ધી સરિતા જોષી

06 March, 2020 03:46 PM IST  |  Mumbai | Jamnadas Majethia

ધી સરિતા જોષી

સરિતા જોષી

આપણે વાત કરી રહ્યા છીએ પદ્‍મશ્રી સરિતા જોષીની.

જેમ થિયેટરમાં સરિતાબહેન ‘સંતુ’ તરીકે જાણીતાં છે એમ આખા દેશના ટીવીદર્શકોમાં તેઓ ‘બા’ તરીકે જાણીતાં છે. ‘ખીચડી’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની અદ્ભુત સક્સેસ પછી અમારી પાસે લગભગ દરેક ચૅનલ પાસેથી મોટી-મોટી ઑફર આવતી કે અમારે માટે કંઈક કરો અને અમે તેમને હા નહોતા પાડી શકતા. બહુ મહેનત કરીને અમે બન્ને સિરિયલના અઠવાડિયાના એકેક એપિસોડ બનાવતા. બે સિરિયલ અને પછી પણ એકેક એપિસોડ એટલે બિઝનેસમાં બહુ વૃદ્ધિ ન થાય અને બીજા ઘણા નિર્માતાઓ ડેઇલી સૉપ બનાવીને નાણાં રળે. આ અને આવાં બીજાં ઉદાહરણ આપીને ચૅનલો અમને લોભાવતી. સ્ટાર પ્લસે તો અમને ત્યાં સુધી કહ્યું કે કંઈ નહીં, આપણે આખા અઠવાડિયાના એટલે કે ડેઇલી સૉપ નથી કરતા, પણ તમે અમને વીક-એન્ડનો શો તો બનાવી આપો.

અમે કહ્યું, હા કરીએ, પણ વીક-એન્ડમાં એક ફૅમિલી શો બનાવવા માગીએ છીએ.

સ્ટાર પ્લસને આશ્ચર્ય થયું કે વીક-એન્ડમાં ફૅમિલી શો!!! કેવા પ્રકારનો ફૅમિલી શો.

અમે જે કહ્યું એ પછી એક સાચુકલા પરિવારની વાર્તાનો જન્મ થયો અને સાથોસાથ જન્મ થયો ‘ક્યું કિ સાસ ભી...’ અને ‘કહાની...’ના મોટા-મોટા સેટવાળાં ઘર અને આખો દિવસ સેલું અને શૂટ પહેરીને ઝાકઝમાળ પાથરતા ઍક્ટરોથી તદ્દન વિપરીત એવા ઘરના એક જ બાથરૂમમાં નાહવા લાઇનમાં ઊભા રહેવું પડે એવા પરિવારવાળા શોનો. અર્થાત્ ‘બા બહુ ઔર બેબી’નો.

‘બા બહુ ઔર બેબી’નો પરિવાર એક એવો પરિવાર હતો જેને એક સ્ત્રીએ પોતાની સખત મહેનત, પરિશ્રમ અને સંસ્કારોથી સીંચીને એક તાંતણે બાંધેલો. આ શો માટે ગુજરાતી થિયેટર અને હિન્દી ટીવીજગતના જબરદસ્ત કલાકારોને ભેગા કર્યા અને પછી પરિવારના બધાને ભેગા રાખી શકે એવી બાના પાત્રમાં એક બહુ જ સર્વગુણસંપન્ન કલાકારની શોધ અને શોધમાં વરણી થઈ પદ્‍મશ્રી સરિતા જોષીની. ‘બા બહુ ઔર બેબી’ના શોમાં તેઓ બોર્ડ પર આવ્યાં એ તેમની જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સામાન્ય રીતે ઑડિશન કરી ‘આ પાત્રમાં આ’ અને ‘આ પાત્રમાં આ’ એમ કરીને પ્રોડક્શન હાઉસે ચૅનલને એ ઑડિશન મોકલવાનાં હોય અને એ રીતે ઍક્ટરને લૉક કરવાના હોય. આ જ રીતે અમે સરિતાબહેનનું ઑડિશન પણ ચૅનલને મોકલ્યું હતું. ચૅનલે ઑડિશન જોયું અને ચૅનલે ના પાડી, રિજેક્ટ કર્યું ઑડિશન.

અમને ખબર પડી એટલે અમે રૂબરૂ મળવા ગયા. હું અને આતિશ બન્ને સાથે પહોંચ્યા ચૅનલ પર અને જઈને તેમને કહ્યું કે તમને ખબર છે તમે કોનું ઑડિશન રિજેક્ટ કર્યું છે, ખબર છે તમને આ બહેન કોણ છે?

અમે બધી વાત કરી. તેમને બધું સમજાવ્યું. વાત સાંભળીને તેમણે પણ કહ્યું કે તમે જરા જુદી રીતે અમને પ્રેઝન્ટ કરી આપોને. ચૅનલની જે જરૂરિયાત હતી એ અમે સમજી લીધી અને અમે પહોંચ્યા બહેનને મળવા. સરિતાબહેનને પાત્ર સમજાવીને કહ્યું કે આપણે આ રીતે આપીએ. ફરીથી ઑડિશન થયું અને એ ઑડિશન પહોંચ્યું ચૅનલ પર.

એ દિવસ અને આજનો દિવસ.

ચૅનલવાળા અમને હજી પણ કહે છે, ‘થૅન્ક ગૉડ, આપને હમારા ગલત ડિસિઝન સુધાર દિયા. પૂરે હિન્દુસ્તાન મેં બા કે કિરદાર મેં સરિતા જોષી કે અલાવા કોઈ હો હી નહીં શકતા...’

સાવ સાચું છે અને એટલે જ આજે જ્યારે પણ ‘બા’ શબ્દ આવે, હિન્દી ફિલ્મજગતમાં કે પછી હિન્દી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં, બા કહેવાય કે સંભળાય એટલે તરત એક જ ચહેરો લોકોની સામે આવે અને એ સરિતા જોષીનો.

અમે જ્યાં ‘બા બહુ ઔર બેબી’નો સેટ ઊભો કર્યો હતો એ સ્વાતિ સ્ટુડિયોની એક ખામી હતી. એમાં મેકઅપ-રૂમનો અભાવ હતો. બસ, બે મોટા મેકઅપ-રૂમ પણ ઇન્ડિવિજ્યુઅલ કંઈ નહીં. કામ ચાલુ થયું એટલે એક મેકઅપ-રૂમ જેન્ટ્સનો અને બીજો લેડીઝ કલાકારોનો એમ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યો. લેડીઝના મેકઅપ-રૂમમાં કોણ-કોણ હતું એ વાંચશો તો તમને સમજાશે.

લુબના સલીમ, વૈશાલી ઠક્કર, સુચિતા ત્રિવેદી, નિમિષા વૈદ, સોનાલી સચદેવા, સ્વેતા કેશવાની, બેનાઝ દાદાચંદજી જેવી માંધાતી અભિનેત્રીઓ અને એ બધાની સાથે સરિતા જોષી. લગભગ આ બધી અભિનેત્રીઓ કોઈ ને કોઈ સમયે સરિતાબહેનની ફૅન હતી એટલે તેમની સાથે એક મેકઅપ-રૂમમાં રહેવા મળે તો રહી જાય અને હોંશે-હોંશે રહે પણ સરિતાબહેન, તેમનું શું?

શોનું મહત્વ અને મેકઅપ-રૂમનો પ્રૉબ્લેમ સમજીને સરિતાબહેન પણ કોઈ જાતની ચર્ચા કે વાતચીત વિના બધા સાથે મેકઅપ-રૂમ શૅર કરવા લાગ્યાં. બહુ મોટી વાત કહેવાય આ અને સાહેબ, આ બેચાર મહિનાનો પ્રશ્ન નહોતો. આ લાંબો પ્રશ્ન હતો અને એવું જ બન્યું. લગભગ ચાર-પાંચ વર્ષ ચાલ્યું આમ જ. મને યાદ નથી કે કોઈ પણ સિરિયલના શૂટિંગમાં આટલી ઍક્ટ્રેસ આવી રીતે એકસાથે રહી હોય અને એક પણ મોટો ઝઘડો ન થયો હોય, પણ ‘બા બહુ ઔર બેબી’ના સેટ પર કે મેકઅપ-રૂમમાં એક પણ એવી ઘટના નહોતી બની જેને લીધે સહેજ પણ તમને અફસોસ થાય. ઊલટું ‘બા બહુ ઔર બેબી’માં તો આ જ બધી મજા હતી.

આજે પણ ‘બા બહુ ઔર બેબી’ના સેટ પર થયેલા કિસ્સાઓેને વાગોળીએ તો ખબર પડે કે કેવો સરસ સમય સાથે રહ્યા, કેટકેટલા લોકો સરિતાબહેનની અંદર ટ્રેઇન થયા. નિર્માતાથી લઈને સ્પૉટબૉય સુધ્ધાં તેમની પાસે તૈયાર થયા અને એ બધાનું ઘડતર સરિતાબહેન કરતાં. હું તમને એક વાત કહીશ કે સરિતાબહેનનો ઍટિટ્યુડ તેમના જીવનનું સૌથી મોટું પાસું છે.

સરિતાબહેનની પૉઝિટિવ એનર્જી અદ્ભુત છે. એવી ચેપી કે એ આપોઆપ તમારામાં આવી જાય. તમે સરિતાબહેન સાથે કામ કરો એટલે તમારામાં એક અજીબ બદલાવ આવી જાય. ‘બા બહુ ઔર બેબી’ના સેટ પર અમને બધાને અને મને તો ખાસ, બા જ લાગતાં. અત્યંત પ્રેમથી યુવાન દિગ્દર્શકોનું સાંભળે, સ્ક્રિપ્ટ વાંચી અને વાંચ્યા પછી તેમને જરૂરી લાગતું હોય તો તેઓ ચોખવટ કરે, અગત્યના અને મહત્વના કહેવાય એવા સવાલ કરે અને જવાબ મળ્યા પછી પણ તેમનું મન ન માને, તેમને સંતોષ ન થાય તો દિગ્દર્શક અને નિર્માતાનો સમય ન બગાડે અને સીન કરી લે. સીન પૂરા કન્વિન્સિંગ પાવર સાથે કરે, એ જોઈને કોઈને એવું લાગે નહીં કે તેમના મનમાં પ્રશ્નો આવ્યા હતા કે એ પ્રશ્નો હજી પણ તેમના મનમાં છે. બધું પતી જાય એટલે તેઓ છેલ્લે પોતાનો મુદ્દો લઈને આવે અને નિરાંતે રજૂ કરે. આવું કરવાનું કારણ પણ એ કે જેથી સેટ પર રહેલા કોઈનો સમય ન બગડે. ટીવી-સિરિયલના શૂટિંગમાં સમય બહુ મહત્વનું પાત્ર ભજવે છે. જો એ હાથમાં સરકતો જવા દો તો તમારા ઇકૉનૉમિક્સથી માંડીને બીજાં બધાં ફૅક્ટર પર પણ અસર

પડે અને અનેક લોકોનો સમય પણ બગડે. બધાનાં પોતપોતાનાં કમિટમેન્ટ હોય, જો સમય બગડે તો એ કમિટમેન્ટ પર પણ અસર થાય, પણ સરિતાબહેન હોય ત્યારે એવી કોઈ વાત આવે નહીં.

મને એક બીજી પણ વાત કહેવી છે કે ‘બા બહુ ઔર બેબી’ના સેટ પર તેમના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ખૂબ રમૂજ ફેલાવતો અને ખૂબ મજા કરાવતો. બહેન પોતે પણ ખૂબ હસે અને મનથી આનંદ ઉઠાવે. હું કહીશ કે સરિતાબહેન આસપાસ હોય એટલે મજા, મજા ને મજા જ હોય. ખૂબ જ જવાબદાર અને આજ્ઞાંકિત કલાકાર. ‘બા બહુ ઔર બેબી’ માટે તેમને એટલાબધા અવૉર્ડ્સ મળ્યા છે, તેઓ જીત્યાં છે કે કદાચ, અમારી આ સિરિયલના અવૉર્ડની જ સિલ્વર જયુબિલી ઊજવી શકાય. આ તેમની ક્ષમતા, તાકાત કે પછી તેમનું કૌવત જે કહો, જે ગણો કે માનો એ.

JD Majethia columnists