બાંધી મુઠ્ઠી પરિવારથી....આ બહેનો બની તેમના પરિવારનો આધારસ્તંભ

02 March, 2021 10:58 AM IST  |  Mumbai | Alpa Nirmal

બાંધી મુઠ્ઠી પરિવારથી....આ બહેનો બની તેમના પરિવારનો આધારસ્તંભ

બાંધી મુઠ્ઠી પરિવારથી....આ બહેનો બની તેમના પરિવારનો આધારસ્તંભ

પરિવારના કમાતા સભ્યની અચાનક નોકરી જતી રહી, ધંધામાં મંદી આવી અને આર્થિક સંકડામણે ભલભલા પરિવારોને ભરડામાં લીધા ત્યારે ઘરની સ્ત્રીઓની આગેવાનીએ પરિવારને હિંમત આપી અને સહુના સંઘબળે જ એ સ્થિતિ થાળે પડી. કટોકટીના સમયે નાનું-મોટું વેન્ચર શરૂ કરીને પરિવાર માટે મોટો આર્થિક સ્તંભ બનવાની પહેલ કરનારી મહિલાઓના સાહસની વાતો જાણીએ

પ્લેસમેન્ટ એજન્સીની જૉબ ગઈ તો આ બહેને પર્સનાલિટી ડેવલપમેન્ટનું નવું વેન્ચર શરૂ કરી દીધું

આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ નવા કામને તમે અનોખી રીતે કરીને સફળતા મેળવી જ લો. ડોમ્બિવલીમાં રહેતાં સુષમા ભટ્ટ આનું ‍ઉત્તમ ઉદાહરણ છે. સુષમાબહેન જૉબ પ્લેસમેન્ટ એજન્સીમાં સિનિયર પોસ્ટ પર કાર્યરત હતાં. ૬ વર્ષ સુધી સ્ટૉકમાર્કેટમાં કામ કરનારાં સુષમાબહેન બાળકના જન્મ બાદ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયાં. સુષમાબહેન કહે છે, ‘હું સ્ટુડન્ટ્સને રેઝ્યુમે બનાવવાની તથા એટીકેટ અને કમ્યુનિકેશન જેવાં પાસાંઓની ટ્રેઇનિંગ આપતી. તેમને ફક્ત જૉબ મળે એના પર નહીં, પણ મારા દરેક વિદ્યાર્થીની સારી કરીઅર બને એના પર ફોકસ કરતી. જોકે લૉકડાઉન લાગુ થતાં જ મારી જૉબ જતી રહી. ઘરમાં આવતું મોટું પે-પૅકેજ બંધ થઈ ગયું. મારા હસબન્ડ શૅરમાર્કેટમાં છે. તેમને પણ નોકરી જવાની જબરદસ્ત ધાસ્તી હતી, કારણ કે એ સમય ક્રુશિયલ હતો. શું થશે? શું કરવું? એવા હજારો સવાલો હતા. ઘરમાં સિનિયર સિટિઝન માતા-પિતા અને સ્કૂલમાં ભણતું બાળક. પૈસાની તો જરૂર પડે જ. ત્યારે અમે એ તકલીફોમાં તક શોધી અને મેં મારી રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામકાજ શરૂ કર્યું.’
અત્યાર સુધી તો સુષમાબહેન ક્લાસરૂમ ટ્રેઇનિંગ આપતાં હતાં, પણ હવે ડિજિટલ ક્લાસરૂમ હતો. પિરિયડને બદલે પ્રેઝન્ટેશન હતું. સુષમાબહેન કહે છે, ‘એક મહિનો મેં સ્ટર્ડી કર્યું. ખૂબ રિસર્ચ કરીને મારો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો. એ માટે મારે કલાકોના કલાકો કમ્પ્યુટર પર બેસી રહેવું પડે અને ઘરના કામકાજમાં બહુ ધ્યાન અપાય નહીં. આઉટસાઇડની ડોમેસ્ટિક હેલ્પ નહીં. ત્યારે સાસુમાએ બધું એકલા હાથે સંભાળી લીધું. પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં પણ ખાસ્સો ટાઇમ જાય. આ ટૉપિક લઉં કે બીજો એવી દ્વિધા રહે. વળી એવરી ટાઇમ પ્રેઝન્ટેશન અપડેટ કરવાનું. હું સવારે પાંચ વાગે ઊઠું અને બે-ત્રણ કલાક રેકૉર્ડિંગ કરું ત્યારે મારું ૬૦ મિનિટનું પ્રેઝન્ટેશન તૈયાર થાય. આ કાર્યમાં બહુ ટાઇમ ઇન્વેસ્ટ કર્યો છે અને ઉપરથી આ વેન્ચર ચાલશે કે નહીં એ અનિશ્ચિતતા તો હતી જ. જોકે આખરે આત્મવિશ્વાસ જીતી ગયો અને અનેક સ્ટુડન્ટ્સ મારા આ પ્રોગ્રામમાં જોડાયા. અત્યારે પણ મારા લાઇવ ક્લાસ હોય છે. મૉક ઇન્ટરવ્યુઝ, ઑનલાઇન મીટિંગ્સ ચાલે છે એ બધું મૅનેજ કરવા મારાં સસરા, સાસુ, દીકરો, હસબન્ડ બધાં મને હેલ્પ કરે છે. ફરી શરૂ થયેલી ઇન્કમથી ઘરના ખર્ચામાં થોડી રાહત થઈ છે અને બચત પણ કરી શકાય છે.’

આ બહેનની રસોડાની માસ્ટરીએ પરિવારને કટોકટીના સમયે જબ્બર સપોર્ટ આપ્યો

કેટલીક મહિલાઓએ નવા વ્યવસાયની લાઇનમાં ઝંપલાવ્યું તો કેટલીક નારીઓએ તેમના આગવા ક્ષેત્રમાં ડંકો જમાવીને પરિવારને આર્થિક ટેકો કર્યો. ૫૩ વર્ષનાં નયના શાહને ફરસાણ અને સૂકા નાસ્તામાં સારી હથોટી. એટલે સમય પસાર કરવા બે વર્ષથી નાસ્તાના ઑર્ડર લે. જોકે આ કાર્ય શરૂ કર્યું ત્યારે ખ્યાલ નહોતો કે તેમની આ માસ્ટરી એક દિવસ ઘર ચલાવવામાં કામ આવશે. મુલુંડ (વેસ્ટ)માં રહેતાં નયનાબહેન કહે છે, ‘માર્ચ એન્ડથી ટ્રેનો બંધ થઈ અને બધાં કામકાજ બંધ થયાં. હસબન્ડનું કેમિકલનું કામકાજ પણ બંધ થઈ ગયું. દીકરાની જૉબ ચાલુ હતી, પણ એ આવક ઘર ચલાવી શકાય એટલી પૂરતી નહોતી. ત્યાં મને દરરોજનાં ૫૦ ટિફિન બનાવવાની ઑફર આવી. પાંચ રોટલી અને ૧૦૦ ગ્રામ શાકનું એક એવાં ૫૦ ટિફિન મારે સવારે ૧૦ વાગ્યે રેડી રાખવાનાં. રસોઈનો અનુભવ ખરો, આવડે પણ ખરું; પરંતુ એકસાથે ૫૦ ટિફિન તૈયાર કરવાનાં અઘરાં પડે. એટલે હું, મારા પતિ અને દીકરો બધાં આમાં લાગી ગયાં. શાક લાવવાનું, ધોવાનું, સાફ કરવાનું જેવાં કામો આ બે પુરુષો કરી આપે તો રોટલીને ઘી ચોપડવામાં પણ મદદ કરે અને પૅકેજિંગ પણ તેઓ જ સંભાળે. રૂટીનમાં તો આ લોકોએ ક્યારેય રસોડાનાં કામ નહોતાં કર્યાં, પણ સમય હતો અને જરૂરિયાત હતી એટલે બધા જ જોડાઈ ગયા.’
એક ટિફિનના તેમને ૪૦ રૂપિયા મળતા એટલે ૫૦ ટિફિન પ્રમાણે દરરોજના બે હજાર રૂપિયા. નયનાબહેન કહે છે, ‘મધ્યમવર્ગીય કુટુંબ માટે બચત જ તેમનું સૌથી મોટું બળ હોય. હજી આવો કેટલો સમય જશે એ તો ખબર જ નહોતી. વળી માંદગી કે બીજા કોઈ અણધાર્યા ખર્ચા માટે મૂડી બચાવી રાખવામાં જ શાણપણ હતું. એવા સમયે અમને આ આવક બહુ મોટો ટેકો કરી ગઈ. બીજું, અત્યાર સુધી ફક્ત નાસ્તા અને ફરસાણનો મહાવરો હતો; પણ આ કામ શરૂ કર્યા પછી મારામાં એક આત્મવિશ્વાસ આવી ગયો.’

ભાભી પાસેથી શીખીને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર માર્કેટિંગ શરૂ કર્યું આ બહેને

સ્ત્રી પરિવારની કરોડરજ્જુ છે એમ કહેવું જરાય ખોટું નથી. કુટુંબને બચાવી રાખ્યું તો કાંદિવલીનાં નિશા સવાણીએ પણ ફૅમિલીના બેટરમેન્ટ માટે કંઈ કરવું છે એમ વિચારીને ઑનલાઇન પ્રોડક્ટ સેલિંગનું કામ શરૂ કર્યું. ૫૦ વર્ષની ઉંમરે કોઈ તાલીમ વગર નવું વેન્ચર કરવું ઍડ્વેન્ચરથી કમ નહોતું એમ જણાવીને નિશાબહેન ઉમેરે છે, ‘પણ પરિવારને સ્ટ્રૉન્ગ અને સક્ષમ કરવાની એવી અર્જ હતી કે મેં ગયા સપ્ટેમ્બરથી સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર માર્કેટિંગ શરૂ કર્યું. ઍક્ચ્યુઅલી, આ ટાઇપનું વર્ક મારાં કઝિન ભાભી ગુજરાતમાં કરતાં હતાં એટલે આ લાઇનનો આઇડિયા તેમનો હતો. તેમના જ રેફરન્સથી હું આ બિઝનેસમાં જોડાઈ.’
પરિવારનો સપોર્ટ કેટલો? એના જવાબમાં નિશાબહેન કહે છે, ‘ફુલ સપોર્ટ, કારણ કે મારું ડિજિટલ જ્ઞાન ખાલી મેસેજ ફૉર્વર્ડ કરવા પૂરતું જ હતું અને આ કામ ટોટલી ઑનલાઇન. ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રોડક્ટ કેવી રીતે મૂકવાની ત્યાંથી લઈને બધું ટેક્નિકલ જ્ઞાન મારા દીકરા જિમિતે આપ્યું. એક વાર, બે વાર જ્યારે-જ્યારે અટકી ત્યારે-ત્યારે તેણે મને શીખવ્યું. તો ડાયમન્ડનું કામકાજ કરતા મારા હસબન્ડે બિઝનેસ-સ્ટ્રૅટેજી અને માર્કેટિંગ શીખવ્યું, ઇફેક્ટિવ કમ્યુનિકેશન શીખવ્યું અને સાથે પેમેન્ટ કઈ રીતે લેવું એનું જ્ઞાન પણ આપ્યું. આજે ૬ મહિના થયા મારા કામકાજને. ઘણા નવા કૉન્ટૅક્ટ્સ થયા, નવા અનુભવો થયા એ દરેક મારા માટે લર્નિંગ પ્રોસેસ બની રહી. સાથે-સાથે મને આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બનાવી ગઈ. ભલે એવી કમાણીનો આંકડો બહુ મોટો નથી, પરંતુ ઘરખર્ચમાં હું ૨૦થી ૩૦ ટકા ફાળો આપી શકું છું અને એ ફક્ત પરિવારના સહકાર અને સપોર્ટથી જ થઈ શક્યું છે.’

કોઈ વ્યાવસાયિક અનુભવ વિના બે વસ્તુથી શરૂ કરેલો વેપાર ૫૦ આઇટમો સુધી પહોંચાડ્યો

બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું હોય અને પરિવારની દરેક વ્યક્તિ નવા ઘરનાં સપનાં જોતી હોય ત્યાં અચાનક લૉકડાઉન થઈ જાય અને બિલ્ડર તરફથી ભાડું આવવાનું બંધ થઈ જાય. કમાતી વ્યક્તિઓનાં કામકાજ સાવ બંધ થઈ જાય અને કોરોનાની બીમારી પણ લાગુ પડી જાય. રૂપિયાની આવક નહીં ને ઉપરથી જે ઘરમાં રહેતા હો એનું ભાડું, બાળકોની ફી, ઘરખર્ચ અને દવાના ખર્ચા. ઓહ! આ વાંચવામાત્રથી કંપારી છૂટી જતી હોય તો એ ભોગવનારા કુટુંબની હાલત કેવી કફોડી થઈ હશે એનો વિચાર કરો. અંધેરી (ઈસ્ટ)માં કોલડુંગરી નામના વિસ્તારમાં રહેતાં તેજલ શાહ અને તેમના કુટુંબે છેલ્લા આઠ મહિનાથી આ વેઠ્યું છે, પણ પરિસ્થિતિની સામે ઘૂંટણ
ટેકવી દેવાને બદલે ૪ વ્યક્તિની આ ફૅમિલીએ સાથે રહીને એનો સામનો કર્યો છે અને પરિવારના બળે આવી વિકરાળ વિષમતાઓમાંથી બહાર આવ્યા છે. ૪૩ વર્ષનાં તેજલબહેન કહે છે, ‘પાર્લે બિસ્કિટ કંપનીને અડોઅડ અમારું ઘર હતું. રીડેવલપમેન્ટના કરાર થતાં અમે એ ઘર છોડીને આ જ એરિયામાં ભાડાના ઘરમાં આવ્યા. બધુ સમુંસુતરું ચાલતું હતું ત્યાં લૉકડાઉન થયું અને બિલ્ડરે ભાડું આપવાનું બંધ કર્યું. મારા હસબન્ડનું ડાયમન્ડ જ્વેલરીનું કામકાજ છે એ પણ બંધ એટલે આવક ટોટલ બંધ થઈ ગઈ. એવામાં ભાડું ભરવાનું, ઘર ચલાવવાનું, દીકરાની ફી અને ઉપરથી આવી માંદગી. આ સમય ફક્ત ફાઇનૅન્શિયલી જ નહીં, અમને ફિઝિકલી અને મેન્ટલી પણ હચમચાવી ગયો. કરેલી બચતમાં તમે વર્ષ-બે વર્ષ ઘર ચલાવી શકો, પણ ભાડું કેટલો ટાઇમ ભરી શકો? આ અનિશ્ચિતતા અમને ચારેય જણને હલાવી ગઈ. દરરોજ જાત-જાતના પ્રશ્નો સામે ઊભા હોય જેનો કોઈ ઉત્તર કે ઉકેલ જ ન દેખાતો હોય. ખેર, ૭ મહિના આવા કાઢ્યા પછી મેં વિચાર કર્યો કે આ ગર્તામાંથી બહાર આવવું છે અને આવવું જ પડશે. એ માટે હું કંઈક કરું. એટલે ગુજરાતમાં રહેતાં મારાં ભાઈ-બહેન તેમ જ હસબન્ડના સપોર્ટથી મેં દશેરાથી મઠિયા-ચોળાફળીનાં રેડી ટુ મેક પૅકેટ મગાવીને અહીં વેચવાનું શરૂ કર્યું.’
લગ્નનાં ૨૨ વર્ષ હાઉસવાઇફ તરીકે રહ્યાં હોવાથી વ્યાવસાયિક કોઈ અનુભવ નહોતો; પણ તેજલબહેનના હસબન્ડ, દીકરી અને દીકરાએ તેમને ફુલ સપોર્ટ કર્યો. હસબન્ડ ટ્રાન્સપોર્ટ કંપની પાસેથી માલ છોડાવી આવે. બાળકો રીપૅકિંગ કરે, ડિલિવરી કરે અને બીજી મદદ પણ કરે. બે મહિનાના ગાળામાં બે વસ્તુથી શરૂ કરેલો વેપાર એવો ફૂલ્યો-ફાલ્યો કે આજે તેજલબહેન પાસે ૫૦થી વધુ અવનવી ફૂડ-આઇટમ્સ છે.

columnists alpa nirmal