કાંદિવલીની આ સોસાયટી તો ભઈ જબરી ક્રિકેટપ્રેમી

10 February, 2021 12:53 PM IST  |  Mumbai | Rupali Shah

કાંદિવલીની આ સોસાયટી તો ભઈ જબરી ક્રિકેટપ્રેમી

કાંદિવલીની આ સોસાયટી તો ભઈ જબરી ક્રિકેટપ્રેમી

IPLની જેમ જ ટીમ ઓનર્સ બનાવ્યા, ઑક્શન દ્વારા ટીમો બનાવી, પ્લેયરોએ પ્રોફેશનલ કોચ પાસે ટર્ફ બુક કરાવીને ટ્રેઇનિંગ લીધી અને ત્રણ દિવસની બાકાયદા ટુર્નામેન્ટનું આયોજન કર્યું. કોરોનાના ડિપ્રેસિવ માહોલમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સૅનિટાઇઝેશનની પૂરતી કાળજી લઈને આખી સોસાયટીએ માણ્યો ક્રિકેટોત્સવઃ માત્ર ક્રિકેટ જ નહીં, કોઈ પણ તહેવારની ઉજવણીને એક વિશાળ પરિવારની જેમ માણતા આ સાચકલા ગોકુલધામ પાસેથી મુંબઈની ભાગદોડની લાઇફને મજ્જાની બનાવતાં શીખવા જેવું છે

પર્સનલ જૉગિંગ ટ્રૅક, ગાર્ડન, સ્વિમિંગ-પૂલ, ક્લબ-હાઉસ, જિમ અને હેલ્થ-ક્લબ એમ કોઈ પણ પૉશ સોસાયટીમાં હોય એવી તમામ સુવિધાઓ ધરાવતી કાંદિવલીની અગ્રવાલ રેસિડન્સીની ખાસિયત એની સવલતોમાં નહીં; અહીંના દરેક મેમ્બરની લાઇફ સેલિબ્રેટ કરવાની જીવનનીતિમાં છુપાયેલી છે. મુંબઈની બિઝી લાઇફમાં જ્યાં પાડોશીને કેમ છો પૂછવાની ફુરસદ નથી હોતી ત્યાં આ સોસાયટીમાં ૨૪૦ કુટુંબો એક સંયુક્ત પરિવારની જેમ સુખ, દુઃખ અને સેલિબ્રેશનમાં હંમેશાં સાથે રહે છે. છાશવારે મેળાવડા થતા રહે છે અને એનું કારણ છે અહીંના લોકો બહુ મળતાવડા છે અને આવા મેળાવડાઓને સફળ બનાવવા માટે ટપુસેના જેવી યુવાનોની ટીમ પણ હંમેશાં ઉત્સાહથી તરબતર રહે છે. શંકર લેનમાં આવેલી આ સોસાયટીમાં છેલ્લાં આઠ વર્ષથી લગભગ દરેક તહેવાર બધાએ સાથે જ ઊજવ્યો છે. નવરાત્રિ હોય, ગણેશોત્સવ હોય કે થર્ટી ફર્સ્ટની પાર્ટી; લગભગ ૯૦ ટકા પરિવારો કચ્છી, ગુજરાતી અને મારવાડી છે એટલે સૌનું લાઇકિંગ પણ મળતું આવે.
ગયા મહિને માત્ર સોસાયટીના સભ્યો માટે જ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું. આ કોઈ જસ્ટ ટાઇમપાસ ટુર્નામેન્ટ નહોતી, પરંતુ સતત પાંચમી સીઝન હતી. આ માટે બાકાયદા અલગ કમિટી બનાવવામાં આવી છે. IPLની જેમ ટુર્નામેન્ટનું નામ રાખ્યું છે APL એટલે કે અગ્ર‍વાલ પ્રીમિયર લીગ. અહીં ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન થાય એટલે લગભગ બે મહિના પહેલાંથી જ ક્રિકેટનો માહોલ બની જાય. ભલે અહીં IPLની જેમ કરોડો સંકળાયેલા નથી, પણ સિસ્ટમ બધી જ પ્રોફેશનલ આઇપીએલ જેવી જ. બૉય્ઝ, ગર્લ્સ અને જનરલ એમ ત્રણ પ્રકારની ટીમો બનાવવામાં આવી અને એ દરેક ટીમના સ્પૉન્સર્સ પણ નક્કી થાય. સ્પૉન્સર ટીમ પાસેથી ૯૦૦૦ રૂપિયા લેવામાં આવે અને પ્લેયર તરીકે ભાગ લેવા માગતા સોસાયટી મેમ્બર પાસેથી ૬૦૦ રૂપિયાની પાર્ટિસિપેશન ફી લેવામાં આવે. આ ભેગી થયેલી રકમમાંથી ટુર્નામેન્ટના ત્રણ દિવસ દરમ્યાન નાસ્તા, અમ્પાયર, ડેકોરેશન વગેરેનો ખર્ચ નીકળી જાય. સોસાયટીના સભ્ય અને ટુર્નામેન્ટના આયોજનમાં આગળ પડતો ભાગ લેનારા કિરીટ મોરવડિયા કહે છે, ‘આઇપીએલની જેમ જ દરેક ટીમની ઓનરશિપ નક્કી કરવામાં આવે છે. ઇવેન્ટને બહુ પ્રોફેશનલ આકાર આપવામાં આવ્યો છે. ક્રિકેટમાં હિસ્સો લેવા માટે સભ્યોએ ઑનલાઇન ફૉર્મ ભરવાનું અને એ પછી નક્કી કરેલી તારીખે બાકાયદા ઑક્શન થાય. દરેક ઓનરને એક કરોડ પૉઇન્ટનું બજેટ આપવામાં આવ્યું છે. આ પૉઇન્ટ્સ વાપરીને તેઓ પોતાને મનગમતા પ્લેયર્સને ખરીદી શકે.’
આ ટુર્નામેન્ટના નિયમો પણ પહેલેથી જ નક્કી હોય અને એનું બરાબર પાલન થાય એ માટે પ્રોફેશનલ અમ્પાયર હાયર કરવામાં આવે. સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ખાસ અગ્રવાલ રેસિડન્સી ક્રિકેટ ક્લબ (ARCC) પણ અહીં ચાલે છે. આ ક્લબના સક્રિય મેમ્બર જય ઓધરાણી કહે છે, ‘APLની આ પાંચમી સીઝનમાં ૧૨ મેન, ૬ લેડીઝ, ૩ બૉય્ઝ અને બે ગર્લ્સની એમ કુલ ૨૩ ટીમોએ ભાગ લીધો હતો. પહેલા વર્ષે શરૂ કરેલું ત્યારથી અત્યાર સુધી ઉત્તરોત્તર ક્રિકેટપ્રેમીઓનો વધારો થતો રહ્યો છે. અમે પણ લોકોનો ઉત્સાહ દર વર્ષે ઇવેન્ટની ફૅસિલિટી અને પ્રોફેશનલઝિમમાં વધારો કરતા રહ્યા છીએ. આ વખતે સોસાયટીના જ ગ્રાઉન્ડમાં ટર્ફ તૈયાર કરવામાં આવી હતી. આ વર્ષે અમારી સોસાયટીની મહિલાઓએ અત્યંત પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો. દર વર્ષે આશરે 35 જેટલી લેડીઝ ભાગ લે છે, પણ આ વખતે લગભગ બમણી મહિલાઓએ હિસ્સો લીધો.’
આખીય ટુર્નામેન્ટને વધુ પ્રોફેશનલ ટચ મળી રહે એ માટે સોસાયટીના મેમ્બરો જ પોતાની મેળે કેટલાક ચોક્કસ ખર્ચાઓ ઉપાડીને સ્પૉન્સર બની જાય છે. જેમ કે આ વખતે ટ્રૉફી, ટર્ફ, ફૂડ, ટેનિસ બૉલ્સ અને ટી-શર્ટ્સ માટે અલગ-અલગ મેમ્બરોએ સ્પૉન્સરશિપ ઉપાડી લીધી હતી.
કોવિડના માહોલમાં પણ આ ટુર્નામેન્ટ કેમ કરવાનું નક્કી કર્યું એ વિશે કિરીટ મોરવડિયા કહે છે, ‘અમારી અગ્રવાલ રેસિડન્સી સોસાયટી સાચકલું ગોકુલધામ બની રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. કોવિડને લીધે સોસાયટીમાં રીતસરનો સન્નાટો છવાઈ ગયો હતો. એને દૂર કરવો જરૂરી હતો. અમારી સોસાયટીના ઘરે-ઘરે ક્રિકેટપ્રેમીઓ વસે છે. એટલે જ વિચાર્યું કે હાલના આ માહોલને ફરીથી તરવરતો કરવા માટે કોઈ ઉત્સાહનું ઇન્જેક્શન મળે એવી ઍક્ટિવિટીની જરૂર છે જ. દર વર્ષે ૨૬ જાન્યુઆરી આસપાસ અમે આ ટુર્નામેન્ટ કરીએ જ છીએ તો શા માટે એને ટાળવી? કોવિડને હિસાબે અમુક રિસ્ટ્રિક્શનને નજરઅંદાજ કરીએ તો પ્લેયર્સનો ઉત્સાહ અને જીતનો જુસ્સો જોઈને દરેક જણ મોટિવેટ થઈ જાય એવો માહોલ રચાયેલો હતો.’
એક સે બઢકર એક
આ ઇવેન્ટ ઉપરાંત અહીં ગણેશોત્સવ, નવરાત્રિ, હોળી, ફ્લૅગ હૉઇસ્ટિંગ સહિત મહારાજ સાહેબનાં પગલાં થવાનાં હોય કે અધિક માસની કથા-વાર્તા વાંચવાની હોય, બધા જ તહેવારો ઉત્સવ બની જાય છે. બધું ફુલફ્લેજ પ્લાનિંગ સાથે થાય છે. ઉજવણી વખતે સ્વચ્છતા, પર્યાવરણની અવેરનેસ જેવી ડિસિપ્લિન પણ જળવાય છે. છેલ્લાં બારેક વર્ષથી અહીં રંગેચંગે ગણપતિજીની સ્થાપના અને વિસર્જન થાય છે. દાયકાથી નવરાત્રિ પણ ઊજવાય છે. પરિવારને માટે જમવાનું બનાવવામાં અને તેમને જમાડવામાં અમારી સોસાયટીની મહિલાઓના એન્જૉયમેન્ટનો સમય ઝૂંટવાઈ ન જાય અને તેમના રંગમાં ભંગ ન પડે એટલે નોરતાં દરમિયાન નવેનવ દિવસ સોસાયટીમાં જમણવાર રાખવામાં આવે છે. સોસાયટીમાં સિનિયર સિટિઝનોનું પણ મોટું ગ્રુપ છે. દર મંગળવારે તેઓ ભજન-કીર્તન પણ કરે છે.

મિલ-ઝૂલ કે બના ખૂબસૂરત સા માહોલ
આ સોસાયટીના સભ્ય પંકજ કોટેચા કહે છે, ‘એક ઇવેન્ટનો નશો ઊતરે એ પહેલાં તો અહીં બીજી નવી ઇવેન્ટનું પ્લાનિંગ શરૂ થઈ જતું હોય છે. અગ્રવાલ રેસિડન્સીનો મુખ્ય ઉદ્દેશ આખી સોસાયટીમાં સંપ અને સહકારની ભાવના જાળવી રાખવાનો છે. હળીમળીને થતી ઉજવણીને લીધે લાઇફ વ્યસ્ત અને મસ્ત રહે છે. રમત-ગમતની ઍક્ટિવિટીઓને લીધે દરેકનો સ્પોર્ટ્સમૅનશિપ સ્પિરિટ મજબૂત થાય છે. નાના-મોટા દરેક વચ્ચે એક બૉન્ડિંગ બને છે. એક એવો ખૂબસૂરત માહોલ રચાય છે જેની માયા છોડી નથી શકાતી એટલે જ અહીંના લોકોને સોસાયટી છોડીને બીજે જવાનું મન નથી થતું અને અહીંની પ્રવૃત્તિઓ વિશે જાણીને લોકોને અહીં રહેવા આવવાની ઇચ્છા થઈ જાય છે.’

લાઇટ મૂડમાં સિન્સિયર મેસેજ

થર્ટી ફર્સ્ટની લાઇવ બૅન્ડ સાથેની ઉજવણી વખતે સોસાયટી દ્વારા એક ઉમદા સંદેશ લોકો સુધી પહોંચે એ માટેનો સંનિષ્ઠ પ્રયાસ પણ થયો હતો. એ જૂની યાદને મમળાવતાં સોસાયટીના કમિટી મેમ્બર રાકેશભાઈ કહે છે, ‘થર્ટી ફર્સ્ટની ઉજવણી આપણે દારૂને બદલે દૂધથી પણ મનાવી શકીએ છીએ એવા સુંદર વિચાર સાથે અમે એ દિવસના ડિનર પછી ખાસ મથુરામાં મળે છે એવા કઢિયલ દૂધનું કાઉન્ટર રાખ્યું હતું અને મેમ્બરોએ દૂધ પીને નવા વર્ષની ઉજવણી માણેલી.’  

columnists cricket news