૨૦૨૧માં કઈ-કઈ ફિલ્મો તમારું ભરપૂર મનોરંજન કરવા માટે આવી રહી છે

03 January, 2021 05:50 PM IST  |  Mumbai | Harsh Desai

૨૦૨૧માં કઈ-કઈ ફિલ્મો તમારું ભરપૂર મનોરંજન કરવા માટે આવી રહી છે

બૉલીવુડમાં દર વર્ષે ઑન ઍન્ડ ઍવરેજ ૨૦૦ જેટલી ‌ફિલ્મો આવે છે અને એનું બૉક્સ-ઑફિસ કલેક્શન લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયા જેટલું હોય છે. જોકે ૨૦૨૦નું વર્ષ સાવ જ સૂકું રહ્યું, જેમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલી ફિલ્મો જ રિલીઝ થઈ શકી. મા‌ત્ર થિયેટર્સ બંધ હતાં એટલું જ નહોતું, પરંતુ નવું ક્રીએશનનું કામ એટલે કે શૂટિંગ પણ બંધ હતાં. ફિલ્મો બનવાનું અને રિલીઝ થવાનું બન્ને કામ અચાનક જ બંધ થઈ જતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને હજારો કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. હવે કેટલીક શરતો અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને શૂટિંગની ગાડી પાટે ચડી છે અને થિયેટર્સ પણ ફરી શરૂ કરવામાં આવ્યાં છે ત્યારે ૨૦૨૦માં અટકી પડેલી ફિલ્મો હવે રિલીઝ થવા માટે થનગની રહી છે. મનોરંજન માટે ફિલ્મો જરૂરી છે અને ૨૦૨૦નું વર્ષ જે રીતે ગયું એને જોતાં એની ખૂબ જરૂર પણ છે. નવા વર્ષમાં નવી ખુશી અને નવું એન્ટરટેઇનમેન્ટ આવે અને આપણી લાઇફ ફરી નૉર્મલ થઈ જાય એની ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ વર્ષે ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાની શરૂ થઈ ગઈ છે, પરંતુ મોટા ભાગની ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં નથી આવી તેમ જ કેટલીક ફિલ્મો તહેવાર દરમ્યાન રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી એ એમની એમ જ છે. તો આ વર્ષે રિલીઝ થનારી કેટલીક મોટા બજેટની તો કેટલીક ખૂબ પ્રૉમિસિંગ લાગી રહી છે અને ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે એ ફિલ્મો કઈ છે એના પર એક બાજનજર નાખીએ...

બેલ બૉટમ

અક્ષયકુમારની આ સ્પાઇ થ્રિલર ફિલ્મ ૧૯૮૦ના દાયકાની છે. કોરોના વાઇરસને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ આ પહેલી મેઇનસ્ટ્રીમ છે, જેનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટથી લઈને અંત સુધીનું ગ્લાસગો અને લંડનમાં કરવામાં આવ્યું હતું. એમાં અક્ષયની સાથે વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ જોવા મળશે. આ ફિલ્મ અક્ષય અને ૧૯૮૦ના દાયકાની લવ-સ્ટોરી અને એના નામને કારણે એણે લોકોમાં ખૂબ કુતૂહલ જગાડ્યું છે.

રશ્મિ રૉકેટ

તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રૉકેટ’માં સ્પ્રિન્ટરની ભૂમિકામાં જોવા મળશે. આ સ્ટોરી ગુજરાતના કચ્છની એક છોકરી પર આધારિત છે. તે પોતાની ઓળખ મેળવવાની કોશિશ કરતી હોય છે અને તે ઍથ્લીટ બને છે. આને માટે તાપસીએ ખૂબ જ મહેનત કરી હતી. આ ફિલ્મની સ્ટોરી ગુજરાત પર આધારિત હોવાની સાથે એમાં ગુજરાતના ફેમસ ગરબાની પણ ઝલક જોવા મળશે. આ સાથે જ તાપસી ઇન્ડિયન ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિતુ’, ‘રન લોલા રન’ની રીમેક ‘લૂપ લપેટા’ અને મર્ડર મિસ્ટરી ‘હસીન દિલરુબા’માં પણ જોવા મળશે.

મેડે

અજય દેવગન તેના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી

‘મેડે’ ડિરેક્ટ પણ કરી રહ્યો છે. આ ફિલ્મ એટલા માટે ચર્ચામાં છે, કારણ કે એમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ છે. તે

ફરી આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ સાથે કામ કરતો જોવા મળશે.

આ ફિલ્મ ૨૦૧૫ના એક એવિયેશનની ઘટના પર આધારિત ફિલ્મ છે, જેમાં અજય દેવગન પાઇલટ છે. આ ફિલ્મમાં અજય દેવગન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા હોવાથી એ ખૂબ ચર્ચામાં છે.

આરઆરઆર

આ ફિલ્મ એસ. એસ. રાજામૌલીને કારણે ખૂબ ચર્ચામાં છે. ‘બાહુબલી’ ફ્રૅન્ચાઇઝી બાદ તેઓ આ ફિલ્મ બનાવી રહ્યા છે અને એથી લોકોમાં ખૂબ જિજ્ઞાસા છે. આ ફિલ્મ એસ. એસ. રાજામૌલીની સાથે એના ઍક્ટર્સને કારણે પણ જાણીતી છે. અલ્લૌરી સીતારામ રાજુ અને કોમરામ ભીમને ઍપિક સ્ટોરી પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એન. ટી. આર. સાથે કામ કરી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર ઓછા હોય એમ એમાં આલિયા ભટ્ટ અને અજય દેવગનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે.

પઠાણ

શાહરુખ ખાનની ‘ઝીરો’ બાદ તેની આગામી ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે તેણે ‘પઠાણ’નું શૂટિંગ શરૂ કરી દીધું હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને ડિમ્પલ કાપડિયા જોવા મળશે. ‘વૉર’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને હૃતિક રોશન પણ નાનકડી ભૂમિકા ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે, એનું કારણ એકમાત્ર શાહરુખ ખાન છે, કારણ કે તે અઢીથી ત્રણ વર્ષ બાદ ફરી મોટા પડદા પર જોવા મળશે.

સર્કસ

રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની જોડી ‘સિમ્બા’ બાદ ફરી એક નવી ફિલ્મ લઈને આવી રહી છે. આ ફિલ્મનું નામ ‘સર્કસ’ રાખવામાં આવ્યું છે, જેને શેક્સપિયરના નાટક ‘કૉમેડી ઑફ એરર્સ’ પરથી બનાવવામાં આવી રહી છે. જોકે રોહિત શેટ્ટી તેની ફિલ્મોમાં ટ્વિસ્ટ આપવા માટે જાણીતો છે અને તે આ ફિલ્મમાં પણ દેશી ટ્વિસ્ટ આપશે એમાં બેમત નથી. જો આ ફિલ્મ હિટ રહી તો ‘ગોલમાલ’ સિરીઝની જેમ એની પણ સિરીઝ બનાવવામાં આવે તો નવાઈ નહીં.

શકુન બત્રાની આગામી ફિલ્મ

શકુન બત્રા તેની આગામી ફિલ્મ દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાન્ડે સાથે મળીને બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પહેલાં શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ કોરોના વાઇરસને કારણે સપ્ટેમ્બરમાં એ ગોવામાં શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સમાં જ્યારે દીપિકાનું નામ આવ્યું હતું ત્યારે તે ગોવામાં આ ફિલ્મનું જ શૂટિંગ કરી રહી હતી. તેણે હાલમાં મઢ આઇલૅન્ડ પર પણ એનું શૂટિંગ કર્યું હતું.

અતરંગી રે

ફિલ્મનું નામ જેવું છે એની કાસ્ટ પણ એવી જ છે. આ ફિલ્મમાં ધનુષ, સારા અલી ખાન અને અક્ષયકુમાર જોવા મળશે. ફિલ્મને આનંદ એલ. રાય ડિરેક્ટ કરી રહ્યા છે, જેનું આગરા અને દિલ્હીનું શેડ્યુલ પૂરું થયું છે. આ એક રોમૅન્ટિક ડ્રામા છે, જેનું મ્યુઝિક એ. આર. રહમાન આપશે. ફિલ્મનો પ્લૉટ હજી સુધી સીક્રેટ રાખવામાં આવ્યો છે.

ચંડીગઢ કરે આશિકી

આયુષ્માન ખુરાનાની ફિલ્મોનો પોતાનો એક પ્રકાર બની ગયો છે. જોકે તે હવે ‘ચંડીગઢ કરે આશિકી’માં વાણી કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં આયુષ્માન ક્રૉસ ફન્ક્શનલ ઍથ્લિટ બન્યો છે અને તે પહેલી વાર આ ફિલ્મમાં ફિઝિકલી ફિટ એટલે કે બૉડીમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં કરવામાં આવ્યું હતું, જે આયુષ્માનનું હોમટાઉન છે. આમ છતાં પહેલી વાર તેણે તેના શહેરમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

બધાઈ દો

રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકરની આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘બધાઈ હો’ની સીક્વલ છે. આ ફિલ્મ પણ પહેલી ફિલ્મ જેવી હશે એવી આશા રાખવામાં આવી રહી છે. પહેલી ફિલ્મમાં આયુષ્માન ખુરાના હતો, પરંતુ બીજીમાં રાજકુમારને પસંદ કરવામાં આવ્યો છે. ભૂમિ સાથેની તેની જોડી પહેલી વાર સાથે જોવા મળશે.

દોસ્તાના 2

જૉન એબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપડા જોનસની ૨૦૦૮માં આવેલી ‘દોસ્તાના’ પછીની ‘દોસ્તાના 2’ની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હોમોસેક્સ્યુઅલિટી પર આ એક કૉમેડી ફિલ્મ હતી જેની સીક્વલની જૉન અને અભિષેક ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા. જોકે કરણ જોહરે એની સીક્વલ કાર્તિક આર્યન, જાહ્‍નવી કપૂર અને લક્ષ લાલવાણી સાથે કરી હતી. આ એક લવ ટ્રાયેન્ગલ ફિલ્મ છે.

 જુગ જુગ જિયો

‘ગુડ ન્યુઝ’ના ડિરેક્ટર રાજ મેહતા ફરી એક વાર ડ્રામા-કૉમેડી ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર પણ જોવા મળશે. નીતુ કપૂર અને અનિલ કપૂર આઠ વર્ષ બાદ ફરી એકસાથે કામ કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મમાં વરુણના પેરન્ટ્સનું પાત્ર ભજવશે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન વરુણ, નીતુ કપૂર અને રાજ મેહતા ત્રણેય કોરોના-પૉઝિટિવ હતાં.

તખ્ત

કરણ જોહર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, ભૂમિ પેડણેકર, જાહ્‍નવી કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળશે. કરણ જોહર પહેલી વાર હિસ્ટોરિકલ ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે અને એ પણ મુઘલ એરાની. આ ફિલ્મમાં વિકી કૌશલ ઔરંગઝેબ અને રણવીર તેનો મોટો ભાઈ દારાનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે. આ ફિલ્મ બે ભાઈઓની લડાઈ પર આધારિત છે.

પુરાના માલ નયી તારીખ કે સાથ

કોરોના વાઇરસને કારણે બૉલીવુડની ઘણી મોટા બજેટની ફિલ્મો થિયેટર્સમાં રિલીઝ નહોતી થઈ. આ ફિલ્મો હવે આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મોમાં અક્ષયકુમાર, રણવીર સિંહ, આમિર ખાન અને સલમાન ખાન જેવા ઍક્ટર્સની ફિલ્મોનો સમાવેશ છે. આ ફિલ્મો પર એક નજર કરીએ...

સૂર્યવંશી

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને એ ૨૭ માર્ચે રિલીઝ થવાની હતી. જોકે ૨૧ માર્ચથી લૉકડાઉન આવતાં આ ફિલ્મની રિલીઝ અટકી ગઈ હતી. હજી પણ અમુક રાજ્યોમાં થિયેટર્સ બંધ છે અને એથી આ ફિલ્મને આ વર્ષે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હજી પણ એની રિલીઝ-ડેટ જાહેર કરવામાં નથી આવી, પરંતુ અક્ષયકુમાર અને કૅટરિના કૈફની આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની સાથે અક્ષયકુમાર ‘પૃથ્વીરાજ’માં પણ વ્યસ્ત છે.

બ્રહ્માસ્ત્ર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ત્રણ પાર્ટની આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલાં પૂરું થઈ ચૂક્યું છે. એને ગયા વર્ષે મેમાં રિલીઝ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે એ શક્ય નહોતું બન્યું. આયાન મુખરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય પણ જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન રણબીર અને આલિયા વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી.

83

ઇન્ડિયાએ પહેલી વાર ક્રિકેટમાં જીતેલા વર્લ્ડ કપ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહે અને તેમની પત્ની રુમીનું પાત્ર દીપિકા પાદુકોણે ભજવ્યું છે. આ સિવાય પણ ઘણા ઍક્ટર્સ આ ફિલ્મમાં છે. ક્રિકેટને ઇન્ડિયામાં ધર્મ તરીકે જોવામાં આવે છે અને એના પર બનનારી આ ઐતિહાસિક ફિલ્મની પણ એટલી જ રાહ  જોવાઈ રહી છે.

બંટી ઔર બબલી 2

રાની મુખરજી અને સૈફ અલી ખાનની ‘બંટી ઔર બબલી 2’ પણ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ પણ જોવા મળશે. અભિષેક બચ્ચન અને રાનીની ‘બંટી ઔર બબલી’ની સીક્વલને આગળ વધારવામાં આવી છે અને હવે એ રિલીઝ માટે તૈયાર છે.

લાલ સિંહ ચઢ્ઢા

હૉલીવુડની ૧૯૯૪માં આવેલી ટૉમ હેન્ક્સની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક ‘લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન કામ કરી રહ્યો છે. આ ફિલ્મને ૨૦૨૦ની ક્રિસમસ દરમ્યાન રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એમાં આમિરની સાથે કરીના કપૂર ખાને પણ કામ કર્યું છે. જોકે કોરોના વાઇરસને કારણે આ ફિલ્મનું શૂટિંગ નહોતું થઈ શક્યું અને હવે એને આ વર્ષે રિલીઝ કરવામાં આવશે.

રાધે

સલમાન ખાન દર વર્ષે ઈદ વખતે ફિલ્મ લઈને આવે છે. ગયા વર્ષે ૨૨ મેએ તે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ લઈને આવવાનો હતો. જોકે કોરોના વાઇરસને કારણે એનું શૂટિંગ પૂરું નહોતું થઈ શક્યું. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હૂડા, જૅકલિન ફર્નાન્ડિસ અને દિશા પટણી પણ છે. જોકે આ ફિલ્મને હવે આ વર્ષે ઈદ વખતે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ સાઉથ કોરિયન ‘વેટર્ન’ની હિન્દી રીમેક હોવાની ચર્ચા છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ૧૪ ઑક્ટોબરે પૂરું થયું હતું.

થલાઇવી

કંગના રનોટની ‘થલાઇવી’ને ગયા વર્ષે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એનું શૂટિંગ જ પૂરું નહોતું થઈ રહ્યું. તામિલનાડુનાં ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર જયલલિતાની આ બાયોપિક છે. આ ખૂબ મોટા બજેટની ફિલ્મ છે અને એમાં પ્રકાશ રાજ અને અરવિંદ સ્વામી પણ જોવા મળશે. તામિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૯ના નવેમ્બરમાં શરૂ થયું હતું. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં પૂરું થઈ ચૂક્યું છે અને હવે એનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

columnists harsh desai bollywood bollywood news upcoming movie