બે હતા રાજાઃ એક પરદેશી ને એક દેશી

21 June, 2020 09:06 AM IST  |  Mumbai Desk | Deepak Mehta

બે હતા રાજાઃ એક પરદેશી ને એક દેશી

જેની ભૂમિ પર સૂર્યાસ્ત ક્યારેય થતો નહોતો એવા બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ પાંચમા જ્યૉર્જ અને જેની જીભ પરથી અસત્ય વચન ક્યારેય સરી પડ્યું નહોતું એવા રાજા હરિશ્ચન્દ્ર. આ બે જુદા-જુદા દેશ-કાળના રાજાઓને એકમેક સાથે કોઈ સંબંધ ખરો? હા, ભલે દૂરનો, પણ ઐતિહાસિક મહત્ત્વનો. પહેલાં વાત કરીએ પાંચમા જ્યૉર્જની. ૧૯૧૦ના મે મહિનાની છઠ્ઠી તારીખે તેમના પિતા સાતમા એડ્વર્ડનું અવસાન થયું અને એ જ દિવસથી પાંચમા જ્યૉર્જ બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ બન્યા. શાહી શોકના દિવસો પૂરા થયા પછી ૧૯૧૧ના જૂનની ૨૨ તારીખે પાંચમા જ્યૉર્જ અને રાણી મૅરીનો કોરોનેશન એટલે કે રાજ્યારોહણ સમારંભ લંડનની વેસ્ટમિન્સ્ટર એબીમાં યોજાયો. રાજવી બન્યા પછી લગભગ તરત પાંચમા જ્યૉર્જે જે નિર્ણયો લીધા એમાંનો એક હતો હિન્દુસ્તાનની મુલાકાત લેવાનો અને એ દરમ્યાન ‘દિલ્હી દરબાર’નું આયોજન કરીને ‘એમ્પરર ઑફ ઇન્ડિયા’ તરીકે પોતાનું કોરોનેશન કરવાનો. ગ્રેટ બ્રિટનની એ વખતની વહાણવટાની કંપનીઓમાં અગ્રણી હતી પી. ઍન્ડ ઓ. નામની કંપની, જેનો દુનિયાના બીજા દેશો ઉપરાંત હિન્દુસ્તાન સાથે નિયમિત દરિયાઈ વ્યવહાર હતો. હિન્દુસ્તાનની મુલાકાતનો નિર્ણય લેવાયો એ વખતે એ કંપનીનુ ‘મદીના’ નામનું જહાજ લગભગ બંધાઈ રહેવા આવ્યું હતું. કંપનીને જણાવવામાં આવ્યું કે હિન્દુસ્તાનની મુસાફરી માટે શહેનશાહ અને મહારાણી આ જહાજનો ઉપયોગ કરશે અને એટલો વખત જહાજ બ્રિટિશ નૌકાસૈન્યનું જહાજ બનશે. શહેનશાહ અને તેમના રસાલાના માણસોનાં સુખ-સગવડ સચવાય એવા કેટલાક ફેરફાર તાબડતોબ એ જહાજમાં કરવામાં આવ્યા. રાજા-રાણી માટે ભવ્ય આવાસ ઉપરાંત બીજા સહયાત્રીઓ માટે પણ વિશાળ કૅબિનો તૈયાર કરવામાં આવી. એનું બાંધકામ ૧૯૧૧ના ઑક્ટોબરની ૧૦મી તારીખે પૂરું થયું અને એને બ્રિટિશ નેવીને સોંપી દેવામાં આવ્યું. આ નવીનક્કોર સ્ટીમર દ્વારા રાજા-રાણીએ ૧૯૧૧ના નવેમ્બરની ૧૧મી તારીખે બપોરે સ્વદેશનો કિનારો છોડ્યો. વચમાં કેટલાંક રોકાણો કર્યા પછી બીજી ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યે ‘મદીના’ જહાજ મુંબઈના બારામાં નાંગર્યું.
છેલ્લા કેટલાય મહિનાઓથી મુંબઈમાં શાહી મહેમાનોના સ્વાગતની તૈયારી ચાલી રહી હતી. તેમના કાર્યક્રમની ઝીણામાં ઝીણી વિગતો નક્કી કરીને એ પ્રમાણેની સગવડો ઊભી કરવામાં આવી હતી. શાહી મુલાકાતની યાદગીરીમાં અપોલો બંદર પર એક ભવ્ય દરવાજો (ગેટવે ઑફ ઇન્ડિયા) બાંધવાનું નક્કી થયું હતું, પણ આવડું મોટું સ્થાપત્ય કાંઈ રાતોરાત બાંધી શકાય નહીં, એટલે કામચલાઉ પૂંઠાનો દરવાજો ઊભો કરી દીધો હતો. એની આગળ, થોડે દૂર ખાસ બાંધેલા સ્ટેજ પર નવાંનક્કોર બે સિંહાસન ગોઠવવામાં આવ્યાં હતાં. સ્ટેજની સામે લોકો માટે અર્ધચંદ્રાકાર સ્ટેડિયમ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આખા વિસ્તારને કેવળ સફેદ રંગની ધજાપતાકાથી શણગાર્યો હતો. મુંબઈના બારામાં જેટલાં જહાજો હતાં એ બધાં પણ શણગાર્યાં હતાં અને રાતે એના પર રોશની કરવાની વ્યવસ્થા થઈ હતી.
શાહી દંપતીને લઈને સ્ટીમ લૉન્ચ અપોલો બંદર નજીક આવી ત્યારે ૧૦૧ તોપની સલામી અપાઈ અને તેમણે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. શાહી મહેમાનો સિંહાસન પર બિરાજ્યાં એ પછી સૌથી પહેલાં મુંબઈની મ્યુનિસિપાલિટીના પ્રમુખ સર ફિરોઝશાહ મહેતાએ માનપત્ર વાંચી સંભળાવ્યું હતું. એ વખતે હજી માઇક્રોફોન કે લાઉડ સ્પીકર આવ્યાં નહોતાં, પણ હાજર રહેલા બધા લોકો સાંભળી શકે એવા બુલંદ અવાજે સર ફિરોઝશાહ મહેતાએ વાંચી સંભળાવ્યું હતું. ત્યાર બાદ એ માનપત્ર ચાંદીના કાસ્કેટમાં મૂકીને શાહી દંપતીને ધરવામાં આવ્યું હતું. આ માનપત્રનો જવાબ શહેનશાહ આપશે એવું કોઈએ ધાર્યું નહોતું, પણ તેમણે પણ બુલંદ અવાજે જવાબ આપતાં ટૂંકુ ભાષણ કર્યું. એમાં તેમણે અગાઉ પોતે પ્રિન્સ ઑફ વેલ્સ તરીકે લીધેલી મુંબઈની મુલાકાતને યાદ કરીને કહ્યું હતું કે આજે અહીં ફરી આવતાં અમને આનંદ થાય છે.
ત્યાર બાદ શાહી દંપતીને ખાસ સજાવેલી બગીમાં સરઘસાકારે મુંબઈમાં ફેરવવામાં આવ્યું. કોટ વિસ્તારના રસ્તાઓ સરકારે યુનિયન જૅકના બે જ રંગ વાપરીને શણગાર્યા હતા. આ સરઘસ મુંબઈના કેટલાક મુખ્ય રસ્તાઓ પરથી ધીમી ગતિએ પસાર થયું હતું: અપોલો બંદર રોડ, એસ્પ્લનેડ રોડ, હૉર્નબી રોડ, ક્રુકશેન્ક રોડ, કાલબાદેવી રોડ, પાયધુની, સૅન્ડહર્સ્ટ રોડ, ક્વીન્સ રોડ, ચર્ચગેટ સ્ટ્રીટ, મેયો રોડ અને ફરી અપોલો બંદર. કોટ વિસ્તારની બહાર મુંબઈના નાગરિકોએ જાતજાતના રંગની ધજાપતાકાથી રસ્તાઓ શણગાર્યા હતા. ઠેર-ઠેર વેપારીઓએ રસ્તા પર વિશાળ કમાનો ઊભી કરી હતી; ક્યાંક ફૂલોની, ક્યાંક રૂની ગાંસડીઓની, ક્યાંક તાંબાપિત્તળનાં વાસણોની તો ક્યાંક રંગબેરંગી કાપડના તાકાઓની. રસ્તાની બન્ને બાજુ હજારો લોકો શાહી દંપતીને જોવા શાંતિપૂર્વક ઊભા હતા. તેઓમાં પારસી, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, વગેરે બધા ધર્મોના લોકો હતા. આખે રસ્તે થોડે-થોડે અંતરે બૅન્ડ ગોઠવવામાં આવેલાં. શાહી બગી આવતી દેખાય કે તરત બૅન્ડ બ્રિટનના રાષ્ટ્રગીતના સૂર છેડતું. સરઘસ જ્યારે દરિયાકિનારા નજીકના ક્વીન્સ રોડ પર પહોંચ્યું ત્યારે રસ્તાની બન્ને બાજુનાં હારબંધ વૃક્ષો અને દરિયાઈ પવનને કારણે વાતાવરણ થોડું ઠંડુ થયું હતું (હા, જી, ત્યારે હજી મરીનડ્રાઇવનો રસ્તો બંધાયો નહોતો અને દરિયો છેક ક્વીન્સ રોડ સુધી આવતો). છેવટે અપોલો બંદરથી મહેમાનો પાછા મદીના સ્ટીમર પર ગયાં હતાં.
બીજા દિવસે, રવિવારે, તેમણે બપોરનું ભોજન મલબાર હિલ પરના ગવર્નરના બંગલામાં લીધું અને પછી કૅથેડ્રલ ચર્ચ ઑફ સેન્ટ થોમસમાં ‘ડિવાઇન સર્વિસ’માં હાજરી આપી. સોમવારે સવારે શાહી દંપતી બૉમ્બે જિમખાના પાસેના મોટા મેદાન પર ગયું હતું. અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને ઉર્દૂ સ્કૂલોમાં ભણતાં ૨૬,૦૦૦ જેટલાં બાળકોને અહીં ભેગાં કર્યાં હતાં. અહીં પણ મહેમાનો માટે ખાસ સ્ટેજની અને બાળકો માટે અર્ધગોળાકાર બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમાનો આવતાંવેંત બાળકોએ બ્રિટનના રાષ્ટ્રગીતની બે-બે કડીઓ અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને હિન્દુસ્તાનીમાં ગાઈ હતી. ત્યાર બાદ છોકરીઓએ શાહી મહેમાનોનું સ્વાગત કરતો ગુજરાતી ગરબો રજૂ કર્યો હતો અને એમાં ત્રણ વર્તુળમાં ગોઠવાયેલી ૨૩૦ છોકરીઓએ ભાગ લીધો હતો. પહેલા અને સૌથી મોટા વર્તુળમાં ૧૨૦ પારસી છોકરીઓ હતી. એની અંદરના બીજા વર્તુળમાં ૬૦ હિન્દુ છોકરીઓ હતી અને ત્રીજા વર્તુળમાં ૫૦ હિન્દુ અને પારસી છોકરીઓ હતી. એમાંની કેટલીક છોકરીઓએ માથે બેડાં મૂક્યાં હતાં. બધી છોકરીઓએ ગુજરાતનો પરંપરાગત પોશાક પહેર્યો હતો, પણ સાથોસાથ પગમાં બૂટ પણ પહેર્યાં હતાં! કારણ રાજા-રાણી સામે ઉઘાડા પગે હાજર થવું એ અપમાનજનક ગણાય. ગરબો પૂરો થયા પછી શાહી દંપતી છોકરીઓના વર્તુળની વચમાં ગયાં હતાં અને તેમણે ગરબાનાં વખાણ કર્યાં હતાં. બાજુમાં એક મકાનમાં મુંબઈના ઇતિહાસ વિશેનું પ્રદર્શન ગોઠવાયું હતું એ પણ શાહી મહેમાનોએ જોયું હતું. ચાંદીના પતરાનો બનેલો મુંબઈના અસલ ૭ ટાપુનો નકશો ત્યાં તેમને ભેટ અપાયો હતો.
પાંચમી તારીખે બપોરે શાહી મહેમાનોએ એલિફન્ટાની મુલાકાત લીધી. એ જ દિવસે રાતે શાહી મહેમાનો દિલ્હી જવા નીકળ્યા હતા. એ વખતે રોશની વડે રસ્તાઓ ઝળહળતા હતા, પણ શાહી સવારી ઝડપથી પસાર થઈ ગઈ હતી. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન પર નાનો અને પ્રમાણમાં સાદો વિદાય સમારંભ યોજાયો હતો. રાતે બરાબર ૧૧ વાગ્યે શાહી મહેમાનોને લઈને ટ્રેન દિલ્હી જવા રવાના થઈ હતી. લંડનમાં રાજા પાંચમા જ્યૉર્જ અને રાણી મૅરીનો રાજ્યાભિષેક થયો અને પછી દિલ્હી દરબારમાં પણ થયો એ પછી કેટલાક લોકોના મનમાં એક શબ્દ ઘર કરી ગયો હતો ઃ કોરોનેશન, એટલે કે રાજ્યારોહણ. ઇતિ મહારાજ શ્રી પંચમ જ્યૉર્જ પુરાણમ્ સમાપ્તમ્.
અથ મહારાજ શ્રી હરિશ્ચન્દ્ર પુરાણમ્. શ્રી રામના ઇક્ષ્વાકુ વંશના, પણ રામના પુરોગામી આ રાજા. તેમનો વંશ સૂર્યવંશ તરીકે પણ ઓળખાય છે. પિતા ત્રિશંકુ. મૂળ નામ સત્યવ્રત. ઉંમર થતાં રાજગાદી હરિશ્ચન્દ્રને સોંપી દીધી. આખી જિંદગીમાં તેઓ ક્યારેય જુઠ્ઠું બોલ્યા નહોતા એટલે સ્વર્ગમાં જવાના અધિકારી હતા, પણ તેમને સદેહે સ્વર્ગ જવાની ઇચ્છા થઈ. આ માટે જરૂરી વિધિ કરવા તેમણે ગુરુ વસિષ્ઠને વિનંતી કરી. ગુરુએ કહ્યું કે આવી વિધિ થાય નહીં અને થાય તો સફળ ન થાય, કારણ કોઈ પણ માણસ માટે સદેહે સ્વર્ગે જવાનું શક્ય જ નથી એટલે સત્યવ્રતે વસિષ્ઠના હરીફ વિશ્વામિત્રને સાધ્યા અને તેમની પાસે જરૂરી ક્રિયા કરાવી. પરિણામે સત્યવ્રત સદેહે સ્વર્ગ તરફ જવા લાગ્યા. આ જોઈ દેવો નારાજ થયા અને ઇન્દ્રે તથા બીજા દેવોએ તેમને ધક્કો મારીને નીચે પૃથ્વી પર મોકલ્યા, પણ એમાં વિશ્વામિત્રને પોતાનું અપમાન લાગ્યું એટલે પોતાની શક્તિ વડે તેમણે સત્યવ્રતને પૃથ્વી પર પાછા આવતા અટકાવ્યા. પછી પોતાની શક્તિ વડે સત્યવ્રત માટે નવું સ્વર્ગ બનાવ્યું. આ જોઈને દેવો વિશ્વામિત્ર પાસે આવ્યા અને તેમને સમજાવ્યા એટલે એવું નક્કી થયું કે આ નવું સ્વર્ગ ‘ત્રિશંકુના સ્વર્ગ’ તરીકે ઓળખાશે અને એમાં તેમના સિવાય બીજું કોઈ નહીં રહે અને ત્રિશંકુ પણ કાયમ માટે ત્યાં ઊંધે માથે જ રહેશે જેથી તેઓ દેવો પર આક્રમણ કરીને સ્વર્ગ પચાવી ન પાડે. ત્યારથી જ્યારે કોઈ માણસ ન ઘરનો રહે ન ઘાટનો ત્યારે એની દશા તો ત્રિશંકુ જેવી થઈ એમ કહેવાય છે.
આ ત્રિશંકુના દીકરા હરિશ્ચન્દ્રની કથા ઐતરેય બ્રાહ્મણ, મહાભારત, માર્કંડેય પુરાણ અને દેવી-ભાગવત પુરાણમાં જોવા મળે છે, પણ સૌથી વધુ પ્રચલિત થઈ છે એ માર્કંડેય પુરાણની કથા. આ કથા પ્રમાણે વિશ્વામિત્ર ઋષિને આપેલું વચન પાળવા ખાતર હરિશ્ચન્દ્ર પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતાશ્વને વેચી નાખે છે છતાં દેવું ભરપાઈ ન થતાં પોતાની જાતને એક ચાંડાલને વેચે છે. એ ચાંડાલ તેમને સ્મશાનમાં આવતા મૃતદેહોના અગ્નિસંસ્કાર પહેલાં કર ઉઘરાવવાનું કામ સોંપે છે જે હરિશ્ચન્દ્ર સ્વીકારે છે. થોડા વખત પછી તારામતી દીકરા રોહિતાશ્વનું શબ લઈને આવે છે ત્યારે હરિશ્ચન્દ્ર પોતાની નિર્ધન પત્ની પાસે પણ કરની રકમ માગે છે. આ જોઈને વિશ્વામિત્ર અને ધર્મ સાથે બીજા બધા દેવો પ્રગટ થાય છે અને હરિશ્ચન્દ્રને સ્વર્ગમાં પધારવા આમંત્રણ આપે છે, પણ હરિશ્ચન્દ્ર કહે છે કે મારી વફાદાર પ્રજાને મૂકીને હું સ્વર્ગમાં ન આવી શકું. ઇન્દ્રદેવ એક દિવસ માટે પ્રજાને સ્વર્ગમાં આવવાની રજા આપે છે. બીજી બાજુ ૧૨ વર્ષનું તપ પૂરું થતાં હરિશ્ચંદ્રને માથે જે વીતી હતી એની ખબર તેના ગુરુ વસિષ્ઠને પડે છે એટલે તેઓ વિશ્વામિત્ર સામે યુદ્ધ માંડે છે, પણ બ્રહ્મા પ્રગટ થઈને કહે છે કે વિશ્વામિત્ર હરિશ્ચંદ્રનું અહિત કરવા માગતા નહોતા. તેઓ તો માત્ર પરીક્ષા લઈ રહ્યા હતા, જેથી હરિશ્ચન્દ્ર સ્વર્ગમાં પ્રવેશી શકે.
ગાંધીજીએ આ કથાનકવાળું નાટક બાળપણમાં જોયું હતું અને એની ખૂબ ઊંડી અસર તેમના પર પડી હતી. આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે ઃ ‘આ જ અરસામાં કોઈ નાટક કંપની આવેલી તેનું નાટક જોવાની મને રાજા મળી. હરિશ્ચન્દ્રનું આખ્યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી-ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચન્દ્રનાં સપનાં આવે. ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ એ ધૂન ચાલી. હરિશ્ચન્દ્રનાં દુઃખ જોઈ, એનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું.’ નાટક બને તો આ દેશી રાજા પર ફિલ્લમ કેમ ન બને?
પ્રિય વાચક, આજની આ બધી વાતોથી તમને પણ રડવું નહીં તો હસવું તો આવતું જ હશે કે ક્યાં રાજા જ્યૉર્જ અને ક્યાં રાજા હરિશ્ચન્દ્ર. આ બે વચ્ચે તે વળી સંબંધ કેવી રીતે હોઈ શકે? પણ એ સંબંધ બંધાયો એક ફિલ્લમને કારણે, અને એ પણ ગિરગામમાં. પણ પ્લીઝ, આવતા શનિવાર સુધી ધીરજ ધરજો. તમારી દશા ત્રિશંકુ જેવી નહીં થાય એની ખાતરી.

deepak mehta mumbai columnists weekend guide