ટિકટોક, ચાઇના અને એપ્લિકેશન : તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે, સાથ આપજો

02 July, 2020 07:09 PM IST  |  Mumbai | Manoj Joshi

ટિકટોક, ચાઇના અને એપ્લિકેશન : તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે, સાથ આપજો

પ્રતીકાત્મક તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાઇનાની મોબાઇલ એપ્લિકેશન પર બૅન મૂકી દીધો. જરૂરી હતો આ બૅન. જો તમે કોઈ દિશામાં આગળ વધી રહ્યા હો તો તમારે સૌથી પહેલાં તો છીંડા બંધ કરવા પડે અને જો છીંડા બંધ કરવા હોય તો તમારે એની માટે કડક હાથે કામ લેવું પડે. અત્યારે એવું જ થયું છે અને એ જે થયું છે એ કરવા માટે પૂરતાં કારણો પણ છે. બૅન ચાઇનાની દિશામાં આ પહેલું પગલું છે અને આ પગલું આવશ્યક હતું. લોકોમાં જે ચાઇનીઝ આઇટમ પ્રત્યે જુવાળ હતો એ જુવાળને જોઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયે પુરવાર કર્યું છે કે લોકો પણ ચાઇનીઝ પ્રોડક્ટને દેશમાંથી હટાવવા માગે છે.
જ્યાં સુધી આમજનતા સહકાર આપવા રાજી ન હોય, જ્યાં સુધી જનતાનો સપોર્ટ ન હોય ત્યાં સુધી દુનિયાની એક પણ સરકાર કોઈ પણ દેશ માટે દરવાજા બંધ નથી કરી શકતી અને હવે એ પરિસ્થિતિ આવી ગઈ છે કે ચાઇના પર આંતરિક પ્રેસર ઊભું કરવામાં ભારત નિમિત્ત બનશે. ટિકટોક પાસે કરોડો ઇન્ડિયનના સબસ્ક્રિપ્શન હતાં. કરોડો ભારતીયો ચાઇનાની બીજી એપ્લિકેશન્સ વાપરતા હતા પણ આ જ ચાઇનામાં જો કોઈ એપ્લિકેશન પૉપ્યુલર છે તો એ સ્થાનિક એપ્લિકેશન્સ જ છે. ચાઇનાની સામે આપણી વાત કરીએ તો આપણે ક્યારેય પ્રેમની સાથે નથી ચાલ્યા, આપણે હંમેશાં ક્વૉલિટીને પ્રાધાન્ય આપવા માટે દોડ્યા છીએ. ટિકટોકની સામે આપણા જ દેશમાં અનેક મોબાઇલ અૅપ્સ બની પણ કોઈએ એ મોબાઇલ અૅપ્સનો ભાવ પણ પૂછ્યો નહીં. ટિકટોક એ સ્તર પર આ દેશમાં પૉપ્યુલર થઈ ગઈ હતી કે ક્રિકેટરોથી માંડીને ફિલ્મસ્ટાર અને પોલિટિક્સ સાથે જોડાયેલી સૅલિબ્રિટી સુધ્ધાં ટિકટોક પર આવી ગઈ હતી. ટિકટોકને કારણે જ દેશમાં એક નવું ગ્રુપ ઊભું થયું હતું તો ટિકટોકના કારણે જ યુટ્યુબથી પણ લોકો દૂર થવાના શરૂ થયા હતા. ટિકટોક જેટલી ઇન્ડિયામાં પૉપ્યુલર થઈ છે એનાથી વધારે બીજા કોઈ દેશે આ એપ્સને પ્રાધાન્ય આપ્યું નથી.
એક્ટિંગનો કીડો ધરાવતા લોકોને ટિકટોક ટ્રાયલ રૂમ કે પછી રિહર્સલ્સ રૂમ જેવી લાગતી હતી અને એ લાગે એમાં કશું ખોટું પણ નથી, પણ જ્યારે તમારી પાસે તમારું પોતાનું ઑપ્શન હોય ત્યારે તમે પારકાના ખોળામાં રમવા માટે ભાગો એ ગેરવાજબી છે. સાબુથી માંડીને શૅમ્પૂ અને ફર્નિચરથી માંડીને ફાસ્ટફૂડ સુધ્ધાંમાં ભારતીય વિદેશી પ્રોડક્ટના મોહમાં રહ્યો છે. આ મોહને છોડવાનો સમય આવી ગયો છે અને આ મોહને ત્યજીને સ્વદેશી બનવાનો પણ સમય આવી ગયો છે.
નક્કી તમારે કરવાનું છે, તમે છોડવા રાજી છો કે પછી તમારી સરકાર તમને એની માટે ફરજ પાડે. ચાઇનામાં ફરજ પાડવામાં આવે એ પહેલાં જ દેશવાસીઓ બધું છોડી દે છે. આ બાબતમાં કેમ આપણે ચાઇનીઝ બનવા રાજી નહીં થતાં હોઈએ?

manoj joshi columnists