આંમેહે જાડવંઅ ખાખરો

28 February, 2021 02:17 PM IST  |  Mumbai | Hiten Aanandpara

આંમેહે જાડવંઅ ખાખરો

પ્રતિકાત્મક તસવીર

ગામીત બોલીમાં લખાયેલા શીર્ષકનો અર્થ થાય છે, ‘અમારું ઝાડ ખાખરો.’ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના ખાનદેશમાં ગામીત ભાષા બોલાય છે. વિવિધ આદિવાસી બોલીઓમાં પણ સાહિત્ય રચાય અને એનું પુસ્તકરૂપે અવતરણ થાય એ આનંદની વાત છે. આજે વાત કરવી છે એવાં કેટલાંક વૃક્ષોની જે આપણા સ્મૃતિપ્રદેશોને રળિયાત કરે છે. મનોમન કબીરવડને સ્મરીને ધૂની માંડલિયાના શેરથી મૂળ તરફ જઈએ...

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે

એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી

વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે

વડ એટલે જાણે દાદાનું સ્વરૂપ જ જોઈ લો. એના વિશાળ ઘટાટોપમાં જાણે આખી દુનિયા સમાઈ જાય. પ્રકૃતિ પીધેલા સર્જક મણિલાલ હ. પટેલ દુઃસ્વપ્ન કાવ્યની પંક્તિમાં દૃશ્યાત્મકતા નિરૂપતાં લખે છે, ‘અંધારાએ મારી આંગળી પકડી લીધી છે. હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે રાતીપીળી બાંધણી પહેરી જોગણીઓ રમે છે.’ વડની વડવાઈઓ પણ જાણે કન્યકાની લાંબી ચોટીની જેમ રૂપને રળિયાત કરતી રહે છે. જોકે કન્યકાનું સ્વરૂપ કડવા લીમડા પર શું જાદુ કરે છે એની વાત અદમ ટંકારવી કરે છે...

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી

લીમડાની ડાળ મીઠી થઈ ગઈ

ચારેક દાયકા પહેલાં અમેરિકાના પ્રવાસે ગયેલા કવિ સુરેશ દલાલને એક સ્ત્રીએ મીઠી ફરિયાદ કરતાં કહેલું, ‘કઢીમાં હું લીમડો મિસ કરું છું. હવે તો જોકે બધું મળતું થઈ ગયું છે, પણ ધારો કે સવારે ૧૦ વાગ્યે ન્યુ યૉર્કમાં તમને ગોરસઆંબલી ખાવાનું મન થઈ આવે તો ક્યાંથી લાવો? ચટપટા સ્વાદને બાજુએ મૂકીને હેલ્પર ક્રિસ્ટીની પીપળપાન શીખ સાંભળીએ...

માથાની વચ્ચેથી હવે ફૂટ્યો છે પીપળો

ને બોધિજ્ઞાન લાધતાં વર્ષો વહી ગયાં

માહિતી તો હવે નાનકડી ઉંમરથી જ મળતી થઈ જાય છે. જ્ઞાન લાધતાં વર્ષો શું, દાયકાઓ લાગે, ક્યારેક તો કદાચ જન્મો પણ લાગતા હશે. વૃક્ષોમાં કાયમ સનાતન સત્ય વર્તાયા કરે. રોપાવું, ઊગવું અને શેષ થઈ જવું. ડૉ. ભારતી રાણે એવી સનાતની વાત છેડે છે...

ભીંત ફાડીને તિરાડે ઊગતો પીપળ કહે,

જો રહો પર્યાપ્ત ખુદમાં, પથ્થરો શી ચીજ છે?

નિત તરસવું ને વરસવું ખેલ ધરતી-આભનો

થોર પૂછે રેતને, આ મોસમો શી ચીજ છે?

કરોડો રૂપિયા લેતા પ્રશાંત કિશોર જેવા કોઈ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ પાસેથી પણ જે સલાહ ન મળે એ વૃક્ષો મફતના ભાવે આપણને આપે છે. પથ્થર મારનારને ફળ આપે એવું ઉદારદિલ બીજે ક્યાં મળે? આપણી ગણતરીબાજ સમજને આ ઉદારતા માફક ન આવે એ સ્વાભાવિક છે. તો સામે પક્ષે વૃક્ષોને માણસની ગણતરીઓ કદીયે ન સમજાય એ પણ એટલું જ સ્વાભાવિક છે. આપણા આંગણે બિરાજતો તુલસીક્યારો જે બોધ આપે છે એ મનસુખ નારિયાની પંક્તિઓમાં વર્તાય છે...

લોક સૌ જેને સમજતા’તા હશે દીવાસળી

એ જ અંતે નીકળી એક મહેકતી કોમળ કળી

છોડ તુલસીના ઉગાડ્યા તોપના કૂંડા કરી

આગ ઝરતી લાગણી લીલાશમાં પાછી વળી

લીલાશ આપણી આંખોને સભર કરે છે. પ્રકૃતિ જાણે તાજાં ખીલેલાં કુમળાં પાંદડાં આપણી આંખો પર ફેરવી ટાઢકનો મોક્ષ આપે. એમાં પણ જેમને સ્મૃતિવૈભવ પ્રાપ્ત થયો છે એની સંપત્તિ ઍમેઝૉનના માલિક જેફ બેઝોસથી ઓછી ન ગણાવી જોઈએ. વિજય ઝાલા ‘સાદ’નો સાદ ઝીલવા જેવો છે...

લીલી ડાળે પીળાં દુઃખડાં

હળવે હાથે ઓસડ પાજે

આંબો રાયણ નાચી ઊઠ્યાં

ઊંડાણોમાં બચપણ ગાજે

બચપણથી જ જેમને વૃક્ષો સાથે અનેરો લગાવ રહ્યો છે એવા ડૉ. પ્રદીપ સંઘવીને બોરીવલીના નૅશનલ પાર્કનાં બધાં વૃક્ષો ઓળખે છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. તેમની પાસેથી વૃક્ષોપનિષદ માણવા જેવું છે. પોતાનાં બે પુસ્તકો ‘નક્તમાલ ને નક્તમાલિકા’ તથા ‘પ્રવાસ-પ્રદીપ’માં તેમણે અનુભવ-વૈભવ શબ્દસ્થ કર્યો છે. કિંશુકલીલા લેખમાં કેસૂડાના ફૂલનું વર્ણન કરતાં તેઓ લખે છે, ‘કેસુડાનું ફૂલ મજાનું. ઠાવકું, બંધ પાંખડીઓવાળું - અડોઅડ બેસીને પાંચીકૂકા રમતી છોકરીઓ જેવું. ફક્ત એક પાંખડી જરા અક્કડ ને અલગ. રંગ લાલ કરતાં કેસરી તરફ વધારે; પનરવાના ફૂલ જેવો લોહિયાળ તો નહીં જ છતાં ફૂલોથી લચેલા વૃક્ષને તડકામાં ઝગમગતું જુઓ તો એનું અંગ્રેજી નામ ફ્લૅમ ઑફ ધ ફૉરેસ્ટ (જંગલની જ્વાળા) સાર્થક લાગે.’ 

ક્યા બાત હૈ

ખાખરો 

અમારું ઝાડ ખાખરો

પાંદડું તોડીને વાંસની સળીથી

ઉપર મૂકીને ઘર સેવીએ

આ ઘૂમટામાં નહીં લાગે ઠંડી

વરસાદનું તો ટીપું પણ ના પડે

પાંદડાના દડિયામાં ખેતરે ભડકું પીએ

દેવારે (દેવપૂજા વેળાએ) છાક પાડીએ

સગપણમાં પીણું પીએ

પહેલાં માણસો પાંદડાં દોરીથી બાંધી

સીડીમાં (ઘરનો પાછળનો ભાગ) ટીંગાડી દેતા

ખાવા(નું પાત્ર) માટે નિશાળે લઈને જઈએ

ચોપડાઓમાં બબ્બે પાંદડાં

એ અમારી થાળી

ખાખરાંનાં ફૂલો ઉનાળામાં તો દવા

એનાથી જ નાહવાનું અને

પીવાનું પણ પાણી એ જ

હોળીમાં તો ફૂલોનો રંગ બનાવી રમીએ

જેટલું કહીએ એટલું અધૂરું જ

એવો છે અમારો ખાખરો

કવયિત્રી: ઉમિયા ગામીત

(ગામીત ભાષામાં લખાયેલા કાવ્યનો અનુવાદ)

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં) 

columnists