કામ તો છે, પણ કરશે કોણ?

24 October, 2021 11:59 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

કેટલાંક કામની જરૂરિયાત બધાને સમજાય છે, પણ એની આસપાસ એટલા અવરોધ ખડા થઈ જાય છે કે અગત્યનાં કહેવાતાં કામ રખડી પડે છે. એવા સમયે સવાલ ખડો થાય છે કે ખરેખર કામ કરવું છે કે નહીં? કરવું છે તો કોણ કરશે?

કામ તો છે, પણ કરશે કોણ?

તમારા ઘર પાસેથી જે રસ્તો પસાર થાય છે એ રસ્તો બહુ સાંકડો છે. વસ્તી વધી ગઈ છે એટલે ટ્રાફિક વધી ગયો છે અને ટ્રાફિકને કારણે આ રસ્તો હવે બહુ જોખમી પણ બની ગયો છે. એના માટે અવારનવાર ફરિયાદ થાય છે. ક્યારેક અકસ્માત પણ થાય છે. 
આ રસ્તો પહોળો કરવો જ જોઈએ. પોતાને જાગ્રત કહેવડાવતા નાગરિકો અવારનવાર હાથ ઊંચા કરીને માગણી કરે છે. પોતાને શેરીના નેતા ગણાવતા સામાજિક કાર્યકરો પણ બૂમો પાડે છે, ‘વાત સાચી છે. આ રસ્તો પહોળો કરવો જ જોઈએ.’
કામ કરવું છે, પણ કરવું શી રીતે?
રસ્તો પહોળો કરવાની વાત જેવી સક્રિય થઈ ગઈ કે તરત જ રસ્તાની બન્ને બાજુએ ઊભી થઈ ગયેલી દુકાનો ખસેડવી જ પડે. આ દુકાનદારોએ પોતાને અન્યાય થઈ રહ્યો છે એને માટે સંગઠન બનાવ્યું. સભાઓ ભરી. નેતાઓ પાસે જઈને માગણી કરી. જોકે આમાંની મોટા ભાગની દુકાનો કાયદેસર નહોતી, પણ વર્ષોથી કદાચ બબ્બે કે ત્રણ-ત્રણ પેઢીથી માલસામાન ખડકીને ત્યાં બેઠા હોવાને કારણે આ દુકાનદારો માલિક જેવા થઈ ગયા હતા. નાનકડા બાંકડા જેવી દુકાનોએ તેમનો માલસામાન પાથરીને સાંકડા રસ્તાને વધુ સાંકડો બનાવ્યો હતો છતાં રસ્તો પહોળો થવો જોઈએ એવા આંદોલનમાં આ બધાએ સહીઓ પણ કરી હતી. રસ્તો પહોળો થવો જોઈએ એ વાત સાચી હતી અને રસ્તો પહોળો કરવાથી રસ્તાની બન્ને બાજુએ રહેલી દુકાનો તથા રહેઠાણની જુનવાણી ચાલીઓ તૂટવાની જ હતી. જો આમ થાય તો દુકાનદારોની રોજી-રોટીનું શું? ચાલીઓની ઓરડીઓમાં રહેતાં કુટુંબોનું શું થાય? આ તો માનવતાનો પ્રશ્ન છે! માનવતાના આ પ્રશ્નને કોઈકે હાથ ઉપર લઈ લીધો અને એકાદ ચાલી કે દુકાનમાં ૫૦-૬૦ વર્ષ જૂના સુધરાઈના દસ્તાવેજો શોધીને કોઈકે અદાલતમાં ફરિયાદ કરી. અદાલતે સ્ટે આપ્યો. કામ અટકી ગયું. સાંકડા રસ્તામાં જે ખોદકામ થયું હતું એને કારણે એ રસ્તો વધુ જોખમી બની ગયો. અદાલતમાં કેસ ચાલે છે અને હવે જ્યારે આ માણસાઈનો પ્રશ્ન ઊકલે ત્યારે ખરું! 
સમસ્યા અને સમાધાન
સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય! આ સાંકડો રસ્તો જો પહોળો થઈ શકે એમ ન હોય અને વચ્ચે માનવતા આવતી હોય - દર વર્ષે ચૂંટણીઓ તો આવતી જ હોય અને ચૂંટણીઓ આવતી હોય ત્યારે માનવતાના આવા પ્રશ્નો બહુ ઝડપથી વજનદાર બની જાય છે. રસ્તો પહોળો કરવાને બદલે એક નવું સૂચન આવ્યું. રસ્તાની ઉપર ફ્લાયઓવર કરવો જોઈએ. જેવી ફ્લાયઓવરની વાત આવી કે તરત જ રસ્તા પાસે ઊભેલા નવા મકાનની સોસાયટીઓએ હાહાકાર મચાવી દીધો. એમાંય બાજુની સોસાયટીના પહેલા માળે લતા મંગેશકર રહેતાં હતાં. ફ્યાયઓવર થાય તો લતા મંગેશકરની શાંતિ અને સીક્રસી બન્ને હણાઈ જાય. એ કેમ ચાલે? લતાજીએ વિરોધ કર્યો. વાત મિનિસ્ટર સુધી પહોંચી. હવે શું થાય? આયોજન અધૂરું છે અને મંત્રણા ચાલે છે.
કામ કરવું છે કે નથી કરવું?
હવે પહેલાં સાંકડા રસ્તાને પહોળો કેમ કરવો? રસ્તો પહોળો થાય એ ખૂબ જરૂરી છે. રસ્તાની આસપાસ રહેતા સૌકોઈ આ બાબતમાં સહમત છે. અધૂરું કામ ઝટ પૂરું થાય એ માટે બધા જ આગ્રહ કરે છે. અદાલત ઝટ ચુકાદો આપતી નથી અને વાત લંબાયા કરે છે. એનો બધા વિરોધ કરે છે. સત્તાધારી પક્ષો બદલાતા જાય છે અને બદલાઈ જતા પક્ષો નવાં-નવાં આયોજનો પણ કરે છે. આયોજન પ્રમાણે એક કમિટીની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટી બધાને હળશે-મળશે. બધા દસ્તાવેજો તપાસશે. કોઈને અન્યાય ન થાય એવા ઉકેલ શોધશે અને પછી પોતાનો નિર્ણય સરકાર અને પ્રજા સમક્ષ મુકાશે! બસ, હવે કોઈને અન્યાય નહીં થાય, પણ કમિટીનો નિર્ણય ક્યારે આવે? બેઠકો ચાલુ છે અને ન્યાયપૂર્વક બધું કરવું હોય તો થોડી વાર તો લાગે જને! 
કામ કરશે કોણ?
કામનો કાંઈ પાર નથી. રસ્તા પર ખાડો ખોદવાથી માંડીને ખોદાયેલા ખાડાને પૂરવા સુધીનાં સંખ્યાબંધ કામો અધૂરાં પડ્યાં છે. આપણે ત્યાં શિક્ષણનું પ્રમાણ દિવસે-દિવસે સારા પ્રમાણમાં વધતું જાય છે. આંકડા તપાસીએ તો રાજી થઈ જવાય એટલા પ્રમાણમાં શિક્ષિતો વધ્યા છે. પણ પેલા કામનું શું? ખોદાયેલો ખાડો પૂરવાનું કામ આ શિક્ષિતોથી તો થાય નહીં. શિક્ષિતો પાસે ઍર-કન્ડિશન કૅબિનમાં બેસીને કરવા જેવાં પાર વિનાનાં કામ છે. આયોજનો થાય છે. કમિટીઓ બને છે.
આંકડાઓ તપાસીને સરેરાશ કાઢવામાં આવે છે. સરકારી સ્તરે અને શૈક્ષણિક સ્તરે એ બધું જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પણ પેલો ખોદાયેલો ખાડો તો હજી એમ ને એમ જ છે. એને કારણે સાંકડો રસ્તો વધુ સાંકડો બની જાય છે. અકસ્માત વધતા જાય છે. દુકાનદારો સાંકડા રસ્તાઓ પર પોતાની નાની દુકાનોને મોટી કરતા જાય છે અને ફ્લાયઓવર બને નહીં એ માટે સોસાયટીના ઉપલા માળે રહેતા ખમતીધર માણસો બધું સંભાળી લે છે.

મૂળ સવાલ એમનો એમ ઊભો રહે છે - કામ ક્યારે અને કોણ કરશે? કામ કરવું છે એ નક્કી!

મીનળદેવીનું ધોળકા તળાવ

આ લખતી વખતે ગુજરાતના ઇતિહાસની એક ઘટના યાદ આવી જાય છે. આવો ઇતિહાસ હવે તો કોઈ ભણતું નથી. કોઈ પાઠ્યપુસ્તકમાં આવો ઇતિહાસ હવે રહ્યો નથી. ગુજરાતમાં સોલંકી-યુગ હતો એવું ઘણાને યાદ પણ નહીં હોય. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી ધોળકા પાસેથી પસાર થતાં હતાં ત્યારે ધોળકાના પ્રજાજનોએ ગામમાં જળના સંગ્રહ માટે કૂવા-તળાવની વ્યવસ્થા નહીં હોવાની ફરિયાદ કરી હતી. મીનળદેવીએ તાત્કાલિક ધોળકામાં રાજ્ય તરફથી તળાવ ખોદવાની આજ્ઞા આપી. તત્કાલ ખોદકામ શરૂ થયું. બન્યું એવું કે આ ખોદકામમાં ખૂણા પર એક ગરીબ વિધવા સ્ત્રીનું ઘર બનેલું હતું. આ ઘર તોડ્યા વિના તળાવનો આકાર બરાબર થઈ શકે એમ નહોતો. રાજ્યના અધિકારીઓ આ ઘર તોડવા ગયા ત્યારે પેલી એકલવાયી સ્ત્રીએ રાજમાતાને ફરિયાદ કરી. રાજમાતાએ તેની ફરિયાદ તાત્કાલિક સ્વીકારીને તળાવનો એક ખૂણો છોડી દેવાની આજ્ઞા આપી. આમ તળાવ તો થયું, પણ ખૂણા પરનું ઘર સુધ્ધાં સચવાયું. 

columnists dinkar joshi