આપણું હોવું કે ન હોવું

06 August, 2022 12:32 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

આપણું દેહધારી સ્વરૂપ હોવું કે ન હોવું. અંતે તો આપણે પહેલી શુદ્ધિઓનું જે હનન કર્યું છે એ જ વાસ્તવિક સ્વરૂપે આપણી પાસે બચવાનું છે. હોવું કે ન હોવું એ બન્ને એકસરખાં જ અર્થરૂપ થઈ ગયાં છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

શરીરમાં કેટલા રોગ રહેલા છે એવો પ્રશ્ન જો કોઈ પૂછે તો એનો જવાબ કોઈ આપી શકે એમ નથી. તબીબી શાસ્ત્રના પ્રાચીન ગ્રંથો પછી ભલે એ આયુર્વેદ હોય - ઍલોપથી હોય કે અન્ય શાસ્ત્ર હોય. આ બધામાંથી કોઈ શરીરમાં રહેલા રોગોની કુલ સંખ્યા વિશે કંઈ કહી શકે એમ નથી. કૅન્સરથી માંડીને અનેક પ્રકારના રોગ ગમે એવા તંદુરસ્ત માણસોને થાય છે. એક માણસને કૅન્સર થયું કે અન્ય કોઈ રોગ થયો તો એ વખતે આપણને એમ લાગે છે કે એ રોગ એને થયો છે અને હું બચી ગયો છું.
પણ એમ નથી. જે વખતે આપણે બચી ગયા છીએ એવું આપણને લાગતું હોય એ ઘડીએ કૅન્સર નામનો આ રોગ આપણા શરીરમાં ક્યાંક તો હોય પણ છે, પણ હજુ સુધી એ પ્રગટ નથી થયો. કોઈ પણ રોગ પ્રગટ ના થાય ત્યાં સુધી આપણે એમ માની લઈએ છીએ કે આપણને રોગ નથી થયો. હકીકતે જે રોગ જ્યારે પણ થાય છે ત્યારે એનું અસ્તિત્વ પહેલેથી જ શરીરમાં હોય છે. આપણે જાણતા નથી એ અજ્ઞાન છે અને આ જ્ઞાન પરમ સુખ છે.
બુદ્ધે શું કહ્યું?
ભગવાન તથાગત બુદ્ધના જીવનનો એક પ્રસંગ નોંધવા જેવો છે. એવું બુદ્ધ પોતાના ભિક્ષુકોને વારંવાર સમજાવતા. વહહાલિ નામનો એમનો એક શિષ્ય બીમાર થઈ ગયો અને દૈહિક પીડાથી દુઃખી થતો હતો. ત્યારે બુદ્ધે પોતાના શિષ્યોને એક વાત સમજાવી છે- ‘હે ભિખ્ખુઓ, દેહ તો અનિત્ય છે. એમાં મળ, મૂત્ર, અસ્થિ; રાહત પરું આદિ ૩૨ પ્રકારની મલિનતા છે. આ કાયા દુર્ગંધના ભંડારરૂપ છે, નાશવંત છે. એમાં અનેક રોગો છુપાયેલા છે. રૂપાળા લાગતા શરીરની આસપાસ ખરેખર તો માસ અને રુધિરનું લીંપણ માત્ર છે. શરીરનું ખોખું અત્યંત વિચિત્ર છે. એમાં જખમોના પાર નથી. આ જખમો પુષ્કળ પીડાદાયક છે. શરીરનો ત્યાગ કરવાથી જ ચૈતન્ય શેષ રહે છે. એ ચૈતન્ય જ સદૈવ નિત્ય રૂપ છે. હે! ભિખ્ખુઓ તમે નિત્યની ઉપાસના કરો અને અનિત્યનો ત્યાગ કરો.’
આ પછી તથાગત તો અન્યત્ર વિહાર માટે પ્રયાણ કરી ગયા, પણ લગભગ એકાદ મહિના પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે વૈશાલીનો આ ભિક્ષુ સંઘ લગભગ સાવ ખાલી દેખાતો હતો. એમને આશ્ચર્ય થયું એમને સંઘમાં રહેલા રહ્યાસહ્યા ભિક્ષુકો પાસે પૃચ્છા કરી, 
‘અન્ય ભિક્ષુઓ ક્યાં ગયા છે?’
‘ભગવંત, આપની ઉપદેશવાણીથી પ્રભાવિત થઈને તેઓએ ત્યાગ કર્યો છે.’
‘એટલે?’ તથાગતે પૂછ્યું.
‘ભદાંત! દેહ અનિત્ય છે, અપવિત્ર છે, નાશવંત છે અને અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલો છે એવું પ્રત્યેક જ્ઞાન થયા પછી એમણે દેહ સાથેના હુંને ત્યજી દેવાનો નિર્ણય કર્યો અને એ સૌએ આત્મહત્યા કરી નાખી.’
‘આત્મહત્યા?’ હોઠ ફફડાવીને બુદ્ધ એક શબ્દ બોલ્યા અને પછીથી આંખ નીચી કરી ગયા. દેહ અનિત્ય છે એવું એમણે કહ્યું હતું, પણ એ અનિત્યતાનું આવું અર્થઘટન થઈ શકે ખરું?
રાજગૃહમાં પાછા ફર્યા પછી એમણે સારીપુત્ર, મોદગલ્યાયન, આનંદ, મહાકાત્યાયન, મહાકાશ્યપ વગેરે વરિષ્ઠ ભિક્ષુઓને પોતાની પાસે બોલાવ્યા અને આદેશ આપ્યો:
‘હે ભિક્ષુઓ, દેહ અનિત્ય છે એ ખરું, પણ દેહ સાથેનો સંબંધ બળપૂર્વક ત્યજી દેવો એ તો મહાપાપ છે. ભિક્ષુ સંઘમાં કે ઉપાસહોમાં ક્યાંય પણ આત્મહત્યાનો તથા ગત નિષેધ કરે છે.’
દેહમાં સૌંદર્ય નથી?
ભગવાન બુદ્ધે દેહને અનિત્ય કહ્યો, દેવો નિત્ય છે જ બુદ્ધની પૂર્વે પણ જે શાસ્ત્રો લખાયાં છે એમાં દેહની અનિત્યતાની વાત કહેવામાં આવી, પણ એ સાથે જ કામ કરતાં કરતાં સો વર્ષ જીવવાની અપેક્ષા પણ રાખવામાં આવી છે. જે રીતે હાથ પગ કે દેહનાં બીજાં અંગો સહજ ભાવે જ દેહ સાથે જોડાયેલો છે. એ જ રીતે રોગો પણ અદૃશ્ય હોવા છતાં શરીર સાથે વળગેલા જ છે. આ રોગોને શરીરનો એક ભાગ ગણીને સાચવવા એ કરતાં એના અસ્તિત્વને એક તરફ રાખીને શેષ દેહને સુંદર રીતે સાચવવો એમાં શાણપણ છે. 
સૌંદર્ય પદાર્થલક્ષી નથી હોતું એ ભાવનાગત છે. આ ભાવનાને હૃષ્ટપૃષ્ટ રાખવી એ આપણે દેહધારીનો ધર્મ છે. શરત માત્ર એટલી જ છે કે, ‘આ ધર્મ તકલાદી ન હોવો જોઈએ. તંદુરસ્ત હોવો જોઈએ.’
હોવું અને ન હોવું
મૂળભૂત રીતે જોઈએ તો સમગ્ર વિશ્વની રચના પાંચ ત્વચાઓથી બનેલી છે. આ પાંચ ત્વચાઓને આપણે પંચમહાભૂત તરીકે ઓળખીએ છીએ. આ પાંચ મહાભૂત એટલે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. પ્રકૃતિએ અથવા પરમાત્માએ આ પાંચે પદાર્થોનાં અત્યંત વિશુદ્ધ સ્વરૂપ આપણને આપ્યાં છે. દુર્ભાગ્યે આજે આપણે આ પાંચેયને ભારે અશુદ્ધ કરી નાખ્યાં છે. પદાર્થ સાકાર હોય કે નિરાકાર 
હોય, એમાં હવે નરી અશુદ્ધિઓ છલોછલ ભરાઈ ગઈ છે. આપણું દેહધારી સ્વરૂપ હોવું કે ન હોવું. અંતે તો આપણે પહેલી શુદ્ધિઓનું જે હનન કર્યું છે એ જ વાસ્તવિક સ્વરૂપે આપણી પાસે બચવાનું છે. હોવું કે ન હોવું એ બન્ને એકસરખાં જ અર્થરૂપ થઈ ગયાં છે.

columnists dinkar joshi