ત્રિદિવસીય નિઃશુલ્ક નૃત્યની વર્કશૉપ શરૂ કરી છે આ પીઢ ક્લાસિકલ ડાન્સરે

14 May, 2020 02:47 PM IST  |  Mumbai | Ruchita Shah

ત્રિદિવસીય નિઃશુલ્ક નૃત્યની વર્કશૉપ શરૂ કરી છે આ પીઢ ક્લાસિકલ ડાન્સરે

પીઢ કલાકાર ડૉ. રેખા દેસાઈ છેલ્લાં ૪૯ વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે.

અત્યારના કપરાકાળમાં તમામ લોકો પોતાનાથી બનતું કંઈક ને કંઈક નવું કરવાના અને પોતાના તરફથી સમાજને કંઈક આપવાના પ્રયાસો કરી રહ્યા છે. ભરતનાટ્યમ અને કથકમાં મહારથી કહેવાય એવાં પીઢ કલાકાર ડૉ. રેખા દેસાઈ છેલ્લાં ૪૯ વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. તેમની ડાન્સ ઍકૅડમીને પણ હવે ૩૫ વર્ષ થઈ ગયાં છે ત્યારે લૉકડાઉનમાં જીવનમાં ક્યારેક નૃત્ય શીખવાનું સપનું જોનારી મહિલાઓને ઍટ લીસ્ટ હવે આ તક મળવી જોઈએ એવો વિચાર આવ્યો અને તેમણે ઑનલાઇન ઍપ્લિકેશનના માધ્યમથી લોકોને ડાન્સની બેઝિક ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી. ચેન્નઈમાં ડાન્સ ક્ષેત્રમાં આપેલા પ્રદાન બદલ ડૉક્ટરેટની પદવીથી નવાજવામાં આવેલાં રેખાબહેન કહે છે, ‘અત્યારે બહાર નીકળવાનું નહોતું. જૂના સ્ટુડન્ટ માટે ઑનલાઇન ક્લાસ કરી રહી હતી ત્યારે થયું કે જે લોકોએ મનમાં ક્યારેક ડાન્સ શીખવાના ઓરતા સેવ્યા હતા એવી મહિલાઓને કંઈક શીખવીએ તો? મારી દીકરી સિદ્ધિને પણ આ વિચાર ગમ્યો. મોટે ભાગે ક્લાસિકલ ડાન્સ લાંબી સાધના માગી લે એવી પ્રક્રિયા છે, પરંતુ ત્રણ દિવસની વર્કશૉપના માધ્યમે બેઝિક માહિતી, મુદ્રાઓની સમજ અને સામાન્ય મૂવ તો શીખવી જ શકાય. એક વાર માટે તેમને થિરકાવી તો જરૂર શકાય. પહેલી વર્કશૉપ પછી મહિલાઓનો ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો.’


રેગ્યુલર દિવસો કરતાં રેખાબહેન અત્યારે વધારે બિઝી છે. મહિલા સશક્તિકરણ માટેની આ અનોખી રીતનો પહેલો સંતોષ તેમને ત્યારે થયો જ્યારે ઑનલાઇન વર્કશૉપમાં ૮૦ વર્ષનાં માજી નૃત્યમાં તાલથી તાલ મિલાવી રહ્યાં હતાં. રેખાબહેન કહે છે, ‘આટલી મોટી ઉંમરનાં બહેન વર્કશૉપમાં એન્જૉય કરી રહ્યાં હતાં ત્યારે જાણે એમ લાગ્યું કે અમારો પ્રયાસ સફળ થઈ રહ્યો છે. હકીકતમાં નૃત્ય પણ આપણે ત્યાં શાસ્ત્ર છે. ચારેય વેદોમાં અને આપણાં પ્રાચીન સ્થાપત્યોમાં નૃત્યનો મહિમા તમે જોયો જ હશે. અત્યારે વેસ્ટર્નાઇઝેશન વચ્ચે સંસ્કાર અને સંસ્કૃતિને આજની પેઢીમાં રોપવાના પ્રયત્નો અમે કરી રહ્યાં છીએ. ક્લાસિકલ ડાન્સમાં માત્ર પગની મૂવમેન્ટ નથી પણ તમારા આખા અસ્તિત્વને એમાં સામેલ કરવાનું હોય છે. દરેક રસ અને ભાવનું સંમેલન ક્લાસિકલ ડાન્સમાં ભરાતું હોય છે. આ નૃત્ય કર્યા પછી લાગણીઓ અને મનમાં છૂપા ભાવો બહાર આવી જતા હોય છે. કેટલીક બહેનો રડી પડી હોય અથવા હસી પડી હોય એવા રિવ્યુ પણ અમને મળ્યા, કારણ કે ક્યાંક તમારા સબકૉન્શિયસમાં છૂપા, દબાયેલા, તમને અંદરોઅંદર પીડી રહેલા ઇમોશન્સ નૃત્ય મારફત બહાર આવે છે. તમે હળવા થઈ જાઓ છો.’
૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પર્ફોર્મ કરી ચૂકેલાં રેખાબહેનના ફ્રી ક્લાસમાં જોડાવા માટે તમે ફેસબુક પર ડૉ. રેખા દેસાઈના પેજ પર જઈને તેમનો સંપર્ક કરી શકો છો.

ruchita shah columnists