એક એવું ગામ જ્યાં પલ્લીમાં ઘી ધરાવાય છે અને હજારો કિલો ઘીની નદીઓ વહે છે

24 October, 2020 06:39 PM IST  |  Mumbai | Shailesh Nayak

એક એવું ગામ જ્યાં પલ્લીમાં ઘી ધરાવાય છે અને હજારો કિલો ઘીની નદીઓ વહે છે

રૂપાલ ગામમાં નીકળેલી વરદાયિની માતાજીની પલ્લીનાં દર્શન કરવા ઊમટેલા શ્રદ્ધાળુઓ

મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો, દ્રૌપદી અને ભગવાન શ્રીકૃષ્ણ, ચતુરંગી સેના સાથે રૂપાલ ગામ આવ્યાં હતાં. પાંડવોએ વરદાયિની માતાજીના મંદિરે પંચબલિ યજ્ઞ કર્યો અને સોનાની પલ્લી બનાવીને એના પર ઘીનો અભિષેક કર્યો અને ગામમાં ફેરવી હતી ત્યારથી પલ્લીની પરંપરા ચાલી આવી છે

નવરાત્રિમાં આઠમ અથવા નોમની રાતે પલ્લી ભરાય. પલ્લીની વાત હોય તો ગુજરાતનું રૂપાલ ગામ અને વરદાયિની માતાજી યાદ આવ્યા વગર રહે નહીં. ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામે નવરાત્રિમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાય છે અને શુદ્ધ ઘીનો અભિષેક કરવા માટે દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અહીં ઊમટે છે. કહેવાય છે કે પલ્લીની આ પ્રથા અને પરંપરા પાંડવકાળથી ચાલતી આવી છે.

રૂપાલની પવિત્ર ભૂમિ કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાં પડ્યાં છે તેવા આ ગામમાં દર વર્ષે નવરાત્રિમાં યોજાતી વરદાયિની માતાજીની પલ્લીની પાંડવો સાથે જોડાયેલી વાત અને લોકવાયકાઓ વિશે માંડીને વાત કરતાં વરદાયિની માતાજીના મંદિરના મૅનેજર અરવિંદ ત્રિવેદી ‘મિડ ડે’ને કહે છે કે ‘વર્ષો પહેલાં રૂપાલ ગામની જગ્યાએ વન હતું. કહેવાય છે કે પાંડવોએ ગુપ્તવાસ દરમ્યાન અહીં વનમાં હથિયાર સંતાડ્યાં હતાં. જ્યાં હથિયાર સંતાડ્યાં હતાં એ જગ્યા માતાજીની હતી અને માતાજીના આશીર્વાદથી પાંડવોનો ગુપ્તવાસ પૂરો થયો હતો એટલું જ નહીં, વરદાયિની માતાજીના આશીર્વાદથી મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો, દ્રૌપદી અને ભગવાન શ્રીકૃષ્ણ ચતુરંગી સેના સાથે અહીં માતાજીનાં દર્શને આવ્યાં હતાં. પાંડવોએ એ સમયે માતાજીનાં દર્શન કરીને કહ્યું હતું કે મા, તેં અમારું કામ કરી દીધું છે. જગત પર આપની અમી નજર રહે એ માટે અમે પાંચ ભાઈઓમાંથી કોઈ એક ભાઈ બલિ આપવા તૈયાર છીએ. ત્યારે માતાજીએ કહ્યું હતું કે હું બ્રહ્માણી છું, લોહી ન ખપે, મને ઘી અને શ્રીફળ આપો. એ પછી પાંડવોએ પંચબલિ યજ્ઞ કર્યો અને સોનાની પલ્લી બનાવીને ગામમાં ફેરવી હતી. એ દિવસે આસો સુદ નોમ હતી. પલ્લી પર પાંડવોએ ઘીનો અભિષેક કર્યો હતો ત્યારથી પલ્લીની આ પરંપરા ચાલે છે. પાંડવોએ નવ દિવસના ઉપવાસ કર્યા હતા અને અહીં રોકાયા હતા.’

વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહેવા ઉપરાંત બીજી પણ એક પ્રથા છે જેમાં પલ્લીની જ્યોત પરથી નાના બાળકને ફેરવવાની પરંપરા છે. આ પરંપરા વિશેની માન્યતા વિશે  અરવિંદ ત્રિવેદી કહે છે કે ‘બાળકોને માતાજીની પલ્લીના આશીર્વાદ અપાય છે. આપણે આરતી લઈએ એ પ્રમાણે બાળકને પલ્લી જ્યોત પર ફેરવે છે. કોઈ કુટુંબમાં પહેલો બાળક અવતરે કે બાળકનો જન્મ થાય, બાધા રાખી હોય એટલે પલ્લી નીકળે ત્યારે બાળકને ઊંચકીને પલ્લીનાં દર્શન કરાવે છે.’

માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ દેશવિદેશમાં વરદાયિની માતાજીની પલ્લીની ખ્યાતિ ફેલાયેલી છે અને શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બની છે. માતાજીના પલ્લીનાં દર્શન કરવા માટે લાખો ભાવિકો દેશવિદેશથી રૂપાલ ગામમાં ઊમટે છે. બાધા, આખડી–માનતા પૂરી કરવા માટે ભાવિકો માતાજીની પલ્લી પર ભાવપૂર્વક અને શ્રદ્ધાથી શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. રૂપાલ ગામમાં આવેલા ૨૭ જેટલા ચકલાઓમાંથી આ પલ્લી પસાર થાય છે અને નિજ મંદિર પરત ફરે છે. ગામમાં આવેલા જુદા-જુદા ચકલામાં એટલે કે ચોકમાંથી પલ્લી પસાર થવાની હોય છે ત્યાં ટૅક્ટરની ટ્રોલીઓમાં તેમ જ પીપડાઓમાં ઘી ભર્યું હોય છે. જ્યારે માતાજીની પલ્લી નીકળે ત્યારે ભાવિકો ટ્રોલીમાંથી અને પીપડાઓમાંથી ઘી ભરીને પલ્લી પર અભિષેક કરે છે. ભાવિકો દ્વારા લાખો કિલો શુદ્ધ ઘીનો અભિષેક પલ્લી પર શ્રદ્ધાપૂર્વક કરાતો હોવાથી રૂપાલ ગામમાં જાણે કે ઘીની નદી વહેતી હોય એવાં દૃશ્યો સર્જાય છે.

columnists shailesh nayak