આ માનુનીઓ કંઈ પણ કરવા તૈયાર છે સુંદર-ચમકીલા વાળ માટે

21 July, 2020 02:06 PM IST  |  Mumbai | Bhakti D Desai

આ માનુનીઓ કંઈ પણ કરવા તૈયાર છે સુંદર-ચમકીલા વાળ માટે

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલમાં કે કૉલેજમાં ભણતી છોકરી, ઑફિસમાં કામ કરતી સ્ત્રી કે પછી ઘરના રસોડામાં કલાકો સુધી વ્યસ્ત રહેતી ગૃહિણી પોતાના વાળની માવજત માટે વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ સમય કાઢી જ લે છે. વાળ ટૂંકા હોય કે લાંબા; એને ચમકીલા, સુંવાળા અને જાનદાર બનાવવા માટે યુવતીઓ જબરદસ્ત જહેમત ઉઠાવતી હોય છે. લૉકડાઉન દરમ્યાન બ્યુટી સૅલોં બંધ થઈ ગયાં, પણ આ ત્રણ મહિનામાં મહિલાઓ વાળ ટ્રિમ કર્યા વગર અથવા એને રંગ કે મેંદી કર્યા વગર નથી રહી. જે સ્ત્રીઓ પોતાના વાળને સુંદર રાખવા ટેવાયેલી છે તે કોઈ ને કોઈ રીતે વાળને પોષણ આપવાના રસ્તાઓ શોધી જ લે છે. બ્યુટી સૅલોં વગર પણ સ્ત્રીઓ હવે ઘરમાં વાળની ટ્રીટમમેન્ટ પોતાની મેળે અથવા પોતાના પરિવારજનો પાસે કરાવે છે. ઘણા લોકોએ આ ત્રણ મહિનામાં વાળને સાચવવા માટે સ્ટ્રેટનિંગ, હેરસ્પા, હેરમસાજ, હેરકલર કરીને સારીએવી જહેમત ઉઠાવી છે.

વાળ તો લાં...બા જ હોવા જોઈએ: વિધિ સંજાણવાલા

વિધિ સંજાણવાલા હજી જસ્ટ નવ વર્ષની છે, પણ તેને પોતાના લાંબા વાળ પર નાઝ છે. વાળને કંઈ ન થવું જોઈએ એવું માનતી વિધિ કહે છે, ‘મને વાળ લાંબા રાખવા ખૂબ ગમે છે. કોઈ મને વાળ કપાવવાનું કહે તો હું એમ કરવા રાજી નથી થતી. આમ તો બધા કહેતા હોય છે કે સ્કૂલમાં જતી વખતે વાળ લાંબા હોય તો તૈયાર થવા માટે વાર લાગે છે, પણ મને લાંબા વાળ ખૂબ ગમતા હોવાથી દાદી કે મમ્મી મને વાળ કપાવવા માટે ક્યારેય નથી કહેતાં. મારી મમ્મીને પણ લાંબા વાળનો શોખ છે. તેના વાળ લાંબા છે. મારા વાળને સરસ રાખવા માટે મારાં દાદી એક ખાસ તેલ બનાવે છે અને એક તેલ સુરતથી મંગાવે છે. વિવિધ તેલને ભેળવી તડકો આપીને તૈયાર કરેલું તેલ જ વાળમાં માલિશ કરીને લગાવી આપે છે. આનાથી મારા વાળ વધે પણ છે અને સારા રહે છે.’

વિધિના પરિવારજનોના કહેવા મુજબ તેમના પરિવારમાં વાળ કુદરતી અને આનુવંશિક દેણ છે. વિધિનાં દાદીના પરિવારમાં મમ્મી, માસી આ બધાના વાળ ગોઠણ સુધી લાંબા અને જાડા હતા. વિધિ કહે છે, ‘મારા પપ્પાના વાળ પણ જાડા છે. મારી મોટી બહેન નિશીના વાળ લાંબા છે, પણ હમણાં થોડા ઊતરે છે.’

કુંવારપાઠાનો ગર વાળમાં લગાવીને હેરસ્પા જેવી ફીલિંગ આવે છે: સોનલ દેવાણી

કોઈ પણ સ્ત્રીને વાળ ઓળતી વખતે કાંસકામાં વાળ દેખાય એટલે ધ્રાસકો પડે. એવું જ કંઈક સિક્કાનગરમાં રહેતાં ઇન્ટરનૅશનલ ફ્લોરલ ડિઝાઇનર અને આર્ટ ઍન્ડ ક્રાફ્ટ ટીચર સોનલ દેવાણીનું છે. તેઓ કહે છે, ‘આમ તો વાળને વ્યવસ્થિત રાખવા, કલર કરાવવા અને હેરસ્પા જેવી ટ્રીટમેન્ટ માટે હું બ્યુટી સૅલોંમાં ક્યારેક જતી. સાચું કહું તો મારા વાળને સાચવવા માટે પાર્લર વિના ચાલતું નહીં. વાળની માવજત કરવાનું કામ તો ઘરે ન જ થાય એવું મને લાગતું, પણ લૉકડાઉન દરમ્યાન મારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા અને અને હું બેચેન થઈ ગઈ. કંઈક તો કરવું જ પડશે એવું લાગતાં મેં ઘરમાં પૅરેશૂટ તેલમાં વિટામિન ઈની ગોળી ભેળવી એનાથી મસાજ કરવાનું શરૂ કર્યું. મારા ઘરમાં કુંવારપાઠા (ઍલોવેરા)નો છોડ ઉગાડેલો છે તેથી એમાંથી તાજા ઍલોવેરાની જેલ લઈ એને થોડું સતપ કરી એ મારા તાળવા પર લગાડતી. રાત્રે મસાજ કરીને સવારે વાળ ધોઈ નાખું એટલે વાળમાં હેરસ્પા કર્યા જેવું લાગે અને એક ચમક પણ આવી જાય. આ સિવાય મારી બહેનના દીકરાનાં હમણાં ૩૦ જૂને લગ્ન પણ થયાં ત્યારે ઘરના જ સભ્ય પાસે મારા વાળમાં રંગ કરાવ્યો અને ઘરમાં હેર સ્ટ્રેટનર કૉમ્બ હતો એનાથી મેં ટેમ્પરરી સ્ટ્રેટનીનિંગ પણ કર્યું. હવે મારા વાળની હું ઘરમાં વ્યવસ્થિત સંભાળ લઉં છું અને વાળ ઓછા ખરે છે.’

કોપરું વાટીને એનું મિશ્રણ વાળમાં લગાવું છું: નિશા દોશી

બોરીવલીમાં રહેતાં નિશા દોશી પોતાના લાંબા અને સુંવાળા વાળ વિશે કહે છે, ‘હું ઘરમાં જ વાળ પર ધ્યાન આપું છું. મારા વાળમાં મારે તેલ નાખવાની જરૂર પડતી નથી, કારણ કે હું શ્રીફળ એટલે કે નારિયેળને એનો ઉપરનો કડક ભાગ કાઢી અંદરની છાલ સાથે જ થોડું પાણી ઉમેરી મિક્સરમાં વાટીને વાળ ધોવાના અડધો કલાક પહેલાં બાથરૂમમાં વાળ ખોલી માથામાં અને વાળમાં આ મિશ્રણ લગાડી લઉં છું. આ લગાડવાના અડધો કલાક પછી વાળને શૅમ્પૂ લગાડી ધોઈ લઉં છું. મેં વાળમાં ક્યારેય બહાર કોઈ ટ્રીટમેન્ટ કરાવી જ નથી. આ હેરફૂડ એવું છે કે એનાથી વાળને જરૂરી પોષણ મળી રહે છે અને આનાથી વાળ એટલા ચમકીલા અને સુંવાળા બની જાય છે કે આપણને એમ થાય કે વાળમાં હાથ ફેરવતા જ રહીએ. આનો મોટો લાભ એ છે કે આ કર્યા પછી વાળની રુક્ષતા પણ નીકળી જાય છે. હજી સુધી હું વાળ માટે કલર નથી વાપરતી અને ફક્ત મેંદી જ લગાડું છું. આ સિવાય હું મહિનામાં અમુક વાર કોપરા સાથે મીઠા લીમડાનાં પાન વાટીને આવી જ રીતે નાખું છું, જેનાથી વાળ ખરતા અટકે છે. અઠવાડિયે એક વાર લીમડો અને કોપરાનું મિશ્રણ અને બીજી વાર માત્ર વાટેલું કોપરું નાખવાથી વાળની સુંદરતા વધે છે.’

તેલમાલિશ છે લાંબા અને જાડા વાળનું રહસ્ય: આશા પટેલ

એવા કોઈ અખતરા નહીં કરવાના જેનાથી નૅચરલ વાળને નુકસાન થાય એવું ગઝદર સ્ટ્રીટમાં રહેતાં આશા પટેલ માને છે. એક મંડળમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતાં આશાબહેન કહે છે, ‘મને નાનપણથી જ લાંબા વાળ રાખવા ગમે છે. હું આજે પણ વાળ પર કોઈ એવા અખતરા નથી કરતી જેનાથી વાળ ખરાબ થાય. મારાં મમ્મીની ઉંમર ૭૫ વર્ષની છે, પણ આજે પણ તેમના વાળ ગોઠણ સુધી લાંબા છે. મારી માસીઓના, બહેનના બધાના જ વાળ ખૂબ લાંબા અને જાડા છે. હું બહાર ક્યારેય ખાસ કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવતી. ઘરમાં નાનપણથી જ મમ્મી તેલનું માલિશ કરી આપતી. પહેલાં હું વાળનું ખૂબ ધ્યાન રાખતી અને વાળમાં ગમે તે તેલ નહોતી લગાડતી. લગ્ન થયા પછી સમયના અભાવે હવે ક્યારેય પહેલાં જેવી સંભાળ નથી લેવાતી એનો મને અફસોસ છે. હા, તેલ નાખી લઉં છું અને એનાથી જ વાળને પોષણ મળી રહે છે. લાંબા વાળને ધોવા અને સૂકવવાનું કામ પણ સમય માગી લે છે તેથી અન્ય કોઈ વિશેષ સંભાળ લેવાનો સમય મળતો જ નથી.’

વાળ ખરી રહ્યા છે એટલે કાંદાના તેલથી હેરસ્પા કરું છું: અમિષા દાણી

બોરીવલીમાં રહેતાં એક ઇન્ટરનૅશનલ સ્કૂલનાં શિક્ષિકા અમિષા દાણી કહે છે, ‘હું હેરસ્પા માટે બ્યુટી સૅલોંમાં ક્યારેક જતી. ત્રણ મહિનામાં એક વાર અથવા ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે વાળમાં કલર કરાવવાની પણ આદત છે. મારું બ્યુટી પાર્લર ઘરની નજીક જ છે તેથી જ્યારે જરૂર લાગે ત્યારે જો ઘરમાં સમય ન મળે તો ત્યાં જઈ ટ્રીટમેન્ટ કરાવી લેવાની આદત પડી ગઈ હતી. હવે જ્યારે ઘરમાં જ વાળની સારસંભાળ રાખવાનો વારો આવ્યો છે તો હું આપમેળે જ વાળમાં રંગ કરી લઉં છું. મારા વાળ લાંબા નથી અને હમણાં ખરવા લાગ્યા છે તેથી હેરસ્પા માટે કાંદાનું તેલ નાખીને મસાજ કરું છું. વાળમાં નાખવાના તેલને થોડું ગરમ કરીને એનો મસાજ કરવાથી પણ મને સારું લાગે છે. વાળ ખરવા લાગે તો મને ચિંતા થાય છે તેથી હું મારી વ્યસ્ત જીવનશૈલીમાં પણ વાળની સંભાળ માટે સમય ફાળવું છું. મેં ગયા અઠવાડિયે જ ઘરે હેરસ્પા કર્યું હતું.’

દહીં-મેથીનો લેપ માથામાં કર્યો તો વાળ સુંવાળા થઈ ગયા: કોમલ બારાઈ

હેરસ્ટાઇલમાં જાતજાતના એક્સપરિમેન્ટ કરવાના શોખીન હો તો પાર્લર વિના વાત બને જ નહીં. જોકે શંકરબારી લેનમાં રહેતાં કોમલ બારાઈ કહે છે, ‘વાળને સરસ રાખવાનો મને શોખ છે અને હું એની સ્ટાઇલમાં ફેરફાર પણ કરતી રહું છું. છ મહિના પહેલાં જ વાળમાં મેં પર્મનન્ટ સ્ટ્રેટનિંગ કરાવ્યું હતું અને હું બ્યુટી સૅલોંમાં જઈને વાળમાં રંગ કરાવતી. જોકે એની સાથે ઘરમાં પણ હું વાળની  માવજત કરું છું. વાળને કંઈ ન થવું જોઈએ. વાળ સારા રાખવા માટેની જે ટિપ્સ હું બધેથી વાંચ્યા કરું એમાંથી જે યોગ્ય લાગે એના પ્રયોગો મારા વાળ પર હું કર્યા કરું છું. મેં સાંભળ્યું હતું કે કાંદાનો રસ વાળ માટે ઉત્તમ છે તેથી લૉકડાઉન દરમ્યાન નિયમિત રીતે વાળમાં કાંદાના રસનો પ્રયોગ કર્યો અને વાળ સુંવાળા અને સરસ થઈ ગયા. મારા વાંચવામાં ક્યાંક આવ્યું હતું કે વાળમાં દહીં અને મેથી ભેળવીને લગાડવાથી પણ વાળ ચમકીલા થઈ જાય છે અને ઓછા ખરે છે, જે મેં કર્યું અને લાભ થયો હોય એવું જણાય છે. વાળને પોષણ આપવા આ બધું તો કરું છું સાથે જ સરસ દેખાય એ માટે વાળમાં કલર અને ટચ-અપ પણ સમય-સમય પર કરવું પડે છે.’

columnists bhakti desai