જે શોખને પૂરો નહોતો કરી શક્યા એ હવે પૂરો કરી રહ્યા છે મુલુંડના આ ભાઈ

08 July, 2020 09:22 PM IST  |  Mumbai | Ruchita Shah

જે શોખને પૂરો નહોતો કરી શક્યા એ હવે પૂરો કરી રહ્યા છે મુલુંડના આ ભાઈ

ધર્મેન્દ્ર સુંદરજી સેજપાલ

પંચાવન વર્ષના ધર્મેન્દ્ર સેજપાલ સેક્સોફોન નામનું વાજિંત્ર વગાડવાની ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. સાથે જ ઘરમાં રહીને મૅરથૉનની પ્રૅક્ટિસ પણ ચાલે છે. જે વાજિંત્ર વગાડવાની ટ્રેઇનિંગ માટે કોચ પણ નહોતા મળતા એ વગાડવાની ઇચ્છા કેવી રીતે જાગી એ જાણીએ તેમની પાસેથી

કચ્છના જખૌ ગામના અને અત્યારે મુલુંડમાં રહેતા ધર્મેન્દ્ર સુંદરજી સેજપાલના જીવનમાં લૉકડાઉન પછી કેટલાક બદલાવ આવ્યા છે જે પર્મનન્ટ રહેવાના છે. એમાંનો એક બદલાવ એટલે રોજ સૅક્સોફોનની ટ્રેઇનિંગ લેવાની અને જાતે જ મૅરથૉનની પ્રૅક્ટિસ પણ કરવાની. પંચાવન વર્ષના આ ભાઈ છેલ્લાં પાંચ વર્ષથી હાફ મૅરથૉનમાં ભાગ લે છે. રનિંગ તેમના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે અને રેગ્યુલર ટ્રેઇનિંગ પણ કરે છે. જોકે લૉકડાઉનમાં બધાં જ શેડ્યુલ બદલાઈ ગયાં એમ જણાવીને પુરુષોના એથ્નિક વેઅર ડ્રેસ-ડિઝાઇનર ધર્મેન્દ્રભાઈ કહે છે, ‘શરૂઆતમાં દોડવા માટે ટેરેસ પર જતો, પરંતુ પછી તો એમાં પણ ડ્રોનથી ધ્યાન રખાવાનું શરૂ થયું એટલે રોજ ઘરમાં જ લગભગ દસેક કિલોમીટર દોડી લેતો હતો. લૉકડાઉનમાં કેટલાંક એવાં પણ કામ કર્યાં જે ઘણા સમયથી કરવાની ઇચ્છા હતી. જેમ કે સૅક્સોફોન નામનું વાજિંત્ર વગાડવાનું મેં થોડાંક વર્ષો પહેલાં શીખવાનું શરૂ કર્યું હતું, પણ પછી કામમાં બાજુ પર મુકાઈ ગયું હતું. હકીકતમાં આ હવે એટલું જાણીતું વાજિંત્ર નથી અને ઈવન એને શીખવનારા કોચ પણ ગણ્યાગાંઠ્યા છે. લગભગ સાતેક વર્ષ પહેલાં મારા યોગ ટીચરની દીકરીનાં લગ્નમાં એક માણસને આ વાજિંત્ર વગાડતો મેં જોયો હતો ત્યારથી એ શીખવાની મને તાલાવેલી હતી. નાનપણથી જ મ્યુઝિકનો શોખ હતો, પરંતુ કામકાજ અને જવાબદારીઓને કારણે એને ન્યાય નહોતો આપી શક્યો.’
સૅક્સોફોન શીખવાનો વિચાર કર્યા પછી પણ સાત વર્ષ આમ જ નીકળી ગયાં એટલે સૌથી પહેલું કામ ધર્મેન્દ્રભાઈએ આ વાજિંત્ર ખરીદવાનું કર્યું. તેઓ કહે છે, ‘મને લાગતું હતું કે એક વાર એને વસાવી લઈશ પછી જ શીખવાનું મુરત આવશે. જોકે એ પછી કોચ શોધવામાં પણ તકલીફ પડી. તેમની પાસે થોડુંઘણું શીખ્યો હોઈશ અને લૉકડાઉન આવી ગયું. જોકે મેં લૉકડાઉનનો પૂરેપૂરો સદુપયોગ કર્યો છે. જે નોટ્સ અને ટ્યુન મારી પાસે હતી એના આધારે સેલ્ફ-પ્રૅક્ટિસ શરૂ કરી છે અને હવે એમાં ફાવટ પણ આવતી જાય છે.’
હવે તો જોકે એકાંતરે ધર્મેન્દ્રભાઈએ ઑફિસે જવું પડે છે, પરંતુ ઘરમાં રહીને સૅક્સોફોન શીખવાનું હવે તેમના રૂટીનનો હિસ્સો બની ગયું છે.

ruchita shah columnists