૯૪ વર્ષનાં આ બાને મૅગી ખૂબ ભાવે છે

29 June, 2022 08:02 PM IST  |  Mumbai | Jigisha Jain

સાયનમાં રહેતાં વત્સલાબહેન પુરુષોત્તમ દોશીએ ગઈ કાલે તેમના ૯૫મા જન્મદિવસે તેમને મનભાવતી કેક કાપીને બર્થ-ડે ઊજવ્યો. આ ઉંમરે પણ લગભગ દરરોજ એક આઇસક્રીમ ખાવાનો શોખ ધરાવતાં આ બા ખરા અર્થમાં જીવનનો આસ્વાદને માણી રહ્યાં છે

૯૪ વર્ષનાં આ બાને મૅગી ખૂબ ભાવે છે

સાયનના દોશીપરિવારના ત્રણ બેડરૂમના ફ્લૅટમાં કોણ આવ્યું કે કોણ ગયું, વરસાદ ચાલુ થયો છતાં કયા રૂમની બારી ખુલ્લી છે એનું ધ્યાન, રૂમમાં કોઈ નથી છતાં પંખા કે લાઇટ ચાલુ રહી ગયા છે, કામવાળી બાઈએ સફાઈ બરાબર કરી કે નહીં, ઘરમાં કશું નથી તો એ લાવ્યા કે નહીં જેવી ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન એક ૯૪ વર્ષનાં બા વત્સલાબહેન પુરુષોત્તમ દોશી હજી પણ ઘણી સિફતથી રાખે છે. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ આપ્તજનોને પ્રેમ આપવાનો અને જીવનને ખરી રીતે માણી લેવાનો છે. હા, ચૉકલેટ, આઇસક્રીમ, કેક કે મૅગી જેવા તેમના શોખ જોઈને ક્યારેક કન્ફયુઝ થઈ જવાય કે આ બાના શોખ છે કે બેબીના? પરંતુ કદાચ આ જ વાત છે જે તેમને તેમની ઉંમરના લોકોથી અલગ પાડે છે. 
મૅગી, ચૉકલેટ અને આઇસક્રીમ
ખાવાનો તેમને શોખ ઘણો પરંતુ આજની તારીખે પણ કોઈ તંત નથી. આમ જ જોઈએ અને આવું જ હોવું જોઈએ એવો કોઈ દુરાગ્રહ પણ નથી. એ વિશે વાત કરતાં વત્સલાબહેન કહે છે, ‘મને 
બધું જ ભાવે છે પરંતુ મને દાંતનું ચોકઠું પહેરવું ફાવતું નથી એટલે સૉફ્ટ ફૂડ જ ખાઉં છું જેમાં મૅગી મારી ફેવરિટ છે. ઘરના લોકોનો બહારનો પ્રોગ્રામ હોય તો તેઓ પૂછે કે તમારા માટે કંઈ લાવીએ? તો હું ના પાડું, કારણ કે ઘરના લોકો બહાર જાય એ દિવસે મારો મૅગી ખાવાનો દિવસ હોય. મને એ ખૂબ ભાવે છે.’ 
આ સિવાય આઇસક્રીમનાં રસિક એવાં બાને દરરોજ રાત્રે આઇસક્રીમ ખાવાની ટેવ છે. જોકે આજકાલ ઠંડું વાતાવરણ છે એટલે તેમના દીકરા અશ્વિનભાઈ ના પાડે કે હમણાં ઠંડકમાં રહેવા દો તો એ ખૂબ સરળતાથી માની પણ જાય. ચૉકલેટ અને કેક પણ બાળકોની જેમ આ બાનાં પ્રિય છે. બર્થ-ડે પર એમનાં સંતાનો તેમના માટે કેક લાવેલાં એ વાત એ ખુશી-ખુશી બધાને કહે છે. 
કાળજી 
એક વડીલ તરીકે તેઓ ઘરમાં દરેકે દરેક સદસ્યની કાળજી લે છે. તેમના ઘરમાં તેમના દીકરા, પુત્રવધૂ અને તેમનો પૌત્ર રહે છે. તેમની પૌત્રી જ્યારે પિયર તેની દીકરીને લઈને આવે છે ત્યારે આ દાદી સૌથી વધુ ખુશ થાય છે. બા તેમનું પોતાનું તો ખરું, ઘરનું પણ નાનું-મોટું કામ કરી આપે છે. બપોરે કામવાળી સૂતી હોય તો એને પણ ડિસ્ટર્બ ન થાય એટલે બપોરની ચા જાતે બનાવીને બા પીએ છે. સહજ રીતે પોતાની વાત કરતાં વત્સલાબા કહે છે, ‘બિચારી એ પણ થાકી હોય તો એને પણ આરામ મળે. જે કામ હું કરી શકું છું એ માટે શું કામ કોઈને હેરાન કરું?’ 
વત્સલાબાની વહુ દીપ્તિ દોશીનો કલોધિંગના બિઝનેસનો સ્ટુડિયો ઘરમાં જ છે. તેમના મોટા ભાગના ક્લાયન્ટ્સ બાને ઓળખે. જે પણ આવે એ ઘરમાં બાને પગે પણ લાગે. રમૂજની વાત એ છે કે એ જાય ત્યારે બા એક ટકોર પણ કરે કે કંઈ લીધું કે નહીં કે બસ ચાલ્યા? 
ન્યુઝપેપર અને સુડોકુ 
વત્સલાબાના રૂટીનમાં ન્યુઝપેપરનો મોટો ભાગ છે. તેમના પતિ આમ તો સ્વાતંત્ર્ય સેનાની હતા અને પાછળથી એક ન્યુઝપેપરમાં કામ કરતા હતા. એટલે પહેલેથી તેમના ઘરે ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી બધાં ન્યુઝપેપર આવે અને એ સમયથી જ વત્સલાબાને એ વાંચવાની આદત, જે તેમણે હજી સુધી અકબંધ રાખી છે. પુરુષોત્તમભાઈના મૃત્યુને ૩૭ વર્ષ થઈ ગયાં એ પછી પણ પોતાને અને પરિવારને તેમણે સંભાળ્યાં અને એલઆઇસી એજન્ટ તરીકે કાર્યરત રહ્યાં. એટલે આજે પણ લોકોને બચતનો પાઠ એ શીખવતાં રહે છે અને સરકારી સ્કીમમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવું એની સલાહ આપે છે. તેમને સુડોકુ ગેમ ખૂબ જ ગમે છે. ન્યુઝપેપરમાં દરરોજ સુડોકુ ભરવાની સાથે-સાથે તેમની પાસે સુડોકુની બુક પણ છે જે તેમને ભરવી ગમે છે. 
બાના હાથનો સ્વાદ 
વત્સલાબા મૂળે મરાઠી છે અને તેમનાં લગ્ન ગુજરાતી સાથે થયાં હતાં પરંતુ ગુજરાતી કલ્ચરને તેમણે એવું તો અપનાવ્યું છે કે એ પોતે મરાઠી છે એવું જ્યાં સુધી કહો નહીં ત્યાં સુધી કોઈને સમજાય પણ નહીં. વત્સલાબહેને ફક્ત ગુજરાતી ભાષા જ નહીં, ગુજરાતી ખાણું બનાવતાં પણ એવું શીખ્યું હતું. આજે પણ તેમના હાથે બટાટાનું શાક બન્યું હોય તો સુગંધથી આખા બિલ્ડિંગને ખબર પડી જાય છે. એ લોકો પહેલાં માટુંગામાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં. બિલ્ડિંગવાળા જે લોકો નીચેથી ઉપર જાય તે એક વાટકો બાના હાથનું શાક ઘરે લેતા જાય. આજે પણ કોઈ બહારગામ જાય તો તેમના હાથની બનેલી સુખડી લીધા વગર ન જાય. આજે બધી રસોઈ એ નથી બનાવી શકતાં પરંતુ તેમની ખાસ ડિશને પોતાનો સ્વાદ અપાવવા કે ફાઇનલ ટચ માટે તો હજી પણ ઘરમાં બાની જરૂર અકબંધ છે. 

columnists