જરાક વિચારજો, ક્યાંક આપણે બડબડ કરીને બીજાને થકવી તો નથી નાખતાંને?

03 June, 2020 09:14 PM IST  |  Mumbai | Sejal Ponda

જરાક વિચારજો, ક્યાંક આપણે બડબડ કરીને બીજાને થકવી તો નથી નાખતાંને?

અરે! આ નાનકડી ચિન્કી આખો દિવસ કેટલું બોલ-બોલ કરે છે! અને પિન્કુ, તેના સવાલો તો બંધ જ નથી થતા. ઘણાં માતા-પિતા પોતાનાં બાળકો વિશે ફરિયાદ કરતાં

હોય છે કે અમારાં દીકરા-દીકરી એક વાર બોલવાનું શરૂ કરે પછી અમારે તેમને અટકાવવાં પડે.

બાળકોનું સતત બોલવું માતા-પિતા માટે ઘણી વાર માથાનો દુખાવો બની જાય છે. હવે આ જ ચિન્કી-પિન્કુ મોટાં થયા પછી કેટલા લોકો માટે માથાનો દુખાવો બનતાં હશે!

મોટા થયા પછી આપણે જુદા-જુદા લોકોના પરિચયમાં આવીએ છીએ. કોઈ શાંત હોય, કોઈ શરમાળ તો કોઈ બડબડિયા સાથે પણ આપણો પનારો પડે. અમુક લોકો એટલું બધું અને અતિશય એકધારું બોલતા હોય કે આપણને એવું લાગે આ લોકો બોલવા માટે જનમ-જનમના તરસ્યા હશે! આપણે તેમની વાતો સાંભળતા હોઈએ વચ્ચે-વચ્ચે હોંકારો ભણી શકાય એટલી જ છૂટ આપણને મળતી હોય અને સામેવાળો બોલતો જ જાય, બોલતો જાય અને વળી પાછો આપણને કહે પણ ખરો કે તું તો કંઈ બોલ. અરે ભાઈ પણ તું બંધ થાય તો અમે કંઈ બોલીએને!

બોલવા માટે જનમ-જનમના તરસ્યા લોકો બીજા તેના માટે શું વિચારે છે એની કોઈ પરવા કરતા નથી. તેમને તો તેમની વાત કહી દેવાની તલપ લાગે છે બસ. એ વ્યક્તિને એકધારું બોલવાનો થાક નથી લાગતો, પણ આપણને એકધારું સાંભળવાનો થાક લાગે અને પછી કંટાળો આવવા લાગે ત્યાં સુધી એ વ્યક્તિ બોલ્યા જ કરતી હોય છે.

અમુક માણસો તો બીજાને બોલવાનો મોકો પણ ન આપે. જાણે આખી દુનિયાનું નૉલેજ હોય એમ દરેક ટૉપિક પર લાંબું-લાંબું બોલી માથાનો દુખાવો બની જતા હોય છે.

વક્તા હોવું એ અલગ વાત છે. એમાંય સારા વક્તાને તો કલાકો સાંભળવા ગમે, કારણ કે તેમના વક્તવ્યમાંથી આપણને કંઈક શીખવા મળતું હોય છે. જોકે આમાં પણ અપવાદ હોઈ શકે છે. અમુક વક્તાને માઇક મળે એટલે વાણી વિલાસ શરૂ કરી દે. તેમની વાણીમાં અહંકાર છલકાતો હોય છે. તેમની વાણી કાનને શાતા નથી આપતી, પણ કોલાહલ પેદા કરે છે.

સતત એકધારું બોલવું એ બીજા પર જુલમ કરવા જેવું છે. ખૂબ બોલનારા લોકોને બોલવાનો થાક નથી લાગતો. આવા માણસો એકની એક વાત જુદી-જુદી રીતે રિપીટ કરતા હોય છે જેનું ભાન તેમને પોતાને પણ નથી હોતું. સામેવાળી વ્યક્તિ શાંતિથી સાંભળતી હોય એટલે બોલતી વ્યક્તિને એમ લાગે કે સાંભળનાર વ્યક્તિ તેનો બોલ ઝીલી રહી છે, તેનું માન જાળવી રહી છે; પણ વાસ્તવમાં એવું હોય છે કે સાંભળનાર વ્યક્તિ મનમાં અકળાતી હોય છે. બોલતી વ્યક્તિ માટે તેના મનમાં જરાય માન રહેતું નથી. બોલતી વ્યક્તિનો વાણી વિલાસ મજબૂરીમાં સહન કરવો પડતો હોય છે.

પ્રમાણસર બોલવું એક કળા છે. વાણીનો વિલાસ ન કરાય. તમારા બોલવાથી સામેવાળા માણસનું ભલું થતું હોય ત્યાં સુધી ઠીક છે. પણ તેને ત્રાસ થવા લાગે એટલું બધું બોલનાર માણસ એવા ભ્રમમાં જીવતો હોય છે કે પોતે સામેવાળી વ્યક્તિ પર એક દબદબો બનાવી રહ્યો છે.

જ્યારે માણસ એક સારા પદ પર બિરાજતો હોય ત્યારે તેના હાથ નીચે કામ કરતા માણસો સાથે કામની ચર્ચા કરતી વખતે કે તેમને કામ સમજાવતી વખતે જો પદાધિકારી મુદ્દાની વાત કરતાં-કરતાં મુદ્દાની બહારની વાત પર પહોંચી જાય તો એ પદાધિકારીની વિફળતા કહેવાય. મીટિંગ કે ફોનમાં ચર્ચાતા મુદ્દા પૉઇન્ટ ટુ પૉઇન્ટ હોય, સમજમાં આવી જાય એવા હોય. એક જ ચર્ચાનું પુનરાવર્તન ન હોય તો પદાધિકારીનું માન આપોઆપ જળવાય છે.

પણ તમે બહુ મહાન છો, બહુ જ જ્ઞાની છો એવું તમારું પ્રદર્શન લોકોના મનમાં તમારા માટેનું માન ઓછું કરી નાખે છે. તમારા હોદ્દાને લીધે લોકો તમને સાંભળી લે એનો અર્થ એ નથી કે લોકો તમને આદર આપી રહ્યા છે.

એકધારું બોલનાર વ્યક્તિ સાંભળવામાં સાવ કાચો સાબિત થાય છે અને જ્યારે બીજાને સાંભળવાના હોય ત્યારે સતત બોલનારી વ્યક્તિ પોતાના કાન ખુલ્લા રાખી શકતી નથી. પ્રમાણસર બોલવું અને શાંતિથી સાંભળવું તમારા સ્વભાવના સુંદર પાસાને ઉજાગર કરે છે.

ડિક્શનરીના શબ્દો જ્યારે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ ત્યારે એનો અતિ વપરાશ માથાનો દુખાવો બને છે. વાણીનો કોલાહલ ન થાય પણ વાણીની મીઠાશ પથરાય એની કાળજી વ્યક્તિએ પોતે જવાબદારીપૂર્વક લેવાની હોય. શું તમે એટલા જવાબદાર છો?

columnists Sejal Ponda