આખું ભારત સમાયેલું છે આ ગામમાં

15 August, 2020 06:48 PM IST  |  | Shailesh Nayak

આખું ભારત સમાયેલું છે આ ગામમાં

વીરપુર ગામમાં આવેલા વિવિધ રાજ્યોનાં નામ સાથેનું પાર્કનાં નામ દર્શાવતું બોર્ડ

મહારાષ્ટ્ર પાર્ક, દિલ્હી પાર્ક, સિક્કિમ પાર્ક, આંધ્ર પ્રદેશ પાર્ક, હિમાચલ પાર્ક, મેઘાલય પાર્ક, પંજાબ પાર્ક, ઉત્તર પ્રદેશ પાર્ક, હરિયાણા પાર્ક, આસામ પર્ક, છત્તીસગઢ પાર્ક, બિહાર પાર્ક, ગોવા પાર્ક....

આ બધું જ આવેલું છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વીરપુર ગામમાં. દેશવાસીઓ આજે સ્વાતંત્ર્ય દિનની હરખભેર ઉજવણી કરશે અને સ્વાભાવિક રીતે દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરશે. જોકે ગુજરાતનું આ ગામ દેશની એકતાના પ્રતીક સમાન છે. દેશપ્રેમનો સંદેશ આપવા સાથે સુખદ અચરજ પમાડતા ગુજરાતના આ અનોખા ગામે આખા ભારતને પોતાના નાનકડા ફલકમાં સમાવી લીધું છે અને એટલે જ આજે એ ગામ મિની ભારત તરીકે ઓળખાઈ રહ્યું છે. આ ગામમાં ફળિયું, મહોલ્લો, શેરીઓ કે ગલીઓનાં નામ ભારતનાં વિવિધ રાજ્યોના નામે અપાયાં છે.

માત્ર ગામના વિસ્તારોના નામકરણમાં જ વૈવિધ્ય છે એવું નથી, પ્રાથમિક સુવિધાઓના વિકાસની બાબતમાં પણ આ ગામ ઉદાહરણરૂપ છે. ભલે ગામ માત્ર ૪૦૦૦ની વસ્તીવાળું છે, પણ ગામમાં અન્ડરગ્રાઉન્ડ ગટરલાઇન છે. ઘરે-ઘરેથી કચરાનું કલેક્શન થઈને એને ગામની બહાર ડિસ્પોઝ ઑફ કરવામાં આવે છે. અહીંના રોડ પણ પાકા અને સ્વચ્છ છે. ગામની સફાઈ માટે સફાઈનાં મશીનો પણ વસાવેલાં છે અને સલામતી માટે સીસીટીવી કૅમેરા સુધ્ધાં પણ લગાવેલા છે.

આમ તો ભારત દેશના દરેક ગામડાને પંચાયત, જિલ્લા, રાજ્ય અને ભારત સરકાર દ્વારા જાતજાતની ગ્રાન્ટ મળતી હોય છે. એમ છતાં બધાં જ ગામોનો સર્વાંગીણ વિકાસ થતો નથી. વિકાસ કરવા માટેનું મક્કમ મનોબળ અને વિઝન જ્યારે લીડરશિપમાં હોય ત્યારે જ એ સાકાર સ્વરૂપ લે છે. વીરપુર ગામની શિકલ બદલવાનું કામ ગામના સરપંચ ફારુક ખણુસિયાના ફાળે જાય છે. લગભગ ૨૦૦૫ની સાલમાં ટીવીમાં ચોતરફ વિવાદાસ્પદ સમાચારો જોતી વખતે ફારુકભાઈને વિચાર કંઈક નવું કરવાનો વિચાર આવેલો. ગામને જ ભારતની એકતાનું પ્રતીક બનાવવાના વિચાર વિશે ફારુકભાઈ કહે છે, ‘ભારતની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં લઈને મારે મારા ગામમાં ઇન્ડિયા બનાવવું હતું. ગામમાં પૂર્વજોના ભારતનો અહેસાસ થાય એવું કરવું હતું અને ભારતમાં બધા હળીમળીને રહેવા જોઈએ. એક સંદેશ આપવો હતો. ભારત એક પરિવાર છે, ભલે બધાના રહેવાની સિસ્ટમ અલગ-અલગ હોય, પણ પરિવારની ભાવનાથી ગામને મિની ભારત બનાવ્યું છે. આજે આ વાતને ૧૫ વર્ષ થયાં. ચાર હજારની વસ્તીવાળું અમારું ગામ છે જ્યાં હિન્દુ – મુસ્લિમ ધર્મના નાગરિકો રહે છે, પણ ગામમાં જ્ઞાતિવાદ, કોમવાદ, જાતિવાદ, પ્રાંતવાદ જરાય નથી. બધા શાંતિપૂર્વક રહે છે. ગામના વિવિધ ફળિયા-સોસાયટીઓનાં નામ અમે દેશનાં ૨૪ રાજ્યોનાં નામ પરથી આપ્યાં છે અને આવું નામકરણ કરવામાં કોઈ ગ્રામજનોને વાંધો નહોતો. ઊલટાનું બધા ગ્રામજનોએ સહકાર આપ્યો અને ગામ મિની ભારત બન્યું. આનાથી બધા ગ્રામજનો ખુશ છે. ગામના વિવિધ પાર્ક આગળ જે-તે રાજયનું નામ લખ્યું છે અને એના બોર્ડ પર ત્યાં રહેતા રહીશોનાં નામ અને ઘરના નંબર પણ લખ્યા છે જેથી કોઈ બહારથી આવે તો કોઈ રહીશનું ઘર શોધવામાં તકલીફ પડે નહીં.’

ગામ ભલે નાનું હોય, પણ શહેર જેવી સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  એ વિશે વાત કરતાં ફારુક ખણુસિયા કહે છે, ‘મારી ઇચ્છા ગામને ધીમે-ધીમે કરતાં હાઈટેક બનાવવાની છે. શરૂઆત બેઝિક સુવિધાઓથી કરી છે. ગામમાં અન્ડરગ્રાઉન્ડ ગટરલાઇન છે. ગામમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય છે. રોડ ક્લીનર ‍પણ વસાવ્યું છે જેનાથી દર પંદર દિવસે ગામની ગલીઓ સાફ થાય છે. ગામમાં રોડ-રસ્તાની સુવિધા છે.  ગામની ફરતે નજર રાખવા માટે થઈને સી.સી.ટી.વી. કૅમેરા લગાવવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ગામની ફરતે ૨૦ જેટલા કૅમેરા લગાવી દીધા છે અને હજી બીજા ૪૦ કૅમેરા લાગશે જેથી ગામમાં કોણ આવ્યું, કોણ ગયું, કોણ ગામમાં ઘૂસ્યું એ ખબર પડે. આ સી.સી.ટી.વી. કૅમેરા લાગ્યા પછી ગામમાંથી ત્રણ ચોરી પકડાઈ છે. એક સાઇકલ ચોરી અને પાંચ હજાર રૂપિયાની ચોરી પકડાઈ ગઈ હતી. હવે અમે ગામમાં ‌સ્પીકર સિસ્ટમ લગાવી રહ્યા છીએ. એનાથી આખા ગામને કોઈ સંદેશો આપવો હોય તો મળી શકશે.’

નામકરણની પાછળ પણ વિઝન

ગામના દરેક વિસ્તારને ભારતનાં વિવિધ રાજ્યોનાં નામ આપવામાં આવ્યાં છે અને એ નિર્ણય લેવા પાછળ ગામની દરેક વ્યક્તિની સહમતી લેવામાં આવી છે. ફારુકભાઈ કહે છે, ‘પહેલાં ગામનાં ફળિયા અને મહોલ્લાનાં નામ વિવિધ જ્ઞાતિના રહીશોના આધારે હતાં. જેમ કે દરબારવાસ, બ્રાહ્મણવાસ વગેરે. ગામના વિસ્તારોના નામકરણ પાછળ પણ અમે ઘણું વિચારેલું. ક્ષત્રિયવાસના લોકોની ઇચ્છા હતી કે તેમના વિસ્તારના નામની પાછળ ગઢ આવે એટલે એ વિસ્તારને છત્તીસગઢ પાર્ક નામ આપ્યું. ગામમાં એક ઊંચી ટેકરી જેવો રળિયામણો ભાગ હતો એને અમે કાશ્મીર પાર્ક નામ આપ્યું. દૂધમંડળી અને ગામનાં ધંધાકીય કામો જે વિસ્તારમાં હતાં એને મહારાષ્ટ્ર પાર્ક આપ્યું. જ્યાં ગામના લોકો ભેગા થઈને બેસીને વાતો કરી શકે એવી જગ્યા હતી એને દિલ્હી પાર્ક નામ આપ્યું. ખેતરો સાથે સંકળાયેલા વિસ્તારને પંજાબ પાર્ક અને ગામના સીમાડાના વિસ્તારને અરુણાચલ પ્રદેશ નામ આપ્યું. આમ દરેક વિસ્તારને નામ આપવા પાછળ પણ અમે ઘણું વિચાર્યું હતું. જોકે દરેક ગલી-ફળિયાને દેશના રાજ્યના નામે જોડવામાં લોકોનો બહુ જ સહકાર મળ્યો. એકતાની મિસાલ રજૂ કરીને એક સંદેશ આપવાનો આનંદ છે.’

દેશને પોતાના ગામમાં સમાવીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પાઠવવાનો એક વિચાર આવ્યો અને એનો ગ્રામજનોએ સુપેરે અમલ કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગામને પાંચ અવૉર્ડ અને ૨૯ લાખનાં ઇનામ મળ્યાં છે

વીરપુર ગામમાં પૂરી પાડવામાં આવતી નાગરિક સુવિધાઓ અને વિકાસને લઈને અત્યાર સુધીમાં આ ગામને સ્વર્ણિમ ગામ તેમ જ નિર્મળ ગામ સહિતના પાંચ જેટલા અવૉર્ડ મળી ચૂક્યા છે અને ૨૯ લાખ રૂપિયાનાં ઇનામો મળ્યાં છે.

columnists shailesh nayak gujarat