આજના સ્ટુડન્ટને સોશ્યલ સાયન્સમાં નહીં, સોશ્યલ મીડિયામાં વધારે રસ છે

27 November, 2022 08:34 AM IST  |  Mumbai | Sairam Dave

વર્ણવ્યવસ્થા જેવી જ એક વર્ગવ્યવસ્થા આજના સમયમાં આપણે ત્યાં રચાઈ ગઈ છે. પાંચ વર્ગમાં વહેંચાયેલી આ વ્યવસ્થા પર રાજ તો એ જ કરે છે જે સૌથી નીચેના વર્ગમાં સામેલ થયો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

છોકરાને ઓછા પર્સન્ટેજ આવે તો મા-બાપને ચૈત્ર-વૈશાખ કરતાં વધુ પરસેવો વળે તો ઇન્ટરનૅશનલ સ્કૂલ-કૉલેજોની ફી ને ડોનેશનના ભાવ સાંભળીને વાલીઓને શિયાળાની ટાઢ જેવું લખલખું આવી જાય અને અમુક બાળકો મા-બાપના રૂપિયાનું આયોજનબદ્ધ રીતે પાણી કરી વગર ચોમાસે નવડાવી ભણતાં-ભણતાં ક્લાસમેટ સાથે રફુચક્કર થઈ જાય.

આપણે નાના હતા ત્યારે ત્રણ જ ઋતુઓ હતી; શિયાળો, ઉનાળો અને ચોમાસું, પરંતુ છેલ્લાં ત્રીસેક વર્ષથી માર્કેટમાં આપણે જ હોમમેડ નવી ઋતુ ઉમેરી, જેનું નામ છે ઍડ્મિશનની ઋતુ. એવરેસ્ટ કે કાશ્મીરના મિશન કરતાં પણ વધારે કપરાં ચડાણ દિન-પ્રતિદિન આ ‘ઍડ્મિશન’નાં થતાં જાય છે. મજાની વાત એ છે કે આ ઋતુમાં આપણને અન્ય જૂની ત્રણેય ઋતુઓનો એકસાથે અહેસાસ અનુભવાય છે.

જેમ કે છોકરા કે છોકરીને ઓછા પર્સન્ટેજ આવે તો મા-બાપને ઉનાળાના ચૈત્ર-વૈશાખ કરતાં વધુ પરસેવો વળે, તો વળી અમુક ઇન્ટરનૅશનલ સ્કૂલ-કૉલેજોની ફી કે ડોનેશનના ભાવ સાંભળીને વાલીઓને શિયાળાની ટાઢ જેવું લખલખું આવી જાય અને અમુક બાળકો મા-બાપના રૂપિયાનું આયોજનબદ્ધ રીતે પાણી કરીને વગરચોમાસે નવડાવી ભણતાં-ભણતાં ક્લાસમેટ સાથે રફુચક્કર થઈ જાય.

સત્ર ખૂલતાંની સાથે દરેક મા-બાપ પોતાનાં સંતાનો માટે યોગ્ય છત્ર શોધવા માંડે છે, જેને માટે લાગતા-વળગતાના ભલામણપત્ર લખાવી લેવાની મોસમ અત્ર-તત્ર-સર્વત્ર ફાટી નીકળી છે. મનુસ્મૃતિમાં મહર્ષિ સ્વયંભૂ મનુએ ચાર વર્ષની રચના બનાવી અને સમાજવ્યવસ્થા સ્થાપી. એવી જ રીતે હું અત્યારે મારી આ ‘હાસ્યસ્મૃતિ’ મુજબ હવે સમાજમાં પાંચ નવા વર્ગો પાડું છું.

વર્ગ પહેલો

જે વિદ્યાર્થીઓ ખૂબ તેજસ્વી અને કુળદીપક સમાન ૯૦થી ૯૯ ટકા લાવી જ્વલંત સફળતા મેળવે અને હડી કાઢીને ડૉક્ટર-એન્જિનિયર કે ક્લાસ વન ઑફિસર બની જાય છે એ આ વર્ગમાં સામેલ થાય છે.

વર્ગ બીજો

જે ૭૦થી ૯૦ ટકા સુધી માર્ક મેળવે અને જેને જીવનભર ઓછા ટકા આવ્યાનો રંજ રહે છે. આ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા વાહિયાત અને નકામા રસ્તા અપનાવે છે, તો ઈ સિવાયના જે વધતા વિદ્યાર્થીઓ છે, મેડિકલની ઝંખના હોવા છતાં ડૉક્ટર બનવાનાં સપનાં પૂરાં ન થતાં ઈ પછી મેડિકલ સ્ટોરથી સંતોષ માને છે અને બાકી વધેલા આ વર્ગના વિદ્યાર્થીઓ માસ્તર થઈને શિક્ષણની હૉસ્પિટલોમાં બાળકોનું કેળવણીનું આજીવન ઑપરેશન કરે છે. માસ્તર પણ ન થઈ શકનારા પછી ક્લાર્ક બની જાય છે અને આખી સંસ્થાને આંકડાકીય ઑક્ટોપસની જેમ ભરડો લે છે. 

વર્ગ ત્રીજો 

પ૦થી ૭૦ ટકા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ આ કૅટેગરીમાં આવે છે, જે પટાવાળા થાવા જ જન્મ્યા હોય છે, પટાવાળામાં પણ સ્થાન ન મળતાં આ કૅટેગરીના ઘણા વિદ્યાર્થીઓ નાના-મોટા ધંધા પર ચડી જાય. જેની દસમા-બારમાની માર્કશીટો ઉપર આગળ જતાં ઈ પોતે જ સિંગચણા કે વડાપાંઉ ખાઈ લે છે. જોકે સરપ્રાઇઝની વાત એ છે કે વર્ગ-૧ અને વર્ગ-૨નું કામ આ વર્ગ-૩ની મદદ વગર આગળ ધપતું નથી. 

વર્ગ ચોથો 

૩પથી પ૦ ટકા લાવી માંડ-માંડ પાસ થનાર વિદ્યાર્થીઓ આ કૅટેગરીમાં આવે છે. આમાંથી એક વર્ગ મજૂરી કરે અને કાં તો દારૂ ગાળવાના કે વેચવાના વ્યવસાયમાં પૂરા હૃદયથી જોડાય છે. આ કૅટેગરીનો બીજો વર્ગ રાજકારણ તરફ પોતાની ગાડી હંકારી જાય છે. શામ-દામ-દંડ-ભેદ ઍનીહાઉ, હાઉ-હાઉ કરીને પણ તે સત્તા મેળવે છે અને આશ્ચર્યની વાત એ કે ઈ વર્ગ ૧, ૨ અને ૩ને એ પૂરા દાબમાં રાખે છે. 

વર્ગ પાંચમો 

આ અંતિમ કૅટેગરી છે, જેમાં શિક્ષણ કે કૉલેજ કે ટકાવારીનું ફિઝિકલ અસ્તિત્વ જ નથી હોતું. એ કોઈ પણ જાતની ડિગ્રીના અભ્યાસ વગર ધર્મગુરુ કે બાબા બની જાય છે. જગતના લોકોને માયા ને મમતા છોડવાનો ઉપદેશ આપીને લોકોની ત્યાગ કરેલી માયા (!) અને મમતા (!) ઈ બાબા પોતાના શરણે લ્યે છે. આમ કશું ન ભણેલા વર્ગ-પાંચના આ વિદ્યાર્થીઓનાં ચરણોમાં અન્ય ચારેય વર્ગ આજીવન પ્રણામ કરે છે!

ક્યા સીન હૈ સર! યસ, ધિસ ઇઝ ઇન્ડિયા. જેમ ભણતર ઓછું એમ અંકુશ અને પ્રૉપર્ટી વધારે! ખરેખર, આ દેશ કઈ રીતે ચાલે છે એ સમજવા બે-ચાર જનમ લેવા પડે. હિસ્ટરી નેવર રિપીટ.

‘ઇતિહાસ કભી બદલતા નહીં’ આવું લોથલછાપ વાક્ય અનેક પાસે સાંભળ્યું છે! પણ ઇટ્સ ઓકે, નવો ઇતિહાસ તો લખી શકાયને? 

ઇતિહાસની ઘણી રિવાઇન્ડ ઇનિંગ આપણે નજરોનજ૨ નિહાળી રહ્યા છીએ. રિટાયર્ડ થયેલા ક્રિકેટરો પાછા ગઈલ્ઢે ગઢપણ કૉમેન્ટેટર થઈને ફરી રિટર્ન થવા માંડ્યા છે, તો નરેન્દ્ર મોદી તમામ કક્ષાએ આગળ વધી રહ્યા છે અને તેમના સિનિયરો તમામ કક્ષાએ ભુલાવા માંડ્યા છે. બ્રિટિશરો પર રાજ કરવા માટે એક હિન્દુસ્તાની લંડનમાં બેસી ગયો છે અને બ્રિટિશરો આપણા દેશમાં આવવા વલખાં મારવા માંડ્યા છે. માધુરી દીક્ષિત મા બનીને ફરી બધાને ‘મજામાં’ પૂછવા આવી ગઈ છે અને શિલ્પા શેટ્ટી આજેય હજી માંગા મોકલવા જેવી લાગે છે. અનેક મૉડલો રિયલિટીમાં હિરોઇનો બની ગઈ ને અનેક હિરોઇનો રિયલિટી શોની મૉડલ બની રહી છે!

મૉરલ ઑફ ધ સ્ટોરી ઇઝ, હિસ્ટરી રિપીટ તો થાય જ છે, પણ તમે પિટાઈ જાવ પછી થાય છે ઍન્ડ વેલ, એના સમયે જ થાય છે! હિમાદાદા મને કે’ બાજુવાળા ચંદુભાઈનો છોકરો ફર્સ્ટક્લાસમાં આવ્યો. મેં ચોખવટ કરી કે દાદા ઈ સૌરાષ્ટ્ર મેઇલમાં મુંબઈથી ફર્સ્ટક્લાસમાં આવ્યો છે, રિઝલ્ટમાં નહીં! 

દાદા મને ક્યે અમારા જમાનામાં તો પાસ થઈ જાવાની પાર્ટી દેવાતી અને અટાણે ૯૨ ટકા આવે તોયે મા-બાપ અફસોસ કરે છે કે ૬ ટકા વધુ હોત તો મેડિકલમાં મળી જાત! 
આલે લે! 

દરેક મા-બાપ પોતાનાં સંતાનોને શ્રેષ્ઠ સંસ્થામાં ઘુસાડવા ધમપછાડા કરે છે. દરેક સંસ્થા વિદ્યાર્થીઓને ભણાવવા ધમપછાડા કરે છે, પણ આજની આખેઆખી પેઢી જેને ફિઝિક્સ કરતાં ફેસબુકમાં વધુ ઇન્ટરેસ્ટ છે અને ઇન્ટરેસ્ટ-રેટ સમજવાને બદલે ઇન્સ્ટાગ્રામની વધારે સમજણ છે. મૅથ્સ કરતાં મોબાઇલમાં ને ફિલોસૉફી કરતાં ફ્રેન્ડશિપમાં વધારે રસ છે. આપણે આપણાં સંતાનોમાં ગમે એટલા સંસ્કારો વાવીએ પણ એ તો તેનાં માબાપ જેવાં થઈને જ રહે છે, શું ક્યો છો?`

columnists