ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર એટલે ચીની બજારમાં ગાબડું.....

09 June, 2020 05:51 PM IST  |  Mumbai | Taru Kajaria

ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર એટલે ચીની બજારમાં ગાબડું.....

ધારો કે તમે એક આગવી બુદ્ધિપ્રતિભા અને સ્વતંત્ર વિચાર ધરાવતી એક પ્રયોગશીલ વ્યક્તિ છો. તમે જમાના અને દુનિયાથી હટકે વ્યક્તિ છો અને તમારી આઉટ ઑફ બૉક્સ વિચારશૈલીને આધારે કરેલા નવીન પ્રયોગોથી તમે તમારી આસપાસના વાતાવરણ અને લોકોના જીવનમાં  પૉઝિટિવ બદલાવ લાવ્યા છો. તમારી આ સિદ્ધિ માટે દેશ-વિદેશનાં પ્રતિષ્ઠિત સન્માનો તમને મળ્યાં છે.  એક મહાનગરમાં યોજાયેલા આવા જ એક સન્માન સમારંભમાં તમારી મુલાકાત એક પ્રતિભાશાળી ફિલ્મમેકર સાથે થાય છે. તમે તેની એક ફિલ્મથી અત્યંત પ્રભાવિત થયા છો અને નિખાલસતાથી તેને એ જણાવો છો. તમારી પ્રવૃત્તિઓ વિશે જાણીને એ ફિલ્મસર્જક સહિત ઑડિયન્સમાં બેઠેલા અન્ય મહાનુભાવો અત્યંત પ્રભાવિત થાય છે. બે વર્ષ તમને અચાનક લોકોની ઈ-મેઇલ આવવા માંડે છે. એ ઈ-મેઇલ તમારી જિંદગી અને પ્રવૃત્તિઓ પરથી બનેલી ફિલ્મ જોઈને ખૂબ જ પ્રભાવિત થયેલા જાણીતા અને કેટલાક અજાણ્યા લોકોની છે. તમે એ સમયે પરદેશ છો એટલે પોતાના શહેરમાં ફોન કરીને પોતાની સંસ્થામાં આ વિશે પૃચ્છા કરો છો. જાણવા મળે છે કે કોઈક ફિલ્મવાળા આવેલા કે અમારે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં શૂટિંગ કરવું છે, પરંતુ તેઓ ફિલ્મ વિશે ખાસ્સા સિક્રેટિવ હતા. વળી એ લોકો ઢગલો પ્લાસ્ટિક સાથે લાવવાના હતા. એ બધું જાણીને અમે તેમને પરવાનગી ન આપી. પછી તેઓ બાજુની કોઈ સ્કૂલમાં જઈને શૂટિંગ કરી આવ્યા.

કલ્પના કરો કે આ સાંભળીને તમે શું ફીલ કરો? તમે ગમેએટલા વિનમ્ર અને ઉદાર હો તો પણ કમસે કમ તમને એક વિચાર તો આવે જ કે ‘અરે યાર, કમસે કમ એક વખત જાણ તો કરવી જોઈતી હતી! અને તમે અધિકાર બાબત ખાસ્સા કૉન્શિયસ મનુષ્ય હો તો પેલા ફિલ્મસર્જકને અદાલતમાં ઢસડી જવાનું નક્કી કરી લીધું હોય, બરાબરને?

પરંતુ ખરેખર જેમની સાથે આ થયું એ વ્યક્તિ એટલે લદ્દાખના પ્રયોગશીલ શિક્ષણકર્મી, સંશોધક, સામાજિક કાર્યકર, અનેક સન્માનોથી નવાજિત રાષ્ટ્રપ્રેમી નાગરિક સોનમ વાંગચુકે (તેમનું નામ વાંચીને તમને ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મનું ફુંગ્શુ વાંગડુનું કૅરૅક્ટર યાદ આવી ગયુંને!). આવું કોઈ રીઍક્શન નથી આપ્યું, કેમ કે તેમની પાસે એ બધામાં પડવાનો સમય જ નહોતો અને છે પણ નહીં. લદ્દાખમાં રહેતા આઇઆઇટીના એન્જિનિયર સોનમ વાંગચુકે વિદ્યાર્થીઓને રસ પડે એવી તેમનું હીર બહાર લાવે એવી અને તેમને આજીવિકા રળવામાં કામ લાગે એવી ઇનોવેટિવ શિક્ષણપદ્ધતિ વિકસાવી છે. આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખેડૂતોને માટે ખેતીની લાભદાયી પદ્ધતિ વિકસાવી છે. ખેતી માટે બારેમાસ પાણી મળી રહે એ માટે તેમણે બનાવેલા બરફના સ્તૂપોની શોધ માટે તો તેમને આંતરરાષ્ટ્રીય અવૉર્ડ મળ્યો છે. આ સ્તૂપ એટલે કૃત્રિમ ગ્લૅશિયર્સ જે ઉનાળાના દિવસોમાં ધીમે-ધીમે પીગળતાં રહે છે અને પાણીની તંગીને હળવી કરે છે. લેહના પહાડી ઇલાકાની ઊબડખાબડ સડક પર માઇલોની સફર કરીને પ્રકૃતિ અને પર્યાવરણના મિત્ર સોનમ પોતાની ઇન્સ્ટિટ્યૂટ પર પહોંચે છે. સિમ્પલ લિવિંગ ઍન્ડ હાઈ થિન્કિંગનો જીવંત દાખલો છે સોનમ વાંગચુક.

છેલ્લા થોડા દિવસથી સોનમ સમાચારમાં છે. ભારતની ભૂમિ પચાવી પાડવાની ચીનની લુચ્ચાઈ અને સરહદ પર વધતીજતી દાદાગીરીનો લદ્દાખમાં રહેતા સોનમને નિકટથી અનુભવ છે. અત્યારના આ માહોલમાં સોનમે દેશની જનતાને ચીનની સાન ઠેકાણે લાવવા એક સૂચન કર્યું છે. સોનમે આપેલું સ્લૉગન ‘ચીન કો સરહદ પર જવાબ જવાન દેંગે બુલેટ સે, ઔર નાગરિક દેંગે વૉલેટસે’ સોશ્યલ મીડિયા પર હિટ થઈ ગયું છે. સોનમે ભારતીયોને ચીનની વસ્તુઓનો વપરાશ બંધ કરવાની અને ચીની સૉફ્ટવેર્સ તથા હાર્ડવેર્સનો પદ્ધતિસર બહિષ્કાર કરવાની અપીલ કરી છે અને એની જોરદાર અસર થઈ છે. ચીનનો માલ વાપરવો એટલે ચીનના અર્થતંત્રને મજબૂત કરવું એ હકીકત સોનમે પોતાની આગવી સરળ શૈલીમાં લોકોને સમજાવી છે. ભારતીયો પાસેથી કમાયેલાં નાણાંનો ઉપયોગ ચીન ભારતની સરહદે લશ્કરી દળો તહેનાત કરવામાં કરે છે, ભારતીય સૈન્ય પર આક્રમણ કરવામાં કરે છે, ભારતને ડરાવવા- ધમકાવવામાં કરે છે. આમ આપણે જેટલી વાર ચાઇનીઝ ઍપ કે ચીજોનો ઉપયોગ કરીએ છીએ એટલી વાર ચીનને આપણી સામે મોરચો માંડવા માટેની આર્થિક શક્તિ પૂરી પાડીએ છીએ.

સોનમના શબ્દોમાં સત્ય અને પ્રામાણિકતાની શક્તિ છે, કારણ કે તેઓ બોલે છે એવું જ જીવે છે. કદાચ આ જ કારણ છે કે સોનમનો વિડિયો જોઈને મોબાઇલમાંથી ચીની ઍપ દૂર કરવાની ‘રિમૂવ ચાઇનીઝ ઍપ’નાં ૫૦ લાખ ડાઉનલોડ્સ થઈ ગયાં. દેશના અગ્રણી નાગરિકો અને આમ જનતાએ પણ સોનમના સાદને અવ્વલ પ્રતિસાદ આપ્યો છે.

સાથે જ કેટલાક શંકાના સૂર પણ ઊઠ્યા  છે કે ‘એમ કાંઈ ટિકટૉક, ઝૂમ કે અન્ય ચીની ઍપ કાઢી નાખવાથી ચીનને થોડું હંફાવી શકાય? એવા બહિષ્કારની ચીનના વિરાટ સામ્રાજ્ય પર શું અસર થાય?’ આવી શંકા કરનારને યાદ અપાવી દઈએ કે દુનિયામાં અનેક દેશોએ આવા બહિષ્કારનું સાધન ઉગામીને ભલભલા સત્તાધીશોને સીધાદોર કર્યા છે. ૭૦ના દાયકામાં અમેરિકામાં કૉફીના ભાવ ખાસ્સા વધી ગયા હતા ત્યારે અમેરિકનોએ કૉફી પીવાનું ‍ઓછું કરીને એની ખપતમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો હતો. એક શહેરમાં શરૂ થયેલી એ ચળવળ જોતજોતામાં અમેરિકાના ૧૦૦થી વધુ શહેરોમાં પહોંચી ગઈ હતી અને અઠવાડિયામાં અમુક દિવસ કૉફી નહીં પીવાના નિર્ધારનો જનતાએ મોટા પાયે અમલ કરીને કૉફી ઉત્પાદકોને કૉફીના ભાવમાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવા મજબૂર કરી દીધા હતા. આવાં તો અનેક ઉદાહરણો ઇતિહાસમાં છે.

લદ્દાખના સુંદર પહાડો અને નદીઓના અદ્ભુત નૈસર્ગિક લૅન્ડસ્કેપના બૅકગ્રાઉન્ડમાંથી  દેશવાસીઓ સાથે વાત કરતાં સોનમ વાંગચુકે દિલની ઊંડી સચ્ચાઈ અને ચોકસાઈથી કરેલી અપીલને ફૉલો કરવામાં દેશવાસીઓએ જબરદસ્ત ઉત્સાહ દાખવ્યો છે. કેટલાબધા લોકોએ પોતાના મોબાઇલમાંથી ટિકટૉક કે ઝૂમ જેવી પુષ્કળ વપરાતી ઍપ ડિલીટ કરી નાખી છે, તો મારા જેવા કેટલાકના સેલમાં તો એક પણ ચીની ઍપ હતી જ નહીં. સોનમ વાંગચુકે દુનિયાને સંબોધીને પણ એક વિડિયો પોસ્ટ કર્યો છે. કોવિડ-19 પછી આમ તો ચીન આખી દુનિયાનું ગુનેગાર બન્યું છે. એમાં ચીનની ખંધાઈનું પારદર્શક દર્શન કરાવીને સોનમ દુનિયાઆખીને ચીનની અસલિયતથી વાકેફ કરવા માગે છે. 

એક જ સપ્તાહના ભારતીયોના રિસ્પૉન્સે ચીને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ‘રિમૂવ ચાઇનીઝ ઍપ’ને  દૂર કરાવી દીધી છે. ટ્વિટર પરથી પણ એ વિશેનાં ટ્વીટ્સ ડિલીટ કરાવવામાં આવ્યાં છે. સોનમ વાંગચુક આ રીઍક્શનને સહી દિશાનું ગણે છે. તેઓ કહે છે કે આપણી ચળવળની શરૂઆતે જ ચીનને ડરાવી દીધું છે. ભારત જેવો તગડો કસ્ટમર ગુમાવવાનો ડર જેવો તેવો નથી. ‘કસ્ટમર ઇઝ કિંગ’ એ વાત આપણે ભૂલવી ન જોઈએ. સોનમ વાંગચુકની હાકલને હોલહાર્ટેડલી સપોર્ટ કરવા જેવી છે. એમાં આપણે કંઈ ગુમાવવાનું નથી. ગાબડું ચીની બજારમાં પડવાનું છે. તો ‘લેટ અસ સપોર્ટ સોનમ ધ ટ્રુ સન ઑફ ઇન્ડિયા.’

columnists taru kajaria