લુપ્ત થઈ રહેલા પારંપરિક વાદ્યોને જીવંત રાખવાનું બીડું ઝડપ્યું છે

29 November, 2020 06:54 PM IST  |  Mumbai | Shailesh Nayak

લુપ્ત થઈ રહેલા પારંપરિક વાદ્યોને જીવંત રાખવાનું બીડું ઝડપ્યું છે

પરંપરાગત વાદ્ય વગાડી રહેલા અરવિંદ ચૌધરી

તમે નરહીલી, ટારપું કે ટારપી, મોટું ડોવળું, દેવ ડોવળી જેવાં નામ સાંભળ્યાં છે?

આ એક પ્રકારનાં વાદ્યો છે જે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના આગવા સંગીતનો મહત્ત્વનો ભાગ છે. કમનસીબે આ વાદ્યો શું છે, એ કેમ વગાડાય અેની કળા ભૂંસાઈ રહી છે. અરે, ભાગ્યે જ કોઈએ આ વાદ્યોમાંથી નીકળતું સંગીત સાંભળ્યું હશે. મતલબ કે આ કળા આજે નહીં તો આવતીકાલે નામશેષ થવામાં છે. જોકે એને ટકાવવા માટેના સઘન, સહૃદય અને સંનિષ્ઠ પ્રયાસો આદર્યા છે વ્યારામાં રહેતા એક ટીચરે.

પોતાના સમાજ અને સંસ્કૃતિ માટે વિશેષ લગાવ ધરાવતા આ  મુઠ્ઠીઊંચેરા શિક્ષક અરવિંદ ચૌધરીની લોકકલા અને વાદ્યોનું અસ્તિત્વ ટકાવી રાખવાની જિજીવિષાની કહાની કંઈક નોખી છે. આદિવાસી ચૌધરી સમાજનાં લોકવાદ્યોને જીવંત રાખવા ૫૪ વર્ષે આ શિક્ષકમહોદય વાદ્યો શીખ્યા છે. માત્ર જાતે શીખવું જ પૂરતું નથી એવું તેઓ સમજે છે એટલે તેમણે એક ડગ આગળ વધીને યુવાનોને આ વાદ્યો વગાડવાનું શીખવી પણ રહ્યા છે અને વાદ્યો વગાડવાની પરંપરાને જાળવી રાખીને એને આગળ વધારવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે.

સમાજનાં વાદ્યોની પરંપરા લુપ્ત થઈ રહી હોવાનું લાગતાં અરવિંદ ચૌધરીએ આ વાદ્યસંગીતને જીવંત રાખવાનું બીડું ઝડપ્યું. વાદ્યો ટકાવવા જોઈએ એવી શિખામણ આપવાને બદલે તેમણે જાતે જ એ શીખીને પહેલ કરી. વડીલ વાદ્યકાર જેશિંગભાઈ પાસેથી તેઓ વાદ્યો વગાડતાં શીખ્યા. જેમ-જેમ શીખતા ગયા તેમને સમજાયું કે માત્ર આટલું પૂરતું નથી. આ વાદ્યો બનાવવાની પદ્ધતિ પણ નોખી છે. એને બનાવવાની આર્ટ પણ વિશિષ્ટ છે એટલે એને બનાવતાં તેમ જ રિપેર કરતાં શીખ્યા. કહેવાય છે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે ઉંમરનો બાધ નડતો નથી. એ વાતને પ્રાઇમરી સ્કૂલના ૫૮ વર્ષના શિક્ષક અરવિંદ ચૌધરીએ યથાર્થ કરી બતાવી છે. મોટી ઉંમરે પરંપરાગત વાદ્યો શીખવાની ખેવના કેવી રીતે જાગી એ વિશે માંડીને વાત કરતાં અરવિંદ ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારા ચૌધરી સમાજની સંસ્કૃતિ વિશે હું સંશોધન કરું છું. આ દરમ્યાન મારા ધ્યાન પર આવ્યું અને મને લાગ્યું કે અમારા સમાજનાં પરંપરાગત વાદ્યોની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે મને થયું કે મારે આ વાદ્યો વગાડતાં શીખવું પડશે. આ વાદ્યો વગાડતા વડીલો સાથે વાત થઈ ત્યારે તેઓ કહેતા કે નવી પેઢી વાદ્યો શીખતી નથી અને આવનારા સમયમાં કદાચ આ પ્રથા લુપ્ત થશે. મને થયું કે પરંપરાગત વાદ્યો સામે દુર્લક્ષ સેવ્યું છે. આ મોટી કળા છે એને જીવંત રાખવી એ મારી સામાજિક જવાબદારી છે. આ વાદ્યો અમે નહીં વગાડીએ તો બીજું તો કોઈ વગાડશે નહીં કે બનાવશે નહીં. બીજા કોઈ વગાડશે નહીં તો એ નામશેષ થઈ જશે એટલે આ વાદ્યોને હું જીવંત રાખવા મેં મારી જાતે જ પહેલ કરી.’

પ્રસંગાનુસાર વાદ્યવાદન થાય

આદિવાસી ચૌધરી સમાજના કયાં પરંપરાગત વાદ્યો છે અને કયા પ્રસંગે કયું વાદ્ય વગાડવામાં આવે છે એની વાત કરતાં અરવિંદ ચૌધરી કહે છે, ‘જુવારનાં પાંદડાંમાંથી પીપી વાદ્ય બને છે. ઢોર ચરાવતા છોકરાઓ આ વાદ્ય વગાડતા હોય છે. બીજું નરહીલી વાદ્ય છે. ટારપી અને ટારપું નામે ઓળખાતું વાદ્ય છે. મોટું ડોવળું અને દેવ ડોવળી વાદ્ય છે. આ બધાં વાદ્યો પોલા વાંસમાંથી બને છે. દેવ ડોવળી વાદ્ય વગાડવામાં અઘરું છે. આ વાદ્ય દેવપૂજામાં વગાડવામાં આવે છે. ટારપું અને મોટું ડોવળું વાદ્ય આનંદના પ્રસંગે વગાડાય છે. લગ્નપ્રસંગમાં મોટું ડોવળું વગાડાય છે. તેનાં ગીત–ધૂન જુદાં હોય છે. નરહીલી વાદ્ય વિશેષ પ્રસંગ માટે નહીં, પણ ગમે ત્યારે વગાડી શકાય છે. શરૂઆતમાં શીખવા માટેનું આ વાદ્ય છે. અમારા સમાજમાં કોઈ ગુજરી જાય તો મોક્ષની કલ્પના નથી, પણ પથ્થરના પાળિયા સ્થાપિત કરીએ છીએ. કોઈ ગુજરી ગયું હોય તેની સ્થાપના થાય એને ખતરા પૂજાવિધિ કહે છે. એ સમયે દેવ ડોવળી વાદ્ય વગાડીએ છીએ.’

લૉકડાઉનનો સદુપયોગ

વાદ્ય વગાડતાં શીખવાની શરૂઆત ક્યારથી કરી અને કેવી રીતે બીજા યુવાનો પરંપરાગત વાદ્યો શીખવા માટે આકર્ષાયા એ વિશે માહિતી આપતાં અરવિંદ ચૌધરી કહે છે, ‘વાદ્ય શીખવાની શરૂઆત મેં ચાર વર્ષ પહેલાં કરી હતી. હજી પણ હું જુદાં-જુદાં વાદ્ય શીખી રહ્યો છું. કેમ કે આ પરંપરાગત વાદ્યો આજીવન શીખવાની પ્રક્રિયા છે. મારા વડવાઓ જે કલાકારો છે તેમને હું સાંભળું છું, રેકૉર્ડ કરું છું અને એ સાંભળીને શીખું છું. આ એક જન્મમાં ન શીખી શકાય એવી કળા છે. લૉકડાઉન પહેલાં મેં યુવાનોને આ વાદ્યો શીખવવાનું શરૂ કર્યું છે. વાદ્ય શીખવાડવાની શરૂઆત મેં મારા દીકરા કાર્તિકથી કરી હતી. હું વ્યારામાં રહું છું જ્યાં આડોશ-પાડોશમાં રહેતા યુવાનિયાઓ તેમ જ મિત્રો હોય તેમના સુધી આ વાદ્યોની વાત પહોંચી અને યુવાનોને થયું કે આ આપણું વાદ્ય છે એને ન ભૂલવું જોઈએ. એમ થતાં યુવાનો વાદ્યો શીખવા માટે આવતા થયા છે. સાંજે મને સમય મળે ત્યારે દોઢથી બે કલાક વાદ્યોનો અભ્યાસ કરું છું અને બધાને શીખવાડું છું.’

જે સુશીર વાદ્યો તરીકે કે પછી તળપદી ભાષામાં ફૂંકણી વાદ્યો તરીકે ઓળખાતા આ વાદ્યો વગાડવાં આસાન નથી હોતાં. કેવી રીતે વાગે છે આ વાદ્યો એ સમજાવતાં અરવિંદ ચૌધરી કહે છે, ‘નાક વાટે શ્વાસ લેવાનો અને મોઢેથી શ્વાસ છોડવાનો. આ સર્ક્યુલેશન તૂટે તો વાદ્ય વાગતું બંધ થઈ જાય. એટલે સતત શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા ચાલુ રાખવી પડે છે. તમે જ્યારે આ વાદ્ય વગાડો ત્યારે એક ક્ષણ માટે પણ શ્વાસ બંધ ન કરી શકો.’

ચાણક્યએ કહ્યું છે કે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ એ વાત આજના સમયે પણ અરવિંદ ચૌધરી જેવા લોકકલા અને વાદ્ય સંસ્કૃતિને જીવંત રાખનાર શિક્ષક સાર્થક કરી રહ્યા છે. એક શિક્ષક શુભત્વ કાર્ય માટે કોઈ સંકલ્પ કરે તો એ કાર્યમાં સફળતાના સૂર રેલાતા જોવા મળે છે.

સૂકી દૂધી, થોર, વાંસ, તાડનાં પાંદડાંમાંથી બને મોરપિચ્છથી શણગારાય

 આપણે શાકભાજીમાં જે દૂધીનો ઉપયોગ કરીએ છીએ એ દૂધીની વાત અહીં થઈ રહી છે, બસ ફરક માત્ર એટલો છે કે એ સૂકી દૂધી હોવી જોઈએ. વાદ્યો નૅચરલ વસ્તુઓમાંથી બને છે એમ કહીને અરવિંદ ચૌધરી તેમની રસપ્રદ માહિતી આપતાં કહે છે, ‘સૂકી દૂધીનો ઉપયોગ આ વાદ્યોમાં થાય છે. વાંસની પોલી ભૂંગળી પર છિદ્રો બનાવવામાં આવે છે અને એના પર સૂકી દૂધી લગાડવામાં આવે છે. ધ્વનિને મધુરતા આપવાનું કામ સૂકી દૂધી કરે છે અને વાદ્યને સુરીલું બનાવવાનું કામ કરે છે. મોટું ડોવળું અને દેવ ડોવળી વાદ્યમાં સૂકી દૂધી વપરાય છે. એક ફુટથી લઈને ચાર–પાંચ ફુટની લાંબી દૂધી વાદ્યો બનાવવામાં વપરાય છે.’

અરવિંદ ચૌધરી કહે છે, ‘વાદ્યોને જૉઇન્ટ કરવા માટે થોરના ગૂંદરનો ઉપયોગ થાય છે. વાડ બનાવવા માટે જે થોર હોય છે એમાંથી મીણ તૈયાર કરવામાં આવે છે. મરેલા થોરને શોધવા એ દુર્લભ વસ્તુ છે. આ થોર હોળી પછી ચોમાસા સુધીમાં શોધવા પડે છે. થોરમાં ગૂંદર જેવું પ્રવાહી હોય છે. એનો ઉપયોગ વાદ્યોને જૉઇન્ટ કરવામાં થાય છે. સૂકી દૂધી, વાંસ અને તાડનાં પાંદડાંનો ઉપયોગ વાદ્યો બનાવવામાં થાય છે. વાદ્ય સાથે મોરના પીંછાં લગાવીએ છીએ.’

columnists shailesh nayak