બાપ્પા તો ઘરે આવશે, આવશે ને આવશે જ

19 August, 2020 07:22 PM IST  |  Mumbai | Darshini Vashi

બાપ્પા તો ઘરે આવશે, આવશે ને આવશે જ

ગણપતિ બાપ્પાનું પોતાના ઘરમાં સાદગીથી સ્વાગત

છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી જેમના ઘરે વિઘ્નહર્તાની પધરામણી થાય છે એ આ વિઘ્નના સમયે જ ન આવે એ કેમ ચાલે? હવે ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો આડા રહ્યા છે ત્યારે ગણપતિ બાપ્પાનું પોતાના ઘરમાં સાદગીથી સ્વાગત કરવાની તૈયારી સાથે ગણેશ ભક્તો કઈ રીતે સજ્જ થઈ રહ્યા છે એ જાણીએ.

આઠ દાયકાથી પણ વધુ જૂની પરંપરા અને લોકપ્રિયતા દરાવતા મુંબઈના પ્રતિષ્ઠિત લાલબાગ ચા રાજા આ વખતે કોરોનાને લીધે પધરામણી નથી કરવાના. પરંતુ મુંબઈના એવા ઘણા પરિવારો છે જેમના ઘરે દાયકાઓથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે અને તેઓ આ વર્ષે પણ તેમની એ પરંપરા તોડવાના નથી. દર વર્ષની જેમ ધામધૂમ કે મેળાવડા તો નહીં, પરંતુ અનેક સાવધાની અને કેટલાક નિયમોનું પાલન કરીને ઘરે ગણપતિની સ્થાપના કરવા તેઓ કટિબદ્ધ છે.

૧૪૦ વર્ષની પરંપરા તોડ્યા વિના બાપ્પા ઘરે આવશે, તેમની સ્થાપના માટે પંડિતજીની ઑનલાઇન મદદ લઈશું

મારા ગ્રેટ ગ્રૅન્ડ ફાધરના સમયથી અમે ગણપતિ ઘરે લાવીએ છીએ અને આ વખતે અમારી એ પરંપરા ચાલુ જ રાખીશું, પરંતુ સોશ્યલ નેટવર્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સની મદદ લઈશું એમ જણાવતાં જુહુમાં રહેતા અને છેલ્લાં ૧૩૯ વર્ષથી ઘરે ગણપતિની સ્થાપના કરતા રાગેશ શ્રોફ કહે છે, ‘આ વર્ષ અમારું ૧૪૦મું વર્ષ છે. આટલાં બધાં વર્ષોથી ગણપતિ આવતા હોવાને લીધે એ કુટુંબના સભ્ય જ બની ગયા છે. બધા કુટુંબીઓ અને નજીકનાં સગાઓનો ગણપતિ વખતે જમાવડો રહેતો હોય છે, પરંતુ આ વખતે કોરોનાને લીધે ઘણુંબધું બદલાઈ જશે. સૌથી પહેલાં તો અમે ગણપતિની સ્થાપના અને પૂજાવિધિ માટે આવતા મહારાજને આ વખતે ઘરે આવવાની ના પાડી દીધી છે અને તેમને ઝૂમ પર જ બધી પૂજાવિધિ કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત અમે જેને-જેને ગણપતિના દર્શન કરવા માટે આમંત્રણ આપવાના છીએ તેમને ફોન કરીને કહેવાના છીએ કે તમે માસ્ક પહેરીને જ આવજો અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે તેમને ઘરે આવવા પૂર્વે ફોન કરવાની પણ વિનંતી કરવાના છીએ જેથી ભીડ થાય નહીં.’

ગણપતિ બાપ્પાની મૂર્તિ સૅનિટાઇઝ કરીને સ્થાપીશું

અમે છેલ્લાં ૬૧ વર્ષથી ગણપતિ લાવીએ છીએ અને એ બાધા છે એટલે અમે સાઇઝમાં તો કોઈ ફેરફાર નથી કરવાના, પરંતુ તમામ પ્રકારની સાવચેતી રાખવાના છીએ એમ જણાવી નાલાસોપારામાં રહેતાં પ્રીતિકા ભાવલિયા આગળ કહે છે, ‘અત્યારે આમ પણ ટ્રેનો બંધ છે એટલે સગાંઓ આવી શકશે નહીં અને બીજું કે અમારા કુટુંબીઓ તો આવશે, પણ સોસાયટી પરમિશન આપશે કે નહીં એ પ્રશ્ન છે. કોરોનાને લીધે અમે ગણપતિ લેવા પણ બે જણ જવાના છીએ અને ઘરે લાવીને પહેલાં સૅનિટાઇઝ કરવાના છીએ. ડેકોરેશનમાં આમ પણ વધુ કશું કરવાના નથી. મૂર્તિ પરની સજાવટ મારા હસબન્ડ જ કરશે.’

૬૩ વર્ષથી બાપ્પાની હાજરીમાં કુટુંબીઓની
સાથે બેસીને જમવાની પરંપરા આ વખતે તૂટશે

મલાડમાં રહેતાં અને છેલ્લાં ૬૩ વર્ષથી ઘરે ગણપતિની સ્થાપના કરતાં જોષી ફૅમિલીનાં ભારતી જોષી કહે છે, ‘દર વર્ષે અમે ગણપતિ લાવીએ છીએ અને ઘરે આખું કુટુંબ ભેગું થાય છે અને સાથે બેસીને જમીએ છીએ. આ ઉપરાંત દોઢ દિવસ દરમિયાન મહેમાનોની અવરજવર પણ પુષ્કળ રહેતી હોય છે, પરંતુ આ વખતે પહેલી વાર એવું બનશે જ્યારે ગણપતિ વખતે અમારા ઘરના જ પાંચ સભ્ય રહેશે. બીજું એ કે દર વર્ષે ગણપતિમાં અલગ-અલગ અને ખૂબ બધું ડેકોરેશન કરતા હતા, પરંતુ આ વખતે બહારથી ડેકોરેશનનું લઈ આવવા કરતાં અમારા બિલ્ડિંગના જ એક મેમ્બર પાસેથી થોડું ડેકોરેટિવ મટીરિયલ લઈને સાદો મંડપ જેવું બનાવવાના છીએ.’

જેને આમંત્રણ આપવાના છીએ તેમનું ટાઇમટેબલ ફિક્સ કરીને બોલાવીશું

ગયા વર્ષે જ્યારે અમે ગણપતિની ગોલ્ડન જ્યુબિલી ઊજવી હતી ત્યારે અંદાજ પણ નહોતો કે ૫૧મા વર્ષે ગણપતિ આટલી સાદાઈથી લાવવા પડશે એમ જણાવતાં બોરીવલીમાં રહેતાં વિશાખા શાસ્ત્રી આગળ કહે છે, ‘કોરોનાને લીધે આ વખતે અમે બે ફુટની જ ગણપતિની મૂર્તિ લાવવાના છીએ. આમ અમે દર વર્ષે અઢી ફૂટની લાવીએ છીએ. ગયા વર્ષે ૫૦મું વર્ષ હતું એટલે અમે ૧૫ ફૂટની મૂર્તિ લાવ્યા હતા. અમે બધાને આમંત્રણ પણ આપવાના છીએ, પરંતુ એમાં થોડો ફેરફાર કર્યો છે. અમે ૧૦ દિવસના ગણપતિ લાવીએ છીએ. પહેલાં બધા પહેલા દિવસે અને પછી છેલ્લા દિવસે એમ જ આવતા હતા, પરંતુ આ વખતે અમે બધાને વારાફરતી એટલે કે અલગ-અલગ દિવસે આવવા માટે કહેવાના છે જેથી ધસારો ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે.’

૩૩ વર્ષમાં ક્યારેય ગણપતિને આટલી સાદગીથી લાવવાનું વિચાર્યું નહોતું

ગણપતિને લાવવાથી લઈને તેમને લઈ જવા સુધીની પ્રક્રિયામાં ખૂબ જ સાવધાની રાખવાનું નક્કી કર્યું છે. પરંતુ ગણપતિ તો લાવીશું જ એમ જણાવીને કાંદિવલીમાં રહેતાં સોનલ સોમૈયા કહે છે, ‘અમે દર વર્ષે એક પ્રસંગની જેમ ગણપતિ લાવીએ છીએ. લગભગ સવાર-સાંજ ૫૦થી ૬૦ જણ જમવામાં હોય છે. ત્યાં સુધી કે ગણપતિ વખતે અમે ખાસ પુણેથી ઢોલ વગાડતી ટીમને બોલાવીએ છીએ. ગણપતિના મંડપ ડેકોરેશન અને ઘરમાં ડેકોરેશન કરવા માટે અમે બહારથી માણસને બોલાવીએ છીએ, પરંતુ આ વખતે જોખમ હોવાથી ઘરે જાતે જ ડેકોરેશન કરીશું. છેલ્લાં ૩૩ વર્ષથી ગણપતિ વખતે અમારા ઘરનો માહોલ કંઈક ઓર જ હોય છે, પરંતુ આ વખતે એવું કંઈ કરવાના નથી. માત્ર અમે ઘરના ચાર જણ જ ગણપતિની સેવા કરવાના છીએ.’

 

ganesh chaturthi darshini vashi columnists