મટર-ગસ્તી

05 January, 2021 04:09 PM IST  |  Mumbai | Bhakti D Desai

મટર-ગસ્તી

આયુર્વેદ કહે છે કે ઋતુ પ્રમાણે નિસર્ગ આપણને જે શાકભાજી અથવા ફળો આપે છે એની જરૂર એ સમયમાં આપણા શરીરને વિશેષ હોય છે. મુંબઈમાં વટાણા આમ તો બારેમાસ મળે છે પણ ખરી સીઝન શિયાળો જ છે. ગુલાબી ઠંડીમાં પૌષ્ટિક લીલા વટાણાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો હોય તો ચાલો શીખીએ વટાણાની વિવિધ વાનગીઓ

શિયાળામાં જાતજાતના બીન્સ બહુ છૂટથી મળતા હોય છે. મોટા ભાગે વટાણાનો ઉપયોગ કોઈક શાકભાજીની સાથે ઉમેરણ તરીકે, પાંઉભાજી કે સમોસા જેવી ફાસ્ટ ફૂડ આઇટમમાં વધુ થતો હોય છે, પણ હમણાં જે કુમળા અને તાજા વટાણા બજારમાં આવે છે એમાંથી કંઈક હટકે વાનગી બનાવીને તમારી ડિશને સંતુલિત અને સ્વાદિષ્ટ બન્ને બનાવી શકાય એમ છે. શિયાળાના સીઝનલ શાકમાંથી જાતજાતની વાનગીઓ બનાવવામાં માહેર છે સેલિબ્રિટી શેફ પારુલ ભાનુશાલી.

તેઓ રસોઈમાં એટલાં નિપુણ છે કે તેમને રસોઈની વિવિધ હરીફાઈમાં જજ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. પારુલ ભાનુશાલી અહીં વટાણાની સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ બનાવતાં શીખવી રહ્યાં છે. તેમની આ વાનગીમાં વટાણા મુખ્ય સામગ્રી છે. એની સાથેનાં ઇન્ગ્રિડિયન્ટ્સ પણ બળપ્રદ અને શિયાળામાં ગુણકારી હોય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

લીલા વટાણાની સાત્ત્વિક રોટલી

સામગ્રી

૧ વાટકી લીલા વટાણા

૩થી ૪ લીલાં મરચાં

૧ ઇંચ આદુંનો ટુકડો

બે વાટકા ઘઉંનો લોટ

સ્વાદ મુજબ મીઠું

૧/૨ ચમચી જલજીરા પાઉડર

૧/૨ ચમચી હિંગ

૧/૨ ચમચી હળદર

બે ચમચી તલ

૧ વાટકી બારીક કાપેલી કોથમીર

બનાવવાની રીત

મિક્સર જારમાં વટાણા, આદું, મરચાં અને જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને એક થાળીમાં લઈ એમાં ઘઉંનો લોટ, મીઠું, જલજીરા પાઉડર, હિંગ, હળદર અને તલ અને કોથમીર આ બધું ઉમેરી જરૂર મુજબ પાણી લઈ રોટલી જેવો લોટ બાંધી લેવો. જો લોટ વધારે નરમ લાગે તો થોડો વધારે લોટ એમાં ભેળવી શકાય. હવે એના નાનાં-નાનાં ગોળણાં કરી રોટલી વણી લેવી. આ સાત્ત્વિક રોટલી છે તેથી માટીના તવા પર શેકવી વધુ હિતાવહ રહેશે. હવે રોટલીને ઘી કે તેલ વગર બે બાજુ કપડાથી હલકા હાથે દબાવી શેકી લેવી. આને ભાઠા પર નાખવી જરૂરી નથી, એ તવી પર જ ફૂલી શકે છે. ઉપરથી જરૂર મુજબ ઘી લગાડી સર્વ કરવી.

મટર મલ્ટિગ્રેઇન પૅનકૅક

શિયાળામાં બાજરાના લોટનું સેવન અને સીઝનલ વટાણા ખાવા સ્વાસ્થ્યવર્ધક છે. અહીં આ બન્નેના સંયોજનથી આ નાસ્તાની સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં આવી છે. તેથી આ બન્નેમાંથી મળતા‍ ગુણોનો લાભ મળે છે.  

સામગ્રી

૧ વાટકી રવો

૧ વાટકી ચણાનો લોટ (કરકરો)

૧ વાટકી બાજરાનો લોટ

૧ વાટકી લીલા વટાણા (કાચા)

૩ વાટકી છાશ (તાજા દહીંની)

૬થી ૭ લીલાં મરચાં

અડધો ઇંચ આદુંનો ટુકડો

બે ટીસ્પૂન તલ

૧ ટી‍સ્પૂન ફ્રૂટ સૉલ્ટ

સ્વાદ અનુસાર મીઠું

વઘાર માટે

તેલ

રાઈ

૧ ટીસ્પૂન તલ

બનાવવાની રીત

એક તપેલીમાં રવો અને બે લોટ ઉમેરવા. એમાં વટાણા, લીલાં મરચાં અને આદુંનું અધકચરું વાટેલું મિશ્રણ ઉમેરવું. પછી એમાં છાશ, સ્વાદ અનુસાર મીઠું અને ૧ ટીસ્પૂન તલ નાખી જાડું ખીરું તૈયાર કરી લેવું. આમાં એક ટીસ્પૂન ફ્રૂટ સૉલ્ટ ઉમેરી મિશ્રણ વ્યવસ્થિત હલાવી લેવું જેથી ફ્રૂટ સૉલ્ટ સરખું ભળી શકે. બીજી બાજુ ચપટા પૅનમાં વઘાર માટે તેલ મૂકવું. ગરમ થયા બાદ એમાં રાઈ અને તલ ઉમેરી તૈયાર કરેલું જાડું ખીરું પાથરી દેવું. એના પર વધેલા તલ ભભરાવી ઢાંકી લેવું. મધ્યમ આંચ પર આશરે સાત મિનિટ એને ચડવા દેવું. પછી એને તાવેથાથી ઊથલાવી બીજી બાજુ સાતેક મિનિટ ચડવા દેવું. પૅનમાંથી બહાર લઈ એના ત્રિકોણાકાર ટુકડા કરવા અને ચટણી અને સૉસ સાથે સર્વ કરવું. ગરમાગરમ તાજો નાસ્તો તૈયાર છે.

લીલી સુરતી પાંઉભાજી

સામગ્રી

૧થી ૧/૨ વાટકી વટાણા (પારબૉઇલ કરેલા)

૧ વાટકી કાંદા (ઝીણા કાપેલા)

બે વાટકી લીલાં ટમેટાં (કાચાં)

બેથી ત્રણ બાફેલા બટાટા

૧ વાટકી શિમલા મરચાં

૧ ઝૂડી પાલક (૩૦૦ ગ્રામ બ્લાન્ચ કરીને પેસ્ટ કરવી)

૧/૨ વાટકી ફ્લાવર અથવા બ્રૉકલી

બેથી ૩ ટેબલસ્પૂન તેલ

૩થી ૪ ટેબલસ્પૂન બટર

સ્વાદ અનુસાર મીઠું

૪થી પાંચ ટીસ્પૂન પાંઉભાજી મસાલો

લીલી પેસ્ટ માટે

૧ વાટકી કોથમીર

 ૧ ઇંચ આદું

 ૪ લીલાં મરચાં

પા વાટકી લીલું અને સૂકું લસણ 

(ઉપરની સામગ્રીમાંથી પેસ્ટ કરી લેવી)

બનાવવાની રીત

એક પૅનમાં તેલ અને બટર મિક્સ કરી એમાં કાંદા વઘારવા, એને લાલ ન કરવા. પારદર્શક થાય પછી શિમલા મરચાં અને લીલાં ટમેટાં નાખવાં. પાલકની પ્યુરી નાખવી. એમાં લીલી કોથમીરની પેસ્ટ નાખી ફ્લાવર/બ્રૉકલી અને વટાણા ઉમેરવાં. આ બધાને સરખું હલાવીને મૅશ કરતા રહેવું. બેથી ૩ બટાટા નાખવા. બટાટા આમાં બાઇન્ડિંગનું કામ કરશે. પછી પાંઉભાજી મસાલો નાખી ભાજીને હલાવતાં રહેવું. ફ્લેવર માટે બીજી બાજુ પૅનમાં ૧ ટી‍સ્પૂન બટર નાખી એમાં બે ચમચી લીલું લસણ અને પાંઉભાજી મસાલો નાખીને ભાજીમાં આ આખું મિશ્રણ ઠાલવી દેવું. આવું કરવાથી ભાજી વધારે ટેસ્ટી બનશે. ભાજી બહુ જાડી લાગે અને  જરૂર પડે તો ૧ થી ૧/૨ ગ્લાસ ગરમ પાણી ઉમેરી શકાય. 

પાંઉ શેકવા માટે ટિપ : એક ચમચી બટરમાં, ચપટી પાંઉભાજી મસાલો, થોડી કોથમીર અને લીલું લસણ નાખી એમાં પાંઉ શેકવાથી વધુ ફ્લેવર આવશે.

વટાણાના હેલ્ધી હરાભરા કબાબ

કબાબ કહેતાંની સાથે ટેસ્ટી આઇટમ નજર સમક્ષ આવે છે, પણ એમાં મોટી સમસ્યા એ હોય છે કે એ ડીપ ફ્રાય કરેલી હોવાથી વધારે ખાઈ નથી શકાતી. પણ આ વાનગીની ખાસિયત એ છે કે આમાં બધી સામગ્રી તો આરોગ્યને લાભદાયી છે જ, પણ આ હેલ્ધી હરાભરા કબાબ શૅલો ફ્રાય કરેલા છે.  

સામગ્રી

બે વાટકી વટાણા

૧ ઝૂડી પાલક (બ્લાન્ચ કરેલી)

૧ ચમચી ઘી

૩થી ૪ બાફેલા બટેટા (બાઇન્ડિંગ માટે)

૪ ચમચી શેકેલો ચણાનો લોટ અથવા બ્રેડ ક્રમ્સ

૩થી ૪ લીલાં મરચાં અને ૧ ઇંચ આદુંનો ટુકડો (પેસ્ટ માટે)

૧ ટીસ્પૂન જલજીરા પાઉડર

 ૮થી ૧૦ નંગ કાજુ (કબાબ પર લગાડવા)

૧ ટીસ્પૂન શેકેલું જીરું (પાઉડર)

૧/૪ ટીસ્પૂન હિંગ

૧/૪ ટીસ્પૂન હળદર

૧ ટીસ્પૂન કાળાં મરીનો ભૂકો

સ્વાદ અનુસાર મીઠું

૧ વાટકી કાપેલી કોથમીર

બનાવવાની રીત

લોયામાં ઘી મૂકી આશરે પાંચ મિનિટ સુધી વટાણા શેકી લેવા. પછી મિક્સર જારમાં બ્લાન્ચ કરેલી પાલક અને શેકેલા વટાણા ક્રશ કરી લેવા. બીજી બાજુ એક તપેલીમાં આદું-મરચાંની પેસ્ટ, ક્રશ કરેલા પાલક અને વટાણા, બાફેલા બટાટા, ચણાનો લોટ અથવા બ્રેડ ક્રમ્સ તથા ઉપરની બધી જ સામગ્રી આમાં ભેળવી મિશ્રણ તૈયાર કરી લેવું. આના મધ્યમ કદના ગોળા વાળી એની પર કાજુ મૂકી એક પૅનમાં તેલ લઈ શૅલો ફ્રાય કરી લેવું. હવે આને ચટણી અને સૉસ સાથે માણવું.

કુછ મીઠા હો જાએ.... વટાણાની બરફી

સામગ્રી

૩ વાટકી વટાણા (પારબૉઇલ કરેલા)

૧ વાટકી માવો

૧/૨ વાટકી સાકર

બે ટેબલસ્પૂન ઘી (શુદ્ધ)

 બે ટેબલસ્પૂન કાજુ-બદામની કતરણ

૩/૪ ટી‍સ્પૂન એલચી પાઉડર

બનાવવાની રીત

વટાણાને મિક્સર જારમાં વાટી લેવા. એક પૅનમાં માવો ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવો. બીજી બાજુ પૅનમાં બે ચમચી ઘી મૂકી ક્રશ કરેલા વટાણા નાખી એમાં માવો ઉમેરવો. ધીમી આંચ પર શેકતા રહેવું. હવે એમાં સાકર ઉમેરી સાકરનું પાણી બળે ત્યાં સુધી શેકવું. એમાં સ્વાદ માટે એલચી પાઉડર નાખવો. મિશ્રણ પૅન છોડે ત્યાં સુધી હલાવતા રહેવું. આ બનાવતી વખતે ગૅસની આંચ સતત ધીમી જ રાખવી. પછી આ મિશ્રણ થાળીમાં ઠાલવી ઉપર કાજુ-બદામની કતરણ ભભરાવવી. થોડા સમય બાદ ચોરસ ચોસલાં પાડી બરફી સર્વ કરવી.

columnists bhakti desai