ટિલાવા ટ્રૅજેડી ૧૯૪૨

30 October, 2022 03:12 PM IST  |  Mumbai | Jigisha Jain

આ બનાવને ૮૦ વર્ષ થવા જઈ રહ્યાં છે ત્યારે જહાજમાં ગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનો આ ઇતિહાસને ઉજાગર કરવા મુંબઈમાં આપવાના છે અનોખી સ્મરણાંજલિ

એસ.એસ. ટિલાવા જહાજ

સમુદ્રમાં સમાધિ લેનારા ટાઇટૅનિક વિશે દોથો ભરીને વાતો થઈ, પણ બીજા વિશ્વયુદ્ધ સમયે મુંબઈથી નીકળેલું સેંકડો ગુજરાતીઓથી ભરેલું એસ.એસ. ટિલાવા જહાજ જપાની હુમલામાં નેસ્તનાબૂદ થયું અને ૨૮૦ લોકો મોતને શરણ થયા એ ભાગ્યે જ કોઈકની નજરમાં આવ્યું છે. આ બનાવને ૮૦ વર્ષ થવા જઈ રહ્યાં છે ત્યારે જહાજમાં ગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનો આ ઇતિહાસને ઉજાગર કરવા મુંબઈમાં આપવાના છે અનોખી સ્મરણાંજલિ

બીજા વિશ્વયુદ્ધની ભારત પર અસર વિશેની વાત આવે તો એ યુદ્ધના પરિણામરૂપ મળી આઝાદી, ભારતની ઇકૉનૉમી પર પડેલી ગંભીર અસર, ભાંગેલા બ્રિટિશ એમ્પાયર જેવી અસરો ઇતિહાસમાં વ્યવસ્થિત રીતે કંડારાયેલી છે જેને લીધે એ પ્રચલિત પણ છે, પણ આ વિશાળ ઇતિહાસના કોઈ પાના પર એક ઘટના એવી દબાઈને રહી ગઈ છે કે એના વિશે જાણવું એક ભારતીય તરીકે અને ખાસ તો એક ગુજરાતી તરીકે આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. 

બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આફ્રિકાના જુદા-જુદા દેશોમાં અઢળક ગુજરાતીઓ કામની તલાશમાં જતા અને ત્યાં તેઓ વસેલા હતા. ૧૯૪૨માં જ્યારે વિશ્વયુદ્ધ ચાલી જ રહ્યું હતું ત્યારે ૨૦ નવેમ્બરે બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું એસ. એસ. ટિલાવા નામનું જહાજ મુંબઈ બંદરેથી મોમ્બાસા, માપૂટો અને ડરબન જવા માટે ૭૩૨ પૅસેન્જર્સ, ૨૨૨ ક્રૂ-મેમ્બર્સ, ૬૪૭૨ ટન કાર્ગો (જેમાં ૬૦ ટન ચાંદીની ચકતીઓ હતી)ના રસાલા સાથે નીકળ્યું હતું. આ ૭૩૨ પૅસેન્જર્સમાંથી ચોક્કસ આંકડો તો કહી ન શકાય, પરંતુ મોટા ભાગના ગુજરાતીઓ હતા, જેમનો વેપાર આફ્રિકામાં હતો અથવા તો તેઓ કામની તલાશમાં આફ્રિકા જઈ રહ્યા હતા. 

અટૅક ક્યારે અને કેવો?

સામન્ય રીતે યુદ્ધમાં પૅસેન્જર જહાજોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવે એવું ભાગ્યે જ બને, પરંતુ વિશ્વયુદ્ધ જેનું નામ. જ્યાં આખા વિશ્વમાં હિંસા ફાટી નીકળી હતી ત્યાં સૂકા જોડે લીલું પણ બળે એમ આ જહાજ પર જપાને હુમલો કર્યો. મુંબઈ છોડ્યાના ત્રણ દિવસ પછી ૨૩ નવેમ્બરે રાતે અરબ સાગરમાં મધદરિયે  સેશેલ્સની નજીક જૅપનીઝ ઇમ્પિરિયલ આર્મીએ આ જહાજ પર પહેલો અટૅક કર્યો. બીજો અટૅક એના કલાક-દોઢ કલાક પછી કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે આ અટૅક રાતે બે વાગ્યા આસપાસ થયો હશે. જેના પછી જહાજ પૂરી રીતે ડૂબ્યું અને એના બે દિવસ સુધી લોકો પોતાનો જીવ બચાવવા મથતા રહ્યા. કુલ ૨૮૦ લોકોના જીવ ગયા. આ જીવ ગુમાવનારા લોકોમાં પણ વધુ પડતા ગુજરાતીઓ જ હોય એ સમજી શકાય છે. આ મોટામસ જહાજ પર ૯ લાઇફ-સેવિંગ બોટ્સ હતી. એમાં બેસીને જે ભાગી શક્યા એ લોકો જ બચ્યા હશે એવી ધારણા કરી શકાય, કારણ કે જે દરિયામાં જહાજ સાથે ડૂબ્યા તેમની બચવાની તો કલ્પના પણ મુશ્કેલ છે. જે લોકો બચી ગયા તેમને બચાવવા માટે રૉયલ નેવી ક્રૂઝર HMS બર્મિંગહૅમ અને એસ. એસ. કાર્થેજ નામનું જહાજ વહારે આવ્યું. કુલ ૬૮૨ લોકોને બચાવવામાં આવ્યા અને ૨૭ નવેમ્બર, ૧૯૪૨ના દિવસે તેમને મુંબઈના બેલાર્ડ પિયર નામના બંદરે છોડવામાં આવ્યા. 

જીવ બચાવવા દિવસો સુધી આવી નવ લાઇફબોટમાં લોકોએ દરિયો ખૂંદ્યો હતો.

મુંબઈ છોડ્યાના  ત્રણ દિવસ પછી ૨૩ નવેમ્બરે રાતે અરબ સાગરમાં મધદરિયે  સેશેલ્સની નજીક જૅપનીઝ ઇમ્પિરિયલ આર્મીએ આ જહાજ પર પહેલો અટૅક કર્યો. બીજો અટૅક એના કલાક-દોઢ કલાક પછી કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે આ અટૅક રાતે બે વાગ્યાની આસપાસ થયો હશે. એ પછી જહાજ પૂરી રીતે ડૂબ્યું અને એના બે દિવસ સુધી લોકો પોતાનો જીવ બચાવવા મથતા રહ્યા.

પીડા અપરંપાર

આ હાદસામાં જીવ ગુમાવનારા નિછલભાઈ સોલંકી.

જે લોકો આ જહાજ પર હતા અને પોતાનો જીવ ગુમાવ્યો એમાંના એક હતા સ્વર્ગીય નિછાનભાઈ ચીબાભાઈ સોલંકી. તેમના પૌત્ર રેડિયોની દુનિયામાં કાશ કુમારના નામે જાણીતા મુકેશભાઈ રણછોડભાઈ સોલંકી યુકેના એક રેડિયો સ્ટેશન પર બ્રોડકાસ્ટર હતા ત્યારે અનાયસે એમણે એસ. એસ. ટિલાવા જહાજના મૃતકોના નામનું લિસ્ટ ઇન્ટરનેટ થકી જોયું,  જેમાં તેમના પોતાના દાદાનું નામ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પિતા રણછોડભાઈ સોલંકીને ૯ વર્ષની ઉંમરે ગુજરાતમાં મૂકીને મારા દાદા આફ્રિકા જવા નીકળેલા. જો તે તેમને ન છોડી ગયા હોત તો અમારું કોઈ અસ્તિત્વ જ ન હોત એમ વિચારીને અત્યારે પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે. મેં એ દિવસે મારા દાદાનું નામ જ એમાં નહોતું વાંચ્યું, પણ એ જહાજના ફોટા પણ જોયા હતા. ૨૦૦૭ના એ દિવસ પહેલાં અમારા ઘરમાં આ ટ્રૅજેડીની કથા કોઈ કરતું જ નહીં. કોઈ એના વિશે વાત કરવા માગતું જ નહોતું જાણે. આ એક એવું દુખ હતું જેને અમે અવગણીને એનાથી બચવા માગતા હતા, પરંતુ ૨૦૦૭ના એ બનાવે જાણે કે વર્ષો જૂની પીડાને તાજી કરી અને એ દિવસે અમે વિચાર્યું કે અવગણવું એ કોઈ વાતનો ઉપાય નથી. મનમાં જે પ્રશ્નો છે એના જવાબ શોધીને આપણે આપણી અંદરની પીડાને પૂર્ણ રીતે શાંત કરવી જોઈએ. એટલે મેં આના પર કામ કરવાનું શરૂ કર્યું. એ લોકોને શોધવાનું શરૂ કર્યું જે મારા દાદા સાથે આ જહાજ પર હતા.’ 

પ્રશ્નો અનેક છે

પોતાના મનની વાત ઠાલવતાં મુકેશભાઈ કહે છે, ‘જહાજ તો ડૂબી ગયું, પરંતુ એ દિવસે શું થયું હતું, જપાનનો સૈનિકોએ એક પૅસેન્જર જહાજ પર શું સમજીને આક્રમણ કર્યું હશે, શું તેમને કોઈ ખતરાનાં એંધાણ હતાં કે કોઈ ગેરસમજ, એ જહાજ એક્ઝૅક્ટ કઈ જગ્યાએ ડૂબ્યું હશે, એ જહાજ પર હોય એવી કોઈ વ્યક્તિ આજે પણ જીવિત છે અને જો હોય તો એ ક્યાં છે, એ લોકો પર શું વીતી હશે અને કઈ રીતે તેમણે આ ભયાનક ઘટનાનો સામનો કર્યો હશે. HMS બર્મિંગહૅમ અને એસ. એસ. કાર્થેજ બન્ને જહાજો ક્યાં હતાં જ્યારે ટિલાવા પર અટૅક થઈ રહ્યો હતો એવા અઢળક પ્રશ્નો મને સતાવતા હતા અને આ પ્રશ્નોના જવાબ મેળવવા અનિવાર્ય બની ગયા હતા.’ 

રિસર્ચની જરૂરિયાત 

૨૦૧૩માં મુકેશભાઈના પિતા રણછોડભાઈ ગુજરી ગયા ત્યારે તેમની અંતિમ ઇચ્છા એ જ હતી કે તેમના પિતા જે જહાજમાં ડૂબ્યા એ જહાજ અને તેમના પિતાના અંતિમ દેહ વિશે તપાસ કરવી. તેમની અંતિમ ઇચ્છાને માન આપવા મુકેશભાઈ અને તેમનો પુત્ર એમિલ સોલંકી કામે લાગી ગયા. આ વિશે વાત કરતાં ટૉરોન્ટો, કૅનેડામાં રહેતા ૩૫ વર્ષના એમિલ સોલંકી કહે છે, ‘મેં પહેલાં વેબસાઇટ બનાવી જેને લીધે દુનિયાભરમાં વસતા જુદા-જુદા લોકો સુધી અમે સરળતાથી પહોંચી શકીએ. કોના પરિવારના લોકો આ ટ્રૅજેડીમાં હતા અને તેમની સાથે શું થયું હતું એની કોઈ પણ જાણકારી જો અમને મળે તો એ અમારા માટે મોટી વાત હતી. હું અને મારા પિતા આ રિસર્ચ પાછળ લાગી ગયા.’

શોધમાં શું-શું મળ્યું?

એ દરમ્યાન ૨૦૧૭માં આર્ગેન્ટમ એક્સપ્લોરેશન લિમિટેડ, યુકે દ્વારા આ જહાજની શોધ થઈ. જહાજ મળ્યું અને એ કઈ જગ્યાએ ડૂબ્યું હતું એ પણ ખબર પડી. અરબ સમુદ્રના મધદરિયે ૯૩૦ માઇલ નૉર્થ-ઈસ્ટ દિશામાં સેશેલ્સ નજીકના દરિયામાં ૩૫૦૦ મીટર ઊંડા દરિયામાં આ જહાજ ડૂબ્યું, જ્યાં કોઈ પણ માણસ પાણીના પ્રેશરને ખમી શકે જ નહીં. એટલે જે લોકો ડૂબ્યા એ તો બચી શકે એમ જ નહોતા એટલે દુખદ વાત એ છે કે જળચર પ્રાણીઓ તેમને ખાઈ ગયા હશે. ૬ મહિનાની શોધખોળ દરમ્યાન જહાજમાં જે સામાન હતો એમાં જે ચાંદીની ચકતીઓ હતી એવી ૩૨ મિલ્યન પાઉન્ડ જેટલી કિંમતની ૨૩૬૪ ચકતીઓ પણ તેમને સમુદ્રમાંથી મળી હતી.

જાણીતી એક જ હયાત વ્યક્તિ

ત્રણ વર્ષની ઉંમરે આ જહાજમાંથી માની સાડીમાં બંધાઈને બચેલા અરવિંદભાઈ જાની , તેમનાં મમ્મી વસંતગૌરી અને તેમનો પાસપોર્ટ.

આ જહાજમાં હોય એવી હયાત કે જીવિત વ્યક્તિની શોધખોળમાં મુકેશભાઈ સોલંકીને મળ્યા સાઉથ લંડનમાં રહેતા ૮૩ વર્ષના અરવિંદભાઈ જાની. મૂળ જામનગરના જોડિયા ગામના અરવિંદભાઈ ૩ વર્ષની નાની ઉંમરે પોતાની માતા સાથે એસ. એસ. ટિલાવામાં મુસાફરી કરી રહ્યા હતા. એટલી નાની ઉંમરે તેમની સાથે જે પણ થયું એ તેમને પોતાને યાદ નથી, પરંતુ તેમને તેમની માતા વસંતગૌરીએ કહેલા કિસ્સાઓ બરાબર યાદ છે, જે વિશે વાત કરતા અરવિંદભાઈ કહે છે, ‘મારી મમ્મી એ ભયાવહ રાતને ક્યારેય ભૂલી શકી નહોતી. મને બચાવવા માટે તેણે પોતાની સાડી સાથે બાંધી દીધો અને દોરડાની મદદથી છેલ્લી લાઇફ બોટ પકડવા એ જહાજ પરથી તે કૂદી ગઈ હતી. એ લાઇફ-બોટમાં પણ અમારે ૧૨-૧૮ કલાક એમનેમ રહેવું પડેલું. એ પૂનમની રાત હતી અને કાળા સમુદ્ર પર લાશોના ઢેર તરતા હતા. બોટમાં પડેલા ટિનના ડબ્બાઓમાં ભરેલાં બિસ્કિટ પર તેમણે કામ ચલાવેલું.’ 

દરેક ગુજરાતી જાણે 

ટિલાવા વિશે વાત કરતાં એમિલ સોલંકી કહે છે, ‘અમારા કુટુંબીજનો નવસારીના હતા. આફ્રિકા, ગુજરાત, લંડન અને હવે અમારો પરિવાર કૅનેડા સુધી પહોંચ્યો છે. અમારા માટે પરિવારના સદસ્યનો ઇતિહાસ જાણવો જેટલો જરૂરી છે એટલો જ દુનિયા માટે ટિલાવા ટ્રૅજેડી વિશે જાણવું જરૂરી છે. હજુ સુધી અમે જેટલું જાણી શક્યા છીએ એ ઘણું ઓછું છે. ગુજરાતના આટલા લોકો કામની તલાશમાં નીકળ્યા અને મોતને વહોરી લીધું એ કોઈ સામાન્ય ઘટના તો નથી. આ ઇતિહાસ ગુજરાતની દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ એવું મને લાગે છે. ભવિષ્યમાં આ ઘટના પર ડૉક્યુમેન્ટરી બને, ફીચર ફિલ્મ બને કે એ જન-જન સુધી પહોંચે એવો અમારો પ્રયાસ રહેશે. આ ઘટનામાંથી દેવજીભાઈ ભગાભાઈ સોલંકી, મોરાર જીવન, ચુનીલાલ નવસારિયા જેવા ઘણા ગુજરાતીઓ આ દુર્ઘટનામાંથી જીવિત પાછા ફર્યા હતા, જે હવે હયાત નથી. પરંતુ તેઓ હતા ત્યારે તેમની પાસેથી અને તેમના આપ્તજનો પાસેથી ટિલાવા બાબતે જે પણ માહિતી મળી એ ભેગી કરવામાં આવી છે અને વધુ ને વધુ સર્વાઇવરોને શોધવામાં આવી રહ્યા છે જેમની પાસેથી કોઈ માહિતી મળી શકે.’

સુભાષચંદ્ર બોઝ સાથેનું જોડાણ 

જૅપનીઝ સબમરીન આઇ-૨૯ દ્વારા એસ. એસ. ટિલાવા પર ઉપરાઉપરી બે વાર હુમલો થયો અને જહાજ ડૂબી ગયું. એની સાથે ૨૮૦ જણા પણ મૃત્યુ પામ્યા. આ અટૅક ૨૩ નવેમ્બર ૧૯૪૨એ થયો હતો. એ જ સબમરીન દ્વારા ૨૮ એપ્રિલ ૧૯૪૩માં એટલે કે ટિલાવા ટ્રૅજેડીના ૫ મહિના પછી સુભાષચંદ્ર બોઝને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બોઝની એ સમયે હિટલર સાથે મિત્રતા હોવાની ચર્ચા હતી અને એ સંદર્ભે જ કદાચ ધ જર્મન સબમરીનમાં તેઓ એક મીટિંગ અર્થે ગયા હતા, જ્યાંથી આઇ-૨૯માં તેમને જપાન લઈ જવામાં આવ્યા હતા. આ વિશે વાત કરતાં એમિલ સોલંકી કહે છે, ‘ઇતિહાસનું એક પાનું ઊથલાવીએ તો એમાંથી બીજા ઘણા સંદર્ભો અને બનાવો સ્પષ્ટ થતા હોય છે. જો ટિલાવા ટ્રૅજેડી વિશે વધુ રિસર્ચ થાય તો શક્યતા છે કે ઇતિહાસની ઘણી ભેદી ઘટનાઓ વિશે માહિતી મળી શકે.’

મુંબઈમાં ઊજવાશે સ્મરણાંજલિ

એસ. એસ. ટિલાવા જહાજ વર્લ્ડ વૉર-૨ દરમ્યાન અરબ સાગરમાં મધદરિયે ડૂબી ગયું એને ૨૩ નવેમ્બર, ૨૦૨૨એ ૮૦ વર્ષ પૂરાં થઈ રહ્યા છે. મેરીટાઇમ મુંબઈ મ્યુઝિયમ સોસાયટીની મદદથી એમિલ અને તેના પિતા મુકેશભાઈ ૮૦ વર્ષમાં પહેલી વાર આ જ દિવસે બૅલાર્ડ એસ્ટેટની ગ્રૅન્ડ હોટેલમાં એની સ્મરણાંજલિનો કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. મુંબઈમાં આ સ્મરણાંજલિનું આયોજન કેમ એ પ્રશ્નનો જવાબ આપતાં એમિલ કહે છે, ‘આ એક ઇન્ડિયન-બ્રિટિશ સ્ટોરી છે, વિશ્વયુદ્ધની સ્ટોરી છે પણ એની શરૂઆત મુંબઈથી થઈ અને લોકો બચીને પાછા આવ્યા એ પણ મુંબઈ જ હતું એટલે મુંબઈથી શ્રેષ્ઠ જગ્યા બીજી કઈ હોઈ શકે એની સ્મરણાંજલિ ઊજવવા માટે?’

પરદાદા નિછલભાઈને ગુમાવનારા એમિલ સોલંકીએ આ ઇતિહાસમાં ધરબાયેલી ઘટનામાં જીવ ગુમાવનારાઓને સ્મરણાંજલિ આપવા બીડું ઝડપ્યું છે. એમિલ દાદા રણછોડભાઈ અને પિતા મુકેશભાઈ સાથે.

columnists Jigisha Jain japan world war ii