નવરાત્રિની સાચી ઊજવણી ત્યારે જ્યારે આપણે આપણી જગતજનનીના માતૃત્વને જજ નહીં કરીએ

14 October, 2021 08:53 PM IST  |  Mumbai | Jigisha Jain

બાળક આવ્યા પછી હું નોકરી નહીં કરું કહીને તે ઘરમાં બેસી ગઈ છે. કામ ન કરવાનાં એ બહાનાં છે. જાણે કેમ તેનું ધ્યાન રાખી-રાખીને ઊંધી વળી જવાની હોય. 

રીતુ ગોરાઇ

તેણે તો હજી ડિલિવરીના ૬ મહિના જ થયા છે કે ઑફિસ જવાનું શરૂ કરી દીધું. કેવી મા છે કે કરીઅર બનાવવા માટે બાળકને આયા પાસે છોડી દીધું છે? અમારાં બાળકોને તો અમે છાતીસરસાં ચાંપીને રાખ્યાં હતાં અને આ જો ડે-કૅરમાં બાળકો મોટાં કરી રહી છે. તેનું બાળક બે વર્ષનું થઈ ગયું પણ હજી બોલતાં આવડતું નથી. તેની મા બરાબર ધ્યાન નહીં આપતી હોય. તેનું બાળક હાલતાં-ચાલતાં માંદું પડી જાય છે, કારણ કે તેની મમ્મી તેની કાળજી લેતી નથી. બાળક આવ્યા પછી હું નોકરી નહીં કરું કહીને તે ઘરમાં બેસી ગઈ છે. કામ ન કરવાનાં એ બહાનાં છે. જાણે કેમ તેનું ધ્યાન રાખી-રાખીને ઊંધી વળી જવાની હોય. 
વર્કિંગ મધર હો કે સ્ટે-ઍટ હોમ મધર, બંને પરિસ્થિતિમાં સમાજ તેને જજ કરે જ છે. તે કંઈ પણ કરે, ગમે એટલી કોશિશ કરે; પરંતુ ક્યારેય પૂરી રીતે સફળ મા કહેવાશે નહીં, કારણ કે કંઈક તો હશે જ જે છૂટી જશે અને એ છૂટેલા ભાગ તરફ જ સમાજ આંગળી ચીંધ્યા કરે છે. એ વિશે વાત કરતાં જર્ની અબાઉટ મસ્ત મમ્સ નામના ગ્રુપનાં ફાઉન્ડર રીતુ ગોરાઈ કહે છે, ‘મધરહુડને આજની તારીખે વગર કારણે ગ્લૉરિફાઇડ કરી દેવામાં આવ્યું છે. આપણી માઓએ પણ આપણને ઉછેર્યા છે, પરંતુ એ બાબતે આટલું પ્રેશર ન સમાજ તેમને આપતો કે ન તે ખુદ લેતી. હકીકત એ છે કે આજની મમ્મીઓ વગર કારણે ગિલ્ટમાં જ રાચતી હોય છે. બાળકની કોઈ પણ તકલીફનું કારણ તે ખુદને જ માનવા લાગે છે. આ દોષનો ટોપલો તે પોતે તો ઊંચકે જ છે, પરંતુ સમાજ એ ટોપલાનો ભાર એના જજમેન્ટ્સ દ્વારા વધારી નાખે છે.’
મધરહુડ અંતે એક પર્સનલ ચૉઇસ છે અને એ સ્ત્રી જ નક્કી કરી શકે છે કે તેણે કેવી મા બનવું છે એ વિશે વાત કરતાં રીતુ કહે છે, ‘તેણે ઘરે રહીને તેનું ધ્યાન રાખવું છે કે પછી વર્કિંગ મમ બનીને કામની સાથે તેનો ઉછેર બૅલૅન્સ કરવો છે? તેણે તેને ઘરમાં જ પીત્ઝા બનાવીને ખવડાવવા છે કે પછી બહાર જઈને પાર્ટી કરવાની છૂટ આપવી છે? તેણે બાળકને જુદા-જુદા ક્લાસિસમાં મૂકીને તેની સ્કિલ્સ વધારવી છે કે પછી ફક્ત ભણતર તરફ જ ધ્યાન અપાવવું છે? એ બાબતે સમાજે તો શું કોઈ ત્રીજી વ્યક્તિએ પણ બોલવાનો અધિકાર નથી. આ આપણે સમજવું જ રહ્યું, કારણ કે મા ક્યારેય કોઈ પણ સંજોગોમાં તેના બાળકનું ખરાબ નથી ઇચ્છતી; પણ જો તેનાથી કોઈ ભૂલ પણ થાય તો એ ન ભૂલવું કે આખરે મા પણ એક માણસ છે.’ 

૪૦ ટકા સ્ત્રીઓ બને છે પોસ્ટ ડિલિવરી ડિપ્રેશનનો ભોગ

રિસર્ચ કહે છે કે એક વર્કિંગ મધર સામાન્ય મધર કરતાં ૧૮થી ૪૦ ટકા જેટલી વધુ સ્ટ્રેસમાં હોય છે. આ માટે વર્ક ફ્રૉમ હોમ કે ફ્લેક્સિબલ કામના કલાકો પણ એમાં કોઈ રીતે મદદરૂપ થતા નથી. આ સિવાય દિલ્હી સાઇકિયાટ્રી જર્નલ અનુસાર ૪૦ ટકા સ્ત્રીઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બને છે. 

columnists navratri Jigisha Jain