આ મહિલાઓ પણ છે મૅથ્સની મહારાણીઓ

11 August, 2020 06:35 PM IST  |  Mumbai | Varsha Chitalia

આ મહિલાઓ પણ છે મૅથ્સની મહારાણીઓ

હ્યુમન કમ્પ્યુટર તરીકે ઓળખાતાં શકુંતલાદેવીના જીવન પર આધારિત અને વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘શકુંતલાદેવી’ મહિલાઓને ખૂબ ગમી રહી છે

હ્યુમન કમ્પ્યુટર તરીકે ઓળખાતાં શકુંતલાદેવીના જીવન પર આધારિત અને વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘શકુંતલાદેવી’ મહિલાઓને ખૂબ ગમી રહી છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ગણિત જેવા અઘરા વિષયમાં મહિલાઓને ગતાગમ પડતી નથી. જોકે આ જ વિષય સાથે વિશ્વ જીતવા નીકળેલાં શકુંતલાદેવીએ તમામ માન્યતાઓને ફગાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ઘડીના છઠ્ઠા ભાગમાં ગણિતના જટિલ કોયડા ઉકેલવાનું કૌશલ તેઓ ધરાવતાં હતાં. દૈવીશક્તિ સાથે જન્મેલાં આ વૈશ્વિક વ્યક્તિત્વ સાથે તુલના શક્ય નથી, પરંતુ ગણિતમાં ઊંડો રસ ધરાવતી તેમ જ આંકડાઓની રમતમાં માહેર મુંબઈની કેટલીક મહિલાઓને તેમના જીવનમાં ગણિતને કારણે આવ્યો છે ટર્નિંગ પૉઇન્ટ

હ્યુમન કમ્પ્યુટર તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ શકુંતલાદેવી વિશે આપણે સૌ જાણીએ છીએ. ગણિતના આંકડા ગમે એટલા મોટા કેમ ન હોય; એના ગુણાકાર, ભાગાકાર, પાઈ રૂટ વગેરેનો જવાબ તેઓ કમ્પ્યુટર કરતાં પણ વધુ ઝડપથી ઉકેલી આપતાં હતાં. જન્મજાત દૈવીશક્તિ સાથે જન્મેલાં શકુંતલાદેવીના ગણિત-કૌશલને કારણે તેમને ગિનસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. હાલમાં રજૂ થયેલી વિદ્યા બાલન અભિનીત ‘શકુંતલાદેવી’ તેમની બાયોપિક છે.
આપણી સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓને ગણિતમાં ગતાગમ પડતી નથી અને એટલે જ ઘરની અંદર લેવામાં આવતા આર્થિક નિર્ણયોમાંથી તેમને બાકાત રાખવામાં આવે છે. જોકે વાસ્તવિકતા સાવ જુદી છે. ઓછું ભણેલી મહિલાઓ પણ ગણતરીમાં ઘણી હોશિયાર હોય છે. આપણાં દાદી-નાની એનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજના યુગમાં તો ગણિત જેવા અઘરા વિષયનો અભ્યાસ કરવામાં મહિલાઓ ઘણી આગળ નીકળી ગઈ છે. આજે આપણે એવી કેટલીક મહિલાઓને મળીએ જેમને જીવનમાં આંકડા સાથે રમવાની સહજ ફાવટ છે.

લૉજિકલ થિન્કિંગમાં મૅથ્સની
ફૉર્મ્યુલા અપ્લાય કરવામાં માસ્ટરી :
કવિતા માલવિયા, અંધેરી

પ્રોજેક્ટને ગ્રાફિક ચાર્ટમાં કન્વર્ટ કરવાનું, આંકડાઓનું ઍનૅલિસિસ કરી ટકાવારી કાઢવી અને પછી ઇન્ટરનૅશનલ ઑડિયન્સ સમક્ષ રજૂ કરવાનું. અંધેરીનાં ઇન્સ્ટ્રક્શનલ ડિઝાઇનર કવિતા માલવિયા ગણિતનાં અઘરાં પાસાંઓને ચપટી વગાડતાં સૉલ્વ કરી નાખે છે. આંકડાઓ સાથે તેમને બહુ ફાવે છે. ગણિત ભણવામાં અને ભણાવવામાં તેમને ખૂબ મજા પડે છે. સ્કૂલલાઇફથી જ આ વિષય ભણવામાં ડર નથી લાગ્યો. એટલું જ નહીં, ગણિત જેવા અઘરા વિષયમાં દીકરાને રસ પડે એ માટે ખાસ્સી જહેમત ઉઠાવી છે. તેમનું માનવું છે કે દરેક મહિલાની અંદર શકુંતલાદેવી છુપાયેલાં છે. તેઓ કહે છે, ‘મહિલાઓ આંકડાથી ડરે છે એવું મને જરાય લાગતું નથી. સામાન્ય રીતે આપણે માર્ક્સના આધારે આવડતને મૂલવતા હોઈએ છીએ, જ્યારે પ્રૅક્ટિકલ લાઇફમાં એની વ્યાખ્યા જુદી છે. મહિલાઓ ગણતરીમાં કાચી હોત તો ઘરનું બજેટ ખોરવાઈ જાત. ઓછું ભણેલી મહિલાઓમાં પણ ઘર ચલાવવાની આવડત છે એ ઓરલ મૅથ્સ છે. મને આંકડાઓમાં રસ પડતો હોવાથી શરૂઆતથી જ અઘરા દાખલાઓને પહેલાં ઉકેલવાનો પ્રયાસ કરતી. કોઈ પણ ફૉર્મ્યુલાને લૉજિકલ થિન્કિંગ દ્વારા પ્રૅક્ટિકલ લાઇફમાં કઈ રીતે અપ્લાય કરી શકાય એ દિશામાં ઊંડો અભ્યાસ કર્યો. દીકરાને દસમા ધોરણ સુધી પ્રૅક્ટિકલ લાઇફમાં કઈ રીતે ઇમ્પ્લીમેન્ટ કરવાનું છે એ બેઝ સાથે મૅથ્સ શીખવાડ્યું છે. ઈશ્વરે આપેલા કૌશલને શકુંતલાદેવીએ લૉજિકલ થિન્કિંગ સાથે અપ્લાય કર્યું હશે એવું હું માનું છું. જોકે તેમની સ્પીડ જોઈને આશ્ચર્ય થાય. ગણતરીની સેકન્ડમાં જવાબ આપવા સહેલા નથી.’

ગણિતની સ્કિલ જોઈને હસબન્ડે આગળ અભ્યાસ કરવાની સલાહ આપી : મિત્તલ કાતરોડિયા, વસઈ
ગુજરાતી માધ્યમમાં ભણેલાં મિત્તલ કાતરોડિયા નાનપણમાં ભણવામાં એટલાં હોશિયાર નહોતાં, પણ અન્ય વિષયોની તુલનામાં તેમને ગણિતમાં સૌથી વધુ માર્ક્સ આવતા. પેરન્ટ્સ વધુ ભણેલા ન હોવાથી દસમા ધોરણ સુધી પુશઅપ ન મળ્યું. કૉલેજમાં પગ મૂક્યા બાદ અનુભવ્યું કે અંગ્રેજી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થી કરતાં તેમની મૅથ્સ સબ્જેક્ટની સ્કિલ અને સ્પીડ વધુ સારી છે. ત્યાર બાદ ગણિતના થોથા ઉથલાવવા માંડ્યા અને વધુ ને વધુ ઊંડાણથી અભ્યાસ કર્યો. એક નજર ફેરવે ત્યાં ફૉર્મ્યુલા મગજમાં ફિટ થઈ જાય. આગળ વાત કરતાં તેઓ કહે છે, ‘લગ્ન પછી પુસ્તકનું ગણિત છૂટી ગયું ને જીવનનું ગણિત શીખી. જોકે સમય મળે ત્યારે આજુબાજુનાં બાળકોને ગણિતના દાખલા અને અકાઉન્ટ્સ ગણવામાં મદદ કરતી. ગણિત પ્રત્યેના લગાવ અને દાખલા ગણવાની ઝડપ જોઈને એક દિવસ મારા હસબન્ડે મને કહ્યું કે ‘તારે મૅથ્સ સબ્જેક્ટ સાથે આગળ ભણવું જોઈએ. ઇચ્છે તો ઘરમાં બેસીને વિદ્યાર્થીઓને અકાઉન્ટ્સ અને મૅથ્સ ભણાવી શકે છે.’ તેમણે મારા માટે ગણિતનાં પુસ્તક લાવી આપ્યાં. સ્પીડ વધારવા માટે ખૂબ પ્રૅક્ટિસ કરી. મજાની વાત એ થઈ કે એમકૉમના વિદ્યાર્થીઓને અકાઉન્ટ્સ અને મૅથ્સ ભણાવ્યા બાદ મેં એમકૉમની પરીક્ષા આપી અને ૭૪ ટકા માર્ક સાથે પોસ્ટ ગ્રૅજ્યુએટ થઈ. શકુંતલાદેવીની બાયોગ્રાફી જોયા બાદ મને થયું કે એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? ગણિતે તેમને વૈશ્વિક સ્તરે નામના મેળવી આપી તો મારી લાઇફમાં પણ ગણિતને કારણે ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. જોકે તેમની શક્તિ સાથે કોઈની તુલના ન થાય.’

ગણિતમાં રસ જાગતાં આર્કિયોલૉજિસ્ટ બનવાનું માંડી વાળ્યું : સિદ્ધિ શાહ, અંધેરી
સ્કૂલલાઇફમાં ડ્રૉઇંગ અને ઇતિહાસ ભણવાની જેટલી મજા આવતી એવો આનંદ મૅથ્સમાં ક્યારેય થયો નહોતો. મૅથ્સની ફૉર્મ્યુલાની ગોખણપટ્ટી કરવી કંટાળાજનક લાગતી હતી. તો પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો વિચાર કેમ આવ્યો? અંધેરીની સિદ્ધ શાહ કહે છે, ‘સ્કૂલલાઇફમાં સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓને ગણિતનો ભય લાગતો હોય છે. મારે તો આર્કિયોલૉજિસ્ટ જ બનવું હતું. ડ્રૉઇંગમાં રસ હોવાથી આર્ટ્સની ફીલ્ડમાં જવું હતું. દસમાના પરિણામ બાદ પેરન્ટ્સે કૉમર્સ લેવાની સલાહ આપી. ગણિતનો પાયો કાચો હતો. જોકે મમ્મીએ પ્રૅક્ટિકલ લાઇફમાં મૅથ્સની ઍપ્લિકેશન કઈ રીતે અપ્લાય કરી શકાય એ શીખવાડ્યું હતું અને તેમને ભરોસો હતો કે આગળ સ્ટડીમાં વાંધો નહીં આવે. અહીં જ ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. કૉલેજના પ્રોફેસરની ગણિત શીખવાડવાની રીત, પ્રૅક્ટિસ અને લૉજિકલ થિન્કિંગને લીધે મૅથ્સનાં જુદાં-જુદાં કૅલ્ક્યુલેશનમાં સ્પીડ અને માર્ક્સ બન્નેમાં વધારો થયો. મોટી-મોટી રકમના દાખલા મને ડરાવતા નથી એ જોઈ એક દિવસ તેમણે કહ્યું કે તારામાં સીએની પરીક્ષા આપવાની ક્ષમતા છે. કન્સેપ્ટની સમજણ, લૉજિકલ થિન્કિંગ અને પ્રૅક્ટિસમાં માસ્ટરી હોય તો તમે ગણિતના રાજ્જા છો. અત્યારે આ મારો સૌથી પસંદીદા વિષય છે. પાયાના શિક્ષણમાં શિક્ષક અને પેરન્ટ્સની ભૂમિકા મહત્ત્વની હોય છે. ગણિતના કોયડા ઉકેલવાની શકુંતલાદેવીમાં ચમત્કારિક શક્તિ હતી. પ્રૅક્ટિસ અને સ્પીડને લીધે તેઓ વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી શક્યાં. આ સાથે ઘરને પણ સુંદર રીતે સાચવ્યું હતું. કુદરતી રીતે જ મલ્ટિ-ટાસ્કિંગ મહિલાઓ ગણતરીમાં હોશિયાર હોય છે, માત્ર તેમને પ્રોત્સાહનની જરૂર હોય છે.’

ટ્રિગ્નોમેટ્રી અને જ્યૉમેટ્રીને પ્રૅક્ટિકલ લાઇફમાં અપ્લાય કરવું અઘરું : હેત્વી દોશી, વાશી
નાનપણથી ગણિતમાં હોશિયાર હોવાથી આ જ વિષય સાથે કરીઅર બનાવવાનું નક્કી કરનાર વાશીનાં હેત્વી દોશીને સ્કૂલલાઇફમાં ઘણી વખત વિચાર આવતો કે જીવનમાં આવા દાખલા કંઈ કામ આવવાના નથી, ખોટેખોટા ભણાવે છે. તેઓ કહે છે, ‘શરૂઆતથી જ મારું ફોકસ કૅલ્ક્યુલેશન અને ગ્રાફમાં રહ્યું છે. જ્યારે ટ્રિગ્નોમેટ્રી અને જ્યૉમેટ્રીની સ્ટડી કરતી એ વખતે થતું કે આ ઍપ્લિકેશન રિયલ લાઇફમાં કામ આવશે નહીં છતાં ટૉપરમાં નામ નોંધાવવા અને સારા માર્ક્સ લાવવા માટે ફૉર્મ્યુલાની ગોખણપટ્ટી કરી છે ખરી. કૉલેજમાં એન્ટ્રી લીધા પછી ખ્યાલ આવ્યો કે ફાઇનૅન્સ, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ એમ દરેક ફીલ્ડમાં મૅથ્સની જુદી-જુદી ઍપ્લિકેશન અપ્લાય થાય. પછી તો ફાઇનૅન્સ રિલેટેડ મૅથ્સમાં જેમ-જેમ ઊંડી ઊતરતી ગઈ એમ મજા પડતી ગઈ અને જુદી-જુદી ડિગ્રીઓ મેળવી. કૅલ્ક્યુલેશનની સ્પીડ વધારવાના પ્રયાસ હજી પણ ચાલુ છે. મને લાગે છે કે મહિલાઓ અંકગણિતમાં વધુ હોશિયાર હોય છે. આપણાં મમ્મી અને દાદીને જોઈ લો. તેમનો હિસાબ-કિતાબ એકદમ ચોખ્ખો હોય. જમાના પ્રમાણે તેમની આવડતનો ઉપયોગ ઓછો થયો હતો, પરંતુ આજની યુવતીઓ ફાઇનૅન્શિયલ ડિસિઝન લેવામાં એક્સપર્ટ છે. તેઓ માત્ર સ્ટડીના ઍન્ગલથી મૅથ્સ નથી ભણી, એને એક્સપ્લોર પણ કર્યું છે. જોકે શકુંતલાદેવીની વાત જુદી છે. આવી શક્તિ હોવી એ વરદાન છે. તેમના વિશે બહુ વાંચ્યું નથી, પરંતુ પ્રભાવિત જરૂર થઈ છું. મૂવી જોયા પછી કદાચ વધુ જાણવાની ઉત્કંઠા થશે.’

Varsha Chitaliya columnists