યાદ છે તમને, એક સમયે લૉકડાઉન હતું?

28 February, 2021 01:50 PM IST  |  Mumbai | Bhavya Gandhi

યાદ છે તમને, એક સમયે લૉકડાઉન હતું?

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન.

આશા રાખીએ કે આ લૉકડાઉન શબ્દ તમે ભૂલ્યા નહીં હો. ભૂલી પણ કેમ શકાય? ઑલમોસ્ટ માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી આપણે લૉકડાઉન વચ્ચે ઘરમાં જ રહ્યા અને લૉકડાઉને આપણને બધાને ઘરમાં રહેવાની આદત પાડી દીધી. આ આદત વચ્ચે કોવિડ કાબૂમાં આવ્યો પણ ખરો અને કોવિડથી આપણે સુરક્ષિત પણ થઈ ગયા, પરંતુ આપણી એ ખુશી લાંબો સમય ટકી નહીં અને કોવિડ ફરીથી દેખાવો શરૂ થયો. શરૂઆત પાતળી હતી પણ એ પાતળી સરસાઈ વચ્ચે કોવિડે પોતાની તાકાત દેખાડવાનું ચાલુ કરી દીધું અને આજે એ તબક્કા પર આવીને ઊભા રહી ગયા છીએ કે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ફરીથી લૉકડાઉન આવી જાય. હા, લૉકડાઉન બાબતમાં ખરેખર ગંભીરતા સાથે સરકાર વિચારી રહી છે. એવું તે શું બન્યું કે લૉકડાઉન ફરી લાવવું પડે એવી નોબત આવી? એવું તે શું બન્યું કે ફરીથી કોવિડ આક્રમક રીતે સૌકોઈ સામે બહાર આવવા માંડ્યો? મુંબઈમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે જે કોવિડના કેસ નવેમ્બર અને ડિસેમ્બરમાં સાવ ઘટી ગયા હતા, જે કોવિડ એટલી હદે કાબૂમાં આવી ગયો હતો કે લોકલ ટ્રેન સૌકોઈ માટે શરૂ થઈ જાય એવી નોબત આવી ગઈ હતી, પણ એ બધું અધૂરું રહી ગયું અને એકઝાટકે કોવિડ વધવાનું શરૂ થયું. બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતે એક અઠવાડિયું આપવાની જાહેરાત કરતાં લોકોને કહ્યું કે એક અઠવાડિયામાં સુધરી જાઓ તો સારું છે, અન્યથા મારી પાસે લૉકડાઉન કરાવ્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી.

ફરી એક વખત લૉકડાઉન આવી જાય એવી આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને માટે જવાબદાર કોણ છે એ જાણવું જોઈએ. આ જવાબદારોમાં સૌથી પહેલા નંબરે છે એ સૌ લોકો જેમને ઘરમાં ગમતું નથી.

ઘર ખાવા દોડે છે...

હા, આવું કહીને બહાર નીકળનારાઓ એવા સ્તરે બહાર આવવા માંડ્યા જાણે હવે કોવિડ દેશમાંથી રવાના થઈ ગયો હોય. કારણ વિના બહાર આવનારા અને વગર કારણે મેળાવડાઓ કરનારાઓનો અત્યારે તોટો નથી. આવું કરનારાઓ જેકોઈ છે એ બધા ૫૦થી વધારે વર્ષના છે અને આ જ લોકોની ભૂલ બધાએ સહન કરવાની આવી છે. આને હું ભૂલ કહીશ. જ્યારે એવું કહેવાયું નથી કે દેશ હવે કોવિડ-ફ્રી છે, એવું કહેવાયું નથી કે હવે તમે ગમે ત્યાં ફરી શકો છો અને એવું પણ કહેવાયું નથી કે તમારે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે ત્યારે આ પ્રકારની છૂટછાટ લેવી એ ક્યાંનો ન્યાય કહેવાય? ઘરમાં રહેલા વડીલો અને રિટાયરમેન્ટ માણનારા વડીલોએ યાદ રાખવું જોઈએ કે તેના પર સૌથી મોટી જવાબદારી છે કે તે ઘરમાં સલામત રહીને બધાને ઘરમાં અકબંધ રાખે. જો તેમને અકબંધ રાખવામાં પોતાનો ફાળો નહીં હોય તો કેવી રીતે બીજા લોકો પણ ઘરમાં અકબંધ રહે. ઘરમાં રહેવું પડશે. ન ગમે તો પણ બેસવું પડશે અને ઘર ખાવા દોડે તો પણ ઘરમાં જ રહેવું પડશે. કંટાળાને પહોંચી શકાય, પણ ઇમર્જન્સી વૉર્ડને પહોંચવું અઘરું છે.

આપણે ત્યાં મોટા ભાગના વડીલોએ આ જ કામ કર્યું છે. લૉકડાઉન પછી જેવી છૂટછાટ શરૂ થઈ કે તરત એ લોકોએ ઘરની બહાર નીકળવાનું શરૂ કરી દીધું. મંદિરે અને દેરાસરે જવું જરૂરી છે, પણ ઈશ્વર તમારી અંદર જ છે એ પણ યાદ રાખવાનું છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય છે. ઑક્સિજન-માસ્ક કરતાં મોઢા પર બાંધેલા ગમછાની કિંમત વધારે છે. જરૂરી નથી કે દરેક વખતે તમે બચેલા રહો. ના, જરાય જરૂરી નહીં. બહેતર છે કે તમે તમારા જીવનનું મૂલ્ય સમજો અને એ મૂલ્યની સાથોસાથ તમારે લીધે બીજા કોઈને ઉપાધિ ન આવે એ પણ જુઓ.

ઘરના વડીલો પછી જો કોઈએ સૌથી વધારે મોટી ભૂલ કરી હોય તો એ છે યંગસ્ટર્સ. હા, બીજા ક્રમાંકે ‍તેમનો નંબર આવે છે.

અરે, કશું નથી થવાનું

આવી દલીલ કરી-કરીને બધા હવે બહાર નીકળી ગયા છે. ઑફિસ શરૂ થઈ ગઈ હોય અને જવું પડે એ સમજી શકાય. મારા જેવાઓએ શૂટ પર જવું પડે એ પણ સમજાય, પણ એ સિવાયના લોકો, જેમને હજી પણ વર્ક-ફ્રૉમ-હોમ ચાલી રહ્યું છે એ લોકો પણ બહાર નીકળી રહ્યા છે. નીકળી રહ્યા છે અને એ પણ ફાલતુ કારણસર. તેમને માનવામાં જ નથી આવતું કે તેઓ કોરોના-વૉરિયર્સ નથી, તેઓ કોરોના-કૅરિયર્સ બની રહ્યા છે. આપણે ત્યાં અત્યારે જે કેસ વધી રહ્યા છે એ બધામાંથી મોટા ભાગના લોકોને આ કૅરિયર્સ દ્વારા કોવિડ મળ્યો છે. તમે યંગ છો, તમારી ઇમ્યુનિટી બહુ સારી છે અને તમને કોઈ એવી બીમારી નથી જેને લીધે તમે હેરાન થઈ શકો, પણ એવું તમારી આસપાસ તો નથી જ નથી. એ લોકોની ઇમ્યુનિટી સારી ન હોય એવું પણ બની શકે અને એ લોકો બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ જેવી તકલીફો પણ સહન કરી રહ્યા હોય એવું પણ બની શકે. આપણે ત્યાં આ બન્ને પ્રૉબ્લેમ એવા છે જે હવે સર્વસામાન્ય બની ગયા છે અને એ સર્વસામાન્ય છે એટલે જ મારું કહેવું છે કે આપણે, મારા અને મારા જેવા જેકોઈ યંગસ્ટર્સ છે તેણે કાળજી એ રાખવાની છે કે તેઓ કારણ વિના બહાર ન નીકળે અને ધારો કે નીકળે તો જે બેદરકારી હવે દાખવી રહ્યા છે એ બંધ કરીને નવેસરથી જાગૃતિ લઈ આવે. ઘરમાં આવતાં પહેલાં સૅનિટાઇઝ થવું અને ઘરમાં આવીને પહેલાં શાવર લઈ લેવા જેવા નિયમોની શરૂઆત ફરી એક વાર કરવાનો સમય આવી ગયો છે, જો લૉકડાઉન ન જોઈતું હોય તો.

આ બે પછીના ક્રમે આવે છે લોકલ ટ્રેનમાં ઘૂસનારા ગેરવાજબી લોકો.

છૂક છૂક છૂક...

દિવસ દરમ્યાન જે સમય માત્ર એસેન્શિયલ સર્વિસવાળાઓ માટે જ લોકલ ટ્રેન ફાળવી છે એમાં ખોટી રીતે ચડી જનારાઓ ઓછા નથી. હા, એવા લોકોની સંખ્યા મોટી થવા માંડી છે અને એની પાછળ ક્યાંક ને ક્યાંક રેલવે-ડિપાર્ટમેન્ટ પણ જવાબદાર છે અને પોલીસ પણ જવાબદાર છે. જો ચેકિંગ કડક થશે અને ખોટા લોકોને ચડતા રોકવામાં આવશે તો એની સીધી અસર કોવિડના ફેલાવા પર દેખાશે અને કોવિડ ફેલાતો બંધ થશે.

એક સમય હતો કે માણસ એવું કહેતો કે બે મહિના અને ત્રણ મહિનાથી હું ઘરની બહાર નથી નીકળ્યો, પણ હવે તો દાદા અને દાદી પણ દિવસમાં બે-ચાર વાર બહાર નીકળવા માંડ્યાં છે. દાદી શાક લેવા બહાર નીકળે છે અને દાદા પગ છૂટો કરવા બહાર નીકળે છે. ખોટું કરીએ છીએ, તેમને પરમિશન આપીને કે પછી તેમને ના નહીં પાડીને પણ. યાદ રહે કે આપણે બહાર નીકળીએ છીએ જે ખોટી દિશા છે. યાદ રહે કે આપણે બહાર નીકળીએ છીએ એ બીમારીની દિશા છે. એ દિશામાં મોત છે, એ દિશામાં વેન્ટિલેટર છે અને એ દિશામાં પરિવારની પરેશાની છે.

કોવિડથી દૂર રહીશું તો જ લૉકડાઉનથી બચીશું. નથી શૉપિંગ કરવા જવું કે નથી મૂવી જોવા જવું. ક્યાંય જવું નથી અને ક્યાંય જવાની ઇચ્છા પણ નથી વ્યક્ત કરવી. દર્શન નહીં કરે તો ભગવાન ઝઘડવાના નથી અને જો દર્શનની જીદ રાખીશું તો ભગવાન તેમની પાસે બોલાવી લે એવી શક્યતા પણ વધુ છે. માટે જ કહું છું, વારંવાર કહું છું અને વજન દઈને કહું છું કે બહાર નીકળવાનું બંધ કરો. લૉકડાઉન આવે ત્યારે અનિચ્છાએ પણ ઘરમાં બેસી જ રહેવું પડશે તો માની લો કે અત્યારે જ લૉકડાઉન ચાલુ થઈ ગયું છે અને હવે તમારે ઘરમાં રહેવાનું છે.

સમજાય છેને તમને, કે લૉકડાઉન પછી જ સમજાશે?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Bhavya Gandhi