મુંબઈને જો જીવવાલાયક બનાવવું હોય તો પહેલાં કયું કામ હાથ પર લેવું જોઈએ?

17 January, 2020 02:25 PM IST  |  Mumbai | Manoj Joshi

મુંબઈને જો જીવવાલાયક બનાવવું હોય તો પહેલાં કયું કામ હાથ પર લેવું જોઈએ?

મરીન ડ્રાઈવ

સાચે, મુંબઈ અત્યારે યાતનાઓનું ઘર હોય એવું દેખાય છે. આ કોઈ અંગત લાગણી નથી, પણ આ લાગણી મુંબઈના રસ્તાઓ પરથી પસાર થનારા સૌ કોઈની છે. એક પણ એવી સડક નથી જેને ખોદી નાખવામાં ન આવી હોય. એક પણ એવો માર્ગ નથી જ્યાં કામ ન ચાલી રહ્યું હોય. બોરીવલીથી માંડીને ટાઉન સુધી અને અંધેરીથી લઈને છેક થાણે સુધી આ જ અવસ્થા છે. કોઈને કોઈ કારણોસર રસ્તાઓ ખોદાયેલા છે. જોઈને એમ લાગે કે મુંબઈના રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે કે કામ ચાલુ હોય એવા રસ્તાઓ પર મુંબઈ વસી રહ્યું છે?

મુંબઈને જીવવાલાયક બનાવવું હોય, મુંબઈને રહેવાલાયક બનાવવું હોય તો સૌથી પહેલું કામ એ કરવું પડે એમ છે કે આ મુંબઈના રસ્તાઓને રિપેર કરો. આમ તો રિપેરિંગના નામે જ આજની આ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે હકીકતમાં કહેવું એમ પડે કે આ મુંબઈમાં ચાલતાં રિપેરિંગના નાટકને જલદી પૂરું કરો. આ નાટક પૂરું કરવાના અનેક રસ્તાઓ છે, પણ એ અનેક રસ્તાઓ વાપરવાને બદલે સૌથી પહેલાં જો કોઈ વાપરવા જેવો રસ્તો હોય તો એ છે કે એક વખત એ ચેક કરવામાં આવે કે કઈ સડકનું કામ કયા કારણોસર શરૂ થયું હતું. જો કારણ સુધી પહોંચશો તો જવાબ મળશે અને જો જવાબ મળશે તો એ રસ્તાનું કામ ઝડપભેર પૂરું કરવાની નીતિ અપનાવી શકાશે. મેટ્રો સિવાયના એક પણ કામને પ્રાધાન્ય આપવાની અત્યારના તબક્કે આવશ્યકતા નથી. જો બધાં કામ એકસાથે હાથ પર લેવામાં આવશે તો તમારી ફોર્સ ટૂંકી પડશે અને જો ફોર્સ ટૂંકી પડશે તો તમારા કામને વાર લાગશે અને એ જ બન્યું છે.

મહારાષ્ટ્ર સરકાર અત્યારે ધારે તો એ પણ કરી શકે છે કે જે રસ્તાઓનું કામ માત્ર અને માત્ર પાણી ભરાવાના કારણે થયું હતું એ રસ્તા પર પૂરતી ફોર્સ ઉતારીને એનું કામ વહેલું પૂરું કરાવી શકે છે. જે રસ્તાને નવો બનાવવાનું કામ શરૂ થયું હતું એ રસ્તાનું કામ પણ એ જ નીતિ સાથે પૂરું કરી શકાય એમ છે. અન્ડરગ્રાઉન્ડ ગટરના નામે શરૂ થયેલા રસ્તાનાં ખોદકામનાં કામને પણ એ જ રસ્તે વાળી શકાય અને એને પૂરું કરી શકાય. બધા રસ્તાઓને સાથે પૂરા કરવાનું કામ કોઈ હિસાબે થઈ શકવાનું નથી. કોઈ આખું શહેર ક્યારેય રાતોરાત નવું થઈ શકતું નથી એટલે એવું સપનું જોવું હિતાવહ નથી. જો લોકોનું હિત જોવાઈ રહ્યું હોય અને લોકોની સુખાકારી આંખ સામે હોય તો હજી પણ એક રસ્તો છે. મહારાષ્ટ્ર સરકાર મુંબઈનાં પરાંઓનું લિસ્ટ તૈયાર કરીને આખા મુંબઈની ફોર્સ કોઈ એક પરાં પર કામે લગાડીને એ રસ્તાઓને રાતોરાત રિપેર કરવાનું કામ હાથ પર લઈ શકે છે. મેટ્રો રૂટને તમે ભૂલી જાવ, પણ મેટ્રો રૂટ સિવાય પણ ત્રીસ ટકા મુંબઈને ખોદી નાખવામાં આવ્યું છે. એક વખત આ રસ્તા પર મુખ્ય પ્રધાન પસાર થઈને જુએ, એક વખત એનો અનુભવ લે તો તેમને પણ સમજાશે કે ખરેખર મુંબઈ જીવવાલાયક નથી રહ્યું. આ મુંબઈને જીવવાલાયક બનાવવાનું કામ હાથ પર લેવાનો સમય આવી ગયો છે. સો ફુટના અંતરે તમને રસ્તાનું કામ ચાલતું દેખાઈ રહ્યું છે અને એ કામનું કારણ પૂછો તો તમને કોઈ વાજબી જવાબ નથી મળી રહ્યો. શું છે સાહેબ આ? આ કોઈ રીત નથી, આ કોઈ જીવન બક્ષવાની પ્રથા પણ નથી.

અગણિત તકલીફો અને પારાવાર મુશ્કેલી વચ્ચે પણ મુંબઈકર રહી રહ્યો છે તો એની પાછળનું કારણ મુંબઈકરની સહનશક્ત‌િ છે. જો જગતની સૌથી સહન‌શીલ પ્રજા શોધવાનું કામ શરૂ થાય તો મુંબઈકર ટોચની ત્રણ પ્રજામાં અચૂક આવે, પણ આપણે એવા કોઈ અવૉર્ડની હોડમાં નથી ઊતર્યા એટલે રાજીપો દર્શાવવાને બદલે બહેતર છે કે માત્ર એટલી અપેક્ષા રાખીએ કે ઈશ્વર કરે આ રસ્તાઓનું કામ જલદી પૂરું થાય અને સાચી રીતે પૂરું થાય.

manoj joshi columnists mumbai