પ્લાસ્ટિકનાં કૂંડાંનો મજાનો ઑપ્શન શોધી કાઢ્યો છે આ ટીનેજરે

28 January, 2022 07:08 PM IST  |  Mumbai | Sejal Patel

પ્લાસ્ટિકની બૉટલોના વધતા પૉલ્યુશન વચ્ચે આ પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એમાંથી ગ્રો બૅગ તૈયાર કરી છે ભિવંડીના ૧૭ વર્ષના જિનય ગડાએ. હલકાં-ફૂલકાં, પોર્ટેબલ અને ડ્યુરેબલ કૂંડાં બનાવવાના સાહસની સફર કેવી રહી એ જાણીએ

પ્લાસ્ટિકનાં કૂંડાંનો મજાનો ઑપ્શન શોધી કાઢ્યો છે આ ટીનેજરે

ગમેએટલી જાગૃતિ આવે પ્લાસ્ટિકની બૉટલ્સનો વપરાશ સંપૂર્ણપણે બંધ થઈ જાય એવું સંભવ નથી લાગતું. ત્યારે આ વપરાયેલા પ્લાસ્ટિકનું યોગ્ય રીસાઇક્લિંગ ક્રીએટિવલી કઈ રીતે થાય એ માટે કમર કસી છે ભિવંડીના ૧૭ વર્ષના જિનય ગડાએ. ગાર્ડનિંગનો તેને જબરો શોખ છે અને લૉકડાઉન દરમ્યાન નવરાશનો સમય મળતાં તેણે ઘરમાં જ કૂંડાં લાવીને વનસ્પતિ સાથે દોસ્તી કરવાનું શરૂ કરી દીધેલું. કચ્છીનો દીકરો હોવાથી લોહીમાં જ કંઈક નવું કરવાની ધગશ બહુ. લૉકડાઉન હળવું થયું એટલે તેણે કંઈક નવું શીખવા માટે થઈને પપ્પાની ટેક્સટાઇલની ફૅક્ટરીએ જઈને ફૅબ્રિક કઈ રીતે બને એ પ્રક્રિયા શીખવાનું શરૂ કર્યું. જિનય કહે છે, ‘આ સમયગાળા દરમ્યાન એકસાથે ઘણુંબધું બન્યું. પ્લાન્ટેશન માટે હું વજનમાં હલકા હોય એવા પૉટ્સ શોધી રહ્યો હતો પણ એમાં મજા નહોતી આવતી. પ્લાસ્ટિકનાં કૂંડાં ગરમીમાં તિરાડ પડીને ફાટી જતાં હતાં, માટીનાં કૂંડાં વજનમાં બહુ ભારે હતાં અને સિરૅમિકને બહુ નજાકતથી હૅન્ડલ કરવા પડે એમ હતાં. મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો ખબર પડી કે ચીનમાં ક્યાંક નૉન-વુવન ફૅબ્રિકના પૉટ્સનો પ્રયોગ થાય છે, પણ એ પ્રોડક્ટ્સ બહુ મોંઘી વેચાતી હોવાથી એ બહુ પ્રચલિત નથી. મારે આ દિશામાં કંઈક કરવું હતું એટલે ટેક્સટાઇલ ટેક્નૉલૉજીની સાથે પ્લાન્ટેશનમાં પણ શું નવું થઈ શકે એના પર વિચારતો રહેતો. ટેક્સટાઇલમાં પૉલિએસ્ટર માટેનું રૉ મટીરિયલ જોઈને મને વિચાર આવ્યો કે જો પ્લાસ્ટિકના વેસ્ટ કચરાને આવા રૉ મટીરિયલમાં કન્વર્ટ કરી શકાય તો એમાંથી ઘણુંબધું બની શકે. મને લાગ્યું કે ટેક્સટાઇલની ફૅક્ટરીમાં હું એને ઓછી કિંમતે બનાવી શકું છું. મેં પ્રયોગ શરૂ કરી દીધો. પહેલાં પ્લાસ્ટિકની બૉટલોને સાફ કરીને એને શ્રેડ કરી નાખી અને પછી એમાંથી પૉલિએસ્ટર જેવું રૉ મટીરિયલ બનાવવાના અખતરા કર્યા. એમાંથી બનાવેલી ગ્રો બૅગમાં શરૂઆતમાં પાણીનું ડ્રેનેજ પ્રૉપર નહોતું થતું. ટ્રાયલ ઍન્ડ એરર કરીને મેં ફૅબ્રિક તૈયાર કર્યું જેમાંથી બૅગ સ્ટિચ કરવા માટે આસપાસની મહિલાઓને કામ સોંપ્યું. ’
કેવા-કેવા ફાયદા? | એમાંથી પેદા થતું ફૅબ્રિક થોડુંક રફ હોવાથી એની થેલીઓ બનાવીને જિનયે એમાં જાતે રોપા વાવી જોયા અને જે પરિણામ મળ્યું એ મજાનું હતું. જિનય કહે છે, ‘સૌથી પહેલાં મેં પોતે જ ઘરના ગાર્ડનમાં આ બૅગોમાં પ્લાન્ટેશન કરવાનો પ્રયોગ કર્યો જેથી એમાં શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એ સમજી શકાય. ફાઇબરમાંથી બનેલી બૅગ હોવાથી એનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે કે એ કોઈ પણ માટી કે પ્લાસ્ટિકના પૉટ કરતાં હલકું-ફૂલકું છે. જસ્ટ ૧૪૦થી ૪૦૦ ગ્રામ જેટલું વજન આ બૅગનું હોય. હલકી હોવા છતાં એ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બની હોવાથી એની ડ્યુરેબિલિટી ઘણી સારી છે. એને સરળતાથી ઉપાડી શકાય એ માટે એને લિટરલી થેલીની જેમ બે સ્લીવ્ઝ આપી છે. કૂંડાને ખસેડવાનું કે ટ્રાન્સપોર્ટ કરવાનું કામ એનાથી સરળ બની જાય છે. ત્રીજો અને સૌથી મોટો ફાયદો પ્લાન્ટ્સને થતો જોવા મળ્યો. ફાઇબર બૅગ હોવાથી એમાં પોર્સ બહુ હોય. એને કારણે છોડનાં મૂળિયાંને બ્રીધ કરવા સરસ મળે. મૂળિયાં પણ ઊંડે સુધી વિસ્તરતાં હોવાથી છોડ પર ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ નૉર્મલ કરતાં વધુ માત્રામાં થાય છે. ચોથો ફાયદો એ છે કે ગ્રો બૅગમાં વાવેલા છોડની સૉઇલમાં ઓવરવૉટરિંગની સમસ્યા નિવારી શકાય છે. પોર્સને કારણે વધારાનું પાણી એમાંથી બહાર આપમેળે નીકળી જાય છે અને વધુ પાણીને કારણે મૂળિયાં સડી જવાની સમસ્યા નથી થતી.’
પૉલ્યુશન ઘટ્યું | અત્યારે જિનયના સ્ટાર્ટ-અપમાં ડઝનેક બહેનો બૅગ સ્ટિચ કરવાનું કામ કરી રહી છે. તે કહે છે, ‘મારા પહેલા જ સ્ટાર્ટઅપમાં બહેનો માટે એમ્પ્લૉયમેન્ટ ઑપોર્ચ્યુનિટી ઊભી થઈ શકી એ મારા માટે ગૌરવની વાત છે. બાકી પ્લાસ્ટિકના રીયુઝથી પૉલ્યુશન કન્ટ્રોલ માટે પણ હું કંઈક કરી શકું છું એ સારું લાગે છે. મારે ત્યાં ચાર સાઇઝની બૅગ્સ બને છે. સાઇઝ મુજબ એક બૅગથી લગભગ ૮થી ૨૦ પ્લાસ્ટિક બૉટલ રીસાઇકલ થાય છે. એટલું પ્લાસ્ટિક લૅન્ડફિલમાં જતું અટક્યું.’
૨૦૨૦માં અનાયાસે શરૂ થયેલી આ સ્ટાર્ટઅપ જર્નીમાં ઘણી અડચણો પણ આવી. એ વિશે જિનય કહે છે, ‘સૌથી પહેલાં તો એ મુશ્કેલી છે કે ૧૮ વર્ષ ન થયાં હોવાથી કોઈ બિઝનેસ મારા નામે ઑફિશ્યલી શરૂ થઈ શકે એમ નથી. એમ છતાં ક્રીએટિવિટીને કોઈ રોકી શકે એમ નથી. આ કામમાં બે મહત્ત્વનાં પાસાં હતાં. એક મૅન્યુફેક્ચરિંગ અને બીજું માર્કેટિંગ. સ્વાભાવિક છે મને માર્કેટિંગનો કોઈ અનુભવ નથી, પરંતુ મારો મોટો ભાઈ સોશ્યલ મીડિયા માર્કેટિંગનું કરે છે એટલે ડિજિટલ પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરતાં શીખું છું અને એમાં પણ હજી ઘણું શીખવાનું છે.’

વૉટ નેક્સ્ટ?

નૉન-વુવન મટીરિયલની ગ્રો બૅગ પછી આ જ મટીરિયલમાંથી બીજી નવી પ્રોડક્ટ્સ બનાવવા ઉપરાંત બીજો શો પ્લાન આગળ છે એ વિશે તે કહે છે, ‘અમે આ બૅગ પર લોગો, સ્લોગન કે કંઈક પેઇન્ટિંગ જેવું કરી આપવાનું હોય તો એ પણ કરી આપીએ છીએ. ચોક્કસ થીમ સાથે ગાર્ડન ડેવલપ કરવાના આખા પ્રોજેક્ટ લેવા માટે પણ હું મારા કેટલાક મિત્રોની ટીમ સાથે વિચારી રહ્યો છું.’

columnists sejal patel