પોતાનું આખું બાળપણ એક જ શોમાં વિતાવ્યું છે આ બે ગુજરાતી યુવાનોએ

30 July, 2021 01:03 PM IST  |  Mumbai | Jigisha Jain

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે હમણાં જ ૧૩ વર્ષ પૂરાં કર્યાં. આ શોની ટપુ સેનામાં ટપુ અને સોનુનાં પાત્રોમાં બદલાવો આવ્યા, પણ ગોગી અને ગોલી એટલે કે સમય શાહ અને કુશ શાહ પહેલા એપિસોડથી અત્યાર સુધી કદી બદલાયા નથી

 ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે હમણાં જ ૧૩ વર્ષ પૂરાં કર્યાં. આ શોની ટપુ સેનામાં ટપુ અને સોનુનાં પાત્રોમાં બદલાવો આવ્યા, પણ ગોગી અને ગોલી એટલે કે સમય શાહ અને કુશ શાહ પહેલા એપિસોડથી અત્યાર સુધી કદી બદલાયા નથી.

 ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલે હમણાં જ ૧૩ વર્ષ પૂરાં કર્યાં. આ શોની ટપુ સેનામાં ટપુ અને સોનુનાં પાત્રોમાં બદલાવો આવ્યા, પણ ગોગી અને ગોલી એટલે કે સમય શાહ અને કુશ શાહ પહેલા એપિસોડથી અત્યાર સુધી કદી બદલાયા નથી. બાળપણ અને કિશોરાવસ્થાનો મહત્ત્વનો ગાળો તેમણે આ શોના સેટ પર બીજું ઘર બનાવીને વિતાવ્યાં છે. આ શોના સેટ અને સાથી કલાકારો સાથેના સંબંધોએ તેમને શું શીખવ્યું એનાં સંસ્મરણો વિશે જિગીષા જૈને તેમની સાથે શું વાતો કરી એ જાણીએ

દિલીપ જોશી મારી યુનિવર્સિટી છે: કુશ શાહ

‘મારા રીલ લાઇફ પેરન્ટ્સ એટલે કે હાથીભાઈ (સ્વ. કવિકુમાર આઝાદ) જેમને હું આઝાદ અન્કલ કહેતો અને કોમલબહેન (અંબિકા રંજનકર) બન્ને તો મારાં સગાં માતા-પિતા જેવાં જ છે. હું નાનો હતો ત્યારે તોફાન કરું કે ભૂલ કરું તો અંબિકાઆન્ટી મને મારી મમ્મીની જેમ જ હકથી ખિજાતાં અને આઝાદ અન્કલ મારા બર્થ-ડે પર મારા માટે અઢળક ગિફ્ટ્સ લાવતા અને મને ખૂબ લાડ લડાવતા. હાથીભાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે મને ઘણો આઘાત લાગેલો, કારણ કે તેઓ મારા પિતાતુલ્ય હોવાની સાથે ખૂબ સારી વ્યક્તિ હતા. નાનપણના મારા સંસ્કાર મને આ શોએ આપ્યા છે. હું ત્યાં જ ઘડાયો છું એમ કહું તો કંઈ જ ખોટું નથી.’

આ શબ્દો છે હાલમાં ૨૪ વર્ષના કુશ શાહના જેણે ૧૧ વર્ષની ઉંમરે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં હાથીભાઈના દીકરા ગોલીનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું હતું અને છેલ્લાં ૧૩ વર્ષથી તે આ પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્ર તેને કઈ રીતે મળ્યું એ બાબતે વાત કરતાં કુશના પપ્પા જે ખુદ નાટકો સાથે સંકળાયેલા છે એવા હિમાંશુ શાહ કહે છે, ‘આ શોનું એક વખત ઑડિશન આપ્યા પછી અમે એક વર્ષ રાહ જોઈ, પરંતુ ત્યાં સુધી શો ચાલુ થયો નહીં. એક વર્ષ પછી અમને ફોન આવ્યો કે ફરી ઑડિશન થઈ રહ્યાં છે. ડિરેક્ટર ધર્મેશ મહેતાએ જ તેનું ફરી ઑડિશન લીધું અને તે સિલેક્ટ થઈ ગયો. મારા પપ્પાએ ‘તારક મહેતાનાં ઊંધાં ચશ્માં’ વાંચેલું. એટલે તેમણે મને કહ્યું કે ડૉ. હાથીનો તો વાર્તામાં કોઈ દીકરો છે જ નહીં, તું તપાસ કર. પ્રોડક્શન હાઉસે જણાવ્યું કે ઓરિજિનલ વાર્તામાં ભલે ન હોય, પરંતુ સિરિયલમાં અમે ડૉ. હાથીનો દીકરો રાખ્યો છે. આમ કુશને એ રોલ મળ્યો.’ 

શરૂઆતનાં બે-ત્રણ વર્ષ કુશની મમ્મી દીપ્તિ શાહ તેની સાથે સેટ પર રહેતી, પરંતુ પછી કુશ જાતે જ આવતો-જતો હતો. કુશ કહે છે, ‘મારી સ્કૂલ પરથી હું સીધો સેટ પર જતો. ત્યાં એકલો મોકલવામાં મારા પેરન્ટ્સને ક્યારેય કોઈ ચિંતા થઈ નથી એનું કારણ છે ત્યાંના લોકો. દરેક વ્યક્તિ મારી ખૂબ કાળજી રાખતી. મને હંમેશાંથી તેઓ મારા પરિવારના સદસ્યો જ લાગ્યા છે. એક વખત હું ઉતરાણના એપિસોડમાં છઠ્ઠા માળેથી પડી ગયો ત્યારે પણ સેટના લોકોએ જ મને બચાવેલો.’

ભણવામાં પહેલેથી જ હોશિયાર કુશે હાલમાં ફિલ્મમેકિંગના કોર્સમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. પોતે જે અહીં શીખ્યો છે એ વિશે વાત કરતાં કુશ શાહ કહે છે, ‘મેં કૉલેજમાંથી ડિગ્રીઓ મેળવી, પરંતુ મારી યુનિવર્સિટી દિલીપ જોશી સર છે. હું તેમની પાસેથી અઢળક શીખ્યો છું. નાનપણમાં સ્કૂલના ૬-૭ કલાક અને શૂટના ૧૨ કલાક આપતો હતો ત્યારે મહેનતના પાઠ તો એમ જ ભણાઈ ગયા, પરંતુ ઍક્ટિંગ અને કલાકાર તરીકેનું જીવન કેવું હોવું જોઈએ એ હું દિલીપ જોશી સર પાસેથી શીખ્યો. નાના હતા ત્યારે બાળસહજ રીતે ખુદને ટીવીમાં જોવાની મજા પડે એટલે કામ કરતા છોકરામાંથી આજે કામને ઊંડાણથી સમજીને વધુ સારું કામ કરવાની ઘેલછા જો મારામાં જન્મી હોય તો એનું કારણ અમારા તારક મહેતા પરિવારના સિનિયર લોકો છે જેમણે અમને ખૂબ નાની ઉંમરથી ગાઇડ કર્યો.’

૧૩ વર્ષથી એક જ પાત્ર ભજવું છું, પણ ક્યારેય બોર નથી થવાયું ઃ સમય શાહ

‘અમારા શોની કોઈ પણ પ્રકારની નાનીથી લઈને મોટી પાર્ટી હોય કે પછી હૉન્ગકૉન્ગ અને પૅરિસની ટૂર હોય, તમને દરેક જગ્યાએ એક જૈન કાઉન્ટર જોવા મળશે જ. ત્યાં સંપૂર્ણ જૈન વાનગીઓ રાખવામાં આવી હશે અને એનું કારણ ફક્ત એ હતું કે તેમનો એક આર્ટિસ્ટ એટલે કે હું જૈન છું. જે શોના પ્રોડ્યુસર તેમના એક ચાઇલ્ડ આર્ટિસ્ટ અને તેના ઘરના લોકોનું આટલું ધ્યાન રાખી શકે એ તમારું પણ કેટલું ધ્યાન રાખતા હશે એ સમજી શકાય છે.’

આ શબ્દો છે સમય શાહના જે સિરિયલમાં પંજાબી પાત્ર - સોઢીના દીકરા ગોગીનું પાત્ર - છેલ્લાં ૧૩ વર્ષથી નિભાવી રહ્યો છે. શરૂઆતમાં તો ભવ્ય ગાંધી પણ હતો જે જૈન હોવાને લીધે બટાટા, ડુંગળી, લસણવાળો ખોરાક ખાતો નહીં એટલે તેના અને સમય બન્ને માટે જૈન ભોજનનો પ્રબંધ અલગથી થતો. ભવ્ય શો છોડીને જતો રહ્યો ત્યારે આ પરંપરા સમય માટે ચાલુ જ રહી. ભવ્ય ગાંધી સમય શાહનો માસીનો દીકરો છે.

ટપુસેનામાં સમય સૌથી નાની ઉંમરનો હતો. તેને આ રોલ કઈ રીતે મળ્યો એ વિશે વાત કરતાં સમયનાં મમ્મી નીમા શાહ કહે છે, ‘હું તો ભવ્યના કૉન્ટ્રૅક્ટ માટે મોદીસાહેબ (અસિતકુમાર મોદી - પ્રોડ્યુસર)ને મળવા ગયેલી. મેં તેમને વાત કરી કે મારો એક નાનો દીકરો છે. અમારા ઘરની એકદમ નજીક જ તેમની ઑફિસ હતી. તેમણે પૂછ્યું કે શું કરે છે તે અત્યારે? મેં તેમને કહ્યું કે તે નીચે રમતો હશે બાળકો સાથે. ગલીમાં રમતા સમયને તેમણે બોલાવ્યો. ભવ્ય સાથે તેમણે થોડી તડફડ કરવા તેને કહ્યું અને બસ, એ પાંચ મિનિટમાં જ નક્કી થઈ ગયું કે સમયને ગોગીનું પાત્ર મળશે. ભવ્ય અને સમય બન્નેના કૉન્ટ્રૅક્ટ સાથે સાઇન થઈ ગયા.’

કામ શરૂ કર્યું ત્યારે સમયની ઉંમર ૬ વર્ષની હતી. રોલ એક પંજાબી બાળકનો હતો એટલે પઘડી પહેરવી જરૂરી હતી. નાનકડા સમયને પઘડી પહેરવી ગમતી નહીં. તેને ભાર લાગતો અને તે રડવા લાગતો. જેવો શૉટ ખતમ થાય એટલે તે તરત જ પઘડી કાઢી નાખતો. આજે તો હવે તેને આદત પડી ગઈ છે. પંજાબી શબ્દો અને ટોન કઈ રીતે શીખ્યો એ વાતનો જવાબ આપતાં સમય કહે છે, ‘હું શરૂઆતમાં તો હિન્દી જ બોલતો. એટલે મને સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરન સિંહે પંજાબી શબ્દો અને એનો લહેજો શીખવ્યા. હું એટલો નાનો હતો ત્યારે કે સાચું કહું તો મને તો ઊભા રહેતાં પણ નહોતું આવડતું કે ફોકસ થઈને કઈ રીતે ઊભા રહેવાય. એ સમયે ધર્મેશ મહેતા અમારા ડિરેક્ટર હતા. તેમણે મને આ બધું શીખવ્યું. છેલ્લાં બે-ત્રણ વર્ષ છોડીને વિચારું તો દરરોજ મમ્મી મારી સાથે જ આવતી. અમારા ઘરેથી આવતું ટિફિન બધા શૅર કરીને ખાતા.’

સમય હાલમાં બોરીવલી રહે છે. એ સોસાયટીનું નામ પણ ગોકુલધામ જ છે. એ વિશેની વાત કરતાં સમય કહે છે, ‘૨૦૧૮માં અમે નવું ઘર લીધું. અમે બિલ્ડરને મળ્યા ત્યારે ખબર પડી કે અમારા બિલ્ડરની દીકરીને ‘તારક મેહતા...’ શો ખૂબ જ ગમતો. આ પ્રોજેક્ટ તેઓ કરતા હતા ત્યારે તેમની દીકરીએ કહ્યું કે પપ્પા, સોસાયટીનું નામ ગોકુલધામ રાખો. જોગાનુજોગ અમને ત્યાં ફ્લૅટ ગમી ગયો. બિલ્ડર પણ નવાઈ પામ્યા. તેમને સ્વપ્નેય વિચાર નહીં આવ્યો હોય કે અમે અહીં મકાન ખરીદીશું. ગોકુલધામ સાથેનો અમારો સંબંધ વધુ ગહેરો બન્યો.’

નાનપણથી જ સેટ પર ૧૨-૧૩ કલાક વિતાવનાર સમય કહે છે, ‘મારી મેમરી ઘણી શાર્પ છે એટલે આજે જ્યારે પાછળ વળીને જોઉં છું તો દરેક દિવસ, એ દિવસે શીખેલું દરેક કામ, જીવનના કેટલાય બોધપાઠ અને મેં કમાયેલા સંબંધો બધું જ તાદૃશ થઈ જાય છે. સેટ પરના સ્પૉટ નીતિનદાદાથી લઈને બધા જ કલાકારો અને આખી ટીમ મારા માટે મારો પરિવાર છે. આટલાં વર્ષોથી એક જ જગ્યાએ કામ કરવા છતાં એક પણ દિવસ અમે બોર નથી થયા, કારણ કે પ્રત્યેક દિવસે અમે નવું-નવું શીખ્યા જ કરીએ છીએ અને સતત હજી પણ શીખવાની ભાવના જ રાખીએ છીએ.’

taarak mehta ka ooltah chashmah Jigisha Jain