એકલતાનો જબરો ઇલાજ શોધી કાઢ્યો છે આ વડીલોએ

03 March, 2021 11:06 AM IST  |  Mumbai | Ruchita Shah

એકલતાનો જબરો ઇલાજ શોધી કાઢ્યો છે આ વડીલોએ

એકલતાનો જબરો ઇલાજ શોધી કાઢ્યો છે આ વડીલોએ

૬૨ વર્ષનાં ઝીંદુ ભેદાએ સિંગલ વિનર નામનું એક અનોખું ગ્રુપ ૨૦૧૭માં શરૂ કર્યું જેમાં એકલા પડેલા વડીલો એકબીજા સાથે સમય ગાળી શકે, વાતો કરી શકે, પ્રવાસમાં સાથે જઈ શકે. કોરોનાકાળમાં જે રીતે આ ગ્રુપના સભ્યોએ એકબીજાનો આધાર બનવાનું કામ કર્યું એ તમને આશ્ચર્યમાં મૂકી દેશે

જીવનનાં પાછલાં વર્ષોમાં એકલતા સાથે જીવવું દુષ્કર છે. કોઈ પણ કારણસર સાવ એકલા પડેલા વડીલો નિરાશા સાથે ન જીવે એવો વિચાર ઝીંદુ ભેદાને આવ્યો જ્યારે તેઓ પોતે એકલાં પડ્યાં. પોતાના જેવી ઉંમરના લોકોનું એકાદ ગ્રુપ હોય અને બધા નિયમિત મળતા હોય, સાથે ગીતો ગાય, ગેમ્સ રમે અને નિર્દોષ આનંદ માણે તો તેમની પાછલી જિંદગીને પણ માણી શકાય. આ વિચારને તેમણે જાહેર માધ્યમ પર મૂક્યો અને જોતજોતામાં ૩૦-૪૦ લોકોનું એક ગ્રુપ બની ગયું. ‘સિંગલ વિનર્સ’ નામનું આ ગ્રુપ એકબીજા સાથે હળીમળીને જીવનને માણી રહ્યું છે. આ ગ્રુપનાં પ્રણેતા ઝીંદુ ભેદા સાથે હવે આ ગ્રુપની ઍક્ટિવિટી વિશે વિગતવાર વાતો કરીએ.
કેવી રીતે આવ્યો વિચાર?
સાયનમાં રહેતાં ઝીંદુ ભેદાની દીકરીનાં લગ્ન થઈ ગયાં અને જવાબદારીઓ પૂરી થઈ ગઈ પછી તેમને પોતે એકલાં પડી ગયાની લાગણીએ જન્મ લીધો. તેઓ કહે છે, ‘લગ્નજીવનમાં ખલેલ પડ્યા પછી એકલા હાથે બન્ને દીકરીઓને મોટી કરી હતી. જોકે દીકરીઓ પોતાના સંસારમાં લાગી પછી મને થયું કે હવે હું શું કરું. એકલા ફરવા જાઓ એના કરતાં કંપની હોય તો સારું પડે. ત્યારે જ લાગ્યું કે જેવી મારી સ્થિતિ છે એવી સ્થિતિમાં બીજા પણ લોકો હશે જને? એટલે મેં મારા સર્કલમાં રહેલા લોકોને વાત કરી. ક્રાઇટેરિયા એક જ હતો કે એકલતામાં જીવનસાથીની ગેરહાજરીમાં સમય પસાર કરી રહેલા લોકોનું જ ગ્રુપ બને, કારણ કે એકલા પડેલા વડીલો પરણેલા મિત્રો સાથે બહાર જાય ત્યારે વધુ એકલા પડી જતા હોય છે. ધીમે-ધીમે લોકો જોડાતા ગયા. શરૂઆતમાં દર અઠવાડિયે કોઈના ઘરે અથવા કોઈ રેસ્ટોરાંમાં મળતા. વાતો કરતા, ચા-પાણી પીતા. જે ખર્ચ આવે એ સરખે ભાગે વહેંચી લેતા. પછી એ જ રીતે મહિને એક વાર પિકનિક પર જવાનું શરૂ કર્યું. દરેક તહેવાર ઊજવવાનું શરૂ કર્યું. જોડાયેલા લોકોને જીવવાનું કારણ મળ્યું.’
ઘણાબધા અનુભવો થયા
એકલા રહેતા વડીલોમાં ખાસ કરીને બહેનો જ્યારે સંતાનોને આધીન હોય ત્યારે પૈસે ટકે ઘણી વાર તેમણે લાચારી ભોગવવી પડતી હોય છે. એનું એક કારણ કે વર ગુજરી જાય ત્યારે આ બહેનોને ખબર જ નથી હોતી કે પતિ પાસે શું હતું. કોઈ પુરુષ પોતાની પત્નીને આ બધું કહેવાની તસ્દી જ નથી લેતા. ઝીંદુબહેન કહે છે, ‘નિયમિત મળતાં હોઈએ ત્યારે સરખે ભાગે જે ખર્ચ થાય એ વહેંચી લઈએ એ સિસ્ટમ છે. જોકે ઘણી વાર પિકનિક પર જવું હોય અને એના માટે ૫૦૦-૧૦૦૦ રૂપિયા પણ જોઈતા હોય તો બહેનોને ખૂબ તકલીફ પડતી હોય છે, કારણ કે તેમણે એ પૈસા દીકરા પાસે માગવા પડતા હોય છે. દીકરા પાસે ઘરમાં ગાડી હોય અને પૈસાની કમી ન હોય, માતા તેનાં સંતાનોને સાચવતી હોય, ઘરનું ધ્યાન રાખતી હોય છતાં હજાર રૂપિયા માને આપતાં પહેલાં તે સત્તર સવાલો પૂછે. અને પછી શું કામ રખડવા જવું છે, કહીને પૈસા ન પણ આપે. આવા ઘણા કિસ્સાઓ બને છે. આ ગેધરિંગથી અમને સૌથી વધુ ફાયદો એ થયો કે લોકો પોતાના મનની વાતો શૅર કરવા માંડ્યા. એક ભાઈની વાત તમને કહું. તેમનાં પત્ની ગુજરી ગયાં. દીકરા-વહુ સાથે રહે. વહુ રોજ દુનિયાભરનું ખાવાનું બનાવે અને પછી બહાર ફેંકાય. આ ભાઈથી જોવાયું નહીં તો એક વાર તેમનાથી કહેવાઈ ગયું કે બેટા, થોડું ઓછું બનાવશો તો બગાડ ઓછો થશે. આ વાત પર તેમનાં પુત્રવધૂ એટલાં ઊકળ્યાં કે વાત ન પૂછો. દીકરો પણ વહુના પક્ષમાં આવીને પિતાને કહે કે તમારું ઇન્ટરફિયરન્સ વધી ગયું છે. જો આ એમ જ રહેશે તો અમે ઘર છોડીને નીકળી જઈશું. મને તેમણે ફોન કર્યો. તેઓ રડી રહ્યા હતા કે હવે જીવવાની ઇચ્છા નથી રહી. મેં કહ્યું કે જવા દોને. વાસણ હોય તો ખખડે પણ ખરાં. તમે હવે ગાંધીજીના વાંદરા બનીને જીવો, જેને જે કરવું હોય એ કરવા દો. એક બીજા ભાઈ છે તે કહે કે ઘરમાં લોકો મારી સાથે એટલી જ વાર વાત કરે જેટલા સવાલો હું પૂછું. અમારી પેઢી બહુ જ ફસાઈ ગઈ છે. પહેલાં તેમણે મા-બાપની સામે અવાજ ઊંચો નથી કર્યો અને હવે છોકરાઓની સામે તેઓ કંઈ જ બોલી નથી શકતા. આજનો યુવા વર્ગ માને છે કે વડીલોએ ઘરમાં ફર્નિચરની જેમ વર્તવાનું. તેમણે કંઈ બોલવાનું નહીં. જોકે આ લોકો એ વાત ભૂલી જાય છે એક સમય એવો આવશે કે તેઓ પણ ઘરડા થશે. બીજી એક વાત ખાસ કહેવી છે કે આપણે ત્યાં લોકોને શૅર કરતાં ખૂબ સમય લાગે છે. આજે ચાર વર્ષે હવે લોકો માંડ શૅરિંગ કરતાં શીખ્યા છે.’
લૉકડાઉનમાં અનેરો સપોર્ટ
કોરોનાકાળમાં આ ગ્રુપે એકબીજાને જે સપોર્ટ આપ્યો એ કાબિલેદાદ છે. મિત્ર તરીકે એકબીજાને તેમણે પૂરતી હૂંફ, હિંમત અને માર્ગદર્શન પર આપ્યાં. ગ્રુપમાં કોઈને પણ કોરોના હોય તો ગ્રુપના બાકીના સભ્યો દર એક કલાકે તેમને ફોન કરીને વાત કરે. ઝીંદુબહેન કહે છે, ‘લગભગ પાંચેક લોકોને અમારા ગ્રુપમાં કોરોના થયો. જેમાં બે જણને અમે ખોઈ પણ બેઠા. અમારા રમેશભાઈ જેમને હું મોટાભાઈ કહેતી હતી તેઓ ઘરમાં સાવ એકલા રહે. કોરોના થયો એ મટી ગયો પણ પછી એના ડરમાં તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા. અમે બહુ કોશિશ કરી તેમને બહાર લાવવાની પણ કંઈ ન થયું. છેલ્લે રાતે બ્રેઇન હેમરેજ થયું અને મૃત્યુ પામ્યા. બીજા દિવસે સવારે કામવાળી આવી ત્યારે ખબર પડી. તેમની એક દીકરી, જેને પરણાવી દીધી હતી તેઓ હંમેશાં કહેતાં કે અમારા આ પ્રોગ્રામના હૅન્ગ ઓવરમાં તેઓ પ્રોગ્રામ પતી ગયા પછીયે પંદર દિવસ રહે છે અને બાકીનો સમય નેક્સ્ટ પ્રોગ્રામ આવશે એની રાહ જોવામાં વીતી જાય છે. કોરોનામાં અમે એવો નિયમ રાખ્યો હતો કે જે પણ બીમાર હોય તેમને દર કલાકે ફોન કરીને હાલચાલ પૂછવાના અને તેમની સાથે વાત કરવાની જેથી એ લોકોને પોતે એકલા પડી ગયા છે એવી ફીલિંગ ન આવે અને અમને પણ તેમની તબિયત વધુ ખરાબ હોય તો શું કરવું એની ખબર રહે. અમે બહારગામ જઈએ ત્યારે પણ વડીલો એકબીજાની ખાસ્સી કૅર કરે. લૉકડાઉનમાં પાંચથી સાત હાઉઝી અને જુદી-જુદી ગેમ્સ રમતા. વડીલો એની રાહ જોવામાં આગળના બેત્રણ કલાક કાઢી નાખતા. હાઉઝી, સંગીત જલસો, અંતાક્ષરી, પોતાના જૂના ફોટો પરિવાર સાથેના શૅર કરવા જેવી બાબતોએ અમને એકબીજા સાથે જોડી દીધા.’
વિચિત્ર માનસિકતા
આ ગ્રુપના વડીલો એકબીજાના સાથ, સહકાર અને હૂંફ વચ્ચે આરામથી રહે છે. જોકે એમાં પણ કેટલા વિચિત્ર અનુભવો થયા છે. ઝીંદુબહેન કહે છે, ‘મને કહેતાં પણ ખચકાટ થાય એવી મનસિકતાના લોકો પણ મળ્યા. મોટી ઉંમરનાં સિંગલ સ્ત્રી-પુરુષનું ગ્રુપ છે એટલે ત્યાં અમુક પ્રકારના સંબંધોને પણ અવકાશ હશે એવી અપેક્ષા સાથે પણ કેટલાક લોકોએ શરમજનક ડિમાન્ડ કરી હોય અથવા ગ્રુપની કોઈ બહેનને ડાયરેક્ટ કોઈ ભાઈએ અશ્લીલ મેસેજ કર્યો હોય તો તેમને એક મિનિટ પણ અમે ગ્રુપમાં રાખતા નથી. આ ગ્રુપ અમે માત્ર સામાજિક સ્તરે એકલતાનો શિકાર બનેલા વડીલોને હસવા-બોલવા માટે અને ફરવા માટે કંપની મળી રહે
એવા ધ્યેય સાથે જ બનાવ્યું છે અને એ જ રીતે એ કામ કરશે. એવી અપેક્ષા સાથે ૫૦ વર્ષની વધુ ઉંમરના એકલા પડેલા વડીલો ઇચ્છે તો આ ગ્રુપ સાથે જોડાઈ શકે છે.’

અમારી પેઢી બહુ જ ફસાઈ ગઈ છે. પહેલાં તેમણે મા-બાપની સામે અવાજ ઊંચો નથી કર્યો અને હવે છોકરાઓની સામે તેઓ કંઈ જ બોલી નથી શકતા. આજનો યુવા વર્ગ માને છે કે વડીલોએ ઘરમાં ફર્નિચરની જેમ વર્તવાનું. તેમણે કંઈ બોલવાનું નહીં. જોકે આ લોકો એ વાત ભૂલી જાય છે એક સમય એવો આવશે કે તેઓ પણ ઘરડા થશે.
- ઝીંદુ ભેદા, સિંગલ વિનર ગ્રુપના ફાઉન્ડર

ruchita shah columnists