આ કોઈ છિછોરા પ્રેમનું પ્રતીક નથી, માણસ માણસને પ્રેમ કરે એનું પ્રતીક છે

28 November, 2021 01:44 PM IST  |  Mumbai | Sejal Patel

ગુજરાતી નાગર પત્ની માટે આનાથી મોટી બીજી ગિફ્ટ શું હોઈ શકે? આવો જાણીએ પ્રેમના સિમ્બૉલ જેવી હેરિટેજ રેપ્લિકા બનાવી આપનારા યુગલની લવ-સ્ટોરી

આ કોઈ છિછોરા પ્રેમનું પ્રતીક નથી, માણસ માણસને પ્રેમ કરે એનું પ્રતીક છે

આવું કહેવું છે મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં પત્ની માટે તાજમહલ જેવું ઘર બનાવનારા આનંદ ચોક્સેનું. ગુજરાતી નાગર પત્ની માટે આનાથી મોટી બીજી ગિફ્ટ શું હોઈ શકે? આવો જાણીએ પ્રેમના સિમ્બૉલ જેવી હેરિટેજ રેપ્લિકા બનાવી આપનારા યુગલની લવ-સ્ટોરી

મુગલ સમ્રાટ શાહજહાંએ મુમતાઝ બેગમની યાદમાં આગરામાં બનાવેલી દુનિયાની આ સાતમી અજાયબી હવે મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં પણ જોવા મળશે. કારણ છે શાહજહાંની જેમ બુરહાનપુરના પ્રતિષ્ઠિત એજ્યુકેશનિસ્ટ આનંદ ચોક્સેએ પત્ની મંજુશા માટે તાજમહલ જેવું ઘર બનાવ્યું છે. રેણુકા માતા રોડ પર આવેલી મેક્રો વિઝન ઍકૅડેમી અને ઑલ ઇઝ વેલ હૉસ્પિટલના કૅમ્પસમાં જ આ ઘર બનેલું છે. તાજમહલ જોવો એક લહાવો છે, પણ એવા જ ઘરમાં રહેવું એ તો એથીયે મજાની વાત છે. ગયા અઠવાડિયે આ અનોખા ઘરની ગિફ્ટના સમાચારે છાપાં અને સોશ્યલ મીડિયામાં સારુંએવું માઇલેજ મેળવ્યું. કોઈકને લાગ્યું કે આ માત્ર પબ્લિસિટી માટેનું ગિમિક હશે તો કોઈકને લાગ્યું કે આ ગિફ્ટ મેળવનારી પત્ની તો ભઈ બહુ ભાગ્યશાળી કહેવાય. જ્યારે જાણવા મળ્યું કે આ ભાગ્યશાળી સ્ત્રી છે ગુજરાતી નાગર બ્રાહ્મણ ત્યારે તો થયું કે જેમના પ્રેમનું પ્રતીક આવું છે તો તેમની પ્રેમકહાણી તો જાણવી જ જોઈએ. 
નાગર કન્યા મંજુલાબહેનની આ ક્ષત્રિય ભાઈ સાથે પહેલી મુલાકાત કેવી રીતે થઈ એની વાત કરતાં મંજુલાબહેન કહે છે, ‘તેઓ (આનંદ) મારાથી ચારેક વર્ષ જ મોટા છે, પણ હું તેમની પાસેથી કૉમ્પિટિટિવ અભ્યાસ માટે ભણવા જતી હતી. તેઓ મારા ટીચર હતા.’
પ્રેમમાં કઈ રીતે પડ્યા એની વાત આગળ વધારતાં આનંદભાઈ કહે છે, ‘વાત એમ હતી કે અમે બન્ને ઍકૅડેમિકલી સારાએવા હોશિયાર હતાં. મને એન્જિનિયરિંગમાં અને મંજુને એમબીબીએસમાં ઍડ્મિશન મળી શકે એમ હતું, પણ અમારા પરિવારની સ્થિતિ નહોતી કે હું એ ભણી શકું. મારા પિતાજીને ત્યાં બે-ત્રણ ભેંસ હતી. એનું દૂધ વેચીને તેમ જ છાપાં અને ગૅસનાં સિલિન્ડરોની ડિલિવરી કરીને અમે ગુજરાન ચલાવી લેતા. એવામાં એન્જિનિયરિંગનું સપનું બહુ મોટું હતું. અમને થયું કે ભલે આપણે આગળ અભ્યાસ ન કરી શક્યા, પણ એટલા હોશિયાર તો છીએ જ કે બીજાને તેમની મંઝિલ મેળવવા માટે ભણાવી શકીએ. અમારા બન્નેની વિચારધારા એમાં મૅચ થતી હતી. હું મૅથમૅટિક્સમાં એમએસસી થયેલો છું અને મંજુ બૉટનીમાં ગોલ્ડ મેડલિસ્ટ હતી. હું ફિઝિક્સ, મૅથ્સ અને કેમિસ્ટ્રી ભણાવી લેતો; જ્યારે મંજુ બાયોલૉજી અને બૉટની. આમ એકબીજાના પૂરક હોવાથી સાથે કામ કરવાનું થયું અને એમ જ પ્રેમમાં પડ્યાં અને લગ્ન થયાં.’
જ્ઞાતિઓ જુદી હોવાથી સમાજ અને પરિવારો તરફથી થોડોક વિરોધનો સામનો કરવો પડ્યો, પણ બન્ને જણ પોતાના જીવનમાં શું જોઈએ છે એ બાબતે સ્પષ્ટ હોવાથી પોતાની રીતે આગળ વધી ગયાં. સાથે કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને સ્થિતિ બદલાણી. એ વિશે આનંદભાઈ કહે છે, ‘કોચિંગ ક્લાસથી સ્ટુડન્ટ્સનું તો ભલું થયું જ, પણ અમારા બન્નેના પૅશનેટ પ્રયત્નોને કારણે ક્લાસનો સક્સેસ-રેટ ઊંચો રહેવા લાગ્યો અને અમારી ગાડી પણ પાટે ચડી ગઈ. કોચિંગ ક્લાસમાંથી હાયર સેકન્ડરી સ્કૂલ ખોલવાનો વિચાર આવ્યો. એમાં પણ અમે બન્નેએ રાતદિવસ એક કરીને કામ કર્યું અને એમ નસીબ આડેથી પાંદડું હટ્યું. ઍકૅડેમિક ઇન્ટરેસ્ટને કારણે આજે અમારાં બાળકો પણ ભણવામાં અવ્વલ છે.’
જ્યાં તેમનું તાજમહલ જેવું ઘર ખડું થયું છે એ કૅમ્પસમાં જ તેમની મેક્રો વિઝન ઍકૅડેમી છે. બુરહાનપુરની બિગેસ્ટ હૉસ્ટેલ છે જેમાં ૧૭૦૦ સ્ટુડન્ટ્સ રહે છે. અહીંનું પૂરું ભણતર હાઈ ટેક છે. સ્કૂલમાં ૨૫૦ આઇમેક કમ્પ્યુટર લાગેલાં છે અને દરેક બાળક ઍપલના આઇપૅડ સાથે ભણે છે. અહીંની સ્કૂલમાંથી ભણી ચૂકેલાં ૮૦ ટકા બાળકો એન્જિનિયરિંગ અને મેડિકલમાં જોડાય છે. કૉમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી માટે તો અહીં ભારતભરમાંથી જ નહીં, અરબ તેમ જ મિડલ-ઈસ્ટર્ન દેશોમાંથી પણ સ્ટુડન્ટ્સ ભણવા આવે છે. આ જ કૅમ્પસમાં ૩૬૦ બેડની કૅપેસિટી ધરાવતી ઑલ ઇઝ વેલ નામની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ છે જેમાં લગભગ ૬૦૦ જણનો સ્ટાફ છે. ખૂબ જૉલી નેચરના આનંદભાઈ સાથે વાત કરો તો તેમની સહૃદયતા સ્પર્શી જાય એવી. બુરહાનપુર શહેરની સૌથી અમીર વ્યક્તિઓમાં નામના ધરાવતા હોવાનું કોઈ જ ગુમાન નહીં. નામના અને સંપત્તિનો નશો તેમને કેમ ચલિત નથી કરી શક્યો એનું કારણ જણાવતાં આનંદભાઈ કહે છે, ‘ભગવાનની દયાથી મને બાળપણમાં જીવનની ક્રૂર અને કઠોર થપાટો મળી છે જેણે અમારા ઈગોને કદી મોટો થવા દીધો નથી. લોકોને લાગે છે કે અમે તાજમહલ જેવા ઘરમાં રહીએ છીએ, પણ એ સિમ્બૉલ ઑફ લવ છે. બાકી મારું જીવન બહુ સાદું છે. તમને હું કૅમ્પસમાં સ્લિપર કે જૂતાં પહેરીને ફરતો જોવા મળીશ. માઇક્રો વિઝન ઍકૅડેમી ઉપરાંત બીજી ચાર સ્કૂલો તૈયાર કરી છે અને મારી જે જર્ની રહી છે એના અનુભવ પરથી મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાઉં છું. એમ છતાં હજી સુધી ટાઇ, બ્લેઝર કે લેધરનાં શૂઝ જેવી ચીજો વાપરતો નથી થયો.’
તો પછી તાજમહલ બનાવવા જેવો લક્ઝુરિયસ પ્રોજેક્ટ બનાવવાનું કેવી રીતે સૂઝ્યું? એના જવાબમાં આનંદભાઈ કહે છે, ‘ઘણા વખતથી અમે થોડુંક સારું ઘર બનાવવાનું વિચારી રહ્યા હતા. શું કરવું એની શોધ ચાલી રહી હતી. એવામાં મને બહારગામથી અમારી સ્કૂલમાં આવતા પેરન્ટ્સના સવાલે જગાડ્યો. ઘણા પેરન્ટ્સ પૂછતા કે બુરહાનપુરને સિટી ઑફ લવ કેમ કહેવાય છે? એવા સમયે હું તેમને ઇતિહાસ જણાવતો. મુમતાઝની યાદમાં તાજમહલ આગરામાં બન્યો, પરંતુ તેનું મૃત્યુ બુરહાનપુરમાં થયેલું. શાહજહાંને અહીં જ તેની સ્મૃતિમાં સ્મારક બનાવવું હતું, પરંતુ એ વખતે આર્કિટેક્ટ્સના કહેવા મુજબ અહીંની સૉઇલ તાજમહલ માટે યોગ્ય નહોતી. એ માટે જરૂરી મકરાણા માર્બલ્સ રાજસ્થાનથી અહીં લાવવાનું બહુ દૂર પડી જાય એમ હતું. એટલે આગરામાં તાજમહલ બન્યો. એ દરમ્યાન મુમતાઝના શબને થોડાક સમય માટે અહીંની તપ્તી નદી પાસે કેમિકલ્સ દ્વારા પ્રિઝર્વ કરીને રાખવામાં આવ્યો. સૌ જાણે છે કે આજે તાજમહલ પ્રેમનું પ્રતીક ગણાય છે જે ટેક્નિકલ અડચણો ન હોત તો બુરહાનપુરમાં પણ બની શક્યો હોત. મને થયું કે લાવ, મંજુ માટે હું જ કેમ તાજમહલ ન બનાવું?’
પતિ પોતાના માટે તાજમહલ જેવું ઘર બનાવવા વિચારે છે એવું સાંભળીને પત્નીનું રીઍક્શન કેવું હોય? ખુશીથી ઊછળી જ પડે, ખરુંને? પોતાનું ડ્રીમ હોમ કેવું હશે એનાં સપનાંઓ પણ જોવા લાગે અને એમાં શું-શું હોવું જોઈએ એનું લાંબું વિશ-લિસ્ટ પણ હાથમાં પકડાવી દે, રાઇટ? 
ના રૉન્ગ. આનંદભાઈ કહે છે, ‘૨૦૧૭માં જ્યારે મેં તાજમહલ જેવું ઘર બનાવવાનો આઇડિયા મંજુ સામે રજૂ કર્યો તો તે ખુશ જરૂર થઈ, પણ સૌથી પહેલાં તેણે એક જ શરત મૂકી કે એમાં મારા માટે એક મેડિટેશન રૂમ હોવો જ જોઈએ. બાકી તમે જે કરશો એ ઠીક જ હશે.’
પતિ બહુ ક્રીએટિવ અને ઇનોવેટિવ વિચારો ધરાવે છે એટલે તેઓ સારું જ પ્લાન કરશે એવો ભરોસો ધરાવતાં મંજુશાબહેન કહે છે, ‘યસ, જ્યારે તેમણે મને તાજમહલ જેવું ઘર બનાવવાનું કહ્યું ત્યારે મને ગમ્યું તો બહુ જ, પણ મારી જરૂરિયાતો બહુ લિમિટેડ હતી. મને મેડિટેશન માટે એક રૂમ અને કિચનમાં થોડીક ચીજો મારી રીતની જોઈતી હતી. બાકી આખા ઘરમાં શું કરવું, કેવી રીતે કરવું એ બધું જ તેમણે વિચાર્યું છે. થોડા ઇનપુટ્સ મારા દીકરા કબીરે આપ્યા.’
લગ્નને સત્તાવીસ વર્ષ થઈ ચૂક્યાં છે અને બન્નેએ એકમેકના સ્વભાવને અને ભિન્નતાઓને બહુ સારી રીતે સમજી લીધાં છે. આનંદભાઈ કહે છે, ‘હું ભલે બાવનનો હોઉં, પણ દિલથી ૧૮નો જ છું. મંજુ ૪૮ની છે, પણ ૧૬-૧૭ વર્ષ જેવું હૃદય ધરાવે છે. અમારી વચ્ચે મોહબ્બત સિવાય કશું જ મળતું નથી આવતું. અમારા કેસમાં પેલું ઑપોઝિટ અટ્રૅક્ટ્સ વાક્ય સાચું ઠરે છે. અમારામાં ખૂબ ભિન્નતાઓ છે. લગભગ કશું જ મૅચ નથી થતું. હું હિન્દી મીડિયમમાં ભણેલો, જ્યારે મંજુ ઇંગ્લિશ મીડિયમની ફર્રાટેદાર અંગ્રેજી બોલનારી. મંજુનો ભૌતિક ચીજો તરફ જોવાનો નજરિયો આમ સ્ત્રીઓ જેવો નથી. તે થોડીક સ્પિરિચ્યુઅલિટી તરફ ઢળેલી છે. તેને શાંતિ જોઈએ અને મને સતત કામ. હું બહુ જ વર્કોહોલિક. હું નૉન-વેજ ખાઉં છું, જ્યારે તે અડે પણ નહીં. તે પ્યૉર વેજ. હું જીવનમાં બહારની યાત્રા પર નીકળ્યો છું અને તે આંતરિક યાત્રા પર નીકળી પડી છે. હું ખૂબ ફાસ્ટ છું. મને સતત ગતિ જોઈએ, જ્યારે તે ખૂબ ધીર-ગંભીર અને ઠહેરાવવાળી. એને કારણે અમારી ગાડી કદી ટકરાતી નથી.’

તાજમહલ જેવા ઘરની વિશેષતાઓ શું?
ચાર બેડરૂમ, એક મેડિટેશન રૂમ, લાઇબ્રેરી, કિચન અને મોટો સેન્ટ્રલ હૉલ એમાં છે. ઘરની ખાસિયત વિશે આનંદભાઈ કહે છે, ‘તાજમહલમાં વપરાયેલા એવા જ મકરાણા માર્બલ્સથી ઘર બન્યું છે. આ માર્બલની ખાસિયત એ છે કે એ ગરમી ઍબ્સૉર્બ નથી કરતા. બુરહાનપુરમાં ઉનાળામાં તાપમાન ૪૬થી ૪૯ ડિગ્રી જેટલું ઊંચું જતું રહે છે. એવા સમયે પણ આ માર્બલ પર તમે બેસશો તો ગરમીનો ચટકારો નહીં લાગે. ભરગરમીમાં પણ એને કારણે ઘર ઠંડું રહે છે. વળી ચારે તરફથી ખુલ્લું, ઊંચું અને ડોમ સ્ટાઇલનું હોવાથી નૅચરલ લાઇટ્સ અને હવાની અવરજવર બહુ સારી રહે છે. ફ્લોર અને વૉલ બન્ને વાઇટ હોવાથી ઘર વિશાળતા ફીલ કરાવે અને શાંતિ આપે. ઓરિજિનલ તાજમહલ કરતાં આ ઘર ત્રીજા ભાગનું છે. ઘરનું બેસિક સ્ટ્રક્ચર ૬૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, જ્યારે મિનારાની સાથે કુલ ૯૦ સ્ક્વેર મીટર જેટલું થાય. ઘર બની ગયા પછી મને સરપ્રાઇઝ એલિમેન્ટ જાણવા મળેલું. મને ગાવાનો શોખ છે. હૉલનો ગુંબજ ૨૯ ફુટ ઊંચો હોવાથી વચ્ચે ગીત ગાઓ તો અવાજ એમ્પ્લિફાય થાય અને પડઘાય પણ. જ્યારે ઘર બન્યું ત્યારે મેં આવું વિચારેલું નહીં એટલે એ મારા માટે બોનસ છે. તાજમહલ જેવા શેપને કારણે અંદરની રૂમોનો શેપ એકદમ રૅક્ટેન્ગ્યુલર નથી. એની એજીસ કપાયેલી હોવાથી કંઈક નવું લાગે છે.’
તાજમહલમાં બહારની તરફ આયતો લખેલી છે, જે આ ઘરમાં મિસિંગ છે. આનંદભાઈ કહે છે, ‘આ કોઈ ધાર્મિક સ્થળ નથી એટલે આયતો લખવાનો કોઈ મતલબ નહોતો. હા, આ ઘર કોઈ છિછોરા પ્રેમની નિશાની પણ નથી. પ્રેમનો અર્થ વિશાળ સંદર્ભમાં છે. માણસ માણસને પ્રેમ કરે. એ કોઈ પણ ધર્મના હોય. તાજમહલના મુખ્ય ગુંબજના ટૉપ પર ભારતના ફ્લૅગ માટેની જગ્યા છે. બાકીના ચાર મિનારા પર હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઇસાઈ ધર્મનાં સિમ્બૉલ છે. ઘરની અગાસી પર બીજા નાના મિનારા છે. એના પર જૈન, બૌદ્ધ ધર્મનાં સિમ્બૉલ્સ સાથે સર્વધર્મ સમભાવની વિભાવના ધ્યાનમાં રાખવામાં આવી છે. હું કોઈ એક ધર્મમાં નથી માનતો. નથી અગરબત્તી કરતો કે નથી મીણબત્તી. હું કામ કરવામાં માનું છું. લોકોને પ્રેમ કરું છું. દુનિયામાં આજે ઇન્સાન જ ઇન્સાનને પ્રેમ નથી કરતો, ખોટી નફરતો પોષે છે. એક વાત સમજી લેવા જેવી છે કે બધા જ હિન્દુઓ બહુ સારા નથી તો બધા જ મુસ્લિમો ખરાબ પણ નથી. કાસ્ટિઝમથી ઉપર ઊઠીને માણસને જોઈ શકીએ અને માણસમાત્રને પ્રેમ કરીએ એના માટે આ સિમ્બૉલ ઑફ લવ છે.’
આ ડિઝાઇનિંગમાં આર્કિટેક્ટ તરીકે તેમના નાના ભાઈ પ્રવીણ ચોક્સેએ કામ કર્યું છે. ઠેકેદાર તરીકે મુસ્તાકભાઈએ બાજી સંભાળી હતી. આ જોડીએ આનંદભાઈને અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ સ્ક્વેર ફુટનું કન્સ્ટ્રક્શન કરી આપ્યું છે. તાજમહલ જેવા ઘરનું પણ લગભગ ૭૦થી ૮૦ ટકા જેટલું કામ મુસ્તાકભાઈ અને પ્રવીણ ચોક્સે એ જ કર્યું છે. 
ઘરની અંદરના કોતરણીકામ માટે ખાસ રાજસ્થાન અને બંગાળથી કારીગરો બોલાવવામાં આવેલા. અંદરની દીવાલો અને દાદરાને રૉયલ તેમ જ વિન્ટેજ લુક માટે કોતરણીકામ કરતાં સૌથી વધુ સમય લાગ્યો હતો. 

આખો પરિવાર ભણવા-ભણાવવામાં પાવરધો
આનંદભાઈ અને મંજુશાબહેનનાં સંતાનો પણ ભણવામાં તેમના જેટલાં જ હોશિયાર છે. મોટો દીકરો કબીર પચીસ વર્ષનો છે જે હાલમાં જ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીમાંથી મૅથમૅટિક્સ વિષય સાથે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરી આવ્યો. આનંદભાઈ કહે છે, ‘સેટની એક્ઝામમાં કબીર આખા ઇન્ડિયામાં ટૉપ આવ્યો હતો જેને કારણે તેને ૧૦૦ ટકા સ્કૉલરશિપ મળેલી. એક રૂપિયાનોય ખર્ચ કર્યા વિના તે વિદેશ ભણી આવ્યો. દીકરી ૨૧ વર્ષની છે અને હાલમાં બૉસ્ટનમાં બીએમએસ કરી રહી છે.’ 

મંજુશાબહેનનું ગુજરાતી કનેક્શન
મંજુશાબહેન ત્રણ-ચાર પેઢીથી બુરહાનપુરમાં જ સેટલ થઈ ગયેલા નાગર પરિવારનાં છે. તેમના ભાઈ મુંબઈમાં હોવાથી હવે તેમનાં મમ્મી-પપ્પા પણ મુંબઈ શિફ્ટ થઈ ગયાં છે.

 ઘરની ફેવરિટ જગ્યા કઈ? એના જવાબમાં મંજુશાબહેન કહે છે કે કિચન અને મેડિટેશન રૂમ. આ ઘરમાં મંદિર-મસ્જિદ બન્નેની ફીલિંગ આવે છે. સૌથી સારું તો એ છે કે આ ઘર સ્કૂલ-હૉસ્પિટલના કૅમ્પસમાં જ છે એટલે સતત કામ અને લોકોની વચ્ચે રહેવાનું થાય છે એ ગમે છે. હા, આ ઘરને સાફસૂથરું રાખવા માટે વધુ મહેનત લાગે છે.

columnists sejal patel