‘માડી મારી નાવને તું તારજે,સુખમાં કે દુઃખમાં સંભાળજે...’

25 October, 2020 06:34 PM IST  |  Mumbai | Shailesh Nayak

‘માડી મારી નાવને તું તારજે,સુખમાં કે દુઃખમાં સંભાળજે...’

સાત મહિનાથી એક પણ કાર્યક્રમ નહોતો કર્યો અને નવરાત્રિની આશા પણ ઠગારી નીવડતાં કલાકારોએ આજીવિકા રળવા માટે અને ખુમારીભેર જીવનને આગળ ધપાવવાનો રસ્તો શોધી લીધો. ભજન, ગરબા અને ડાયરાની રંગતને જમાવનારા કલાકારોની દુનિયા સૂની પડતાં કોઈકે ગુજરાન માટે ચાનો સ્ટૉલ શરૂ કર્યો તો કોઈકે પ્યુન અને સિક્યૉરિટી ગાર્ડનું કામ સ્વીકાર્યું. એક સમયે સંગીતના કાર્યક્રમોને ચાર ચાંદ લગાવી દેનારા ઑર્કેસ્ટ્રાના કલાકારો અત્યારે નાના નોકરી કે ધંધા થકી પરિવારનો નિર્વાહ ચલાવવા મજબૂર બન્યા છે. તેમનો એક જ સવાલ છે કે ‘ક્યાં સુધી રહેશે તેમના જીવનમાં આ કાળાં વાદળોનો ઓછોયો?’

‘ગરબાના કાર્યક્રમ સારા ચાલતા હતા એટલે એને કારણે કયારેય કોઈની સામે હાથ લાંબો કરવો પડ્યો નથી, પણ કોરોનાએ ધંધો લઈ લીધો છે. વર્ષોથી ગરબા–ભજનના કાર્યક્રમ કરતા આવ્યા છીએ એટલે હવે આ સમયમાં ઘર ચલાવવા માટે શું કરીએ તો બે પૈસા મળે એવું શોધીએ છીએ.’

નવરાત્રિના પર્વ ટાણે ભારે હતાશા અને નિરાશા સાથે એક ગાયક કલાકાર પોતાની વેદના ‘મિડ-ડે’ સમક્ષ ઠાલવી રહ્યા હતા. આ માત્ર એક કલાકારની વાત નથી, કંઈકેટલાય કલાકારોની વાત છે જેઓ નવરાત્રિમાં પોતાની કલાથી પૈસા કમાઈને ફૅમિલી માટે દિવાળીનાં સપનાં પૂરાં કરતા હોય છે. કોરોનાએ કંઈકેટલાય નાગરિકોની આશા–અરમાનો પર પાણી ફેરવી દીધું છે. એમાં પણ કલાકારોની જાણે કે માઠી દશા બેઠી છે. છેલ્લા સાતેક મહિનાથી એક પણ ગરબા, ભજન, ડાયરો, સંતવાણી કે ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમ આ કલાકારો કરી શક્યા નથી. રહીસહી જે આશા નવરાત્રિ પર હતી એ પણ ઠગારી નીવડી છે ત્યારે કલાકારોએ નાછૂટકે ફૅમિલીનનો જીવનનિર્વાહ કરવા માટે બે પૈસા કમાવા નવી રાહ પકડતાં નાની નોકરી કે નાનો ધંધો-રોજગાર શરૂ કર્યો છે. માથે હાથ દઈને રડતા બેસી રહેવા કે કોઈની સામે હાથ લાંબો કરવા કરતાં સ્વમાનભેર બીજું કામ કરીને પણ જીવનનિર્વાહ કરવામાં કશું ખોટું નથી એ આ કલાકારો પાસેથી શીખવા જેવું છે.

એક સમયે ગરબામાં સ્ટેજ ગજવતા કે પછી ભજન અને ડાયરામાં રંગત જમાવતા અને ઑર્કેસ્ટ્રામાં ઑડિયન્સને મનોરંજન કરાવતા સિંગર અને મ્યુઝિશ્યન કલાકારો જેમના પર બક્ષિસનો વરસાદ વરસતો હતો એ કલાકારો કોરોનાને કારણે વખતના માર્યા હવે નાછૂટકે પટાવાળા, સિક્યૉરિટી ગાર્ડ કે અન્ય રીતે નોકરી કરવા તેમ જ ચાની કીટલી ખોલીને ઘરનું ગુજરાન કરવા મજબૂર બન્યા છે. આ કલાકારો કોરોનાને કારણે આવી પડેલી મુસીબતમાં પોતાના પરિવાર માટે શરમ રાખ્યા વગર ખુદ્દારીપૂર્વક નોકરી કરી રહ્યા છે તેમ જ ચાની કીટલી ચલાવીને આજીવિકા રળી રહ્યા છે.

કીબોર્ડ-પ્લેયર પ્યુન તરીકે કામ કરવા માંડ્યા છે

ગુજરાતના પાટનગર પાસે આવેલા પેથાપુર ગામના રાજેશ દવે અચ્છા કીબોર્ડ-પ્લેયર છે. નવરાત્રિના ગરબામાં કીબોર્ડ પર તેમની આંગળીઓ ફરે ત્યારે ગરબામાં રંગત જામતી, પણ કોરોનાને કારણે એક પણ પ્રોગ્રામ નહીં કરી શકવાની વેદના વ્યક્ત કરતાં તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘છેલ્લાં ૨૨ વર્ષથી નવરાત્રિના ગરબા, લગ્નગીતો, ભજન, સંતવાણી અને ડાયરા સહિતના પ્રોગ્રામ કરતો આવ્યો છું, પણ અત્યારે કોરોનાને કારણે બહુ તકલીફ પડી છે. મધર બીમાર છે, ધંધા-પાણી બંધ થઈ ગયાં છે. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં લગ્નગીતનો પ્રોગ્રામ કર્યો હતો એ પછી અત્યાર સુધીમાં એક પણ કાર્યક્રમ કર્યો નથી. અમારાં ધંધા-પાણી બંધ થઈ ગયાં. પ્રોગ્રામ દ્વારા જ હું આજીવિકા મેળવું છું. મારે જ્યારે સારા પ્રોગ્રામ ચાલતા ત્યારે કોઈ તકલીફ પડતી નહોતી, પણ કોરોનામાં પ્રોગ્રામ બંધ થતાં અત્યારે ગાંધીનગરમાં કૃષિભવનમાં ટેમ્પરરી પટાવાળા તરીકે જૉબ કરી રહ્યો છું. માન્યું કે જે પગાર મળે છે એમાં પૂરું થાય એમ નથી, પરંતુ ઘરે બેસી રહેવું એના કરતાં પરિવાર બેટંકનું ભોજન પામી શકે એટલે આ પગારમાં નોકરી કરું છું.’

કોરોનાની મહામારી દરમ્યાન તેમનાં મધરની તબિયત બગડતાં તેમની તકલીફમાં વધારો થયો એ વિશે વાત કરતાં રાજેશ દવે કહે છે, ‘મારાં મમ્મીને બ્લડના કાઉન્ટની તકલીફ થતાં તેમની સારવાર કરાવવી પડી અને એને માટે વીંટી અને બુટ્ટી ગીરવી મૂકીને મધરની દવા કરાવી છે. હાલમાં હું ભાડે રહું છું અને અમે બહુ તકલીફમાંથી પસાર થઈ રહ્યાં છીએ. બીજા સિંગર અને કલાકારોની પણ આવી જ હાલત છે. બધાને પ્રૉબ્લેમ છે એટલે તેઓ પણ શું કરે.’

પરિવારનું ગુજરાન ચલાવવા ગાયક કરી રહ્યા છે સિક્યૉરિટી ગાર્ડની નોકરી

ગુજરાતમાં અડાલજ પાસે આવેલા તારાપુર ગામમાં ભાડેથી રહેતા અને કોરોનાને કારણે ગરબા સહિતના કાર્યક્રમ બંધ થઈ જતાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં પરિવાર સાથે જે ગાયકને નાછૂટકે ગાંધીનગરમાં છાપરામાં રહેવા આવવુ પડ્યું એ ગાયક કલાકાર મુકેશ રાવળ ‘મિડ-ડે’ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં કહે છે, ‘ગરબા સહિતના કાર્યક્રમો દ્વારા મારું ગુજરાન ચાલે છે. રાસ-ગરબા, લગ્નગીત, ભજન સહિતના કાર્યક્રમો યોગીરાજ કલાવૃંદના નામે હું કરું છું. ચાહકો મને લોકગાયક મુકેશ યોગીરાજ તરીકે ઓળખે છે. ગરબાના કાર્યક્રમો ચાલતા હતા ત્યાં સુધી કોઈ અડચણ નહોતી. સામાજિક વ્યવહાર સહિતનાં કામો સચવાઈ રહેતાં હતાં, પરંતુ કોરોનાને કારણે કાર્યક્રમો બંધ થઈ જતાં મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં કાર્યક્રમ કર્યો હતો, પણ હવે મારે કોઈ આધાર ન રહેતાં મારે ઘર કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન ઊભો થતાં પહેલાં ગાંધીનગરની જીઆઇડીસીમાં તેમ જ એક મહિનો અખબાર ભવનમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરી અને એ પછી અત્યારે ઉદ્યોગ ભવનમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. સાડાસાત હજાર રૂપિયા પગાર મળે છે. જો કરિયાણું લાવું તો લાઇટબિલ રહી જાય અને લાઇટનું બિલ ભરું તો કરિયાણું લાવવાનું રહી જાય એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ. ઘણી વખત તો એવું થાય છે કે મારી દીકરીઓ માટે દૂધના પૈસા નથી હોતા.’

ત્રણ દીકરીઓ, પત્ની અને માતા સાથે ૬ સભ્યોનો પરિવાર ધરાવતા મુકેશ રાવળ પોતે એવી કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કે તેમનાં પત્ની પણ ઘરમાં ટેકો કરવા બહાર ઘરકામ કરવા જાય છે એની વાત કરતાં મુકેશ રાવળ કહે છે, ‘મારા મિસિસે હવે ઘરકામ શરૂ કર્યાં છે. વાસણ અને કચરા-પોતાં કરવા જાય છે. કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ. બહારથી ઘણા સેવાભાવીઓ તેલ, લોટ સહિતની રૅશન કિટ આપી જતા હતા એનાથી શરૂઆતના ત્રણ મહિના ઘર ચાલ્યું, પણ તકલીફ વધી જતાં નોકરી કરવાનું શરૂ કર્યું. હું ઘરભાડું ચૂકવી શકતો નહોતો એથી ભાડાના ઘરમાંથી છાપરામાં રહેવા આવી ગયો છું. પહેલાં હું અડાલજ પાસે તારાપુર ગામમાં ભાડે રહેતો હતો, હવે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે છાપરાં આવેલાં છે એમાં પરિવાર સાથે રહું છું.’

ગરબા અને ભજનના કાર્યક્રમોમાં રંગ જમાવતા આ કલાકાર આજે હતાશ ઈઇને કહે છે ‘કોરોનાને કારણે પ્રોગ્રામ નથી થતા એટલે મને રાતે ઊંઘ નથી આવતી. શું ગાવાનું બંધ થઈ જશે એવા વિચાર આવ્યા કરે છે. મારી દીકરીઓને ભણાવી શકીશ કે નહીં એવા વિચાર સતત આવ્યા કરે છે. શું કરવું અને શું ન કરવું એવી પોઝિશન છે.’

બપ્પી લાહિરી અને ઉદિત નારાયણ માટે ડ્રમ વગાડી ચૂકેલા આ ડ્રમરે ખોલ્યો છે ચાનો ખૂમચો

૨૦મે પાનેથી ચાલુ

‘મેં ચા બનાવવાનું ચાલુ ન કર્યું હોત તો ડિપ્રેશનમાં આવી ગયો હોત...’

એક સમયે મુંબઈમાં ડ્રમ વગાડનાર જયેશ ભાડે ગ્રાહકો માટે ચા બનાવવાની સાથોસાથ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહે છે, ‘કોરોનાને કારણે પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. મારે તો બારેય મહિના મ્યુઝિક શો, ગરબા, મૅરેજ ફંક્શન સહિતના કાર્યક્રમો ચાલતા હતા. મહિને ૧૦થી ૧૫ જેટલા અને સીઝનમાં ૨૦–૨૫ કાર્યક્રમો અમે કરતા. આ કાર્યક્રમોને કારણે તકલીફ નહોતી પડતી. માતાજીની કૃપાથી કામ સારું ચાલતું હતું, પણ કોરોનાને કારણે કાર્યક્રમો બંધ થઈ ગયા છે. દીકરા–દીકરી સહિતનો મારો પરિવાર છે જેને કારણે ઘર ચલાવવા બીજું કંઈક કરવું પડે. મને બીજું કશું આવડતું નથી એટલે થયું કે ચાની કીટલી શરૂ કરું. એટલે પહેલાં હું ચા કેવી રીતે બનાવવી એ બીજી લારી પર જઈને શીખ્યો અને શીખ્યા પછી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૫૦૦૦ રૂપિયાના ભાડે એક દુકાનની આગળ ઓટલા પર કાઉન્ટર બનાવીને ચાનો સ્ટૉલ શરૂ કર્યો છે. શરૂઆતના દિવસોમાં ચા બગડી હતી, પણ ધીમે-ધીમે રેગ્યુલર ચા બનવા માંડી અને હવે ચા બનાવવામાં કોઈ વાંધો આવતો નથી. છેલ્લા ત્રણ મહિનાથી આ ટી-સ્ટોલ શરૂ કર્યો છે. અમારા આ વિસ્તારમાં કડિયાનાકું ભરાતું હોવાથી સવારે ૪ વાગ્યે ટી-સ્ટૉલ ખોલું છું. આ ટી-સ્ટૉલને કારણે દિવસના ૪૦૦ રૂપિયા જેવું મળી જાય છે.’

એક સમય એવો પણ હતો જયારે મુંબઈમાં ડ્રમર તરીકે કામ કરતા હતા એની વાત કરતાં જયેશ ભાગડે કહે છે, ‘મુંબઈમાં મીરા રોડમાં આવેલા એક બારમાં ત્રણ વર્ષ સુધી ડ્રમ પ્લે કરતો હતો. ૨૦૦૭થી લઈને ૨૦૦૯ સુધી હું મુંબઈમાં હતો અને ડ્રમ વગાડતો હતો. પછીથી નવરાત્રિના કાર્યક્રમ માટે અમદાવાદ આવ્યો. ગયા વર્ષ સુધી છેલ્લાં કેટલાંક વર્ષોથી નવરાત્રિ દરમ્યાન એક ગ્રુપ સાથે તાન્ઝાનિયામાં દારેસલામમાં પટેલ સમાજના નવરાત્રિના ગરબાના કાર્યક્રમ અને મ્યુઝિક શો કરતા આવ્યા છીએ. મુંબઈના જાણીતા સિંગર તેમ જ મ્યુઝિશ્યન અમદાવાદ આવે કે તેમને ગુજરાતમાં કે રાજસ્થાન બાજુ કાર્યક્રમો હોય તો અમદાવાદથી ઑર્કેસ્ટ્રા લઈ લે છે, જેમાં મેં બપ્પી લાહિરી, અલતાફ રાજા, અમિત કુમાર, ઉહિત નારાયણ, કુમાર સાનુ સહિતના સિંગર સાથે કામ કર્યું છે તેમ જ જૉની લીવર, રાજુ શ્રીવાસ્તવ સહિતના હાસ્યકલાકારો તથા ગોવિંદા, સોનાક્ષી સિંહા સહિતના કલાકારો ગુજરાતમાં કાર્યક્રમ કરવા આવ્યા હતા ત્યારે તેમના કાર્યક્રમમાં કામ કર્યું છે.’

કોરોનાને કારણે ભવિષ્યના કાર્યક્રમો પર પણ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે અને નવરાત્રિ પછી લગ્ન સીઝન ખૂલી રહી છે, પણ કાર્યક્રમ થશે કે નહીં એવી અવઢવભરી સ્થિતિ વિશે વાત કરતાં જયેશ ભાગડે કહે છે, ‘કોરોનાએ બાજી બગાડી નાખી છે, નહીં તો કલાકારોની આ પોઝિશન ન આવી હોત. માર્ચ–મે મહિનાના પ્રોગ્રામ રદ થઈ ગયા હતા. હવે નવેમ્બર–ડિસેમ્બરના કાર્યક્રમોનું શું થશે એની ખબર નથી. મૅરેજમાં ૧૦૦ વ્યક્તિઓની પરમિશન આપે, પણ અમારા ઑર્કેસ્ટ્રા અને સાઉન્ડવાળાઓનો જ ૨૫ જણનો સ્ટાફ હોય તો કોણ પ્રોગ્રામ રાખે.’

આ છે કલાકારોની વેદના અને વ્યથા. એવું નથી કે બધા જ કલાકારોને કોઈ કાર્યક્રમ મળ્યા નથી. ઘણા એવા પણ કલાકારો છે જેમને નવરાત્રિ દરમ્યાન ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ મળ્યું છે, પરંતુ મોટા ભાગનો વર્ગ એવો છે જેઓ આ નવરાત્રિ સહિત છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યક્રમ કરી શક્યા નથી. ઘણા ભજનિકો માતાજીને પ્રાર્થના કરતાં ભજનમાં ગાતા હોય છે...

‘એવો મારા માડીને સંદેશો કહેજો,

એક વાર આવી મુને દર્શન દેજો...’

આજે કલાકારો માઠી દશામાં મુકાયા છે ત્યારે આ ભજન દ્વારા આપણે પણ કલાકારો માટે અભ્યર્થના કરીએ કે માતાજી સૌની મનોકામના પૂરી કરે.

columnists shailesh nayak