આ છે અમારો દાક્તરીનો પહેલો પાઠ

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Jigisha Jain

જિગીષા જૈને યંગ ડૉક્ટરો સાથે ગોષ્ઠિ કરી અને જાણ્યું કે તેમને ડૉક્ટરની જવાબદારીનું હૅપી રિયલાઇઝેશન ક્યારે અને કેવી રીતે થયું

આ છે અમારો દાક્તરીનો પહેલો પાઠ

સ્કૉલર અને હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલમાં ઍડ્‍મિશન લે છે. ખૂબ મહેનતથી દિવસ-રાત એક કરીને ભણે છે. પરંતુ એમબીબીએસમાં ભણતી વખતે કે ઇન્ટર્નશિપ કરતી વખતે એવા અનુભવો થાય છે જેનાથી તેમને રિયલાઇઝ થાય છે કે તેમનો આ પ્રોફેશન બીજા પ્રોફેશન કરતાં કેટલો જુદો છે. જિગીષા જૈને યંગ ડૉક્ટરો સાથે ગોષ્ઠિ કરી અને જાણ્યું કે તેમને ડૉક્ટરની જવાબદારીનું હૅપી રિયલાઇઝેશન ક્યારે અને કેવી રીતે થયું

દરદીના જીવનની ડોર તમારા હાથમાં હોય ત્યારે કોઈ પણ ભૂલને સ્થાન નથી

હાલમાં હું જનરલ સર્જરી કરું છું પણ જ્યારે એમબીબીએસમાં મેં ઍડ્‍મિશન લીધું ત્યારે મેં જોયું કે સમાજમાં લોકોને એવું લાગ્યા કરે કે વાહ! તું તો ડૉક્ટર બનવાની. કેટલો ગ્લૅમરસ પ્રોફેશન છે! ખૂબ પૈસા, ખૂબ નામ. પણ હું જ્યારે ભણતી હતી ત્યારે મને એ સમજાયું કે આ બધું એમનેમ નથી મળતું. એની પાછળ અથાગ મહેનત હોય છે. જ્યારે અમારા બીજા ફ્રેન્ડ્સ ભણતા-ભણતા કમાવા લાગે ત્યારે અમે ભણતા જ હોઈએ છીએ. જ્યારે તેઓ ફ્રેન્ડ્સ જોડે ફરવા જાય, મજા કરતા હોય ત્યારે પણ અમે તો ભણતા જ હોઈએ છીએ. અથાગ મહેનત અને ખૂબબધો ભોગ જ અમને ડૉક્ટર બનાવે છે એ તો હું સમજી ગઈ હતી. 

હું જ્યારે મારી એમબીબીએસની ઇન્ટર્નશિપ કરી રહી હતી ત્યારે અમારી હૉસ્પિટલમાં ઇમર્જન્સી વૉર્ડમાં ડ્યુટી હતી. પરંતુ એ દિવસે મારા એક સિનિયર રેસિડન્ટ અને હું બે જ જણ હતા. ત્યાં અચાનક જ એક ઍક્સિડન્ટ કેસ આવ્યો. એક સ્ત્રી ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને એને બચાવવા માટે એને વેન્ટિલેટરની જરૂર હતી. વેન્ટિલેટર પર વ્યક્તિને રાખવા માટે વ્યક્તિને ઇન્ક્યુબેટ કરવું પડે છે. જે મેં ક્યારેય કર્યું જ નહોતું. એમને ઇન્ક્યુબેટ કરવાની જવાબદારી મારા પર આવી. અમારી સાથે કોઈ અનુભવી ડૉક્ટર નહીં. મારી એક નાની ભૂલ અને એ વ્યક્તિનો જીવ જઈ શકતો હતો. મેં ખુદને હિંમત આપી. એ વ્યક્તિના જીવન અને મરણની જવાબદારી હવે મારી હતી. જો હું એમને ઇન્ક્યુબેટ ન કરું તો પણ એ મૃત્યુ પામી શકે અને જો મારી નાની ભૂલ થઈ તો પણ. મારી પાસે કોઈ ઑપ્શન જ નહોતો. મેં મારી બધી શક્તિ એ કામ બરાબર કરવામાં લગાડી. એ સ્ત્રીનો ઇલાજ પણ સારો થયો અને એ બચી ગઈ. ઇમર્જન્સીમાં જ્યારે અમે ડૉક્ટર્સ કામ કરતા હોઈએ ત્યારે ઇમોશન્સને સાઇડ પર રાખીને મેકૅનિકલી બધું કરવું પડે. એ ક્ષણે તો મારી પાસે કંઈ જ વિચારવા માટે નહોતું પરંતુ જ્યારે શાંતિમાં એકલી બેઠી ત્યારે મને સમજાયું કે આ છે મારો પ્રોફેશન. જ્યાં અમુક ક્ષણો માટે દરદીના જીવન અને મરણની ડોર અમારા હાથમાં અપાઈ જતી હોય છે જેમાં કોઈપણ ભૂલ થવાને સ્થાન નથી.

સફેદ કોટ લોકોને એ વાતની બાંયધરી આપે છે કે અમે છીએ, ચિંતા કરશો નહીં

હું MGM મેડિકલ કૉલેજ, નવી મુંબઈના એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણતો હતો. અમને થીયરી લેક્ચર સાથે પ્રૅક્ટિકલ નૉલેજ મળે એ માટે અમને અમારા સિનિયર રેસિડન્ટ ડૉક્ટર્સ હૉસ્પિટલમાં જુદા-જુદા વૉર્ડમાં લેક્ચર લેતા હોય જેને અમે ક્લિનિકલ પોસ્ટિંગ પણ કહીએ છીએ. એમાં અમને દરદીની પરિસ્થિતિ સમજાવવામાં આવે અને એમને કેમ આ પ્રકારની ટ્રીટમેન્ટ અપાય છે એ બાબતે વાત થાય. અમે આવું જ એક લેક્ચર ભરી રહ્યા હતા. એમબીબીએસમાં અમને ક્યારેય પર્સનલી દરદીને ટ્રીટ કરવા ન આપે. કોઈ સિનિયર ડૉક્ટર હોય તો એની સાથે રહીને અમે બધું શીખતા હોઈએ. પરંતુ એ સમયે હૉસ્પિટલમાં ઇમર્જન્સી આવી અને જેટલા સિનિયર ડૉક્ટર્સ છે એમને તાત્કાલિક ત્યાં ભાગવું પડ્યું. અમારામાંથી કેટલાક એમની મદદે ગયા. ત્યાં મારી પાસે એક પંચાવન વર્ષની આસપાસ હોય એવી સ્ત્રી આવી. એના પતિ બેભાન થઈ ગયેલા અને એ માટે એ મારી પાસે કરગરવા લાગી. હું સમજી શક્યો કે એને નથી ખબર કે હું હજી સ્ટુડન્ટ છું. એમણે તો મારો સફેદ કોટ જોયો અને ધારી લીધું કે હું ડૉક્ટર છું. એમણે કહ્યું કે પ્લીઝ, મારા પતિને બચાવી લ્યો. જુવોને એમને શું થઈ ગયું? પ્રોટોકૉલ મુજબ હું કોઈ દરદીને તપાસીને કોઈ નિર્ણય લઈ ન શકું પરંતુ કોઈ વ્યક્તિ આ રીતે કરગરતી હોય ત્યારે તમને એટલું તો લાગે જ કે તમારાથી બનતું તમે એના માટે કરો. હું એમની સાથે ગયો અને મેં જોયું કે એમનું હૃદય ધીમું પડી ગયેલું. એમના પતિને તાત્કાલિક CPR દેવાની જરૂર હતી. મેં એમને એ આપવાનું શરૂ કર્યું. એમનો શ્વાસ પાછો આવ્યો અને ત્યાં સુધીમાં સિનિયર ડૉક્ટર પણ આવી ગયા. એ દિવસે હું સમજ્યો કે સફેદ કોટનું મહત્ત્વ શું છે. આ કોટ લોકોને એ વાતની બાંહેધરી આપે છે કે અમે છીએ, તમે ચિંતા ન કરો. એ દિવસ પછીથી જ્યારે પણ હું આ સફેદ કોટ પહેરું છું તો એ જવાબદારીને સમજીને જ પહેરું છું. 

દાક્તરી સાથે સેવા ભળે ત્યારે આ સંતોષ એની ચરમસીમા પર હોય છે

દરેક વ્યક્તિ દુનિયામાં પોતાના પ્રોફેશન પાસેથી અમુક પ્રકારની બેઝિક અપેક્ષા તો રહેવાની જ જેમ કે એ સેટલ થઈ શકે, કમાઈ શકે, સમાજમાં નામ કરી શકે. એ માટે દરેક વ્યક્તિ મહેનત પણ કરતી જ હોય છે. પરંતુ અમુક કામ એવાં છે જેમાં આ મૂળભૂત જરૂરિયાતો ગૌણ બની જાય છે, કારણ કે એની ફરજો ઘણી મોટી હોય છે. દરેક મેડિકલ સ્ટુડન્ટને એની સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનું ભાન જુદા-જુદા સમયે થતું હોય છે.
મેં મારું ગ્રૅજ્યુએશન શ્રીમતી સી. એમ. પટેલ હોમિયોપૅથી મેડિકલ કૉલેજમાંથી કર્યું. અમારી ઇન્ટર્નશિપની વાત કરું તો કામ અઢળક હોય અને સોમથી શનિવાર સુધી બિલકુલ ફ્રી સમય જ ન હોય. એમાં અમને એક માંડ રવિવાર મળે. ત્યાં અમારા એક મેન્ટરે કહ્યું કે લાયન્સ ક્લબમાંથી મેડિકલ કૅમ્પ યોજાવાના છે અને આપણે ત્યાં જઈશું. આ સાંભળીને અમે ખુશ તો થયા પણ પછી ખબર પડી કે એ તો રવિવારે છે. એક રજા અને એમાં પણ કૅમ્પ? શું થાય? જવું તો પડશે જ. એમ વિચારીને અમે કૅમ્પમાં ગયા. એ દિવસે અમે જોયું કે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા એવા કેટલાય લોકો કૅમ્પમાં લાઇન લગાવીને અમારી રાહ જોઈ રહ્યા હતા. દરેકની સમસ્યા જુદી અને દરેકને જ ઇલાજની ખૂબ જ જરૂર. એ કૅમ્પમાં જતાં-જતાં અમે સમાજના એ ભાગને મળ્યા જેમને અમારી કૅરની ખૂબ જ જરૂર હતી. પરંતુ ત્યાં જતાં-જતાં અમને અમારા કામનો એક અલગ જ સંતોષ મળવા લાગ્યો કે જ્યારે કૅમ્પ ન હોય ત્યારે અમને એ ખાલીપણું ઘેરી વળતું. એ કૅમ્પ, ત્યાંના દરદીઓ, એમના પ્રશ્નો જાણે કે અમારા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયા. રવિવાર અમને ખાલી નહોતો ગમતો. કોઈ પણ પ્રોફેશનમાં તમારું કામ તમને કેટલો સંતોષ આપે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. દાક્તરી સાથે સેવા ભળે ત્યારે આ સંતોષ એની ચરમસીમા પર હોય છે એ હું આ કૅમ્પ થકી સમજી શકી. એ વખતે હું દાક્તરીની સાથે-સાથે ખુદને પણ વધુ સમજી શકી કે મારા પ્રોફેશનથી જે મને સૌથી વધુ જોઈએ છે એ છે આ સંતોષ. કોઈ અતિ જરૂરતમંદને ઉપયોગી થવાનો, કોઈની સેવા કરવાનો સંતોષ. આ ફક્ત પહેલો પાઠ નહીં, બોધપાઠ હતો જે હું જીવીશ ત્યાં સુધી મને યાદ રહેશે. 

columnists Jigisha Jain