જિન્હેં સપનેં દેખના અચ્છા લગતા હૈ ઉન્હેં રાત છોટી સી લગતી હૈ!

28 July, 2021 10:30 AM IST  |  Mumbai | Pravin Solanki

જરા વિચાર કરો કે સરહદ પરના સૈનિકોએ કદી પોતાની જાહેરાત કરી છે કે અમે આટલા જખમ ઝીલ્યા, આટલી ગોળીઓ ખાધી, આટલા દુશ્મનો માર્યા. એ જ પ્રમાણે ડૉક્ટરો, બમ્બાવાળાઓ, સફાઈ-કર્મચારીઓ, પરિચારિકાઓ મૂંગે મોઢે પોતાની ફરજ બજાવે જ છેને?

જિન્હેં સપનેં દેખના અચ્છા લગતા હૈ ઉન્હેં રાત છોટી સી લગતી હૈ!

જેને સપનું પૂરું કરવાની તાલાવેલી હોય તેને દિવસ ટૂંકો લાગે છે. જીવન પણ એક સપનું છે.  સપનું રાતે આવે છે અને સવારે ઊઠતાવેંત ભુલાઈ જાય છે. માણસ જાગતો હોય ત્યારે જીવન સપનું છે એ ભૂલી જાય છે. 
મને પણ એક સપનું આવ્યું હતું. સપનાં આમ તો ક્યારેય સાચાં નથી પડતાં. હા, મારા કેસમાં એવું ઘણી વાર બન્યું છે કે જે સાચું હોય એ સપનું બની ગયું હોય. ત્યારે હું ફક્ત ‘બેફામ’ની પંક્તિઓને યાદ કરતો...
   ‘અમારા જીવનનું એ સદ્ભાગ્ય ક્યાંથી 
     સ્વપ્નમાં રહેલાં સુખો થાય સાચાં, 
    કે વાસ્તવિક જગતનાં સાચાં સુખો પણ 
     અમારા નસીબે સ્વપ્ન થઈ ગયાં છે.’ 
   એ દિવસે હું સપનામાં બૅન્કમાં ગયો. આમ તો બૅન્કનું બધું કામ મારાં સંતાનો જ કરે છે, પણ સાલું સપનામાં જવું પડ્યું. કદાચ બૅન્ક જોવાનું મન થયું હશે, કારણ કે ૩૬ વર્ષ મેં બૅન્કમાં ગાળ્યાં છે. જી, હા, હું બૅન્કમાં કામ કરતો હતો. સૉરી કામ તો મેં ભાગ્યે જ કર્યું છે, પણ બૅન્કમાં કર્મચારી હતો. 
 પૈસા કઢાવવાના કાઉન્ટર પર મોટી લાઇન હતી. અચાનક કૅશિયરની નજર મારા પર ગઈ. તેણે જોરથી બૂમ પાડી, ‘અરે ઓ ગુજ્જુભાઈ.’ હું ચમક્યો, તેની પાસે ગયો. તે બોલ્યો, ‘તમે  ‘ગુજ્જુભાઈ’ નામના નાટકોના લેખક છોને?’ મેં કહ્યું, ‘હા, કેમ? ‘અરે, અમારું આખું ઘર નવરા હોઈએ ત્યારે ‘ગુજ્જુભાઈ’ જ જોઈએ.’ મગજ ચલાવવાનું નહીં. તે મજાક કરતો હતો કે વખાણ, કાંઈ ખબર ન પડી. ત્યાં તેણે પૂછ્યું, ‘પૈસા કઢાવવા આવ્યા છો, કે ડિપોઝિટ કરવા?’ 
મેં કહ્યું, ‘ડિપોઝિટ કરવાના દિવસો છે જ ક્યાં? ઉપાડવા આવ્યો છું, જો બૅલૅન્સ હોય તો!’
‘એ ફિકર છોડો...’ એમ કહીને તે ઝડપથી બહાર આવ્યો. ત્યાં ઊભેલા સૌને સંબોધીને બોલ્યો,  ‘આપ સૌ પણ સાહેબ સાથે સમૂહમાં ઊભા રહી જાઓ.’ પછી મોબાઇલ કાઢીને પ્યુનને ફોટો પાડવાનું કહ્યું. ફોકસ ગોઠવ્યું એ પછી અમને બધાને જાણે પેમેન્ટ આપતો હોય એવા પોઝમાં  ફોટો પાડ્યા. 
‘આ શું કરો છો?’ 
‘મેં આપ સૌની સેવા કરી છે એવા ફોટો વૉટ્સઍપ-ફેસબુક વગેરેમાં મૂકીશ.’ 
‘સેવા? અરે એ તો તમારી ફરજ છે.’ 
‘હા, પણ હું ફરજ બજાવું છું એની ખબર મૅનેજમેન્ટને પાડવી જોઈશેને? અમારા પ્રમોશન માટે આ જરૂરી છે.’ પછી મને બે શબ્દો બોલવાનું કહ્યું. મારે શું બોલવું એ પણ મને કહી સંભળાવ્યું, ‘તમારી સેવાથી અમે બધા સંતુષ્ટ છીએ. આ રીતે તમે અમારી જ નહીં, સમાજની, દેશની સેવા  કરી રહ્યા છો. જય મહારાષ્ટ્ર, જયહિન્દ.’ 
મેં બોલવાની ના પાડતાં તેણે કહ્યું, ‘તમે આવું શું કામ કરો છો?’ તો જવાબ મળ્યો, ‘અમે કામ કરીએ છીએ એની જાણ બધાને થવી જોઈએને? અમે નેતાઓને અનુસરીએ છીએ.’ ‍પછી તેણે જોરથી સૂત્ર ઉચ્ચાર્યું, ‘બૅન્ક કર્મચારી સંઘ, ઝિંદાબાદ.’ 
બૉટલમાંથી પાણી પીને ફરીથી ચાલુ થઈ ગયો, ‘સાહેબ, આજકાલ નેતાઓ છાશવારે કોઈ વૅક્સિન સેન્ટર, મફત દવા, અનાજ, ભોજન સેન્ટરનાં ઉદ્ઘાટન કરીને ફોટો પડાવે છે અને પછી સોશ્યલ મીડિયા પર અપલોડ કરે છે, છાપામાં છપાવે છે એ તમે નથી જોતા?’ મેં કહ્યું, ‘એ લોકો તો સમાજસેવા કરે છે.’ 
‘તો અમે શું પશુસેવા કરીએ છીએ? સેવા કરવી એ લોકોની ફરજ છે, એમાં આટલી  પબ્લિસિટી શું કામ? એટલે અમે પણ સૌએ બૅન્ક, ઇન્શ્યૉરન્સ, રિક્ષાવાળા, ટૅક્સીવાળાં   યુનિયનોએ પણ કામની જાહેરાત કરાવવાનું ઠરાવ્યું છે.’ 
 મેં કહ્યું કે ‘તમે ખોટી રીતે સરખામણી કરો છો. તો કહે, ‘સાહેબ, રીત ખોટી હશે, પણ  દાખલાનો જવાબ સાચો છે. અરે આ નેતાઓ જાહેર શૌચાલયો બાંધે છે ત્યારે પણ ઉપર મોટા  અક્ષરે લખે છે, ‘ફલાણા નગરસેવકના સૌજન્યથી.’ તમે કઈ દુનિયામાં વસો છો સાહેબ?    આજકાલ સેવા કરતાં સેવાની જાહેરાત વધારે અગત્યની છે. અમે પણ અમારી જાહેરાત સાથે  અમારા બૉસના, બ્રાન્ચ મૅનેજરના, ડિરેક્ટરોના ફોટો મૂકવાના છી.’ મેં પૂછ્યું ‘કેમ?’ 
  હું બાઘો હોઉં એમ મારી સામે જોઈને બોલ્યો, ‘તમે જોતા નથી! આ રાજકારણીઓ પોતાની  કોઈ પણ જાહેરાતમાં તેમના નેતા, પક્ષપ્રમુખ, મહત્ત્વના આગેવાનોના ફોટો નથી મૂકતા? શું કામ મૂકે છે? લિડશેની ગુડબુકમાં આવવાનો આજ તો એકમાત્ર રામબાણ ઉપાય છે.’ 
 મારું મસ્તક ફર્યું. મેં જરા મોટા અવાજે કહ્યું, ‘જરા વિચાર કરો કે સરહદ પરના સૈનિકોએ કદી પોતાની જાહેરાત કરી છે કે અમે આટલા જખમ ઝીલ્યા, આટલી ગોળીઓ ખાધી, આટલા દુશ્મનો માર્યા. એ જ પ્રમાણે ડૉક્ટરો, બમ્બાવાળાઓ, સફાઈ-કર્મચારીઓ, પરિચારિકાઓ મૂંગે  મોઢે પોતાની ફરજ બજાવે જ છેને?’ 
તે બોલ્યો, ‘એટલે તો એ બિચારાઓનો કોઈ ભાવ નથી પૂછતું. તમે નાટ્યલેખક છો તો એટલુંય  નથી જાણતા કે જીવનમાં આવાં નાટક કરવાં બહુ જરૂરી છે. છોડો એ બધું, ચાલો, હું તમને  મારા બ્રાન્ચ મૅનેજરની ઓળખાણ કરાવું.’ મેં કહ્યું, ‘મને ઓળખે છે. તમે કાઉન્ટર પર જાઓ, લોકોની લાઇન વધી ગઈ છે, તમારી રાહ જુએ છે બધા.’ 
 ‘રાહ જોવી એ તો જીવનનો એક ભાગ છે. બધા જ માણસો કોઈ ને કોઈ વાત કે વસ્તુની રાહ જોતા જ હોય છે અને સાહેબ, જ્યાં મોટી લાઇન લાગે એ જ મહત્ત્વની દુકાન ગણાય છે.’
મારું હવે ફટક્યું, ‘તમે બૅન્કને દુકાન ગણો છો?’  
‘શેક્સપિયરે કહ્યું છે કે આખી દુનિયા દુકાન છે અને આપણે સૌ એના ગ્રાહક છીએ. સૌ  પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદે છે અને વેચે છે.’ 
‘આવું કંઈ શેક્સપિયરે કીધું જ નથી.’ 
‘બધું શેક્સપિયર કે તમારા જેવા લેખકો જ કહે? અમારે કાંઈ કહેવાનું જ નહીં? અને  શેક્સપિયરે જ કહ્યું છે, ‘વૉટ ઇઝ ધેર ઇન નેમ?’ એમ કહીને તે મને ક્યારે મૅનેજરની  કૅબિનમાં લઈ ગયો એની ખબર જ ન પડી. 
ત્યાં મેં શું જોયું? મૅનેજર કેટલાક મોટા-મોટા કસ્ટમર, ખાતેદારો સાથે ફોટો પડાવતા હતા. 
સમાપન 
ક્યારેક હસી કાઢવામાં કે ખસી જવામાં જ મજા હોય છે.
થીગડું મારતાં આવડે તો એ એક કળા છે, પછી એ વસ્ત્ર હોય કે વાત.

columnists Pravin Solanki