો ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. ખેડૂતોનો તર્ક એ છે કે નવા કાનૂનની માગણી અમે કરી જ નથી, સરકારે અમને પૂછ્યું પણ નથી, તો જે ચીજની અમારી માગણી જ નથી સરકાર એ અમને શા માટે આપે છે.

સરકાર જોકે ખોંખારો ખાઈને તો એવું બોલતી નથી, પરંતુ સરકારની ભાવના એવી છે કે અમે તો આખા દેશના ખેડૂતો માટે આ કાનૂન બનાવ્યો છે અને દેશનાં બીજાં રાજ્યોમાં તો એનો કોઈ વિરોધ નથી. ઇન ફૅક્ટ, ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર પણ વહેતો મૂક્યો હતો કે દેશભરનાં ભાજપશાસિત રાજ્યોમાં કૃષિ કાનૂનોની તરફેણમાં ખેડૂતોનું સમર્થન એકઠું કરવામાં આવે, પરંતુ એમ કરવા જતાં ખાલી પંજાબ સુધી સીમિત રહેલો આ મુદ્દો આખા દેશમાં છવાઈ જાય એ હિતાવહ નહીં હોય એવી કોઈ ગણતરીના ભાગરૂપે એ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.

શું છે આ કૃષિ-કાનૂન અને કેમ એનો વિરોધ છે?

૧૭ સપ્ટેમ્બરે લોકસભામાં કૃષિ ઉત્પાદન અને વેપાર બિલ અને કૃષિ કિંમત આશ્વાસન તથા કૃષિ સેવા બિલ પસાર થયું હતું. ત્રીજું આવશ્યક વસ્તુ બિલ અગાઉ પસાર થયું હતું. ત્રણે બિલમાં સંયુક્ત રીતે અલગ-અલગ માર્કેટિંગ ચૅનલો સાથે ખેડૂતોને જોડવાની અને તેમની સાથે કરાર કરવાની જોગવાઈ છે. સરકારની કૃષિ સ્થાયી સમિતિએ તારણ કાઢ્યું હતું કે દેશના કૃષિ ક્ષેત્રનું નિયંત્રણ કરતા કાનૂનોનું રાજ્યો યોગ્ય રીતે પાલન નથી કરતાં અને કૃષિ સંસ્થાઓ (જેવી કે કૃષિ ઉત્પન બજાર સમિતિ) પોતાની મનમાની ચલાવે છે અને સ્પર્ધા થવા દેતી નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ સપ્ટેમ્બરે આ ત્રણે બિલને ભારતીય કૃષિ ઇતિહાસમાં ક્રાન્તિકારી ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષો ખેડૂતોને કૃષિ સુધારાનાં વચન આપતી રહી હતી, પરંતુ તેમની સરકારે એ વચન પાળી બતાવ્યું છે. એ સાચું છે કે દેશભરના ખેડૂતો આ કાનૂનનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોને એની સૌથી વધુ અસર થવાની છે. સરકાર ખેડૂતો પાસેથી જે સૌથી વધુ અનાજ ખરીદે છે એ છે ઘઉં અને ચોખા. પંજાબ અને હરિયાણામાં આ બે પાક બહુ થાય છે. પાછલાં અમુક વર્ષોમાં સરકારે પંજાબ-હરિયાણાનું ૮૦ ટકા અનાજ અને ૭૦ ટકા ઘઉં ખરીદ્યાં છે એટલે આ પ્રદેશના ખેડૂતો સરકાર સામે લડી રહ્યા છે. કેમ? દેશના સૌથી મોટા ગ્રામ્ય મીડિયા પ્લૅટફૉર્મ ‘ગાંવ કનેક્શન’એ આ ત્રણે કાનૂનોની બુનિયાદી સમજ આપી છે, પહેલાં એનો પરિચય લઈએ ઃ

૧. કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય કાનૂન

આ કાનૂન રાજ્ય સરકારોને બજાર સમિતિની બહાર કરવામાં આવેલી ખેતીના વેચાણ અને ખરીદી પર ટૅક્સ લેતાં અટકાવે છે અને ખેડૂતોને ફાયદાકારક કિંમત પર ઉત્પાદન વેચવાની સગવડ કરી આપે છે.

સરકારનું કહેવાનું એવું છે કે આ ફેરફારથી ખેડૂતો અને વેપારીઓને ખેતી ઉત્પાદનના વેચાણ અને ખરીદીના સંદર્ભમાં સ્વતંત્રતા મળશે, જેનાથી સારી કિંમત મળશે. સરકાર કહે છે કે આ કાનૂનના કારણે ખેડૂત તેનું ઉત્પાદન દેશમાં ક્યાંય પણ, કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકશે. આ કાનૂનથી કૃષિ ઉત્પન બજાર સમિતિઓની બહાર પણ કૃષિ ઉત્પાદન વેચવા-ખરીદવાની વ્યવસ્થા તૈયાર થશે. ટૂંકમાં, સરકાર એક દેશ, એક બજારની વાત કરી રહી છે. 

કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કહ્યું હતું કે આ જોગવાઈથી ખેડૂતો પોતે પોતાનાં ઉત્પાદનોની કિંમત નક્કી કરી શકશે. આનાથી ખેડૂતોના અધિકારો અને કિંમતોમાં વધારો થશે અને બજારમાં સ્પર્ધા વધશે.

૨. આવશ્યક વસ્તુ કાનૂન ૧૯૫૫ સંશોધન

અગાઉ વેપારીઓ મન ફાવે એવા ભાવ આપીને ખેડૂતોનાં ઉપ્તાદનોથી ગોડાઉન ભરી લેતા હતા અને પછી એનાં કાળાબજાર કરીને વેચાણની કિંમત વધારતા હતા. કૃષિ ઉત્પાદનોની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે આવશ્યક વસ્તુ કાનૂન લાવવામાં આવ્યો હતો. આ કાનૂન હેઠળ વેપારીઓ એક સીમાથી વધુ માલનો સંગ્રહ ન કરે એવી જોગવાઈ કરવામાં આવી હતી. હવે આવશ્યક વસ્તુ કાનૂન (સંશોધન) ૨૦૨૦ની યાદીમાંથી અનાજ, દાળ, તલ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાટા જેવી વસ્તુઓને હટાવી દેવામાં આવી છે.

આ ઉત્પાદનો પર રાષ્ટ્રીય સંકટ કે દુષ્કાળ જેવા ખાસ સંજોગો સિવાય સ્ટૉકની મર્યાદા લાગુ નહીં પડે. એને માટે સરકારનો તર્ક એ છે કે દેશમાં હવે લક્ષ્યાંક કરતાં વધુ કૃષિ ઉત્પાદન થાય છે, પણ ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન અને રોકાણની સુવિધા ન હોવાથી ઊપજની સારી કિંમત મળતી નથી. આ નવા કાનૂનથી વેપારીઓ આ ચીજવસ્તુઓનો અમર્યાદ સંગ્રહ કરી શકશે, જેનાથી ખેડૂતોને વેચાણનો ફાયદો થશે.

૩. કૃષિ કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કાનૂન

આ કાનૂન ખેડૂતોને વાવણી પહેલાં જ તેમની ઊપજોને નિર્ધારિત માપદંડ અને કિંમત અનુસાર વેચવાનો કરાર કરવાની જોગવાઈ આપે છે. આ કાનૂનમાં કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગની વાત છે. સરકારની વાત માનીએ તો એનાથી ખેડૂતનું જોખમ ઓછું થશે, કારણ કે વાવણી પહેલાં જ એની ઊપજ ‘વેચાઈ’ ગયેલી હશે. ખેડૂતને તેની ઊપજ વેચવા માટે કે ઉચિત ભાવ લેવા માટે ભટકવું નહીં પડે. સરકારનો તર્ક છે કે આ કાનૂનથી ખેડૂત શોષણનો ડર રાખ્યા વગર સમાનતાના આધારે મોટા જથ્થાબંધ વેપારીઓ, નિકાસકારો વગેરે સામે ઊભો રહેવા સક્ષમ બનશે. કૃષિપ્રધાન તોમરે કહ્યું છે કે આ કાનૂનથી ખેડૂત પર બજારની અનિશ્ચિતતાનું જોખમ નહીં રહે અને તેની આવકમાં સુધારો થશે.

સરકાર એવું પણ કહે છે કે આ કાનૂનથી ખેડૂતોનાં ઉત્પાદનો દુનિયાભરનાં બજાર સુધી જશે. એનું પરિણામ એ આવશે કે અન્ય ઉદ્યોગોની જેમ જ ખેતી ક્ષેત્રે પણ ખાનગી રોકાણ વધશે.

ખેડૂતો કેમ આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે?

ખેડૂતોને સૌથી પહેલો વાંધો કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય કાનૂનને લઈને છે. આ કાનૂન સાચે જ ખેડૂતોના ફાયદા માટે છે? ખેડૂતોના મુદ્દાઓ પર ઘણા સમયથી બોલતા અને ખેડૂત અંદોલનના એક ભાગીદાર સ્વરાજ ઇન્ડિયા પક્ષના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ કહે છે કે ‘એ વાત એકદમ સાચી છે કે કૃષિ ઉત્પન બજાર સમિતિનાં બજારોની ઘણી સમસ્યાઓ છે અને ખેડૂતો એનાથી ખુશ પણ નથી, પરંતુ સામે સરકાર જે નવી વ્યવસ્થા લાવવા માગે છે એ પણ સારી નથી. આ કાનૂન કહે છે કે મોટા વેપારીઓ સીધા જ ખેડૂતો પાસેથી ઊપજ ખરીદી શકશે, પરંતુ કાનૂન એ નથી કહેતો કે જે ખેડૂતો પાસે ભાવતાલ કરવાની તાકાત ન હોય તેમને આ જોગવાઈનો લાભ કેવી રીતે મળશે?’

અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમિતિના સંયોજક વી. એમ. સિંહ આ કાનૂન સામે સવાલ કરતાં કહે છે કે ‘સરકાર એક રાષ્ટ્ર, એક બજાર બનાવવાની વાત તો કરે છે, પરંતુ તેમને એ ખબર નથી કે જે ખેડૂત તેના તાલુકા-જિલ્લામાં તેની ઊપજ નથી વેચી શકતો તે બીજા જિલ્લા કે બીજા રાજ્યમાં કેવી રીતે વેચી શકશે? શું ખેડૂત પાસે એટલાં સાધન છે અને બીજાં બજારોમાં જવા-આવવાના ખર્ચાનું શું?’

તેઓ ઉમેરે છે, ‘આ કાનૂનની જોગવાઈ-૪માં એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતને ત્રણ દિવસમાં પૈસા મળી જશે. જો પૈસા ફસાઈ ગયા તો તેણે બીજાં બજારો અને પ્રાંતમાં ચક્કર કાપવાં પડશે. નાના ખેડૂતો પાસે ન તો લડવાની તાકાત હોય છે કે ન તો ઇન્ટરનેટ પર સોદા કરવાની આવડત. એટલે અમારો વિરોધ છે.’

દેશની નિકાસનીતિના નિષ્ણાત અને કૃષિ બાબતોના જાણકાર દેવિન્દર શર્મા કહે છે કે ‘સરકાર જેને કૃષિ સુધાર કહે છે એ અમેરિકા અને યુરોપ જેવા અનેક દેશો લાગુ કરી ચૂક્યા છે અને એનાથી ત્યાંના ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. અત્યારે ત્યાં ખેતી જો બચી હોય તો એનું કારણ એ છે કે સરકાર સબસિડી મારફત મોટા પ્રમાણમાં આર્થિક સહાય કરે છે.’

શર્મા વધુમાં કહે છે, ‘બિહારમાં ૨૦૦૬થી કૃષિ ઉત્પન બજાર સમિતિ નથી અને એનાથી એવું થાય છે કે વેપારીઓ સસ્તા ભાવે બિહારમાંથી અનાજ ખરીદે છે અને પછી એને લઘુતમ ટેકાના ભાવે પંજાબ અને હરિયાણાની બજાર સમિતિમાં વેચી દે છે, કારણ કે અહીં સમિતિઓનાં બજારોની જાળ બિછાવેલી છે. સરકારને ખેડૂતોનાં હિતની જો એટલી જ ચિંતા હોય તો એક એવો કાનૂન લાવવો જોઈએ જે ખેડૂતોને લઘુમ ટેકાના ભાવનો અધિકાર આપી દે, જેનાથી એટલું નક્કી થઈ જશે કે લઘુતમ ટેકાના ભાવથી નીચે કોઈ ખરીદી નહીં થાય. એનાથી ખેડૂતોનો ઉત્સાહ વધી જશે.’

હવે શું થશે?

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પડકાર માગ કરતાં પુરવઠાની છે. ખેડૂતોને તેમની ઊપજો માટે નવાં બજાર જોઈએ છે. એટલા માટે ખેતીમાં સુધારાની વાતો થતી રહી છે. નવા કાનૂનમાં કૃષિ ઉત્પન બજાર સમિતિ અને લઘુતમ ટેકાના ભાવ સમાપ્ત કરવા પાછળ સરકારનો ઇરાદો આવો લાગે છે. આમાં એક ભૂલ થઈ છે. સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કે તેમના વિચારો જાણ્યા વગર બિલ પસાર કરી દીધાં છે. મોદી સરકાર ભિન્નમત કે વિરોધના સૂરને ગણકારતી નથી અને બહુમતીના જોરે નિર્ણય લાગુ કરે છે એવી એક માન્યતા આ કૃષિ કાનૂનોમાં સાબિત થઈ છે. સરકારે એના સૌથી જૂના અકાલી દળને પણ આ મુદ્દા પર ગણકાર્યું નહોતું એટલે ખેડૂતોમાં રોષ ઉપરાંત સરકારના અસલી ઇરાદા વિશે અવિશ્વાસ પેદા થયો છે. આ કારણથી તેમણે એક જ જીદ પકડી છે કે ત્રણેય કાનૂન પાછા ખેંચી લેવામાં આવે.

સરકારની અંદર પણ એવી ભાવના મજબૂત બની રહી છે કે બિલ પસાર કરતાં પહેલાં ખેડૂતોને વિશ્વાસમાં ન લીધા એ ચૂક હતી, એટલે સરકાર કાનૂનોમાં ખેડૂતો કહે એ સુધારા કરવા તૈયાર થઈ છે, પણ ‘મજબૂત’ સરકારનો પ્રૉબ્લેમ એ છે કે એ કાનૂન પાછો ખેંચી શકે એટલી હદ સુધી ઝૂકવા તૈયાર નથી. બીજી બાજુ ખેડૂતોને કાનૂન રદ કરવાથી ઓછું કશું સ્વીકાર્ય નથી. ખેડૂતો અને સરકાર વચ્ચેની ૮ મંત્રણાઓ પછી હવે આ આખો મામલો જીદ અને અહંનો બની ગયો છે.

જાણીતા અર્થશાસ્ત્રી ગુરુચરણ દાસ માને છે કે આ ઝઘડો હવે જટિલ થઈ ગયો છે. તેમના કહેવા પ્રમાણે ‘સૌથી ખરાબ ઉપાય કાનૂનોને પાછા ખેંચવાનો છે, કારણ કે એનાથી ૩૦ વર્ષનું કામ બેકાર થઈ જશે. બીજો ઉપાય એ છે કે સરકાર એવું કહે કે ઉત્પન બજાર સમિતિઓ ચાલુ રહેશે. સરકારે કંઈક તો આપવું જોઈએ.’ એ જ પ્રમાણે લઘુતમ ટેકાના ભાવની પણ કોઈક ગૅરન્ટી આપવી જોઈએ.  બાબા રામદેવે કહ્યું છે કે સન્માનનીય સમાધાન માટે સરકારે બે ડગલાં આગળ આવવું જોઈએ.

કૉન્ગ્રેસ પક્ષ કહે છે કે સરકાર મંત્રણાઓના નામે ખેડૂતોની સહનશક્તિ ચકાસી રહી છે. સરકારને લાગે છે કે અંદોલન એની મેળે જ તૂટી જશે. વડા પ્રધાન મોદીએ તેમની ‘મન કી બાત’માં તેમનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો કે કૃષિ કાનૂનો ખેડૂતોના હિતમાં છે, પંરતુ ‘ચૂંટણી હારી ગયેલા લોકો’  અમુક ખેડૂતોને ભરમાવી રહ્યા છે. આનાથી ખેડૂતો સાથે મંત્રણા કરી રહેલા સરકારી પ્રતિનિધિઓના હાથ બંધાઈ ગયા છે અને તેઓ કાનૂનવાપસીની શરત સિવાય બીજી કોઈ પણ વાત કરવા તૈયાર છે. બીજી બાજુ ખેડૂતો કાનૂનવાપસી વગર ઘરવાપસી કરવાના મૂડમાં નથી.

એવું લાગે છે કે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીમાં ટ્રૅક્ટર કૂચ કરવાની ખેડૂતોના એલાનની ધારી અસર પડવી જોઈએ અને ૧૫ તારીખની બેઠકમાં કોઈ સકારાત્મક પરિણામ આવવું જોઈએ. ખેડૂતો ટ્રૅક્ટર લઈને દિલ્હીમાં કૂચ કરશે તો પોલીસ માટે તેમને રોકવાનું અશક્ય થઈ જશે અને અત્યાર સુધી શાંત રહેલું ખેડૂત અંદોલન હિંસક થઈ જશે. શાંતિપૂર્ણ વિરોધ અને અંદોલનો અંતત: હિંસક થઈ જ જાય છે એની આ સરકારને સારી રીતે ખબર હોવી જ જોઈએ.

columnists raj goswami