આ ભાઈ-બહેનની જોડી તમને બનાવી દેશે માસ્ટર શેફ

17 June, 2021 11:47 AM IST  |  Mumbai | Sejal Patel

કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ વિનાના આ પ્યૉર વેજ સૉસ વાપરીને તમે ચૂટકીમાં ગોર્મે સ્ટાઇલ ખાઉસે, સ્પૅગેટી, સ્ટર ફ્રાય ડિશ ઘરે બનાવતાં થઈ જશો

શેફ ચિરાગ મકવાણા, શેફ બીજલ મકવાણા

દાદરમાં રહેતાં શેફ બ્રધર-સિસ્ટર ચિરાગ અને બીજલ મકવાણાએ લૉકડાઉન દરમ્યાન ઘરમાં જ ગૉર્મે ફૂડ બનાવી શકાય એવા પાંચ સૉસ અને બટરની મજાની રેન્જ ઊભી કરી છે. કોઈ પણ પ્રિઝર્વેટિવ્સ વિનાના આ પ્યૉર વેજ સૉસ વાપરીને તમે ચૂટકીમાં ગોર્મે સ્ટાઇલ ખાઉસે, સ્પૅગેટી, સ્ટર ફ્રાય ડિશ ઘરે બનાવતાં થઈ જશો

છેલ્લા દોઢ વર્ષમાં ભલભલા લોકોએ કિચનને પ્રયોગશાળા બનાવી દીધી. જોકે લાંબો સમય સુધી ઘર કા ખાના ખાધા પછી ગૉર્મે સ્ટાઇલ કમ્ફર્ટ ફૂડ ખાવાનું મન થયા વિના ન રહે. હાઇ-ફાઇ રેસ્ટોરાંમાં માસ્ટર શેફ્સના હાથે બનેલું ઇટાલિયન, નૉર્થ અમેરિકન, મલેશિયન, થાઈ ફૂડ ખાવાનું ક્રેવિંગ થતું હોય અને આવું ફૂડ જાતે જ બનાવવાનો અખતરો કરવો હોય તો આ કામ સરળ બનાવી દીધું છે ચિરાગ અને બીજલ મકવાણાની જોડીએ. લગભગ દાયકાનો અનુભવ ધરાવતાં દાદરમાં રહેતાં આ ભાઈ-બહેને ઘેરબેઠાં જો કોઈને ગૉર્મે સ્ટાઇલ ફૂડ બનાવતાં શીખવું હોય તો એ માટે જરૂરી બેઝિક સૉસ, પેસ્ટ્સ અને ડ્રેસિંગ્સ તૈયાર કર્યાં છે જે રેડી ટુ યુઝ છે અને તમારો કિચન-ટાઇમ ઘટાડી દેનારો છે. આમ જોઈએ તો માર્કેટમાં જોઈએ એટલા સૉસ મળી રહે છે, તો પછી આ બેલડીએ બનાવેલા સૉસમાં એવું તો શું ખાસ છે? ગૅસ્ટ્રોનૉટ્સ નામે પોતાની પ્રોડક્ટ રેન્જ વિકસાવી રહેલાં ૩૮ વર્ષનાં શેફ બીજલ મકવાણા કહે છે, ‘બજારમાં મળતા સૉસિઝમમાં પ્રિઝર્વેટિવ્સ ખૂબ હાઈ માત્રામાં હોય છે અને એને કારણે સૉસના ટેસ્ટમાં પણ ફરક પડે છે, જ્યારે અમે ઝીરો પ્રિઝર્વેટિવ્સ પ્રોડક્ટ સ્મૉલ-સ્મૉલ બૅચિઝમાં બનાવતા હોવાથી એ ફ્રેશ હોય છે. યસ, એમાં અન્યન-ગાર્લિક હોય છે, પણ બાકી પ્યૉર વેજિટેરિયન છે. આ બધાને કારણે એને રેફ્રિજરેટ કરીને રાખવા પડે છે, પણ સૉસની ફ્રેશનેસ તમારી ડિશના સ્વાદને પણ અલગ ટચ આપે છે.’
ઘર પર ગૉર્મે સ્ટાઇલ
મૂળ સૌરાષ્ટ્રનાં પણ મુંબઈમાં ઊછરેલાં આ ભાઈ-બહેને કૅનેડાની ખૂબ જાણીતી કૅનેડિયન ફૂડ ઍન્ડ વાઇન ઇન્સ્ટિટ્યૂટ નાયગરા કૉલેજમાંથી કલનરી આર્ટનો સ્ટડી કર્યો છે અને એ પછી કૅનેડાની મોટી રેસ્ટોરાંઓમાં શેફ તરીકે કામ પણ કર્યું છે. ચિરાગ મકવાણા હાલમાં ખારની ઑલિવ ગ્રુફ ઑફ રેસ્ટોરાંમાં હેડ શેફ છે. બીજલ શેફ બન્યાં એ પહેલાં ઍડ્વર્ટાઇઝિંગ અને ડિઝાઇનિંગના ફીલ્ડમાં હતાં અને પછીથી કલનરી શેફ બન્યાં. બન્ને ઇટાલિયન, ફ્રેન્ચ-કૅનેડિયન અને નૉર્થ અમેરિકન ક્વિઝીનમાં માસ્ટરી ધરાવે છે. લૉકડાઉન દરમ્યાન જ્યારે રેસ્ટોરાં બંધ હતી ત્યારે આ બેલડીએ ઘરના કિચનમાં જ ધૂમ મચાવી અને જાતજાતનું ખાવાનું ટ્રાય કર્યું. બીજલ કહે છે, ‘અમે શેફ છીએ એટલે ઘરે પણ રેસ્ટોરાં જેવું ગૉર્મે ફૂડ જોઈએ ત્યારે બનાવી લઈએ, પણ અમારા ફ્રેન્ડ્સ અને સોશ્યલ સર્કલમાં અમે જોયું કે ઘણા લોકો એ ફૂડ મિસ કરતા હતા. તેમને એ જાતે બનાવવાની ઇચ્છા હોય તો પણ બેઝિક ફ્લેવર નૉલેજના અભાવે અઘરું પડતું હતું. આ દરમ્યાન મેં અને મારા ભાઈએ કિચનમાં બહુ પ્રયોગ કર્યા. અમને થયું કે આપણે એવું કંઈક બનાવીએ જેનાથી લોકો પોતાના ઘરે જ્યારે જોઈએ ત્યારે ગૉર્મે સ્ટાઇલ ફૂડ બનાવી શકે. એમાં ટેસ્ટ અને ટેક્સ્ચર બન્ને રેસ્ટોરાં સ્ટાઇલનાં અને ફ્રેશનેસવાળાં હોય. લગભગ બે મહિના અમે ઘરે જ પ્રયોગ કર્યો અને પછી ફ્રેન્ડસર્કલને સૅમ્પલિંગ માટે મોકલ્યો અને ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં અમે સૉસિઝની રેન્જ લોકો માટે ઓપન કરી.’
પાંચ પ્રકારના સૉસ
હવે વાત કરીએ ગૅસ્ટ્રોનૉટ્સના સૉસિઝની ખાસિયતની. ખાઉસે કરી પેસ્ટ, એલિયો ઓલિયો, ક્રન્ચી પીનટ સૉસ, સ્ટર ફ્રાય સૉસ અને પડ થાઈ સૉસ એ મુખ્ય પાંચ સૉસ છે. સામાન્ય રીતે બજારમાં મળતા સૉસ થોડા પાતળા હોય છે અને એ વધુ ક્વૉન્ટિટીમાં વાપરવા પડે છે, પણ ગૅસ્ટ્રોનૉટ્સના આ સૉસ થિક પેસ્ટ જેવા હોવાથી ઓછી ક્વૉન્ટિટીની જરૂર પડે છે. તેમના મેનુમાં સૌથી વધુ ફેમસ છે બમીઝ ખાઉસે કરી પેસ્ટ. શેફ બીજલ કહે છે, ‘અમે એવાં ઇઝી ટુ યુઝ સૉસ તૈયાર કર્યા છે જેની પેસ્ટને તમે થોડી પાતળી કરીને તમારી રેસિપીમાં વાપરી શકો છો. ખાઉસે કરી પેસ્ટથી તૈયાર કરેલી કરીની ઉપર થોડો ક્રન્ચી પીનટ સૉસ ઉમેરવાથી સ્વાદ રિચ થઈ જાય છે. ક્રન્ચી પીનટ સૉસ એ મલેશિયન સૉસ છે જે તમે ખાઉસે કરી પેસ્ટ,  સ્ટર ફ્રાય સૉસ કે ઈવન પાડ થાઈના નૂડલ્સમાં પણ ઉપરથી નાખી શકો છો.’
ગૉર્મે બટર
એ ઉપરાંત એકદમ હટ કે ફ્લેવરનાં બટર્સ પણ છે જે એમનેમ તો ટેસ્ટી છે જ, પણ જો એને ટોસ્ટ, ગાર્લિક બ્રેડ કે સ્વીટ ડિઝર્ટમાં વાપરો તો એનાથી આખો સ્વાદ જ બદલાઈ જાય. વિવિધ ફ્લેવરના ગૉર્મે બટરના ઉપયોગ વિશે બીજલ કહે છે, ‘અમે બે પ્રકારનાં બટર્સ બનાવ્યાં છે. એક સ્વીટ અને બીજાં સૉલ્ટી. સિસિલિયન લવમાં કેટલાક ઇટાલિયન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એટલે એને ગાર્લિક બ્રેડ સાથે કે ઈવન બોઇલ પાસ્તામાં વાપરી શકો છો. આ બટરથી તમારા બોઇલ્ડ પાસ્તાનો આખો ટેસ્ટ જ બદલાઈ જશે જેને તમે ડિનરની ડિશ તરીકે પણ ખાઈ શકો. મશરૂમ અને ટ્રફલ બટર છે એ જેમને ટ્રફલ ઑઇલ, હર્બ્સ, સ્પાઇસિઝ અને શિતાકે મશરૂમ પસંદ હોય તેમને માટે છે. એને તમે પનીર કે વેજિટેબલ્સ સોતે કરવામાં વાપરો તો એનાથી વાનગીની ફ્લેવર જ એક્ઝૉટિક થઈ જશે. ઑરેન્જ હની અને ઍપલ પાઇ બટરનેને તમે ટોસ્ટ સાથે ખાઓ તો બેસ્ટ. ગરમ ટોસ્ટ પર આ બટર લગાવશો તો લાગશે કે તમે ઍપલ પાઇ ખાઈ રહ્યા છો. ઑરેન્જ હની જેવા બટરનો ઉપયોગ તમે માઇલ્ડ ફ્લેવરવાળી કેક બનાવવામાં પણ કરી શકો.’
ઇઝી રેસિપી
દરેક સૉસની ઉપર ખૂબ ઝીણવટ સાથે કેટલી માત્રામાં સૉસનો ઉપયોગ કરવાનો અને કેવી-કેવી રેસિપીમાં એનો ઉપયોગ થઈ શકે એનું માર્ગદર્શન આપ્યું છે. સ્વાદમાં વધારો કરવા માટે શું થઈ શકે એની ડેલિશ્યસ ટિપ્સ પણ એના પર છે. હા, સૉસ થોડાક મોંઘા જરૂર છે, પણ હૅન્ડક્રાફ્ટેડ અને સ્મૉલ બૅચમાં પર્સનલ કાળજી લઈને બનાવાયાં હોવાથી ફ્રેશનેસ અને હાઇજીનની ગૅરન્ટી મળે છે. કોઈ પણ સૉસની ૩૦૦ ગ્રામની બૉટલ ૪૦૦ રૂપિયામાં છે. સ્વીટ ઑરેન્જ હની અને ઍપલ પાઇ બટરના ૧૬૦ ગ્રામના ૩૫૦ રૂપિયા છે અને સિસિલિયન લવ અને મશરૂમ-ટ્રફલ બટર ૪૦૦ રૂપિયાનું છે. અલબત્ત, પ્રોડક્ટનું પૅકેજિંગ ઘણું આકર્ષક અને હાઇજીન ઓરિયેન્ટેડ છે. 

sejal patel columnists