થાળીમાં આવેલી દૂધીને સુસાઇડ કરવાનું મન ન થાય એનું ધ્યાન રાખીએ

11 April, 2021 03:21 PM IST  |  Mumbai | Bhavya Gandhi

આપણે લાઇફ-સ્ટાઇલની સાચી રીત ભૂલી ગયા છીએ. જો લાઇફ-સ્ટાઇલને સાચી રીતે ઓળખવી હોય તો બ્રૅન્ડ નહીં, હેલ્થની ક્વૉલિટી પર ધ્યાન આપવાનું શરૂ કરવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

લાઇફ-સ્ટાઇલ.

આજના ટાઇમમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. દરેક વાતમાં લાઇફ-સ્ટાઇલ આવે અને દરેક પૉઇન્ટ પર લાઇફ-સ્ટાઇલની વાત આવે. લાઇફ-સ્ટાઇલની વ્યાખ્યા આપણે ત્યાં બદલાઈ ગઈ છે. લાઇફ-સ્ટાઇલ એટલે તમે શું માનો છો, શું પહેરવું અને શું ન પહેરવું એનું નામ લાઇફ-સ્ટાઇલ? કઈ બ્રૅન્ડનો ફોન કે કઈ બ્રૅન્ડનાં શૂઝ લેવાં એની ખબર હોય એનું નામ લાઇફ-સ્ટાઇલ? વૉચ પહેરવી કે પછી સ્ટેટસ માટે સ્માર્ટવૉચનો ઉપયોગ કરવો એની ખબર પડે એટલે લાઇફ-સ્ટાઇલની સમજણ આવી ગઈ કહેવાય? ના, જરાય નહીં. લાઇફ-સ્ટાઇલ એટલે તમારી લાઇફ જેની સાથે જોડાયેલી છે એ હેલ્થ સ્ટેટસ અને એ રહેણીકરણીનું નામ લાઇફ-સ્ટાઇલ.

આપણે બધું વિચારીએ છીએ; શું ખાવું, કેવું પીવું, કોની સાથે બોલવું અને કોની સાથે અબોલા લઈ લેવા, કયા એરિયામાં રહેવું જોઈએ અને કેવી કાર વાપરવી જોઈએ. બધી એટલે બધી જ બાબતમાં આપણે વિચારીએ છીએ, પણ શું ખાવું અને શું ન ખાવું એવી મહત્ત્વની વાત માટે ક્યારેય વિચાર નથી કરતા, ખાસ કરીને એ જેઓ ૩૦-૩૫ અને ૪૦ વર્ષની એજ ક્રૉસ કરી ગયા છે. એવા લોકો પણ આમાં આવી જાય જે હજી ૨૦-૨૨ વર્ષના છે, પણ એવા લોકોની વાત હું એટલા માટે અહીં નથી કરતો, કારણ કે એ લોકોનું સર્કલ એવું હોય છે જેમાં કોઈ ને કોઈ હેલ્થ-કૉન્શ્યિસ હોય એટલે તેનામાં આવી આદત કે પછી આ બાબતમાં વિચાર કરવાની માનસિકતા આવી જાય છે, પણ જેઓ ૩૫ વર્ષની એજ ક્રૉસ કરી ગયા છે તેઓ તો ક્યારેય આ વિશે વિચાર કરતા નથી.

આપણે એટલા ટેક્નોસૅવી બની ગયા છીએ કે માર્કેટમાં શું નવું આવે છે, કયો ફોન નવો આવ્યો છે અને એ ફોન બીજા ફોન કરતાં કેવી રીતે ચડિયાતો છે એની બધી ઇન્ફર્મેશન જીભ પર હોય છે. કઈ સુપરમાર્કેટમાં સેલ ચાલે છે અને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એ પણ આપણને ખબર હોય અને કઈ રેસ્ટોરાંનું ફૂડ આલા દરજ્જાનું છે એની પણ ખબર હોય, પણ આપણા શરીર માટે અને આપણી તંદુરસ્તી માટે સજાગ નથી. આપણી બૉડીમાં આપણે શું પધરાવીએ છીએ એનું ધ્યાન નથી રાખતા, આપણે જિમ જવાનું કે પછી બૉડી મેઇન્ટેન કરવા માટેનું કોઈ પ્લાનિંગ નથી કરતા.

તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને નહીં જુઓ જેનું શેડ્યુલ ક્લિયર હોય. ખાસ કરીને ગુજરાતીઓની સેકન્ડ જનરેશન. આ જનરેશનના લોકોને તો હું જોઉં પણ છું કે તેમને ના પાડતાં આવડે છે. પ્લેટમાં કંઈ મુકાય એ પહેલાં જ તે ના પાડીને કહી દે છે કે તે એ નહીં ખાય, પણ ૩૫ની એજ ક્રૉસ કરી ગયેલા મોટા ભાગના લોકોને હું એવું કહેતો સાંભળતો નથી. તમને તમારી હેલ્થની ખબર હોય એનું નામ લાઇફ-સ્ટાઇલ. શું ખાવું એની સમજણ પડે એના કરતાં શું ન ખાવું જોઈએ એની ખબર પડે એનું નામ લાઇફ-સ્ટાઇલ. સારા દેખાવું જરૂરી છે એ વાત એ લોકો ભૂલી જ ગયા છે. બહાર આવી ગયેલી ફાંદ ખરાબ મેટાબોલિઝમની નિશાની છે એની દરકાર એ લોકો કરતા નથી. તમે જુઓ, ખરેખર આપણને એવું લાગે કે માણસ પોતાનું પેટ વધારવા માટે જ મોટો થતો જાય છે. મોટા થવાનો હેતુ જ એ લોકો ભૂલી ગયો છે. હું એમ નથી કહેતો કે સિક્સ પૅક્સ હોવાં જોઈએ. ના, જરાય જરૂરી નથી એ પણ ઍટ લીસ્ટ હેલ્ધી હોય એ તો જરૂરી છે જ, પણ તેમને એવી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ નથી. તમે જ્યાં જુઓ અને જેને જુઓ તેમની પાસે પરેજીની કોઈ વાત નથી. હા, ડૉક્ટર કહેશે કે પછી એજ-રિલેટેડ પ્રૉબ્લેમ આવી ગયા હશે તો તે એ પરેજી પાળી લેશે, પણ ડૉક્ટર કહે કે બૉડી વૉર્નિંગ આપે એ પહેલાં તે કોઈ વાત પર ધ્યાન આપવા તૈયાર નહીં થાય.

હું કહીશ કે આ બાબતમાં આજનું યુથ બેટર છે. તેને ખબર છે કે સ્વીટ્સ ન ખાવી જોઈએ. તે જાણે છે કે જન્ક ફૂડને અવૉઇડ કરવું જોઈએ. તેને ખબર છે કે રાતે ૮ વાગ્યા પહેલાં ખાઈ લેવું બહેતર છે. તે એક્સરસાઇઝ કરવામાં માને છે અને તે જિમમાં પણ જાય છે. મારું કહેવું એ છે કે જો આજના યંગસ્ટર્સમાં આ સારી આદત હોય તો પછી શું કામ આપણા વડીલો એ લાઇફ-સ્ટાઇલ ન બનાવી શકે, શું કામ તેમને એ મુજબ જીવવામાં પ્રૉબ્લેમ થાય? હું તો કહીશ કે આ બાબતમાં ધ્યાન રાખવાનું કામ ફૅમિલીની ફીમેલ-મેમ્બર કરે એ પણ જરૂરી છે. જો એ જ લોકો અમુક પ્રકારનું ફૂડ બનાવવાનું અવૉઇડ કરી દે તો બેસ્ટ લાઇફ-સ્ટાઇલનું ઑટોમૅટિક સર્જન થવા માંડે. હું કહીશ કે ડિનરમાં લાઇટ ફૂડ બને તો એ બધા માટે બહેતર બનશે. કિચનનું સંચાલન તો તેમના હાથમાં જ છે. જો એ સંચાલન વાજબી રીતે થાય એવું ફીમેલ-મેમ્બર જ કરશે તો સાચે જ હેલ્ધી લાઇફ-સ્ટાઇલ સાથેની સોસાયટી બનવા માંડશે. હમણાં હું મારા એક રિલેટિવના ઘરે ગયો તો ત્યાં મેં તેમના ઘરે તેલનું શાક જોયું. હા, તેલનું શાક. ઍક્ચ્યુઅલી એ શાક તો દૂધીનું હતું, પણ એ શાકમાં રહેલી દૂધી પણ તેલમાં ડૂબી ગઈ હતી. મેં ના પાડી તો અંકલ કહે કે આવું જ શાક ખાવું જોઈએ, તો બૉડી બને.

કેવી ખોટી માનસિકતા. તમે જરા વિચાર કરો કે દૂધી રિયલ સેન્સમાં હેલ્થ માટે કેટલી સારી ગણવામાં આવે છે અને લોકો એને પણ કેવી ખરાબ રીતે વાપરે છે. જો દૂધીમાં જીવ હોત તો દૂધીએ સાચે જ બૂમાબૂમ કરી નાખી હોત અને એ બૂમાબૂમ પછી પણ જો એનો વપરાશ ખોટી રીતે થતો રહ્યો હોત તો એ દૂધીએ સુસાઇડ કરી લીધું હોત. દૂધીને પણ સુસાઇડ કરવાનું મન ન થાય અને એ તમારી સાથે રહેવા રાજી હોય એનું નામ લાઇફ-સ્ટાઇલ અને એ જ લાઇફ-સ્ટાઇલને આપણે ફૉલો કરવાની છે. સક્સેસ માટે કહેવાય છે કે એનો કોઈ શૉર્ટ-કટ નથી. આ જ વાત હું લાઇફ-સ્ટાઇલ માટે કહીશ. જે ખાવાનું મન ન થાય એ જ ફૂડ સાચું. ઓછામાં ઓછું ટેસ્ટી જ ફૂડ હેલ્થ માટે સારું, માટે પ્લીઝ ટેસ્ટને નહીં પણ ફૂડના ઇમ્પોર્ટન્સને સમજીને એ મુજબની લાઇફ-સ્ટાઇલ ડિઝાઇન કરીએ.

columnists Bhavya Gandhi