માથેરાન, મહાબળેશ્વર તો બહુ ગયા, હવે જઈ આવો મહારાષ્ટ્રની આ જગ્યાએ

20 October, 2019 03:15 PM IST  |  મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

માથેરાન, મહાબળેશ્વર તો બહુ ગયા, હવે જઈ આવો મહારાષ્ટ્રની આ જગ્યાએ

૨૩૦૦ ફુટ ઊંચા પહાડ પર બનેલો આ કિલ્લો દેશના સૌથી ખતરનાક કિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. નીચેથી ઉપર કિલ્લા સુધી પહોંચવાનો રસ્તો ઘણો કઠિન હોવાથી અહીં ઘણા ઓછા લોકો આવે છે.

મહાબળેશ્વર, માથેરાન, લવાસા, ઇગતપુરી, અલિબાગ જેવાં ઢગલાબંધ ફેમસ અને એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ધરાવતા મહારાષ્ટ્રમાં ઘણાં છુપાયેલાં અથવા તો અનએક્સપ્લોર કહી શકાય એવાં સ્થળો છે, જે એક પર્ફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશનનું પેકેજ પૂરું પાડી શકે છે. એટલે જો આ વખતે દિવાળીમાં કશે જવાનો પ્લાન હજી બન્યો ન હોય અથવા તો લાંબી રજાનું સેટિંગ ન થઈ શક્યું હોય અથવા તો કોઈ નવાં સ્થળો ટ્રાય કરવાં હોય તો મહારાષ્ટ્રમાં આવેલાં આ અનએક્સપ્લોર સ્થળોએ ફરવા જવાનો વિચાર કરી શકાય છે.

અરબી સમુદ્રના કિનારે આવેલું અને દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ શહેર જ્યાં આવેલું છે, તે મહારાષ્ટ્ર રાજ્ય જેમ સંસ્કૃતિ, રીત-રિવાજ, ભાષા અને ધર્મમાં વૈવિધ્યસભર છે, તેવી જ રીતે, પ્રવાસન સ્થળોની બાબતમાં પણ અનેક વૈવિધ્યતા ધરાવે છે, જેનું ઉદાહરણ છે રાજ્યના ખોળે આવેલી કેટલીક અનએક્સપ્લોર જગ્યાઓ જે દરેક પ્રકારના ટ્રાવેલરની જરૂરિયાતને સંતોષે છે. એટલું જ નહીં પરંતુ કંઈક નવું જોયું હોવાનો અહેસાસ પણ કરાવે છે. તો ચાલો, વધુ સમય વેડફ્યા વિના નવાં સ્થળોનો પ્રવાસ કરવાનો શરૂ કરીએ.

નિઘોજ

પૃથ્વીથી અનેકો કિલોમીટર દૂર આવેલા ચન્દ્ર પર આપણને ક્યારે ફરવા જવા મળશે, તે તો ખબર નથી પરંતુ ચંદ્ર પર ફરવાનો અનુભવ કેવો હોય છે, તેની ટ્રાયલ લેવી હોય તો તમારે અહીં આવવું પડે. આપણે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રમાં પુનાની નજીક આવેલા નિઘોજ ગામની. જ્યાંથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલી કુકાડી નદીના કિનારે મૂન વૉકની ફિલિંગ કરાવતું સ્થળ આવે છે. અહીં આવેલા વિશાળ પથ્થરો પર પ્રાકૃતિક રીતે મોટામોટા ખાડા પડી ગયેલા છે. ચંદ્રના ફોટોમાં આપણે ઘણી વખત જોયું છે, તેના પર કેટલા ખાડા છે. બસ, તેવા જ અદ્દલ ખાડા અહીં પડેલા છે. અને ખાડા પણ ઊબડખાબડ નહીં પરંતુ લીસા, સુંદર અને ગોળાકાર. જાણે કોઈ શિલ્પકારે આ પથ્થરો પર જઈને ચિત્રકામ કર્યું હોય. હકીકતમાં અહીં વહેતી કુકાડી નદીના ધસમસતા વહેણના જોરે અહીં પથ્થરો પર ખાડા પડી ગયેલા છે. વરસાદમાં આ નદીનાં પાણીનો ફોર્સ વધે છે અને તે આ પથ્થરો પરથી પસાર થાય છે, જેને લીધે અહીં આવા ખાડા પડી ઊંચકાયો છે. મૂન વૉક કરાવતા પથ્થરોની સંરચનાને જાણવા માટે ભૂવૈજ્ઞાનિકો અહીં આવતા રહે છે. પથ્થરો પર આવી સુંદર સંરચના આખા એશિયામાં માત્ર અહીં જ જોવા મળશે. આ પથ્થરોની બાજુમાં બે મંદિરો પણ આવેલાં છે, જે ઘણા ચમત્કારિક માનવામાં આવે છે. હજી સુધી આ જગ્યા ટુરીસ્ટ પૉઇન્ટ તરીકે ઊભરી ન હોવાથી અહીં ખાવાપીવાની કોઈ સગવડ નથી, જેને ધ્યાનમાં રાખવું. અહીં ફરવા આવવા માટેનો બેસ્ટ ટાઇમ ગરમીના સમયે છે જ્યારે અહીં આવેલી શીલાઓ પરથી પાણી ઓસરી જાય છે અને ખાડા સ્પષ્ટપણે દૃષ્યમાન થાય છે, સાથે મુન વૉકનો પણ આનંદ લઈ શકાય છે.

આ ઘાટ પરથી સહ્યાદ્રિ પર્વતનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. આ ઉપરાંત અહીંનું સુપર્બ ક્લાઇમેન્ટ અહીંના સૌંદર્યમાં વધારો કરે છે. નજીકમાં કેટલાક કિલ્લા પણ છે. કોલ્હાપુરથી અહીં ઘણા ટૂરિસ્ટો વીક-એન્ડમાં આવે છે.

મોરાચી ચિંચોલી

આજના સમયમાં મુંબઈ જેવા શહેરમાં ચકલીને જોવી પણ દુર્લભ છે ત્યારે મોર દેખાવાની શી વિસાત? પરંતુ દરેક જગ્યાએ એવું નથી. પુણે નજીક આવેલું મોરાચી ચિંચોલી ગામ બધાંથી અલગ છે, જેનું કારણ છે અહીં વસતા મોર. મોરની સંખ્યા એક-બે નહીં પરંતુ ૨૫૦૦ જેટલી છે. થોડી માંડીને વાત કરીએ તો મોરાચી ચિંચોલી એક મરાઠી નામ છે. આ નામનો અર્થ થાય છે, નાચતા મોર અને આમલીનાં ઝાડ. ગામ નાનકડું છે પરંતુ અહીં માણસો કરતાં મોરની વસ્તી વધારે છે. અહીં દરેક જગ્યાએ મોર જ જોવા મળે છે ઘરની છત પર, આંગણે, ઝાડ ઉપર, રસ્તા પર બધે મોર જ મોર નજરે ચઢે છે. આટલા બધા મોર ક્યાંથી આવ્યા હશે, એવો વિચાર જો તમારા મનમાં પણ સ્ફુર્યો હશે તો તમને જણાવી દઈએ કે એક લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ જ્યારે બાજીરાવની સેના અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે તેઓ આ ગામમાં રોકાયા હતા. તે દરમિયાન તેઓએ અહીં આમલીનાં કેટલાંક ઝાડ રોપ્યાં હતાં, જેને લીધે અહીં મોર આવવાના શરૂ થઈ ગયા હતા અને પછી ધીરેધીરે તેઓની સંખ્યા વધીને ૨૫૦૦ની થઈ ગઈ હતી. એક તો મોરને કુદરતે આપેલો રંગીન વર્ણ, સુમધુર ટહુકાર અને કળા કરવાની કલા અને તેમાં જો વરસાદ આવે ત્યારે આ મોર જે કલા પાથરે છે ત્યારનું તો શું પૂછવું! બસ જો આવો માહોલ માણવો હોય તો પહોંચી જજો મોરાચી ચિંચોલી. પણ પૉઇન્ટ ટુ બી નોટેડ કે અહીં મોરનો શિકાર કરવા પર સખ્ત પ્રતિબંધ છે અને જો કોઈ એમ કરતાં પકડાય છે તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

કારલા અને ભાજા ગુફા

કારલા અને ભાજા ગુફાઓ આમ તો વર્ષો જૂની છે પરંતુ ઘણા ટુરિસ્ટ્સ માટે હજી ઓછી જાણીતી છે. મહારાષ્ટ્રના લોકપ્રિયતા સ્થળ ખંડાલાથી માત્ર ૧૬ કિલોમીટરના અંતરે કારલા અને ભાજા ગુફા આવેલી છે. આ ગુફાની ગણતરી પ્રાચીન ગુફામાં થાય છે, જેનું નિર્માણ બીજી શતાબ્દીમાં થયું હોવાનું અનુમાન થાય છે. ઓલ્ડ ક્લચરને જાણવા માગતા લોકોને અહીં મજા પડશે એની પૂરી ખાતરી છે. આમ તો કારલા અને ભાજા બન્ને અલગ અલગ ગુફા છે અને કેટલીક ગુફાઓના સમૂહ પણ છે. પથ્થરોને તોડીને બનાવવામાં આવેલી આ ગુફાઓ અને તેની અંદર આવેલાં બૌદ્ધમંદિરો તે સમયને જીવંત કરે છે. વાસ્તુકળામાં રસ ધરાવનારાને કારલા ગુફા ગમશે. ગુફા સુધી પહોંચવાનો માર્ગ થોડો કઠિન કહી શકાય છે. કેમ કે આ ગુફા ૫૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત હોવાની સાથે લગભગ ૩૫૦ જેટલાં પગથિયાં પણ ધરાવે છે. ગુફાની અંદર અને ૩૭ સ્તંભ પર દોરવામાં આવેલાં ભીંતચિત્રો અને નકશીકામ કામ ખરેખર કાબિલેતારીફ છે. પ્રવેશદ્વાર પાસે સિંહની પ્રતિમા મૂકવામાં આવેલી છે, જાણે તે આ ગુફાની અંદર બનેલા બેનમૂન પરંતુ કીમતી શિલ્પોનું રક્ષણ કરી રહ્યો હોય. તેવી જ રીતે, ભાજા ગુફાની પણ મુલાકાત અવિસ્મરણીય બની રહે એવી છે. જોકે અહીં સુધી પહોંચવા માટે પગપાળા યાત્રા વધુ કરવી પડે છે. ભાજાની ગુફા ૧૮ ગુફાનો સમૂહ છે, જે તમામ કોઈ ને કોઈ વિશેષતા ધરાવે છે. આ ગુફામાં વધુ મૂર્તિઓ છે તેમજ અહીં ચિત્રોમાં બનાવવામાં આવેલા તબલા તે વાતની સાક્ષી પૂરે છે કે તબલા એ ભારતની જ શોધ છે, જે બીજી સદીમાં પણ ઉપયોગમાં લેવાતા હતા. અહીં આવવા માટે ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય શ્રેષ્ઠ રહેશે પરંતુ જો તમે થોડા એડવેન્ચરપ્રિય છો તો ચોમાસામાં અહીં મજા પડી જશે. ચોમાસા દરમિયાન અહીં ગુફાની બાજુમાં કુદરતી રીતે વૉટરફૉલનું નિર્માણ થાય છે અને ગ્રીનરીમાં અનેકગણો વધારો થઈ જાય છે, જેને લીધે અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે.

કલાવંતી ફોર્ટ

માથેરાન અને પનવેલની વચ્ચે કલાવંતી ફોર્ટ આવેલો છે, જેને પ્રભલગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ તે કલાવંતી ફોર્ટના નામથી જ વધુ ઓળખાય છે. ૨૩૦૦ ફૂટ ઊંચા પહાડ પર બનેલો આ કિલ્લો દેશના સૌથી ખતરનાક કિલ્લામાં સ્થાન ધરાવે છે. નીચેથી ઉપર કિલ્લા સુધી પહોંચવાનો રસ્તો ઘણો કઠિન હોવાથી અહીં ઘણા ઓછા લોકો આવે છે. તેમજ અહીં ઇલેક્ટ્રીસિટી પણ ન હોવાને લીધે સૂર્યાસ્ત પહેલાં અહીંથી નીકળી જવું પડે છે. ઇલેક્ટ્રીસિટી ઉપરાંત અહીં ((((પનીનો)))) પણ વ્યવસ્થા ન જોવાને લીધે ફૅમિલી સાથે અહીં આવવાનું પસંદ કરતા નથી પરંતુ યુવાનો અને તેમાં પણ એડવેન્ચરપ્રિય લોકોને અહીં આવવું ગમે છે. હા, આ કિલ્લો સુમસામ સ્થળે છે પરંતુ ચોમાસા દરમિયાન તે અત્યંત સુંદર દૃશ્યમાન થાય છે. વાદળો આ કિલ્લાની ફરતે ઘેરાઈ જાય છે, જેમાં ગ્રીનરીથી આચ્છાદિત પહાડીઓ સોનામાં સુગંધનું કામ કરે છે. કિલ્લા પર પહોંચવા માટે પથ્થર કોતરીને સીડી બનાવવામાં આવેલી છે, એટલે પગથિયાં એકદમ અવ્યવસ્થિત છે. આ કિલ્લો વર્ષો અગાઉ મુરજન નામથી ઓળખાતો હતો પરંતુ શિવાજીએ આ કિલ્લાનું નામ બદલીને કલાવંતી રાખ્યું હતું. કિલ્લાની ટોચ પરથી ચંદેરી, માથેરાન, કરનાલ જેવા કિલ્લા નજરે પડે છે. આ સિવાય મુંબઈ-પુના એક્સપ્રેસ-વે પણ જોવા મળે છે. એડવેન્ચરપ્રિય લોકોને પણ અહીં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે કિલ્લો ખૂબ જ જોખમી છે. 

અહીં માણસો કરતાં મોરની વસ્તી વધારે છે. અહીં દરેક જગ્યાએ મોર જ જોવા મળે છે. ઘરની છત પર, આંગણે, ઝાડ પર અને રસ્તા પર બધે મોર જ મોર નજરે ચડે છે.

ચીખલધરા

ચીખલધરા એક હિલ સ્ટેશન છે જે સાતપુડા પહાડીનો એક હિસ્સો છે. નૈસર્ગિક સૌંદર્યથી છલોછલ એવાં સ્થળની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઝરણાં, લીલાછમ પર્વતો અને ગરવા ઇતિહાસની સાક્ષી પુરાવતા કિલ્લાઓથી ઘેરાયેલું છે. ભૂતકાળમાં આ સ્થળ વિરાટની નગરી કહેવાતું હતું. પૌરાણિક ગ્રંથોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે. એવું કહેવાય છે કે મહાભારતના ગાળા દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ આ સ્થળે પણ રોકાયા હતાં. નજીકના ભૂતકાળની વાત કરીએ તો આ સ્થળને અંગ્રેજોએ શોધી કાઢ્યું હતું. આ સ્થળે અંગ્રેજો કૉફીની ખેતી કરતા હતા. ચીખલધરા ખૂબ જ શાંત અને ઑલમોસ્ટ અનટચ સ્થળ તરીકે ગણી શકાય છે. અહીં જોવા જેવાં સ્થળોમાં પંચબોલ અને દેવી પૉઇન્ટનો સમાવેશ થાય છે. પંચબોલથી પહાડીનાં સુંદર દૃશ્યો દૃષ્યમાન થાય છે. કૉફીના બાગ પણ જોવા મળે છે. તેવી જ રીતે દેવી પૉઇન્ટ સુંદર જલધારાઓને લીધે જાણીતું છે. અહીં સ્થાનિક લોકોની દેવીનું મંદિર પણ છે, જેને લીધે આ સ્થળ દેવી પૉઇન્ટ તરીકે ઓળખાય છે અને પ્રાકૃતિક સુંદરતા તો ઘણી. ચીખલધરાની નજીક ગવિલગઢ દુર્ગ આવેલો છે, જે લગભગ ૩૦૦ વર્ષ જૂનો છે જ્યાં અનેક હિન્દુ અને મોગલ રાજાઓએ સાશન પણ કર્યું હતું. મંદિરની અંદર ઘણી પ્રાચીન મૂર્તિઓ છે તેમજ તોપો અને તે સમયે ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પણ અહીં મુકેલી જોઈ શકાય છે. ચીખલધરા આવવા માટે અમરાવતી સૌથી નજીક પડે છે.

અંબા ઘાટ

રત્નાગીરી જિલ્લામાં રત્નાગીરી અને કોલ્હાપુર જિલ્લાને જોડતી સહ્યાદ્રી પર્વતમાળાની રેન્જમાં અંબા ઘાટ સ્થિત છે, જેને કેટલાક આંબા ઘાટ તરીકે પણ ઓળખે છે. આ ઘાટ સમુદ્રની સપાટીએથી ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. વર્ષો પૂર્વે કોંકણથી કોલ્હાપુર સુધી જવા માટે કોઈ પાકો રસ્તો હતો નહીં ત્યારે અંગ્રેજોના સમયમાં અહીં આવેલા અંબા ગામના એક રહેવાસીએ અંબા ઘાટને શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ અહીં અંગ્રેજોએ રસ્તો બનાવ્યો હતો. આ ઘાટ પરથી સહ્યાદ્રિ પર્વતનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. આ ઉપરાંત, અહીંનું સુપર્બ ક્લાયમેન્ટ અહીંના સૌંદર્યમાં વધારો કરે છે. નજીકમાં કેટલાક કિલ્લા પણ સ્થિત છે. કોલ્હાપુરથી અહીં ઘણાં ટુરિસ્ટો વિકએન્ડમાં આવતા રહે છે પરંતુ આ સ્થળ વિશે ઓછા લોકો માહિતગાર હોવાથી સ્થાનિક ટુરિસ્ટ સિવાય અહીં બીજા ટુરિસ્ટો ખૂબ જૂજ જોવા મળે છે. થોડા વખત પહેલાં અહીં પેરાગ્લાઇડિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને લીધે હવે આ સ્થળનું નામ જાણીતું બન્યું છે. ઉપરાંત નજીકમાં વાઘઝરા નામક જંગલ પણ છે, જ્યાં મોટી સંખ્યામાં વાઘ છે. આ સ્થળ નેચર અને એડવેન્ચરનો પરફેક્ટ સમન્વય છે. જેને લીધે ટૂંક સમયમાં આ સ્થળ બેસ્ટ એડવેન્ચર સ્પોર્ટ્સનું ડેસ્ટિનેશન બની જાય તો નવાઈ નથી.

પુરુષવાડી

ચમકતાં જીવડાં એટલે કે જુગનૂ બધી જગ્યાએ જોવા મળતાં નથી. અને તેમાં પણ સમૂહમાં આ જુગનૂઓને ચમકતાં જોવા, એ એક લ્હાવો છે. આ જુગનૂઓના ચમકવાને લીધે નિર્માણ થતો નયનરમ્ય નજારો જોઈને મોઢામાંથી આપોઆપ ‘વાઉ’ ઉદ્ગાર નીકળી પડશે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ અહમદનગરમાં આવેલા ગામ પુરુષવાડીની, જે જુગનૂઓના ગામ તરીકે પણ ઓળખાય છે. જો સ્પેશિયલી અહીં સુધી આવવાનો સમય ન હોય તો જૂન-જુલાઈ મહિના દરમિયાન અહીં જુગનૂમેળા ભરાય છે, જેની મોટા ભાગની જવાબદારી ગામમાં રહેતા લોકો લે છે, જેને માટે તેઓ અહીં ટેન્ટ પણ ઊભા કરી આપે છે તેમજ ઘણા લોકો ટુરિસ્ટને પોતાના ઘરે પણ રહેવાની ઑફર પણ કરે છે. મેળામાં પુષ્કળ પ્રમાણમાં જુગનૂ જોવા મળશે. મુંબઈથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા પુરુષવાડી આવીને તમારો પ્રવાસનો થાક ઊતરી જશે.

વેલાસ

બીચના કિનારે એકસાથે સંખ્યાબંધ કાચબા અને ઈંડાંમાંથી બહાર નીકળીને સમુદ્ર તરફ આગળ વધી રહેલા કાચબાનાં બચ્ચાંને જોઈને એવું ફિલ થાય છે કે આપણે કોઈ ડિસ્કવરી અથવા તો નેશનલ જિયોગ્રાફિક પર વિદેશી સ્થળની ફિલ્મ જોઈ રહ્યા હોય. પરંતુ આવો નજારો કોઈ વિદેશી સ્થળનો નહીં પરંતુ મુંબઈથી લગભગ ૨૨૫ કિલોમીટર દૂર આવેલા વેલાસ ગામનો છે, જે રત્નાગીરીમાં આવેલું છે. આજે કાચબાની સંખ્યા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘટી રહી છે ત્યારે આ લુપ્ત થઈ રહેતી જાતોના રક્ષણ માટે આ ગામના લોકો ખૂબ જતન કરી રહ્યા છે. સમુદ્રી કાચબા સામાન્ય રીતે રાતના સમયે પાણીમાંથી બહાર આવીને રેતીના ઢગલામાં તેના ઈંડાં મૂકે છે. આ ઈંડાંને કોઈ નુકસાન ન થાય તેમજ કોઈ પ્રાણી તેનો શિકાર ન કરે, તે માટે અહીંના લોકો આ ઈંડાંનો પહેરો ભરે છે અને દર વર્ષે ટર્ટલ ફૅસ્ટિવલનું આયોજન કરે છે, જેમાં પ્રવાસીઓ અહીં આવીને કાચબા અને તેનાં ઈંડાં જોઈ શકે છે તેમજ જો નસીબ સારાં હોય તો પ્રવાસીઓને આ ઈંડાંમાંથી કેવી રીતે બચ્ચાં નીકળે છે, તે જોવાનો ચાન્સ પણ મળે છે. બીજું એ કે આ અહીં જે કાચબા છે તે ખાસ પ્રજાતિના છે, જે બહુ જૂજ જ જોવા મળે છે. આ પ્રજાતિના કાચબા એકસાથે ૧૦૦ ઈંડાં મૂકવાની કૅપેસિટી ધરાવે છે. એક અહેવાલ પ્રમાણે, અહીં ૧૦૦૦થી પણ વધુ કાચબા છે. અહીં આવવા માટે માર્ચ અને એપ્રિલ મહિનો બેસ્ટ ગણાય છે. કેમ કે આ જ સમયગાળા દરમિયાન અહીં ફૅસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. વેલાસથી લગભગ ૪૦ જેટલા કિલોમીટરના અંતરે અંજર્લે બીચ આવેલો છે, જે કોંકણ વિસ્તારનો સૌથી સ્વચ્છ અને સુંદર બીચ ગણાય છે. આ બીચ વિશે ઘણા જૂજ લોકોને ખબર હોવાથી અહીં માનવમહેરામણ પણ ઘણું ઓછું રહે છે, જેથી અહીં ફરવાની અને બીચ પર સમય પસાર કરવાની મજા આવે છે. બીચ નજીક ગણપતિનું મંદિર અને એક પોર્ટ પણ છે. 

આ પણ વાંચો : કાશ્મીર : અનફર્ગેટેબલ ડેસ્ટિનેશન ઑન ધ અર્થ

કાસ પઠાર

કાસ પઠારને ફ્લાવર વેલી ઑફ મહારાષ્ટ્ર તરીકે ઓળખ આપવામાં આવેલી છે. સતારાથી લગભગ ૨૨ કિલોમીટરના અંતરે આવેલું કાસ પઠાર ફૂલોનું શહેર છે. અહીં ચોમાસા દરમિયાન અનેક જાત, અનેક રંગ, અનેક કદનાં હજારો ફૂલો ખીલે છે, જેમાં વિશેષ પ્રકારના ઓર્ચિડ, કંડીલ, કાર્વિ વગેરેનો સમાવેશ થાય છે. આવાં સરસ મજાનાં ફૂલો માણવા માટે અહીં ટુરિસ્ટ્સ આવતા રહે છે. દર ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કાસ પઠાર ફૂલોથી ઢંકાઈ જાય છે, જેથી આ સમયગાળા દરમિયાન અહીં ટુરિસ્ટ્નો જમાવડો જોવા મળતો હોય છે. ફૂલો ખીલવાની સીઝનમાં અહીંનો નજરો કેટલો સુંદર હશે, તેનું અનુમાન તેને મળેલી યુનેસ્કો વર્લ્ડ હૅરિટેજની પદવીથી મેળવી શકાય છે. અહીંનાં ફૂલોનું રક્ષણ થઈ રહે તે માટે કેટલાક કડક નિયમો પણ અહીં રાખવામાં આવેલા છે. આ સિવાય અહીં કાસ લેક પણ આવેલું છે, જે એક ગીચ જંગલની વચ્ચે છે. નજીકમાં એક વૉટરફૉલ પણ છે.

travel news columnists weekend guide