બોલો, ટેક્નૉલૉજીના મહારથી છે ૧૦૧ વર્ષના આ દાદાજી

25 November, 2020 03:02 PM IST  |  Mumbai | Varsha Chitalia

બોલો, ટેક્નૉલૉજીના મહારથી છે ૧૦૧ વર્ષના આ દાદાજી

યુવાન વયે પત્ની સાથેની ફોટો ફ્રેમ પાસે

ટેક્નૉલૉજીનું ઊંડું જ્ઞાન ધરાવતા ગોરેગામમાં રહેતા રમણલાલ મોહનલાલ પરીખ આ ઉંમરે કમ્પ્યુટર પર પોતાની બાયોગ્રાફી લખી રહ્યા છે. વાંચનનો એવો શોખ કે આંખે ઝાંખું દેખાતું હોવાથી વર્તમાનપત્રો વાંચવા મૅગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરે છે. બ્રિટિશ શાસનકાળમાંથી ભારતને આઝાદી મળી એ દિવસનો રોમાંચ આજે પણ તેમને યાદ છે. યુવાનીમાં અનેક પ્રકારનાં સાહસો કરી ચૂકેલા આ દાદાજી એકસો એક વર્ષે કસરત કરી નીરોગી જીવન વિતાવે છે એ આશ્ચર્યચક્તિ કરનારી ઘટના છે..

આ વર્ષના ઑગસ્ટ મહિનાની ૨૯ તારીખે આયુષ્યનાં એકસો એક વર્ષ પૂરાં કરી ચૂકેલા ગોરેગામના રમણલાલ દાદાજીને અત્યાધુનિક ટેક્નૉલૉજી ધરાવતાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વાપરતાં આવડે છે. ઇન્ટરનેટનું તેમનું જ્ઞાન યુવાનો કરતાં જરાય ઓછું નથી. આ ઉંમરે તેઓ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ છે તેમ જ પોતાનું પર્સનલ ઈ-મેઇલ ઍડ્રેસ પણ ધરાવે છે. વાંચનનો અતિશય શોખ ધરાવતા દાદાજીએ જીવનની સમી સાંજે ‘મારી સ્મરણયાત્રા’ નામથી કમ્પ્યુટર પર પોતાની બાયોગ્રાફી લખવાનું શરૂ કરી દીધું છે. તેમના પરિવારના કહેવા મુજબ જીવન સંસ્મરણોને કમ્પ્યુરમાં લખી, પ્રિન્ટ કાઢી વ્યવસ્થિત ફાઇલ કરે છે. હાલમાં ૧૯૯૮ સુધીનાં સંસ્મરણો ટપકાવી ચૂક્યા છે. હજી બે દિવસ પહેલાં તેમણે પુત્રવધૂ અરુણાબહેનને પૂછ્યું હતું કે ‘હું અમેરિકા કઈ સાલમાં ગયો હતો?’ આ પરથી ફૅમિલીના સભ્યોએ અનુમાન લગાવ્યું છે કે તેમણે અમેરિકામાં વિતાવેલા છ મહિનાનાં સંસ્મરણો સુધીની નોટ્સ લખાઈ ગઈ છે. આશ્ચર્યચકિત કરી દેનારી આવી અનેક વાતો જાણવા મળીએ ઉમદા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા રમણલાલ મોહનલાલ પરીખને.
ટેક્નિકલ નૉલેજ
યુવાન વયથી ટેક્નૉલૉજી સાથે તેમને સારી મિત્રતા છે એવી જાણકારી આપતાં અરુણાબહેન કહે છે, ‘આપણા દેશમાં કમ્પ્યુટરનું આગમન થયું ત્યારથી અમારા ઘરમાં આ સાધન છે. તમામ નવાં ઉપકરણો બજારમાં આવે એટલે વસાવી લેવાનાં. તમને જાણીને નવાઈ લાગશે, આ એજમાં તેઓ શૅરબજારમાં ઑનલાઇન ટ્રેડિંગ કરે છે. છેલ્લા થોડા વખતથી આંખે ઝાંખું દેખાય છે તો ફૉન્ટને મૅક્ઝિમાઇઝ કરીને કામ કરે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનું નૉલેજ હોવાથી તેમને બૅન્કમાં જવાની જરૂર પડતી નથી. બૅન્ક અકાઉન્ટનાં સ્ટેટમેન્ટ અને ક્રેડિટ નોટ્સની પ્રિન્ટ કાઢી ફાઇલ કરી દે છે.’
ટેક્નૉલૉજીની વાત નીકળી એટલે ઉત્સાહમાં આવીને દાદાજી કહે છે, ‘દિવસના ત્રણથી ચાર કલાકનો સમય કમ્પ્યુટર અને વાંચન માટે ફાળવું છું. બ્રિટિશ શાસનકાળમાં આપણા દેશની કૉલેજમાં અંગ્રેજી ભાષાનું સ્તર ઘણું ઊંચું હતું. કૉલેજનાં બે વર્ષ દરમિયાન અંગ્રેજી શીખ્યો હતો. જોકે ગુજરાતી અને સંસ્કૃત વધારે ફાવે. સ્મરણયાત્રા ગુજરાતીમાં જ ટાઇપ કરું છું. વાંચન પ્રત્યે શરૂઆતથી રુચિ હોવાથી ખૂબ પુસ્તકો વસાવ્યાં છે. અખંડ આનંદ અને એનાં જેવાં મૅગેઝિનો પણ મારાં ફેવરિટ છે. નગીનદાસ સંઘવીને તો વાંચવાના જ. જોકે હવે મિસ થાય છે. દેશ-વિદેશના સમાચારોથી વાકેફ રહેવા બ્લુટૂથ વસાવ્યું છે. બ્લુટૂથને ટીવી સાથે કનેક્ટ કરી દુનિયાભરની ખબર રાખું છું. સવારના પહોરમાં મૅગ્નિફાઇંગ ગ્લાસની મદદથી વર્તમાનપત્રો વાંચી લેવાનાં. સમયની સાથે અપગ્રેડ થવું ગમે છે.’
બર્થ ડેટ કન્ફર્મ
દમણિયા સોની જ્ઞાતિમાં જન્મેલા રમણલાલ પરીખનું મૂળ વતન વલસાડ છે. તેમનો છ ભાઈ અને ત્રણ બહેનનો મોટો પરિવાર હતો જેમાંથી હાલમાં તેઓ અને નાના ભાઈ હયાત છે. તેમનાં પત્ની શારદા પરીખનું પચીસ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે. તેમને બે દીકરા છે રણધીર અને પીયૂષ. નાના દીકરા પીયૂષ મેન્ટલી રિટાર્ડેડ હોવાથી લગ્ન નથી કર્યાં. મોટા દીકરા રણધીરભાઈની ઉંમર ૭૫ વર્ષ છે. વ્યવસાયે એન્જિનિયર છે અને તેમને ત્યાં બે દીકરા છે જેમાંથી એક અમેરિકામાં રહે છે. તેમની ગ્રેટ ગ્રૅન્ડ ડૉટરની એજ ૧૨ વર્ષની છે. પરિવારમાં બધાં હાઈલી એજ્યુકેટેડ છે.
૧૦૧ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું એનું પ્રમાણપત્ર શું એવા પ્રશ્નનો જવાબ આપતાં તેમના પુત્ર રણધીરભાઈ કહે છે, ‘ભારતમાં રેલયાત્રા શરૂ થઈ એ જમાનામાં મારા દાદાની રેલવેમાં નોકરી હતી. તેઓ અંગ્રેજો સાથે વાતચીત કરી શકે એટલા શિક્ષિત હતા. નોકરીના કારણે તેમની જુદા-જુદા શહેરોમાં બદલી થયા કરતી. પપ્પાનો જન્મ થયો ત્યારે તેમણે ડેટ લખી રાખી હતી, કારણ કે તેઓ પોતાનાં સંતાનોના એજ્યુકેશનને સર્વાધિક પ્રાથમિકતા આપવા માગતા હતા. પપ્પાએ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ચોપડે આ જ તારીખ નોંધાયેલી છે.’


અંગ્રેજો કે ઝમાને કે હૈં
શિક્ષિત પરિવારમાં ઊછરેલા રમણલાલ દાદા સેલ્ફમેડ વ્યક્તિ છે. યુવાનીમાં સ્ટોરકીપરની નોકરીથી લઈ ફૅક્ટરી નાખવા સુધીની પ્રગતિ કરી હતી. પોતાની સૂઝબુઝ, આવડત અને ટેક્નિકલ નૉલેજથી તેમણે પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રિક મોટર બનાવવાની ફૅક્ટરી નાખી હતી. ૧૯૬૭થી ૭૮ સુધી જ્ઞાતિના મુંબઈસ્થિત મંડળના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. પ્રવાસના શોખીન દાદાજીએ યુવાનીમાં ઘણાં સાહસો કર્યાં છે. સાઠના દાયકામાં પત્ની સાથે મુંબઈથી રામેશ્વરમ સુધીનો પ્રવાસ બજાજ સ્કૂટર પર કર્યો હતો. એ વખતે હાઇવે આટલા વિકસિત નહોતા તોય તેમણે આ સાહસ કરવાની હિંમત કરી હતી. તેમનું ઑબ્ઝર્વેશન બહુ શાર્પ છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુ યૉર્ક સિટીમાં ફુટપાથ પર ફરતી વખતે ગટરના ઢાંકણા પર ધ્યાન જતાં મેડ ઇન ઇન્ડિયા લખેલું વાંચી તેમને ગર્વ થયો હતો. લાઇફમાં ખૂબ હર્યા-ફર્યા છે. ઘરમાં પણ ઇસ્ત્રી ટાઇટ કપડાં પહેરવાં જોઈએ. જોકે રહેણીકરણીમાં અંગ્રેજોની આછી ઝલક દેખાય છે. હાથેથી જમવાનું જરાય ન ફાવે. ઇન ફૅક્ટ ઘરમાં બધાને આવી ટેવ. કેમ ન હોય ભાઈ, હમ અંગ્રેજો કે ઝમાને કે હૈં! હસતાં-હસતાં રણધીરભાઈ કહે છે, ‘અમારી વયના લોકો ઘરની અંદર ભાગ્યે જ ચમચીથી જમતાં હશે. વાસ્તવમાં હાથેથી કોળિયા ભરીને જમવું એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, પરંતુ અમને નથી ફાવતું. હાથમાં ચમચી પકડતી વખતે અમે આ ડાયલૉગ અચૂક બોલીએ. અમારા ઉછેરમાં એ રીતે વિદેશી એટિકેટ્સ દેખાય છે. જોકે પપ્પાને આઝાદીની રાત આજે પણ યાદ છે. યાદશક્તિ સારી હોવાથી પંદરમી ઑગસ્ટના દિવસનો રોમાંચ યાદ કરીને હજીયે સંભળાવે. ભારતને સ્વતંત્રતા મળી એ ક્ષણ તેમના જીવનનાં સંસ્મરણોમાં સૌથી ઉપર છે.’
નીરોગી જીવનનું રહસ્ય
આજે પચાસ વર્ષની ઉંમરમાં લોકો રોગનો શિકાર બને છે જ્યારે રમણલાલ દાદાજી એકસો એક વર્ષ પછી પણ સ્વસ્થ અને અડીખમ છે. નીરોગી જીવનનું રહસ્ય જણાવતાં તેઓ કહે છે, ‘પગ, કમર અને કરોડરજ્જુનું ધ્યાન રાખવા કેવી કસરત કરવી જોઈએ એ ડૉક્ટર પાસેથી શીખી લીધું છે. શરીરની ચુસ્તી-સ્ફૂર્તિ માટે દરરોજ સવારે હળવી કસરત કરું છું. રોજિંદાં કામો જાતે કરવાથી શરીર હરતું ફરતું રહે છે. આમ અમે વૈષ્ણવ છીએ, પરંતુ હું એમાં ઊંડો નથી ઊતર્યો. ઈશ્વરમાં શ્રદ્ધા છે અને આધ્યાત્મિક રહેવું પસંદ હોવાથી નિત્ય પ્રાર્થના કરવાની. થાળીમાં જે પીરસાય એ જમી લેવાનો નિયમ રાખ્યો છે. અન્નનો બગાડ થાય એ ન ગમે. મારા મતે શુદ્ધ અને સાત્ત્વિક આહાર એટલે ગળપણને બધાની સાથે વહેંચો અને કડવાશ પી જાઓ. જીવનના સંદર્ભમાં આ જ વાત લાગુ પડે. ટેક્નૉલૉજીથી અપગ્રેડેડ રહું છું એવી જ રીતે સામાજિક પરિવર્તનને સ્વીકારવા જેટલી ઉદારતા દાખવવાની. સગાં-સંબંધી અને કુટુંબીજનોની વર્ષગાંઠના દિવસે ભૂલ્યા વગર શુભેચ્છાઓ પાઠવવાનો શિરસ્તો અકબંધ રાખ્યો છે. હું માનું છું કે ભગવાને આપેલી અણમોલ જિંદગીને કઈ રીતે સુંદર બનાવવી એ આવડી જાય તો મન અને શરીરથી સ્વસ્થ રહી શકાય છે.’

Varsha Chitaliya columnists