રંગોળીની રંગતમાં આ ગુજરાતી કલાકારોનો જોટો જડે એમ નથી

20 November, 2020 05:02 PM IST  |  Mumbai | Varsha Chitalia

રંગોળીની રંગતમાં આ ગુજરાતી કલાકારોનો જોટો જડે એમ નથી

હાઇપર રિયલિસ્ટિક રંગોળી, અંબે ધામમાં બનાવેલી અન્ડર-વૉટર રંગોળી, થ્રીડી ઇમ્બોસ રંગોળી, સચિનની લાસ્ટ મૅચ વખતે હાજીઅલીમાં બનાવેલી રંગોળી.

ભાતભાતની ડિઝાઇનવાળી કલરફુલ રંગોળી વગર દિવાળીની ઉજવણી ફિક્કી લાગે. ઘરનું આંગણું હોય કે જાહેર સ્થળ હોય, ફેસ્ટિવલ સીઝનમાં રંગોળી મુખ્ય આકર્ષણ હોય છે. દિવાળી દરમ્યાન મૉલ્સ, મંદિરોની બહાર, મેદાનો અને ક્લબોમાં, કૉર્પોરેટ ઇવેન્ટ્સમાં, હોટેલોના પ્રવેશદ્વાર પર પાડવામાં આવેલી જાયન્ટ રંગોળી, ખાસ પ્રકારનાં ચશ્માં પહેરીને જોઈ શકાય એવી થીમ બેઝ્ડ થ્રીડી ઇમ્બોસ અને ફ્લોરોસન્ટ રંગોળી જોઈને આપણે અભિભૂત અને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જોકે પરંપરાગત રંગોળીથી જુદી તરી આવતી કલાત્મક રંગોળી પાડવી એ ધીરજ માગી લેતી કળા છે. વૈવિધ્યસભર રંગોળી પાડવી અને એને જનમાનસ સુધી પહોંચાડવા કલાકારો કલાકો સુધી ખાધાપીધા વગર કામ કરતા હોય છે. આજે આપણે પોતાના આઇડિયાઝ અને ક્રીએટિવિટીથી આ ફીલ્ડમાં જુદી ઓળખ ઊભી કરનારા મુંબઈના બે ગુજરાતી રંગોળી કલાકારોને મળીએે... 

ગઈ દિવાળીમાં કૅપ્ટન કોહલીના ઘરે પણ રંગોળી પાડી આવ્યા છે આ ભાઈ

ગણેશ સોલંકી
કોલાબાસ્થિત ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા, ઑબેરૉય મૉલ, ટીવી-સિરિયલોમાં, ફાઇવસ્ટાર હોટેલો અને મોટી કૉર્પોરેટ ઇવેન્ટ્સમાં દિવાળી સેલિબ્રેશન માટે રંગોળી પાડવાની હોય ત્યારે કાંદિવલીના આર્ટિસ્ટ ગણેશ સોલંકીને હાયર કરવામાં આવે છે. દિવાળી દરમ્યાન તેઓ અંદાજે પચાસેક મોટી રંગોળી પાડે છે. રંગોળી પાડવાની કળામાં નિષ્ણાત ગણેશને મહારાષ્ટ્ર ચસક ‘આર’ વૉર્ડમાં પ્રથમ પારિતોષિક મળ્યું છે. ભૂતકાળમાં શિર્ડીમાં સાંઈબાબાની પાલખી નીકળવાની હતી ત્યારે આખા ગામમાં સ્ટ્રીટ રંગોળી પાડવા મંદિર ટ્રસ્ટે તેની પસંદગી કરી હતી. ગયા વર્ષે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીના ઘરે દિવાળીની ઉજવણીમાં રંગોળી પાડવાનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું હતું. આ ફીલ્ડમાં તેઓ ૧૨ વર્ષથી છે. જોકે આ મુકામ સુધી પહોંચવા માટે ગણેશે સખત મહેનત કરી છે. તેઓ કહે છે, ‘નાનપણમાં અમારા વિસ્તારમાં ભંડારાના કાર્યક્રમ દરમ્યાન રંગોળી પાડતા આર્ટિસ્ટોને જોઈને આ કળા શીખવાની ઇચ્છા પ્રબળ બની હતી. તેઓ કઈ રીતે રંગોળી પાડે છે એ જોવા કલાકો સુધી ઊભો રહેતો. મારે પ્રૅક્ટિસ કરવી હતી, પરંતુ એ વખતે ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે રંગોળીના કલર લેવાના પૈસા પણ નહોતા. શરૂઆતમાં મીઠાથી રંગોળી પાડવાની ટ્રાય કરી. આસપાસની ફર્નિચરની દુકાનમાંથી લાકડાનું ભૂસું લાવી એને ચાળીને જે પાઉડર નીકળતો એમાં ખાવાનો કલર ભેળવીને બે દિવસ સૂકવવા દેતો. પછી એને તવા પર ગરમ કરી પાઉડર બનાવી રંગોળી પાડવાની પ્રૅક્ટિસ કરતો. આ બધું કરવામાં અભ્યાસમાંથી મન ઊઠી ગયું. રંગોલી-આર્ટિસ્ટ બનવા માટે બારમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. આ ગાળામાં રંગોળી પાડતા કલાકારોના ગ્રુપ સાથે ઓળખાણ થઈ. તેમની પાસેથી ટેક્નિકલ પાસાનું જ્ઞાન મેળવ્યું. હવે તો બધા ઓળખે છે.’
દિવાળીની ઉજવણી વિશે વાત કરતાં ગણેશ કહે છે, ‘રંગોળીની ડિઝાઇન ક્લાયન્ટ્સની ઇમેજ અને ઇવેન્ટ્સ અનુસાર કરવાની હોય છે. સામાન્ય રીતે રંગોળી બનાવવા માટે ચાર-પાંચ વર્ષનો કૉન્ટ્રૅક્ટ હોય છે. નાનામાં નાની સાઇઝની રંગોળી પણ ૬ ફુટની તો હોય જ. સીસીઆઇ ક્લબમાં ૩૨X૩૨ ફુટની જાયન્ટ રંગોળી બનાવીએ છીએ. જાયન્ટ રંગોળી પાડવાની હોય ત્યારે ડ્રૉઇંગ બનાવવા અને જુદા-જુદા શેડ્સ પ્રમાણે રંગ ભરવા માટે ચાર જણની ટીમ જોઈએ. રંગોળી પાડતાં લગભગ ૮ કલાક થાય. ગઈ દિવાળીમાં વિરાટ કોહલીના ઘરે મધ્યમ સાઇઝની ટેક્સચર રંગોળી બનાવી હતી. કૉર્પોરેટ કંપનીમાં અમારું કામ ઝડપથી પૂરું થઈ જાય છે. એમાં કંપનીનો લોગો ફિક્સ હોય છે. લોગોની આસપાસ બૉર્ડરમાં સિમ્પલ ડિઝાઇન સિવાય વધુ કંઈ કરવાનું હોતું નથી. કૉર્પોરેટ કંપનીઓ લાઇટ કલરના શેડ્સ પસંદ કરે છે જ્યારે પર્સનલ ઇવેન્ટ્સમાં ડાર્ક શેડ્સ વધુ ચાલે છે. રંગોળી બનાવવા માટે પાઉડર તેમ જ ફૂલ-પાનમાંથી બનાવેલા ઇકો-ફ્રેન્ડ્લી કલરનો ઉપયોગ કરવામાં આવે છે. અમે ખાસ ટેક્નિકથી કલર તૈયાર કરીએ છીએ. સફેદ રંગમાં કલર મિક્સ કરી એમાં થોડું પાણી નાખી તડકામાં સૂકવી દઈએ. સુકાઈ ગયા બાદ કલર કડક બને છે અને શાઇન મારે છે. રંગોળી પાડતાં પહેલાં એમાં અત્તર છાંટવામાં આવે છે જેથી પસાર થતા લોકોને સુગંધ આવે. રંગોળી ઉપરાંત કંદીલ અને દીવા પણ જાતે બનાવું છું. આ વર્ષે કોરોનાના કારણે રંગોળીના ઑર્ડર ઓછા મળશે એવી આશંકા પહેલેથી હતી એથી ક્રાફ્ટવર્ક પર ફોકસ રાખ્યું છે.’

પાણીની ઉપર કે અંદર રંગોળી બનાવવી હોય કે હાઇપર રિયલિસ્ટિક ઇમેજ બનાવવી હોય તો અમને યાદ કરવા પડે

ભાવેન ફુરિયા, તાડદેવ
લતા મંગેશકરનું ઘર હોય કે નૈતિક નાગડાની ઇવેન્ટ્સ, જગતજનની અંબેમાનું ધામ હોય કે ફિલ્મનો સેટ, આખા વર્ષ દરમ્યાન ભારતભરમાં બનેલી સારી-નરસી ઘટનાઓને આમજનતા સુધી પહોંચાડવા માટે સ્કૂલમાં વિવિધ મહાનુભાવોના પૉર્ટ્રેટની રંગોળીની પ્રદર્શનીનું આયોજન હોય, સોશ્યલ મેસેજ કે પછી ક્રિકેટ લેજન્ડ સચિન તેન્ડુલકરની લાસ્ટ મૅચની મેમોરેબલ મોમેન્ટ્સ, થ્રીડી ઇમ્બોસ, હાઇપર રિયલિસ્ટિક, અન્ડર ઍન્ડ અબવ વૉટર, ફ્લોરોસન્ટ તેમ જ જમીનથી અધ્ધર રંગોળી પાડવા માટે તાડદેવના કમર્શિયલ આર્ટિસ્ટ ભાવેન ફુરિયાને યાદ કરવા જ પડે. છેલ્લા એક દાયકામાં મુંબઈના હાજીઅલી અને તાડદેવ વિસ્તારમાં જાહેર સ્થળોએ થ્રીડી ઇફેક્ટ આપતી અઢળક રંગોળી તેમણે પાડી છે. કચ્છના ગોધરામાં આવેલા અંબે ધામમાં આયોજિત સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં ભક્તજનોને આકર્ષવા પાણીની અંદર અને પાણીની ઉપર તરતી માતાજીના નવ સ્વરૂપની નવ જુદી-જુદી રંગોળીઓ સહિત કુલ ૮૧ રંગોળી પાડવા કાર્યક્રમના આયોજકોએ તેમને ખાસ મુંબઈથી બોલાવ્યા હતા. જોકે આ આર્ટ શીખવા માટે નાનપણમાં ઘરે-ઘરે જઈને અખબાર નાખ્યા છે. સ્ટ્રગલના દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, ‘અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ શરૂઆતથી જ મધ્યમ. મારા પપ્પા ટૅક્સી-ડ્રાઇવર છે અને મમ્મી બીજાના ઘરે નાસ્તા બનાવવાનું કામ કરે છે. પેરન્ટ્સના યોગદાનને સન્માનિત કરવા નામની પાછળ દેવચંદન (પિતા દેવચંદ અને માતા ચંદનનું કૉમ્બિનેશન) લખું છું. છઠ્ઠા ધોરણથી ડ્રૉઇંગમાં ખૂબ રસ હતો. એ વખતે અમારા વિસ્તારના એક આર્ટિસ્ટ પાસે સાંજે ડ્રૉઇંગ શીખવા અને સવારે ન્યુઝપેપર નાખવા જતો હતો. પહેલેથી આર્ટમાં રસ હોવાથી ટ્વેલ્થ પછી રાહેજા સ્કૂલ ઑફ આર્ટ્સમાં ઍડ્મિશન લીધું. અહીં મારી મુલાકાત ભરત ગીતે સર સાથે થઈ. તેમના માર્ગદર્શનમાં મારી કળાને ખીલવવા માટે પ્લૅટફૉર્મ મળ્યું.’
રંગોળી પાડી દીધી એટલે પૂરું થયું એવું નથી હોતું. આ કળાને પ્રસ્તુત કરવાની ચોક્કસ રીત છે એવી માહિતી આપતાં ભાવેન કહે છે, ‘માત્ર મોટી રંગોળી પાડવાનો કોઈ મતલબ હોતો નથી, કારણ કે લોકો અહીં ઊભા રહીને સેલ્ફી લે છે, ફોટો પાડે છે અને સોશ્યલ મીડિયા પર ફૉર્વર્ડ કરે છે. તમારી રંગોળીને જનમાનસ સુધી પહોંચાડવાની હોય ત્યારે થીમ ક્રીએટ કરવી જોઈએ. સોશ્યલ મેસેજ આપવાનો હોય તો રંગોળીની નીચે કેલિગ્રાફીમાં લખાણ મૂકવાં પડે. જમીનથી ઉપર રંગોળી પાડવા માટે પહેલાં લાકડાનું ભૂસું પાથરવામાં આવે છે. એના પર સફેદ કલરની લેયર બનાવી ડ્રૉઇંગ થાય. પિક્ચર ઇફેક્ટ માટે બ્લૅક કલરનો ઉપયોગ કરીએ છીએ. આ રંગોળીને જોવા માટે ખાસ લેવલ (હાઇટ) પર સ્ટેજ તૈયાર થાય. થ્રીડી ઇમ્બોસ રંગોળીને એક્ઝૅક્ટ ઍન્ગલથી જુઓ તો જ મજા આવે, થ્રીડી ચશ્માં પહેરીને જોઈ શકાય એવી રંગોળી જુદી હોય. વાસ્તવમાં રંગોળી માટે આગળ-પાછળ ઘણું આયોજન કરવાનું હોય છે. રંગોળીની ટેક્નિકને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી છે. પ્રમોદ ફિલ્મ્સના પ્રતીક ચક્રવર્તીએ કોઈ ઇવેન્ટમાં મારી રંગોળી જોઈ હતી. રંગોળી-આર્ટિસ્ટો તેમની કૃતિ નીચે નામ અને કૉન્ટૅક્ટ-નંબર લખતા હોય છે. તેમણે નંબર સેવ કરી રાખ્યો હતો. થોડા સમય બાદ એક ઇવેન્ટમાં રંગોળી પાડવા મને ફોન કર્યો. રંગોળી ઉપરાંત પેઇન્ટિંગમાં પણ મારી હથોટી હોવાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ મળવા લાગ્યું. રંગોળીએ પૈસા અને ઓળખ બન્ને આપ્યાં છે.’

columnists weekend guide