અતિ સર્વત્ર વર્જયેત

12 October, 2020 08:45 PM IST  |  Mumbai | Anindita Paul

અતિ સર્વત્ર વર્જયેત

મહામારી દરમ્યાન લોકો કેટલાંક પોષક તત્ત્વોનું વધુ પડતું સેવન કરવા લાગ્યા છે

રોગપ્રતિકારક શક્તિને વધારવાના નામે આ મહામારી દરમ્યાન લોકો કેટલાંક પોષક તત્ત્વોનું વધુ પડતું સેવન કરવા લાગ્યા છે. આનાથી સ્વાસ્થ્યની ઘણી ચિંતાઓ ઊભી થઈ શકે છે. વિટામિન્સ શરીર માટે જરૂરી છે, પણ એમાં સંતુલન હોવું જરૂરી છે એવી સલાહ નિષ્ણાતો આપે છે.

લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં ૨૯ વર્ષનાં માર્કેટિંગ પ્રોફેશનલ નેહા શિંદેએ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટનું સેવન કરવાનું નક્કી કર્યું. નેહા આ વિશે કહે છે, ‘મેં ૩૦ અને તેથી વધુ વયની સ્ત્રીઓ માટેની મલ્ટિવિટામિન કૅપ્સ્યુલ અને માછલીના તેલમાંથી બનેલાં સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરેલું. મે મહિનામાં એટલે કે માંડ એક મહિનો પૂરો થયો નહોતો અને મારી ત્વચા વધુ પડતી તેલયુક્ત બની ગઈ, જેની પર ખીલની સમસ્યા વધી શકે. ચહેરા પર મને કેટલાક કાળા ધબ્બા પણ દેખાયા.’
નેહાએ આને એક ચેતવણીનો સંકેત સમજીને ત્વચાના ડૉક્ટરનો સંપર્ક કર્યો. ડૉક્ટરે બધી વાત સાંભળીને તેને આડેધડ ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ લેવા વિશે ઠપકો આપ્યો અને તરત જ એનું સેવન બંધ કરવા કહ્યું. નેહાને સંતુલિત આહાર ખાવા માટે અને માત્ર દરરોજ વિટામિન સીની ગોળી તથા અઠવાડિયામાં એક વાર વિટામિન ડી ૧૨નાં સપ્લિમેન્ટ્સ લેવા માટે ડૉક્ટરે સલાહ આપી. તેમણે કહ્યું, ‘મારી ત્વચાની સમસ્યાઓ ઓછી થવા માટે મને એક મહિનાનો સમય લાગી ગયો એટલું જ નહીં, મારે ડર્મેટોલૉજિસ્ટની સલાહ અનુસાર સારવાર માટે નોંધપાત્ર ખર્ચ પણ કરવો પડ્યો.’
નેહા વિશ્વભરના એવા અસંખ્ય લોકોમાંથી જ એક છે. કોવિડ-19નો હજી કોઈ નક્કર ઉપાય નથી ત્યારે અસંખ્ય લોકો પોતાની જાણકારીમાં હોય તેવી રોગપ્રતિકારક ઔષધિ તરફ વળી રહ્યા છે જેથી ચેપ સામે શરીરની પ્રાથમિક પ્રતિકારક શક્તિ વધી શકે. હકીકતમાં રોગચાળો તો ફેલાવાનું ચાલુ જ રહ્યું છે. ઇન ફૅક્ટ, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે વિટામિન ડી અને ઝિન્ક સપ્લિમેન્ટની ભૂમિકાને માટે પણ ઘણા ઑનલાઇન મંચ પર આ વિશેના પ્રશ્નોની ભરમાર થઈ રહી છે.
નેલ્સન અહેવાલ મુજબ જૂન મહિનામાં ડાયેટરી સપ્લિમેન્ટ્સનું વેચાણ એક વર્ષ પહેલાં હતું એના કરતાં ૧૬.૭ ટકા વધારે હતું. માર્ચ મહિનામાં તો એ ૫૧.૨ ટકા જેટલું વધ્યું હતું. જોકે નિષ્ણાતો ચેતવણી આપે છે કે સપ્લિમેન્ટનો વધારે વપરાશ તમારા શરીરને લાભ કરવા કરતાં નુકસાન વધુ પહોંચાડી શકે છે. ન્યુટ્રિશનિસ્ટ અને લાઇફસ્ટાઇલ એજ્યુકેટર કરિશ્મા ચાવલા કહે છે, ‘કોઈ પણ વિટામિન અને અન્ય પુરવણીઓનો વધુપડતો ઉપયોગ ઝેરી સાબિત થઈ શકે છે. વિટામિન સી અને બી જેવાં પાણીમાં ઓગળી જતાં વિટામિન્સનો શરીરમાં સંગ્રહ નથી થતો. એ પણ હાનિકારક આડઅસરો પહોંચાડવા સક્ષમ છે. વધારે વિટામિન સી લેવાથી કિડનીમાં પથરી થઈ શકે છે, વધુ આયર્નનું શોષણ, દાંતની ઉપરના આવરણ ઇનૅમલનું ધોવાણ કરે છે અને વિટામિન બી૧૨ની ઊણપ સર્જે છે; જ્યારે વિટામિન બી૬નો વધુપડતો ઉપયોગ નર્વ્સને એવું ડૅમેજ કરે છે જેને રિપેર નથી કરી શકાતું.’


યોગ્ય સંતુલન
બનાવી રાખવું
વિટામિન ડી
વિટામિન ડી-3 શરીરમાં કૅલ્શિયમને શોષવામાં મદદ કરે છે અને તેથી એ તમારાં હાડકાં અને રોગપ્રતિકારક ક્ષમતાના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે ડૉક્ટરના નિર્દેશન મુજબ આ સપ્લિમેન્ટ લેવું જરૂરી પણ છે એવી ચેતવણી આપતાં ન્યુટ્રિશનલ સાયન્ટિસ્ટ ડૉ. સિદ્ધાંત ભાર્ગવ કહે છે, ‘તમારી દવાનો ડોઝ તમારી મેડિકલ કન્ડિશન, વજન, ડાયટ અને વય પર આધારિત હોય છે. ખોટા લેબલિંગને કારણે આકસ્મિક ઓવરડોઝનો ભોગ ન બનાય એ માટે જાણીતા ઉત્પાદક અથવા ફાર્માસિસ્ટ પાસેથી જ સપ્લિમેન્ટ લેવાં.’
વિટામિન ડી-૩નું દિવસ દીઠ ૪૦૦૦ આઇયુ (ઇન્ટરનૅશનલ યુનિટ) અથવા એનાથી ઓછું સેવન સુરક્ષિત માનવામાં આવે છે. ડૉ. ભાર્ગવ ચેતવણી આપે છે કે લાંબા ગાળા સુધી આ સપ્લિમેન્ટ્સ વધુ માત્રામાં લેવાથી શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ ખૂબ વધી જાય છે, ભૂખ ઓછી થઈ જાય છે અને મોળ, પેટમાં ગરબડ, કબજિયાત, ઝાડા, હાડકાંનું ગળવું અને કિડનીની બીમારી જેવી આડઅસરો થાય છે. ન્યુટ્રિશનિસ્ટ હની ઠાકર ઉમેરે છે કે લૉકડાઉન દરમ્યાન પૂરતો સૂર્યપ્રકાશ ન મળવાને કારણે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાનો ઝુકાવ વધ્યો છે. તેમ છતાં હવે જ્યારે પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે અને લોકો તડકામાં બહાર નીકળી શકે છે ત્યારે તમારા સપ્લિમેન્ટ ચાલુ રાખવા માટે જાતે પરીક્ષણ કરો અથવા તમારા આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.’
શામાંથી મળે?ઃ સૂર્યપ્રકાશ, સોયા દૂધ અને મશરૂમ્સ.
વિટામિન સી
વિટામિન સી અથવા ઍસ્કાર્બિક ઍસિડ શરીરમાં ઉત્પન્ન કરી શકાતું નથી તેથી આ પોષક તત્ત્વોથી સમૃદ્ધ આહાર લેવો જરૂરી છે, જેમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારા ગુણધર્મો રહેલા છે. જોકે આના વધારે માત્રામાં થતા સેવનથી ઝાડા, ઊબકા, છાતીમાં બળતરા, પેટમાં ક્રૅમ્પ્સ, માથાનો દુખાવો અને અનિદ્રા થઈ શકે છે એમ જણાવતાં હની ઠાકર કહે છે કે તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે દરરોજ ૬૫થી ૯૦ મિલીગ્રામ યોગ્ય માત્રા છે. આ સપ્લિમેન્ટનું સેવન ભોજન સાથે અથવા પછી કરો.
આહાર સ્રોત : ઑરેન્જ, સ્ટ્રૉબેરી, લાલ રંગનું ભોપલું મરચું, બ્રૉકોલી, પેરુ, જાંબુ અને કેલ (એક પ્રકરની કોબી)
ઝિન્ક
ઝિન્કનો ઉપયોગ ૩૦૦થી વધુ એન્ઝાઇમ્સના મેટાબોલિઝમ માટે થાય છે જે ચયાપચય, પાચન, નર્વ ફંક્શન અને અન્ય ઘણી શારીરિક પ્રક્રિયાઓમાં મદદ કરે છે. એ રોગપ્રતિકારક કોશિકાઓના વિકાસ અને કાર્ય માટે પણ મહત્ત્વપૂર્ણ છે અને ઘાને ઝડપથી રૂઝવે છે. ઝિન્ક માટે સૂચિત દૈનિક સેવન પુખ્ત પુરુષો માટે ૧૧ મિલીગ્રામ અને પુખ્ત સ્ત્રીઓ માટે ૮ મિલીગ્રામ છે. ન્યુટ્રિશનન્સ્ટિ હની ઠાકારનું કહેવું છે કે મોટા ભાગના લોકો એકલા તેમના આહારમાંથી પૂરતું ઝિન્ક મેળવી શકે છે, પણ જો તમને ઊણપ વિશે કોઈ ચિંતા હોય તો સપ્લિમેન્ટ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
વધુપડતાં સપ્લિમેન્ટ્સથી ઝિન્ક ઝેર સમાન અસર કરે છે. આ સપ્લિમેન્ટના વધુપડતા સેવનથી ભૂખ મરી જવી, જુલાબ થવા, પેટમાં ક્રૅમ્પસ અને માથાનો દુખાવો થઈ શકે છે. ઝિન્કનો વધુપડતો ઉપયોગ તમારી રોગપ્રતિકારક શક્તિના કામમાં પણ અવરોધ ઊભો કરી શકે છે, અન્ય પોષક તત્ત્વોની ઊણપનું કારણ બને છે અને સારા કૉલેસ્ટરોલના સ્તરને ઘટાડે છે
શામાંથી મળે?: ચણા અને ચોળા જેવાં કઠોળ, બદામ અને તેલીબિયાં
મૅગ્નેશિયમ
હની ઠાકરના કહેવા મુજબ મૅગ્નેશિયમ તમારા સ્નાયુઓ અને નર્વ્સનું કામ સારું કરવામાં તથા રોગપ્રતિકારક શક્તિ અને તમારા લોહીના દબાણને નિયંત્રિત કરવા માટે જરૂરી ભૂમિકા ભજવે છે. એ હાડકાંના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે અને ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ ઓછું કરે છે. મૅગ્નેશિયમની નક્કી કરેલી દૈનિક માત્રા પુખ્ત પુરુષો માટે ૪૦૦ મિલીગ્રામ અને પુખ્ત સ્ત્રીઓ માટે ૩૧૦ મિલીગ્રામ છે. આના સપ્લિમેન્ટનું વધારે માત્રામાં સેવન કરવાથી જઠર, આંતરડાં અને કિડનીની સમસ્યાઓ; લો બ્લડ-પ્રેશર, પેશાબમાં અવરોધ, ઊબકા અને ઊલટી, હતાશા, સુસ્તી અનુભવાય છે. આ સપ્લિમેન્ટ્સના ઓવરડોઝથી સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમમાં ગરબડ અને કાર્ડિઍક અટૅક જેવી ગંભીર આડઅસરોની સંભાવના પણ રહે છે.

health tips columnists