આ શાહપરિવાર મતભેદો હોવા છતાં એકજુટતાની મિસાલ છે

01 January, 2020 03:02 PM IST  |  Mumbai | Bhakti D Desai

આ શાહપરિવાર મતભેદો હોવા છતાં એકજુટતાની મિસાલ છે

શાહપરિવાર

બોરીવલીમાં રહેતા નરેન્દ્રભાઈ જી. શાહ માત્ર ૬૮ વર્ષની ઉંમરના છે, પણ તેમનો ત્રણ પેઢીનો સંયુક્ત પરિવાર એક જ ઘરમાં રહે છે. તેમને ત્રણ પુત્ર, ત્રણ પૌત્રી અને એક પૌત્ર છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની વીરબાળા, પુત્ર સચિન, વહુ તૃપ્તિ અને ૧૬ વર્ષની ઉંમરનો પૌત્ર વિરાજ તેમની સાથે રહે છે. બીજા પુત્ર પ્રશાંત, પૂત્રવધૂ તેજલ, પૌત્રી સાનવી અને સીમા અમેરિકામાં રહે છે અને ત્રીજા પુત્ર કુણાલ, પૌત્રી ખ્યાતિ અને પૌત્રી વિહાના પણ પરદેશમાં જ રહે છે.

નરેન્દ્રભાઈ જન્મથી લગ્ન સુધી મુંબઈના ભુલેશ્વરમાં જ રહ્યા હતા. તેમનું ઘર માત્ર ૧૮૦ ચોરસ ફુટનું હતું અને તેમની ઉંમર તેમનાં ભાઈ-બહેનો કરતાં ઘણી નાની હતી. આટલા નાના ઘરમાં વચ્ચે એક પાર્ટિશન કરીને ‍તેમનાં માતા-પિતા, ત્રણ બહેનો, એક ભાઈ બધાં સાથે રહેતાં. નરેન્દ્રભાઈનું જીવન અન્ય બાળકો કરતાં થોડું અલગ રહ્યું, કારણ કે તેઓ જ્યારે નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે નવ મહિનાના અંતર પર પિતા અને માતા બન્નેનાં અવસાન થયાં. એ એક એવો સમય હતો કે માતા-પિતાનો સ્વભાવ ઘણો કડક રહેતો, પણ બાળક સમજણું થાય ત્યારે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધમાં થોડો મૈત્રીભાવ આવતો. નરેન્દ્રભાઈને તેમનાં માતા-પિતા સાથે જીવનમાં વધારે સમય મળી શક્યો નહીં એથી તેમને એવો અવસર ન મળ્યો કે તેઓ માતા-પિતા સાથે મૈત્રીભર્યા સબંધની મજા માણી શકે. આ જ કારણથી તેઓ એક સ્વાવલંબી વ્યક્તિ રહ્યા છે.

માતા-પિતાનું બાળકો પ્રત્યેનું વલણ

નરેન્દ્રભાઈ પહેલાંની પેઢી અને આજની પેઢી વચ્ચે માતા-પિતા અને બાળકોના સંબંધને સરખાવતાં કહે છે, ‘અમારો સમય એવો હતો કે માતા-પિતાની સામે જવાબ આપવો તો દૂર, પણ તેમની સાથે નજર મેળવીને અમે વાત પણ ન કરી શકતા. પહેલાંના સમયમાં બાળકોની માતા-પિતા સાથેની વાતચીત બહુ મર્યાદિત રહેતી. જો કોઈ ગંભીર વિષયની ચર્ચા કરવી હોય તો જ બાળકોનો પિતા સાથે સંવાદ સાધવાનો વારો આવતો.’

તેમનાં પત્ની પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે, ‘મારા પિયરમાં તો અમારે સ્કૂલમાંથી ક્યાંય પિકનિક પર જવું હોય અને પપ્પા પાસેથી પરવાનગી લેવી હોય તો મમ્મીને જ મસકા મારીને ડરી-ડરીને વાત કરવી પડે. અમારે ત્યાં છોકરો હોય કે છોકરી, સાંજે સાડાછ વાગ્યા પછી ઘરની બહાર જવાની પપ્પા તરફથી મનાઈ રહેતી.’ 

એટલી વારમાં નરેન્દ્રભાઈનો ફોન રણક્યો. સામેથી પુત્ર સચિનના ઉષ્માભર્યા અવાજથી એ પિતા-પુત્રની વચ્ચે રહેલી નિકટતા સમજાઈ ગઈ.

ત્રીજી પેઢી ઃ પૌત્ર વિરાજ એક સ્મિત આપી કહે છે, ‘મારે માટે તો આ બધી વાતો નવાઈ પમાડે એવી છે, કારણ કે મારા દાદા-દાદી સાથેના અને

મમ્મી-પપ્પા સાથેના સંબંધ એટલા મૈત્રીભર્યા છે કે તેમની સાથે હું મારા જીવનની દરેક વાત કરી શકું છું. હા, તેમણે મને દરેક સારી વાત શીખવી છે, પણ પ્રેમથી અને સમજાવીને. જ્યારે પણ મારો કોઈ મુદ્દો હું માંડું તો અમારે ત્યાં એના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવે જેમાં બધાના મતભેદ હોય, પણ છેલ્લે હું મારી વાત મનાવી લઉં ખરો. ત્રણે પેઢી વચ્ચે મતભેદ હોવા છતાં અમારી વચ્ચેનો પ્રેમ અકબંધ છે.’

બાળપણનાં સંભારણાં

પોતાના ભુલેશ્વરનાં ઘર અને જિંદગી વિષે નરેન્દ્રભાઈ કહે છે, ‘એ સમયે સાધન-સુવિધા નહોતાં, પણ જીવન જીવવાની અસલી મજા હતી. મેં એ સમયમાં બીકૉમ કર્યું, પણ ભણવાનો કોઈ ભાર માથા પર રાખ્યો નહોતો. ભાઈ-બહેન મોટાં હતાં એથી મિત્રો સાથે રમતો. સંતાકૂકડી, આઝાદ મેદાનમાં ક્રિકેટ, ગોટી જેવી રમતો રમતાં હું મોટો ક્યારે થઈ ગયો એ ખબર જ ન પડી. આજનાં બાળકો જેમ નાનપણથી ફક્ત ભણવાની ચિંતા લઈને જીવે છે એવું અમારા જીવનમાં નહોતું.’

બીજી પેઢી : વહુ તૃપ્તિ પોતાનું બાળપણ યાદ કરતાં કહે છે, ‘અમે આમ તો માઝગાવમાં સંયુક્ત પરિવારમાં રહેતાં. મોડાસા પાસે એક શિનાવાડ નામનું ગામ છે, જે મારા પપ્પાનુ વતન હતું. અમારા કુટુંબનાં બધાં બાળકો ઉનાળાની રજાઓમાં મળીને ત્યાં મજા કરતાં. જે રમતો મારી પેઢીના અન્ય લોકો નથી રમ્યાં એ હું રમી છું, કારણ કે અમે એટલાં ભાગ્યશાળી હતાં કે અમને ગામડાનું જીવન જીવવાનો અવસર મળ્યો હતો. મને આ તક મળી, પણ વિરાજે ક્યારેય ગામડાનું જીવન જોયું જ નથી જે અસલમાં માણવા જેવું છે.’

લગ્ન પહેલાં ગયા હિલ-સ્ટેશન 

પોતાના લગ્ન કેવી રીતે નક્કી થયેલાં એ વિશેની વાત કરતાં રમૂજમાં નરેન્દ્રભાઈ કહે છે, ‘આમ તો લોકો લગ્ન પછી હિલ-સ્ટેશન ફરવા જાય, પણ હું મારાં લગ્ન માટે છોકરી જોવા મિત્રને લઈ હિલ-સ્ટેશન ગયો હતો એનું કારણ એ હતું કે છોકરી માથેરાન રહેતી હતી. છોકરીનું નામ વીરબાળા. હું જોવા ગયો. તેનાં મમ્મી-પપ્પાએ ચર્ચા કરી અને અમારું સગપણ નક્કી થયું. નવાઈની વાત એ છે કે તેણે ક્યારેય મુંબઈ જોયું નહોતું.’

ભૂલી ન શકાય એવી યાદો

વીરબાળાબહેન મુંબઈના અનુભવને વર્ણવતાં કહે છે, ‘એ સમયે બહારગામ આવતાં-જતાં મેં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ટ્રેનમાંથી જોયું હતું, પણ લગ્ન નક્કી થયાં ત્યારે પ્રથમ વાર મુંબઈ આવી. માથેરાનમાં મારું ઘર ખૂબ મોટું હતું અને અહીં પરણીને આવ્યા પછી ઘર ખૂબ જ નાનું લાગતું. રસોડામાં એક વાસણ લેવા જાઉં તો બે વાસણ નીચે પડે એવી પરિસ્થિતિ હતી, કારણ કે ઘર ખૂબ નાનું હતું. મારે સાસુ-સસરા નહોતાં, અમે જેઠ સાથે રહેતાં એટલે વહુ તરીકે સાડી પહેરવી અને ઘૂંઘટ ઓઢવો આ બે રિવાજ મારે ફરજિયાત પાળવા પડતા. સાચું કહું તો આજના જમાનાની છોકરીને કદાચ આ સમસ્યા લાગે, પણ અમારે માટે એ જીવન એક યાદગીરી બની ગયું છે. અમે બોરીવલી રહેવા આવ્યાં એ પછીથી એકલાં બહાર જઈએ ત્યારે હું ડ્રેસ પહેરવા લાગી.’

બીજી પેઢી : તૃપ્તિબહેન લગ્ન પછી સાસરે આવ્યા પછી પોતાના પહેરવેશની વાત કરતાં કહે છે, ‘મને બધી છૂટ આપી છે. અમે અમારી મર્યાદામાં રહીએ; પણ ડ્રેસ, જીન્સ આ બધું પહેરવામાં મને કોઈ રોકટોક નથી.’

ટેક્નૉલૉજી એક અજુબો

નરેન્દ્રભાઈ ટેક્નૉલૉજી માટે કહે છે, ‘અમને મોબાઇલ ફોન, ઇન્ટરનેટ જેવી ટેક્નૉલૉજી વિસ્મય પમાડે છે કારણ કે અમે અડધાથી વધારે જીવન સાદાઈમાં કાઢ્યું. આજે અહીં બેઠાં-બેઠાં અમે મારા દીકરાનું ઘર જોઈએ અથવા એને જોઈ શકીએ એ મોટી વાત છે. અમારે ત્યાં સૌપ્રથમ ટીવી આવ્યું ત્યારે આડોશ-પાડોશના લોકો છાયાગીત જોવા ઘરે આવતા અને આખું ઘર લોકોથી ભરાઈ જતું. એવા સમયને જોયા પછી આ જમાનો અમને વિસ્મયથી ભરપૂર લાગે છે.’

બીજી પેઢી : પુત્ર પ્રશાંત ટેક્નૉલૉજીના અપગ્રેડેશન વિશે વાત કરતાં કહે છે, ‘દરેક સમયની પોતાની આગવી મજા છે. આજની પેઢી છે, જે આગળ પડતી ટેક્નૉલૉજી પર ગર્વ કરે છે અને જૂની પેઢી પોતાના સાદા જીવનને યાદ કરી એની મજા લે છે. પેઢી કોઈ પણ હોય, એની સાથે એના સમયની દરેક વાત વિશેષ બની જાય છે.’

ત્રીજી પેઢી : વિરાજ ટેક્નૉલૉજીને કારણે જીવનમાં આવેલી સરળતાનું ઉત્તમ ઉદાહરણ આપતાં પોતાના એસએસસીના પરિણામ વિશે કહે છે, ‘હું મારા કાકાના ઘરે યુએસ ગયો હતો અને મને મિત્રોના ફોન આવ્યા. સવારે ઊઠીને બધા સાથે બેઠા અને લૅપટૉપ પર રિઝલ્ટ જોયું.’

જ્યારે સોસાયટીમાં એક-બે જણને ત્યાં જ ફોન હતા ત્યારે કેવું-કેવું થતું!

‘ફોન લેવા જાઉં છું’ આ શબ્દપ્રયોગ ત્યારે સાંભળવા મળતો જ્યારે પોતાના સંબંધીનો ફોન પાડોશના ફોન પર આવે. પહેલાંના જમાનામાં જ્યારે સુખ-સુવિધાઓનો અભાવ હતો અને નવા-નવા લૅન્ડલાઇન ફોન આવ્યા હતા ત્યારે પરિસ્થિતિ એવી હતી કે રોકડા પૈસા ભર્યા પછી પણ પોતાના ઘરે ફોનની લાઇન આવે એ માટે વર્ષો સુધી ઊભા રહેવું પડતું. એમાં પણ ટેલિફોન એક સાહ્યબી હતી અને એટલે દરેકના ગજવાને પરવડતી નહીં. બિલ્ડિંગમાં કોઈ એકાદ જણના ઘરે ટેલિફોનની લાઇન હોય તો બધા તેમનાં સગાંવહાલાંને એ પાડોશીનો ફોન-નંબર આપે અને કોઈને માટે ફોન આવે ત્યારે એ પાડોશીએ બિચારાએ સમાજસેવા કરવી પડે અને એ પાડોશીને બોલાવવા જવું પડે. આવો જ એક પ્રસંગ વર્ણવતાં વીરબાળાબહેન કહે છે, ‘અમારા બિલ્ડિંગમાં ચોથા માળે એક પાડોશીના ઘરે ફોન હતો અને ફોન નવા-નવા આવ્યા ત્યારે લોકો મજા માટે પણ ફોન કરતા. આટલાંબધાં ઘરમાંથી એક જ ઘરમાં ફોન હોય તો તમે કલ્પના કરી શકો છો કે જ્યારે સમયે-કસમયે બિલ્ડિંગમાં રહેતા લોકોનાં સગાં-સંબંધીઓ તેમને ફોન કરીને માત્ર સંદેશો જ ન આપે, પણ ફોન પર વાત કરવા અમને બોલાવવાનું કહે. આવું વારે-વારે થતું અને છેલ્લે તેમણે કંટાળીને ફોન પર પાડોશીને બોલાવવાના પૈસા લેવાના શરૂ કર્યા. બસ, ત્યાર પછી બધાએ પોતાનાં સગાંઓને ચેતવણી આપી દીધી કે અત્યંત અગત્યના સમાચાર હોય તો જ ફોન કરવો.’

columnists