પ્રેગ્નન્સી ટાળવા માટે શું કરવું?

29 December, 2020 07:47 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

પ્રેગ્નન્સી ટાળવા માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું ૨૬ વર્ષનો છું અને લગ્ન થયાં ન હોવા છતાં પાર્ટનર સાથેના સંબંધમાં ઍક્ટિવ છું. સમસ્યા હંમેશાં પ્રેગ્નન્સીની ચિંતાની રહે છે. અમારાં લગ્નને હજી છ મહિનાની વાર છે અને એ પછીયે સેટલ ન થઈએ ત્યાં સુધી લગભગ બે વર્ષ માટે અમે બાળક નથી ઇચ્છતા. હાલમાં દરેક વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહેતી હોવાથી તે બહુ સ્ટ્રેસમાં હોય છે. સાથે હોઈએ એ સમયને તે જરાય માણી જ નથી શકતી. મને કૉન્ડોમ વાપરવાનું ફાવતું નથી, કેમ કે વારેઘડીએ નીકળી જવાની અને ફાટી જવાની સમસ્યા થાય છે. વધુ પ્રોટેક્શન માટે હું બે કૉન્ડોમ પહેરું છું. અત્યારે તે ઓરલ ગોળીઓ લેવાનો ઑપ્શન વાપરે તો વાત જાહેર થઈ જઈ શકે છે. ક્યારેક બહાર ઇજેક્યુલેટ કરવાનું નક્કી કરીએ ત્યારે તો હું પણ બહુ ટેન્શનમાં હોઉં છું. શું કરવું?

જવાબઃ પ્રેગ્નન્સી ટાળવા માટે કૉન્ડોમ જેટલું સેફ સાધન બીજું કોઈ જ નથી. તમને એ વાપરતાં નથી આવડતું એટલે મુશ્કેલ લાગતું હશે, પણ એ સૌથી સરળ અને ગમે ત્યારે ઉપલબ્ધ થઈ શકે એવો વિકલ્પ છે. તમારે એનો યોગ્ય વાપર કરતાં શીખવાની જરૂર છે. કૉન્ડોમની બનાવટ જ એ રીતે થઈ છે કે એક જ વાપરો તોય પૂરતું પ્રોટેક્શન આપે. ઊલટાનું તમે જ્યારે બે કૉન્ડોમ ઉપરાઉપરી વાપરો છો ત્યારે વધુ ગરબડ થાય છે. કૉન્ડોમ વાપરતાં શું અને કેવી કાળજી રાખવી એ સમજી લો.

હંમેશાં એક પૅકેટમાં એક જ કૉન્ડોમ હોય એવું પૅક ખરીદવું. પ્રત્યેક નવા સમાગમ વખતે નવું જ નિરોધ વાપરવું. ચિરાયેલું કે ફાટેલું હોય એવું નિરોધ ન વાપરવું. બજારમાં વેચાતાં બધા પ્રકારનાં કૉન્ડોમની ટેસ્ટ પહેલેથી જ કરેલી હોય છે એટલે ફરી ફુગ્ગાની જેમ ફુલાવીને એમાં કાણું છે કે નહીં એ ચેક કરવાની કોઈ જરૂર નથી.

ઇન્દ્રિયમાં યોગ્ય સખતાઈ આવી જાય એ પછી જ્યારે તમે યોનિપ્રવેશ માટે તૈયાર થાઓ એ પહેલાં જ નીચેથી ઉપરની તરફ પહેરવું અને ઊંધું ન પહેરાઈ જાય એનું ધ્યાન રાખવું, કારણ કે એક વાર સંપૂર્ણ રીતે ખૂલી ગયા પછી એ ઉપયોગમાં નથી લઈ શકાતું. વીર્યસ્ખલન થયા પછી ઇન્દ્રિય સાવ જ નરમ પડી જાય એ પહેલાં એને યોનિમાર્ગમાંથી બહાર કાઢી લેવી. જો એમ કરવામાં કોઈ વાર થોડું પણ મોડું થાય તો વીર્ય યોનિમાર્ગમાં જવાની શક્યતાઓ રહે છે.

columnists sex and relationships dr ravi kothari