યે ઉન દિનોં કી બાત હૈ જબ મકાન કચ્ચે ઔર રિશ્તે પક્કે હુઆ કરતે થે

07 February, 2021 07:00 PM IST  |  Mumbai | Rajani Mehta

યે ઉન દિનોં કી બાત હૈ જબ મકાન કચ્ચે ઔર રિશ્તે પક્કે હુઆ કરતે થે

હિન્દી ફિલ્મ-સંગીતના સુવર્ણકાળમાં જે મહાન સંગીતકારોએ પોતાનું યોગદાન આપ્યું હતું એમાં કદાચ સંગીતકાર રવિનું નામ નહીં આવે. એનું કારણ એટલું જ કે તેમનાં ગીતોને લોકપ્રિયતાનો ધૂપ થોડો ઓછો મળ્યો. સારી ગુણવત્તા ધરાવતી દરેક કૃતિઓ લોકપ્રિય બને એવું હંમેશાં બનતું નથી અને એ જરૂરી પણ નથી. હકીકત તો એ  છે કે તેમનાં ગીતોને સંગીતપ્રેમીઓની આશિકીની મીઠી છાંવ જરૂર મળી. જે એરામાં સંગીતકાર રવિએ કામ કર્યું એ સમય ઠહેરાવ અને સાદગીનો હતો. ક્યાંક વાંચ્યું હતું...

યે ઉન દિનોં કી બાત હૈ

જબ મકાન કચ્ચે ઔર રિશ્તે પક્કે હુઆ કરતે થે.       

રવિના સંગીતમાં માટીની ખુશ્બૂ અને માનવતાની મહેકનો સમન્વય હતો. જ્યારે એ સંગીતમાં મોહમ્મદ રફીનો અવાજ ભળતો ત્યારે કોઈ દૈવી ચમત્કાર થાય એમ એ ગીતોને અમરત્વ પ્રાપ્ત થતું. સંગીતપ્રેમીઓને મળેલું એક ઉત્તમ વરદાન એટલે મોહમ્મદ રફી. તેમને  યાદ કરતાં રવિ કહે છે...  

 ‘વર્ષો પહેલાં મોહમ્મદ રફી જ્યારે કાર્યક્રમ કરવા દિલ્હી આવ્યા ત્યારે હું તેમને મળવા કોરોનેશન હોટેલમાં ગયો હતો. એ દિવસોમાં મારા દિલોદિમાગમાં પ્લેબૅક સિંગર બનવાનું ભૂત સવાર હતું. તેમને મળવા ગયો ત્યારે મેં કહ્યું કે મારે સંગીતકાર બનવું છે. મને લાગે છે એ સમયે આવા મહાન ગાયકને એમ કહેવાની હિંમત નહીં ચાલી હોય કે મારે પણ સિંગર બનવું છે. મનમાં હતું કે કદાચ એમ બને કે આ સાંભળીને તેઓ મને મદદ નહીં કરે તો? ત્યારે ખબર નહોતી કે તેઓ તો દરિયાદિલ આદમી હતા. એ સમયે તેમણે મને સંગીતકાર બનવા શું કરવું જોઈએ એ વિશે સાચી સલાહ આપી અને હું મુંબઈ આવ્યો.’

‘મારી પહેલી ફિલ્મ ‘વચન’નું એક ગીત ‘ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે’ના રિહર્સલમાં તેમની સાથે મારી ફરીથી મુલાકાત થઈ ત્યારે મારા મનમાં હતું કે તેમને કહું, ‘મૈં વો હી લડકા હૂં જો ૧૯૪૭ મેં આપકો દિલ્હી કોરોનેશન હોટેલ મેં મિલા થા. ઉસ વક્ત આપને કહા થા કી યે કરના, વો કરના. દેખિયે, આપકે આશીર્વાદ સે આજ મૈં મ્યુઝિક-ડિરેક્ટર બન ગયા હૂં.’ પણ એ સમયે હું કહી ન શક્યો. વિચાર્યું કે ભવિષ્યમાં ફરી કોઈક વાર મળીશું ત્યારે કહીશ, પરંતુ કોણ જાણે કેમ એ વાત તેમને કદી કહી ન શક્યો.’

‘રફીસા’બના અવાજમાં જે રોમૅન્સ છે, ગહેરાઈ છે, જે પાવક તત્ત્વ છે એ કોઈ અવાજમાં નથી. આકાશમાં એક પંખી મુક્તપણે વિહરતું હોય, કોઈ જાતના પ્રયાસ વિના ઉડાન ભરતું હોય તેમ તેમનો સ્વર સંગીતસાગરમાં તરતો હોય છે. તેમના જેવી સીધીસાદી, ઉમદા વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. એક દિવસ અમે રિહર્સલ કરતા હતા. હું જેમ ગાઉં એમ તેઓ ગાય. થોડો સમય થયો એટલે તેમણે ગાવાનું બંધ કર્યું. મેં કહ્યું, ‘આપ ગાઈયેના.’ તો કહે, ‘પ્રોડ્યુસર કા પૈસા બચા રહા હૂં.’ મેં કહ્યું, ‘કૈસે?’ તો હસતાં-હસતાં બોલ્યા, ‘આપ ઇતના અચ્છા ગા રહે હો, ખુદ ક્યોં નહીં ગાતે?’ એટલું કહીને મને આગ્રહ કર્યો કે તમારે પ્લેબૅક સિન્ગિંગ કરવું જોઈએ. તમે વિચાર કરો, પોતાની આવક જતી કરીને કોઈ માણસ બીજાને પ્રમોટ કરે?’

‘તેઓ બહુ શરમાળ હતા. ઓછું બોલે, પરંતુ રેકૉર્ડિંગના સમયે માઇક્રોફોન સામે આવે ત્યારે એક શેરની જેમ ગાય. રેકૉર્ડિંગ વખતે એટલા સહજ હોય કે બીજા સિંગર્સને એ વાતનો અહેસાસ ન થવા દે કે તે કોઈ મહાન સિંગરની સાથે ગીત ગાય છે. તેમના અવાજની બુલંદીની તોલે કોઈ ન આવે. તેમને મારી કમ્પોઝ કરેલી ગઝલો અત્યંત પ્રિય હતી. ‘ચૌદહવીં કા ચાંદ હો’ રેકૉર્ડ થયું ત્યાર બાદ દેશ-વિદેશના સ્ટેજ-શોમાં એટલી વખત તેમણે આ ગીત ગાયું કે ફિલ્મની રિલીઝ પહેલાં જ ગીત અત્યંત લોકપ્રિય થઈ ગયું. અનેક વાર એવું બન્યું છે કે મારું ગીત રેકૉર્ડ કર્યા પછી કહે, ‘આજ બહુત દિનોં કે બાદ દિલ કો સુકૂન મિલા.’

સંગીતકાર રવિની વાત સાંભળીને મને મોહમ્મદ રફીના બે કિસ્સા યાદ આવે છે. ૨૦૦૫માં હિન્દી ફિલ્મની શતાબ્દી પૂરી થવાના અવસરે અમે બે કાર્યક્રમ કર્યા હતા. એક કાર્યક્રમમાં જૂના અને નવા લોકપ્રિય સંગીતકારો જેવા કે નૌશાદ, ઓ. પી. નૈયર, શંકર જયકિશન, મદન મોહન, રવિ, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, આર. ડી. બર્મન, બપ્પી લાહિરી, જતીન–લલિત, નદીમ-શ્રવણ અને અન્યનાં ગીતોની રજૂઆત કરી હતી. બીજા કાર્યક્રમમાં અમે વીતેલા યુગના ભુલાઈ ગયેલા ગુણી સંગીતકારો જેવા કે ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, એસ. એન. ત્રિપાઠી, સરદાર મલિક, ઇકબાલ કુરેશી, સપન જગમોહન, સોનિક-ઓમી અને બીજા સંગીતકારનાં ગીતોની રજૂઆત કરી હતી. એ કાર્યક્રમમાં સંગીતકાર જોડી સોનિક-ઓમીના એક સાથીદાર ઓમીનું અમે સન્માન કર્યું હતું. આ જોડીએ મોહમ્મદ રફીના સ્વરમાં અનેક યાદગાર ગીતો રેકૉર્ડ કર્યાં છે. તેમની સાથેની મુલાકાતમાં ફિલ્મ-સંગીતના અનેક કિસ્સા જાણવા મળ્યા. મોહમ્મદ રફી સાથેનો તેમનો એક યાદગાર કિસ્સો તેમના જ શબ્દોમાં શૅર કરું છું...

‘રફીસા’બ સાથેના એક ગીતના રેકૉર્ડિંગ દરમ્યાન તેમનાથી એક નાની ભૂલ થઈ એટલે મેં ‘કટ–કટ’ કહીને રેકૉર્ડિસ્ટને ઇશારો કર્યો. તેમની સાથે કૅબિનમાં બેઠેલા સોનિકજી મને કહે, ‘ક્યા હુઆ?’ હું રફીસા’બ સાથે સિંગરની કૅબિનમાં હતો. મેં કહ્યું, ‘કુછ નહીં, છોટી સી ગલતી હો ગઈ હૈ. વાપસ ટેક લેતે હૈં.’ સોનિકજી બોલ્યા, ‘યહાં તો સબ ઠીક સુનાઈ દિયા. તુમ્હે ક્યું ઐસા લગા? કોઈ ગલતી નહીં હુઇ.’ મેં રફીસા’બ સામે જોયું. તેઓ ધીમું-ધીમું હસતા હતા.  ફરીથી રેકૉર્ડિંગ શરૂ થયું અને ગીત ઓકે થયું. રેકૉર્ડિંગ પૂરું થયું એટલે મેં રફીસા’બને (પંજાબીમાં) કહ્યું, ‘સરજી, ગુસ્તાખી માફ. પર આપ હી બતાઇયે. આપ સે છોટી સી ગલતી હુઇ થી કિ મૈં ગલત થા?’ તેમણે જવાબ આપ્યો, ‘પુત્તર, તુ સહી થા, ગલતી મેરી હી થી.’ મેં કહ્યું, ‘ફિર અંદરવાલોં કો (રેકૉર્ડિસ્ટની કૅબિનમાં) સબ ઠીક કૈસે લગા?’ તેમણે હસતાં-હસતાં કહ્યું, ‘દેખ, મૈં ઇતને સાલોં સે ગા રહા હૂં, તો યે માઇક સે મેરા યારાના હો ગયા હૈ. ઇસ લિયે વો મેરી છોટી-મોટી ગલતી કો ઠીક કર કે હી અંદર ભેજતા હૈ.’

મોહમ્મદ રફીના વ્યક્તિત્વના એક અલગ પાસાને ઉજાગર કરતો એક બીજો મજેદાર કિસ્સો તમારી સાથે શૅર કરું છું. ૨૦૦૫માં અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે ગીતકાર જાં નિસાર અખ્તર (પિતા) અને જાવેદ અખ્તર (પુત્ર)નાં ગીતોના કાર્યક્રમ ‘મ્યુઝિકલ જનરેશન્સ’નું આયોજન થયું હતું, જેમાં જાવેદ અખ્તર અને શબાના આઝમીની વિશેષ ઉપસ્થિતિ હતી. એ સમયે જાવેદ અખ્તર સાથે થયેલી મુલાકાતમાં ફિલ્મજગતની અનેક ઓછી જાણીતી ઘટનાઓ જાણવા મળી. એમાંની એક તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

‘એ દિવસોમાં હું ફિલ્મી દુનિયામાં સેટલ થવા માટે પ્રયત્ન કરતો હતો. સ્ટુડિયોનાં ચક્કર કાપતો હતો. કોઈ જગ્યાએ શૂટિંગ ચાલતું હોય, રેકૉર્ડિંગ થતું હોય ત્યાં પહોંચી જતો. એક દિવસ મેહબૂબ સ્ટુડિયોમાં ફિલ્મ ‘ગુમનામ’નું ગીત ‘જાને ચમન, શોલા બદન, પહેલુ મેં આ જાઓ’ (શૈલેન્દ્ર) રેકૉર્ડ થતું હતું ત્યાં હું હાજર હતો. મોહમ્મદ રફી અને શારદાના સ્વરમાં શંકર-જયકિશન આ ગીતનું રેકૉર્ડિંગ કરતા હતા. રફીસા’બ રેકૉર્ડિંગ પહેલાં ચૂપચાપ શાંત બેઠા હતા. ટેક શરૂ થયો. ગીતની શરૂઆત થઈ. સ્ટાર્ટિંગ મ્યુઝિક પૂરું થયું અને રફીસા’બ અને શારદાએ મુખડું ગાયું. ત્યાર બાદ ફર્સ્ટ મ્યુઝિક શરૂ થયું એટલે રફીસા’બ માઇક પાસેથી થોડા દૂર ગયા. પાણી પીધું. કાચની કૅબિનમાંથી તેમની નજર રેકૉર્ડિસ્ટની કૅબિન પર પડી. તેમણે જોયું કે બે-ત્રણ પરિચિત ચહેરા હાજર હતા. એ જોઈને તેમણે હાથ હલાવીને દુઆ-સલામ કરી. ત્યાં સુધીમાં મ્યુઝિક પૂરું થયું એટલે ફરી પાછા અસલી મિજાજમાં આવીને તેમણે અંતરો ગાવાનું શરૂ કર્યું. રેકૉર્ડિંગ દરમ્યાન શારદા ગાતી હોય ત્યારે તેને પણ ઇશારાથી દાદ આપતા જાય. હું આ જોતાં-જોતાં વિચાર કરતો હતો કે રેકૉર્ડિંગ પહેલાં શાંત બેઠેલા રફીસા’બ માઇક પર કેવા શેર બની જાય  છે. એ સાથે કેટલી સહજતાથી લોકોનું અભિવાદન કરતાં એ જ તન્મયતાથી ગાય છે અને સાથીકલાકારને પ્રોત્સાહન આપે છે. પોતે મહાન સિંગર છે એનો ભાર લીધા વિના ફરતા આવા માણસ માટે કોઈને પણ માન થાય.’

ફરી એક વાર સંગીતકાર રવિની સ્મરણયાત્રા તરફ પાછા વળીએ. તેમની લોકપ્રિયતામાં મોહમ્મદ રફીના સ્વરનો મોટો ફાળો છે એ સ્વીકારતાં તેઓ કહે છે, ‘મોહમ્મદ રફી સાથે કામ કરવાની મજા આવતી. મારી ધૂનના મૂડને બરાબર પકડીને તેઓ ગીત ગાતા, એટલે ગીત મારી ધારણા કરતાં પણ વધુ સુંદર બની જતું. હું ઓછા મ્યુઝિશ્યન્સ સાથે કામ કરવામાં માનતો. ધૂન અસરકારક હોય, એમાં રફીસા’બ જેવા સિંગરનો અવાજ હોય તો પછી વધારે વાજિંત્રોનું કામ જ નથી હોતું. ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું એક ગીત ‘ઝિંદગી ક્યા હૈ, ગમ કા દરિયા હૈ, ન જીના યહાં બસ મેં, ન મરના યહાં બસ મેં, અજબ દુનિયા હૈ...’ શકીલ બદાયુનીનું રેકૉર્ડિંગ હતું. આ ગીત શમ્મી કપૂર ઉપર પિક્ચરાઇઝ થવાનું હતું. શમ્મી કપૂર સંગીતના ઊંડા જાણકાર છે. તેમની ફિલ્મોમાં મોટા ભાગે શંકર-જયકિશન અને ઓ. પી. નૈયરનું સંગીત હોય; જેમાં બહુ મોટું ઑર્કેસ્ટ્રા હોય. તેઓ પોતાનાં ગીતોના રેકૉર્ડિંગમાં અચૂક હાજર રહે. તેઓ સ્ટુડિયોમાં આવ્યા અને મને કહે, ‘આટલા થોડા મ્યુઝિશ્યન્સને લઈને ગીત રેકૉર્ડ કરશો તો મજા નહીં આવે.’ રફીસા’બે કહ્યું, ‘તમે પહેલાં આ ગીત તો સાંભળો. એની ટ્યુન એટલી સુંદર છે કે તમને મજા પડી જશે.’ ગીત પૂરું થયું અને ફાઇનલ ટેક સાંભળીને શમ્મી કપૂર રફીસા’બને ભેટી  પડ્યા અને મને કહે, ‘ક્યા લાજવાબ ગાના બનાયા હૈ.’

રવિના સંગીતની આ જ ખાસિયત હતી. તેમની ધૂનોમાં મીઠાશ વધુ હોવાનું કારણ એટલું જ હતું કે બને ત્યાં સુધી તેઓ ઓછા મ્યુઝિશ્યન્સ સાથે ગીત રેકૉર્ડ કરતા. એ ઉપરાંત ભારતીય વાદ્યો જેવાં કે સિતાર, સંતૂર, શહેનાઈ, બાંસુરીનો વધુ ઉપયોગ કરતા. તેમની ધૂનો સીધી, સરળ અને લોકભોગ્ય હતી. તેમને કોઈ મોટા ગજાના સંગીતકાર તરીકે ગણતું નહીં. એક સંગીતકાર (જેમની ધૂનો ગાવી અને વગાડવી ખૂબ જ મુશ્કેલ હતી) તેમના વિશે કહેતા, ‘રવિ સંગીતકાર નહીં, ટ્યુન-સેટર છે. તેમના પ્રોડ્યુસર્સ મહાન નહોતા, સામાન્ય હતા. એ સૌ ક્રીએટિવ નહોતા. તેમને ખુશ કરવા એ સહેલી વાત હતી. રવિની સામાન્ય ટ્યુન સાંભળીને તેઓ ખુશ થઈ જતા. રવિ પણ પ્રોડ્યુસરની હામાં હા પાડવામાં માહેર હતા. હું તેમને એક ઍવરેજ સંગીતકારથી વિશેષ દરજ્જો ન આપું.’

કોઈ તમારે વિશે કંઈ જ ન બોલે એના કરતાં એકાદ જણ તમારા વિશે કાંઈ બોલે, ભલે એ પછી તમારી ટીકા કેમ ન હોય; એ પરિસ્થિતિ સારી કહેવાય. આમ પણ જ્યારે તમારી ટીકા થાય ત્યારે સમજવું કે તમે સફળ થયા છો, કારણ કે Brick bats are disguised form of bouquets (તમારા પર ફેંકાતા ટીકાના પથ્થર હકીકતમાં ફૂલોના ગુચ્છા હોય છે). દરેકને પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપવાનો અધિકાર હોય છે. કબૂલ કે સંગીતકાર રવિએ ‘ચૌદહવીં કા ચાંદ’માં ગુરુ દત્ત જેવા મહાન ડાયરેક્ટરના અપવાદ સિવાય બીજા મોટા ડાયરેક્ટર્સની ફિલ્મો નથી કરી. એ સમયના ત્રણ મોટા હીરો દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ હતા.  તેમની કેવળ એક ફિલ્મ ‘નઝરાના’માં રાજ કપૂર હીરો હતા. એ સિવાય તેમની ફિલ્મોના હીરો હતા શમ્મી કપૂર, પ્રદીપકુમાર, જૉય મુખરજી, સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર, બલરાજ સહાની, વિશ્વજિત જેવા બીજી હરોળના હીરો. એમ છતાં તેમના સંગીતની ક્વૉલિટી ઊતરતી કક્ષાની હતી એમ માનવું તેમને અન્યાય કરવા જેવું ગણાશે.

columnists rajani mehta