સાચો કવિ કોણ?

25 October, 2020 06:43 PM IST  |  Mumbai | Rajani Mehta

સાચો કવિ કોણ?

લગભગ ૪૫ વર્ષની કારકિર્દીમાં ઇંદીવરે લગભગ ૧૬૫૦ ગીતો લખ્યાં. સંગીતકાર અનિલ બિશ્વાસ, રોશન, ચિત્રગુપ્ત, શંકર-જયકિશન, મદન મોહન, કલ્યાણજી—આણંદજી, લક્ષ્મીકાંત—પ્યારેલાલ, ઉષા ખન્ના, રાજેશ રોશન, બપ્પી લાહિરી, સોનિક—ઓમી, જતીન-લલિત, સપન–જગમોહન, જગજિત સિંહ, શ્યામલ મિત્રા, અનુ મલ્લિક, વિજુ શાહ, આદેશ શ્રીવાસ્તવ, એમ. એમ. ક્રીમ અને આનંદરાજ આનંદ જેવા સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. તેમના જીવનનો મોટો અફસોસ એ રહ્યો કે તેમના અત્યંત પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મન સાથે કામ કરવાનો તેમને મોકો ન મળ્યો.

૧૯૬૪માં સાહિર લુધિયાનવીએ ફિલ્મ ‘ચિત્રલેખા’ માટે શુદ્ધ હિન્દી ભાષામાં જે ગીતો લખ્યાં એ માટે તેમની ખૂબ પ્રશંસા થઈ, કારણ કે મોટા ભાગે તેઓ હિન્દુસ્તાની જબાનમાં ગીતો લખવા માટે જાણીતા હતા. બહુ ઓછા સંગીતપ્રેમીઓને એ વાતની ખબર છે કે આ ફિલ્મ માટે ગીતો લખતી વખતે સાહિરને જ્યારે યોગ્ય હિન્દી શબ્દની પસંદગીની મૂંઝવણ થતી ત્યારે તે ઇંદીવરની સલાહ લેતા. સાહિરે આ વાતનો કદી જાહેરમાં એકરાર નથી કર્યો, એ તેમની મુનસફીની વાત છે. ઇંદીવરે આ વાતનો જાહેરમાં કદી ઉલ્લેખ નથી કર્યો એ તેમના દરિયાદિલ સ્વભાવની સાબિતી છે.

૮૦ અને ૯૦ના દસકામાં હિન્દી ફિલ્મોની શકલ-સૂરત બદલાઈ ગઈ, જેની અસર ગીત-સંગીત પર પડી. એક દિવસ કોઈકે ઇંદીવરને પૂછ્યું, ‘ચંદન સા બદન, ચંચલ ચિતવન’ જેવાં ગીતો લખ્યા બાદ આજે તમે ‘સેક્સી સેક્સી મુઝે લોગ બોલે’ જેવા ચીપ ગીત લખો છો એ તમને યોગ્ય લાગે છે?’ ત્યારે ઇંદીવરનો જવાબ હતો, ‘આ મારી પ્રોફેશનલ મજબૂરી છે. મને પોતાને મજા નથી આવતી, પરંતુ મારે પણ ઘર ચલાવવાનું છે.’ મનોમન તેઓ દુખી હતા, પરંતુ જેમ દરેક ક્ષેત્રમાં ‘ઑક્યુપેશનલ હેઝાર્ડ’ હોય છે એમ નાછૂટકે પરિસ્થિતિનો સ્વીકાર કરીને કામ કરતા રહ્યા. એમ છતાં એ દિવસોમાં પણ આપણને તેમની કલમમાંથી અનેક સંવેદનશીલ ગીતો મળ્યાં. યાદ આવે છે થોડાં ગીતો...

તુમ સે બઢકર દુનિયા મેં ન દેખા કોઈ ઔર ઝુબાં પે આજ દિલ કી બાત આ ગઈ (કામચોર – રાજેશ રોશન – કિશોરકુમાર)

તુમ  મિલે, દિલ ખીલે, ઔર જીને કો ક્યા ચાહિયે (ક્રિમિનલ – એમ. એમ. ક્રીમ –અલકા યા‌જ્ઞ‌િક-કુમાર સાનુ)

દિલ ઐસા કિસીને મેરા તોડા, બરબાદી કી તરફ ઐસા મોડા (અમાનુષ – શ્યામલ મિત્રા – કિશોરકુમાર)

 ઇંદીવરને યાદ કરતાં એક ઇન્ટરવ્યુમાં બપ્પી લાહિરી કહે છે, ‘ઇંદીવર એક બહુમુખી પ્રતિભા ધરાવતા ગીતકાર હતા. તેઓ ‘ઝોપડે મેં ચારપાઈ (મવાલી) જેવું એક ચાલુ, ટપોરી-ટાઇપ ગીત લખી શકે અને જરૂરિયાત હોય તો ‘કિતને રાંઝે તુઝે દેખ કે બૈરાગી બન ગયે’ (અહેસાસ) જેવું ભાવવાહી, કવિતામય ગીત પણ સહજતાથી લખી શકે.  એક જ ટ્યુન પર તેઓ ત્રણ-ચાર ગીત લખતા. અમારા ઘરની બંગાળી ફિશ તેમને ખૂબ ભાવતી. મારી માતાજી સાથે રબીન્દ્ર સંગીતની કલાકો સુધી ચર્ચા કરતા.’

અભિનેતા અને ડિરેક્ટર રાકેશ રોશન ઇંદીવરને યાદ કરતાં કહે છે, ‘તેમનો હસતો ચહેરો હંમેશાં યાદ રહેશે. મારા ફાધર (સંગીતકાર રોશન)ના તેઓ ફેવરિટ હતા. તેમની રહેણીકરણી બહુ સિમ્પલ હતી. તેમનામાં દંભ નહોતો. કોઈની હામાં હા ન મેળવે. મોટા ફિલ્મ-મેકર્સને મોઢા પર જ કહી દે કે તમે ખોટા છો. આને કારણે જ તેમને મોટા બૅનરની ફિલ્મો નહોતી મળી અને બીજા ઓછા પ્રતિભાશાળી લોકોનું નામ થઈ ગયું. તેમની સાથે કામ કરતા હોઈએ ત્યારે એક મિત્ર સાથે કામ કરતા હોઈએ એવું લાગે. ૧૯૮૨માં ફિલ્મ ‘કામચોર’થી અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૯૭માં ફિલ્મ ‘કોયલા’ સુધી ઇંદીવર અમારી સાથે હતા. હું અને રાજેશ (રોશન) ઘણી વાર ડમી મુખડું લખીને ધૂન બનાવતા. એ તેમને ગમી જાય તો એમાં જ સાધારણ ફેરફાર કરીને નવું ગીત બનાવતા. આર્ગ્યુમેન્ટ ન કરે. મારાં મધરને ધૂન બનાવવામાં તેમણે મદદ કરી હતી. મારા હિસાબે તેઓ એક ‘અનસંગ હીરો’ હતા.

 

વીતેલા સમયના પ્રતિભાશાળી પરંતુ ઓછા જાણીતા સંગીતકાર સરદાર મલ્લિકના પુત્ર સંગીતકાર અનુ મલ્લિક કહે છે, ‘પોતાની તબિયતની બાબતમાં ઇંદીવર મને થોડા ‘ઍસેન્ટ્રિક’ લાગતા. તેમની અમુક માન્યતા મને વિચિત્ર લાગતી. બાકી તેઓ સીધાસાદા, કોઈ પણ જાતના ઈગો વિનાના, ‘હેઝલ ફ્રી’ વ્યક્તિ હતા. તેમને ‘જુલી જુલી’ કે પછી ‘સેક્સી સેક્સી’ જેવાં મુખડાં આપું તો પણ વાંધો ન આવે. આવી લાઇન બદલવાને બદલે એના પરથી જ પૉપ્યુલર ગીત બનાવે. તેમનાં લખેલાં ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિએ’ કે પછી ‘કસમે વાદે પ્યાર વફા’ અને બીજાં અનેક દર્દીલાં ગીતો હું સાંભળું ત્યારે એક વાતનો અહેસાસ થાય કે ‘Behind a smiling face, there is hidden pain.’

અનુ મલ્લિકનું ઑબ્ઝર્વેશન સાચું છે. આમ પણ કવિ માટે વેદના એ કવિતાનું ‘રો મટીરિયલ’ હોય છે. અંગત વેદનાના જંગલમાં પીડાનાં વૃક્ષોને ઉછેરવાને બદલે  રંગબેરંગી ફૂલોથી ભરેલી કવિતાનું સર્જન કરીને કવિ ભાવકોની વાહ-વાહ મેળવતો હોય છે, પ્રશંસકોને એની જાણ નથી હોતી. ‘મરીઝ’ની પંક્તિઓ યાદ આવે છે...

દાદનો આભાર, કિન્તુ એક શિકાયત છે મને

મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

સંગીતકાર વિજુ શાહ સાથેની મારી મુલાકાતોમાં તેમણે ઇંદીવરના ભૂલકણા સ્વભાવના કિસ્સા શૅર કર્યા હતા એ યાદ આવે છે. ‘અમે તેમને કવિરાજ કહેતા. તેઓ મોટા ભાગે પોતાની જ ધૂનકીમાં રહેતા. અમારા મ્યુઝિક-હૉલ પરથી નીકળે અને થોડી વારમાં ફોન કરે, ‘બેટા, જરા બાલ્કની મેં સે દેખ તો, મેરી ગાડી નીચે ખડી હૈ? મૈં તો ટૅક્સી પકડ કે ઘર પહોંચ ગયા.’ હું જોઉં તો તેમની ફિઆટ નીચે ઊભેલી દેખાય. મારી હા સાંભળે  એટલે કહે, ‘ઠીક હૈ, અબ કોઈ ચિંતા નહીં.’

એક કિસ્સો કમાલનો છે. ‘સરસ્વતીચંદ્ર’ હિટ ગઈ એટલે પ્રોડ્યુસરે બીજી ફિલ્મ શરૂ કરી. એ માટે ઇંદીવરે લખેલું એક ગીત ‘ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર, ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર હો’ મુકેશજીના સ્વરમાં કલ્યાણજી—આણંદજીએ રેકૉર્ડ કર્યું. કમનસીબે એ ફિલ્મ પૂરી ન થઈ. વર્ષો બાદ મારી ફિલ્મ ‘મોહરા’માં એક સિચુએશન માટે આ ગીત મને યાદ આવ્યું. ગુલશન રાયને આ ગીત ગમ્યું. તેમણે કહ્યું, ‘વાહ, આમાં તો સરસ કવિતા છે.’ આમાં એક જ તકલીફ હતી કે અમારે ડ્યુએટ ગીત જોઈતું હતું. કોની પાસે આ ફેરફાર કરાવવો એની ચર્ચા ચાલતી હતી ત્યારે મેં કહ્યું કે એથિકલી આપણે ઇંદીવર પાસે જ જવું જોઈએ.

તેમને મળ્યા અને કહ્યું, ‘કવિરાજ, એક સોલો ગાના હૈ. ઉસમેં લડકી કા પાર્ટ ઍડ કર કે ડ્યુએટ બનાના હૈ’ એમ કહીને ગીત સંભળાવ્યું. મને થયું કે તરત કહેશે કે આ તો મારું ગીત છે. મને રૂમની બહાર બોલાવીને તેઓ બોલ્યા, ‘વિજુ, એક બાત બોલું. ગાના કિસી ઔર કા હૈ. મેં લિખ તો દૂંગા પર અજીબ લગેગા.’ અમે કહ્યું, ‘કવિરાજ, નહીં નહીં, તમારા વિચાર આમાં ઉમેરાશે એટલે મજા આવી જશે.’ થોડી ક્ષણ પછી બોલ્યા, ‘ચલો, તુમ કહતે હો તો ઘર કી બાત હૈ’ કહીને તેઓ તૈયાર થયા. મુખડું ત્રણ-ચાર વાર મનોમન બોલતા જાય અને કહે, ‘ઇસકા જવાબ લડકી ક્યા દેગી? મુઝે લગતા હૈ ઇસ લાઇન કો થોડા ચેન્જ કરના પડેગા. ‘મેં કહ્યું, ‘પ્લીઝ, યે પોએટ્રી ઐસી હી રખિયે, આપ સિર્ફ લડકી કા પાર્ટ લિખ દો.’

આ ગીત પંકજ ઉધાસ અને સાધના સરગમના સ્વરમાં રેકૉર્ડ કર્યું. જ્યારે ‘મોહરા’નું મુરત થયું ત્યારે આ ગીત વાગતું હતું અને ગીતનાં વખાણ દરેક જણ કરતા હતા. ઇંદીવર તો પોતાની મસ્તીમાં હતા ત્યારે અમે કહ્યું, ‘કવિરાજ, આપકો પતા હૈ? યે ગાના બરસોં પહલે આપ હી ને ‌લિખા થા.’ તો કહે,’ અચ્છા, મૈંને લિખા થા? તભી મૈં સોચતા થા કે ઐસી સોચવાલા રાઇટર કૌન હોગા?’

ગીતકાર ઇંદીવરની વાતો પર એક પુસ્તક લખી શકાય. આણંદજીભાઈ તેમની સાથેનાં  સ્મરણોનું સમાપન કરતાં કહે છે, ‘તેમની એક કમાલ એ હતી કે સિંગરની ખૂબી પ્રમાણે ગીતમાં શબ્દોનો ઉપયોગ કરતા. ખાસ કરીને મુકેશના ‘નેસલ વૉઇસ’ને સૂટ થાય એ માટે અનુસ્વારવાળા શબ્દોનો વધુ ઉપયોગ કરે. આને કારણે એ ગીતોને જોઈતી ઇફેક્ટ મળે અને લોકપ્રિય થાય; જેમ કે ‘ચંદન સા બદન ચંચલ ચિતવન’; ‘ના કજરે કી ધાર ના મોતિયાં કે હાર, ના કોઈ કિયા સિંગાર’ અને આવાં બીજાં ગીતો.

 ‘રોજબરોજની બોલચાલની ભાષા પરથી પ્રેરણા લઈને તેમણે અમુક ગીતો લખ્યાં છે. તેમની સાથે સીટિંગમાં બેઠા હતા અને જમવાનો કૉલ આવ્યો એટલે અમે નોકરને કહ્યું, ‘થોડા સા ઠહરો, આતે હૈં.’ આ સાંભળીને તેમણે એક ગીતનું મુખડું લખ્યું, ‘થોડા સા ઠહરો, કરતી હૂં તુમ સે વાદા, પૂરા હોગા તુમ્હારા ઇરાદા’ (વિક્ટોરિયા નંબર 203). એક દિવસ સપરિવાર કોઈ ફંક્શનમાં જવાનું હતું. હું અને ઇંદીવર બેઠા હતા. થોડી વારમાં પત્ની તૈયાર થઈને આવ્યાં અને કહે ચાલો. તેમને જોઈને મેં લાઇટ મૂડમાં કહ્યું, ‘ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો.’ તરત ઇંદીવર બોલ્યા, ‘મને મારા ગીતનું મુખડું મળી ગયું.

ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો

ફિર સે કહો, કહતે રહો, અચ્છા લગતા હૈ 

જીવન કા હર સપના અબ સચ્ચા લગતા હૈ

-  (ધર્માત્મા - મુકેશ-કાંચન)

તેમની સાથે છેડછાડ ચાલ્યા કરે.  ફિલ્મ ‘કોરા કાગઝ’નું ટાઇટલ ગીત ‘મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા’ સાંભળીને અમને કહે, ‘યે ગાના બહોત ચલેગા, લેકિન લિખનેવાલા કૌન હૈ? યે તો મેરી હી સ્ટાઇલ કી કૉપી કરતા હૈ.’ અમે કહ્યું, ‘એમ. જી. હશ્મત કા યે ગાના હૈ.’ તો થોડા અકળાઈને બોલ્યા, ‘પર વો ઇતને અચ્છે ગાને કબસે લિખને લગે?’ તેમને ચીડવતાં મેં કહ્યું, ‘વો મેરે સાથ બૈઠે થે. જૈસે આપ કે સાથ બૈઠ કે અચ્છે ગાને લિખવાતે હૈ ઐસે હી ઉનકે સાથ કિયા. યે મેરા કમાલ હૈ.’ એટલે નકલી ગુસ્સો કરતાં કહે, ‘મેરે અસલી દુશ્મન તો તુમ હી હો.’ 

‘ઇંદીવર સ્વભાવના ઓલિયા જીવ હતા. અમુક લોકો તેમને ચીડવવા માટે કહે, ‘ફલાણો ગીતકાર એક ગીતના ૧૫,૦૦૦ રૂપિયા લે છે. તમે એનાથી સારું લખો છો તોય તમને ૫૦૦૦ મળે છે.’ તો જવાબ આપે, ‘ઉસ કી જરૂરતે ઝ્યાદા હૈ. મૈં તો જો ભી મિલે ઉસસે ખુશ હૂં.’

 ફિલ્મલાઇનમાં આવ્યા ત્યારે બીડીનું વ્યસન હતું; જે પછીથી છૂટી ગયું હતું. પાર્ટીમાં જાય તો બે આંગળી વચ્ચે સિગારેટ પકડેલી હોય, પણ પીએ નહીં. દારૂને હાથ ન અડાડે અને એટલે જ અમારે તેમની સાથે સારું બનતું. બીજા લોકો સાથે કામ કરતા ત્યારે અમારી પાસે આવીને દિલ ખોલીને વાત કરતા અને કહેતા, ‘આપ કે સાથ જો બાત બનતી હૈ વો ઔરોં કે સાથ નહીં બનતી.’ તેમની સાથે કંઈક ઋણાનુબંધ હશે એટલે જ જે કામ થયું એ અદ્ભુત હતું. આજે પણ એ દિવસોની યાદ આવે છે અને મન ભરાઈ આવે છે.’

આણંદજીભાઈ ભારે અવાજે વાત પૂરી કરે છે. ઇંદીવર અને તેમનાં ગીતો વિશે હું આ લખું છું ત્યારે એ અનુભૂતિ થાય છે કે તેમની કવિતામાં વિષાદની છાયા સતત ડોકિયું કરતી રહે છે, કારણ કે કવિને એ વાતનો અહેસાસ છે કે આનંદની ક્ષણો તો જૂજ હોય છે, ત્યાર બાદ નરી ગમગીની તમારો સાથ છોડતી નથી. સાચો કવિ એ જ છે જે વેદનાનું વસંતમાં અને શોકનું શ્લોકમાં રૂપાંતર કરીને એની અનુભૂતિ કરાવે.    

ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં 

નદી મિલે સાગર સે

  સાગર મિલે કૌન સે જલ મેં, કોઈ જાને ના... 

પ્રેમ અને મૃત્યુ એ કવિઓના મનગમતા વિષય હોય છે. ઇંદીવર એમાંથી બાકાત કેમ રહી શકે? તેમની કવિતામાં જીવનનાં આ બે સનાતન સત્યનો એક નહીં, પરંતુ અનેક સ્વરૂપે ઉલ્લેખ આવે છે. દિવસના અંતે આવતી સંધ્યા અને જીવનના અંતે આવતું મૃત્યુ, બન્ને ઉદાસીને તેઓ એકસરખી મમતાથી પંપાળીને વહાલ કરે છે. ફિલ્મ ‘સફર’ના અમર ગીતની પંક્તિઓ કેમ ભુલાય...?       

‘ઝિંદગી કો બહુત પ્યાર હમને દિયા                                                          મૌત સે ભી મોહબ્બત નિભાયેંગે હમ

રોતે-રોતે ઝમાને મેં આયે મગર

હંસતેં હંસતેં ઝમાને સે જાયેંગે હમ

જાએંગે પર કિધર, હૈ કિસે યે ખબર

કોઈ સમઝા નહીં, કોઈ જાના નહીં

પોતાના જ શબ્દોને સાર્થક કરતા હોય એમ શ્યામલાલ બાબુરાય ઉર્ફે ઇંદીવરે ૧૯૯૭ની ૨૭ ફેબ્રુઆરીએ પોતાની જિંદગીની સફર પૂરી કરી હતી. સ્થૂળ દેહે કવિ પરલોક પ્રયાણ કરે છે છતાં તેમની હયાતી ચાહકોમાં અનુભવાય છે. ક્ષર રૂપે કવિ ભલે ન હોય, પરંતુ અ-ક્ષર રૂપે તેઓ જીવંત રહે છે. ભાવકો સાથેની કવિની પ્રીત કવિતા દ્વારા સદૈવ ગુંજતી રહે છે એટલે તો એ ગીત અને પ્રીત અમર થઈ જાય છે. 

હોંઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો

બન જાઓ મીત મેરે, મેરી પ્રીત અમર કર દો

columnists rajani mehta