દરેક વ્યક્તિના સ્વભાવમાં, વર્તનમાં કશુંક ન સમજાય એવું હોય છે

18 October, 2020 07:54 PM IST  |  Mumbai | Rajani Mehta

દરેક વ્યક્તિના સ્વભાવમાં, વર્તનમાં કશુંક ન સમજાય એવું હોય છે

આણંદજીભાઈ, ઇંદીવર, આઈ. એસ. જોહર, સુષ્મા શ્રેષ્ઠ (પૂર્ણિમા), લતા મંગેશક અને કલ્યાણજીભાઈ

હાસ્યલેખક વિનોદ ભટ્ટના લેખમાં એક સરસ રમૂજ વાંચી હતી.

એક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. એમ કરતાં તેની ગફલતને કારણે વ્હીલના ૬ બોલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે શું કરવું?

આજુબાજુ ક્યાંય ગૅરેજ દેખાતું નહોતું. થોડા છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. તેની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાકડાની પાછળ લટકતા મેન્ટલ હૉસ્પિટલના પાટિયા પર પડી એટલે તેણે માણસને પૂછવાનું માંડી વાળ્યું.

તે પાછો ફરતો હતો ત્યારે પેલા માણસે પૂછ્યું, ‘હું તમને કાંઈ મદદ કરી શકું?’

કારચાલકે પોતાની તકલીફ જણાવી એટલે પેલાએ સુઝાવ આપ્યો, ‘પાછળના વ્હીલના બબ્બે બોલ્ટ કાઢીને આગળના વ્હીલમાં નાખી દો. ગૅરેજ અહીંથી બે કિલોમીટર દૂર છે. ધીમે-ધીમે ગાડી ત્યાં લઈ જાઓ, ત્યાં તમારું કામ થઈ જશે.’

આ સાંભળીને કારચાલક આશ્ચર્યમાં પડી ગયો. હૉસ્પિટલના પાટિયા તરફ જોતાં તેણે કહ્યું, ‘હું તો તમને પાગલ સમજતો હતો.’

‘હા, હું પાગલ છું, પણ હું મૂર્ખ નથી.’ ઠાવકા ચહેરે પેલાએ જવાબ આપ્યો.

જ્યારે આણંદજીભાઈ ઇંદીવરના અતરંગી સ્વભાવના કિસ્સા મારી સાથે શૅર કરી રહ્યા હતા ત્યારે મેં આ રમૂજ તેમને સંભળાવી હતી. એ કિસ્સાઓ શું હતા એ તમે વાંચશો ત્યારે તમને લાગશે કે શું ઇંદીવર ખરેખર આવા હતા? એ વાતો આણંદજીભાઈના શબ્દોમાં પ્રસ્તુત છે...  ‘ઇંદીવરની અમુક હરકતો જોઈને અથવા સાંભળીને પહેલાં તો તમને એમ જ થાય કે આ વ્યક્તિ સાવ તરંગી છે, પરંતુ એની પાછળના તર્કની જ્યારે ખબર પડે ત્યારે એમ લાગે કે વાત ખોટી નથી.’

 ‘નેકટાઇને તે કંઠ-લંગોટ કહેતા. અમને સમજાવે, ‘જમતી વખતે પણ ટાઇ કાઢવાની નહીં. આનાથી ગળાની ‘ગ્લૅન્ડ્સ’ દબાય અને આને કારણે બુઢાપો જલદી ન આવે.’ સખત ગરમી હોય તો પણ ટાઇ પહેરી રાખે. પરસેવો થાય તો ટાઇથી લૂછતા જાય. અમારા ઘરની રસોઈ બહુ ભાવે. જમતાં-જમતાં ‘વાહ વાહ, ક્યા દાલ હૈ, વાહ વાહ, ક્યા સબ્જી હૈ’ બોલતા જાય. આ સાંભળીને કલ્યાણજીભાઈ કહે, ‘ક્યા હર બાત મેં વાહ વાહ કરતે હો?’ તો કહે, ‘વાહ વાહ કરને સે ગલે કી ગ્લૅન્ડ્સ મેં સે જૂસ નીકળતા હૈ ઔર ખાના જલદી હજમ હોતા હૈ.’

 ‘એક વાર અભિનેત્રી સાધનાને ઘેર તેઓ પાર્ટીમાં ગયા હતા. ત્યાં નાની માછલીઓની એક વાનગી તેમને ખૂબ ભાવી. પ્લેટમાં બ્રેડના બે-ચાર ટુકડા લઈને આ વાનગી ખાતા જાય અને વાહ વાહ કરતા જાય. સૌ જોયા કરે. એમ કરતાં-કરતાં આખો બોલ ખાલી કરી નાખ્યો. તેમનું તો ડિનર પતી ગયું. બીજા લોકોને આગ્રહ કરે કે મચ્છી બહુત બઢિયા બની હૈ, જરૂર ખાના.’ ડિનર શરૂ થયું. જોકે એ વાનગી ખલાસ થઈ ગઈ હતી. તેમને ખબર નહોતી. દરેકને પૂછે, ‘મચ્છી ખાઇ કી નહીં?’ 

‘આગરામાં અમારો એક શો હતો. અમારી સાથે અમજદ ખાન અને અઝીઝ નાઝા પણ હતા. અઝીઝ નાઝા ઇંદીવરને કહે, ‘અહીંના પાયા બહેતરીન હોય છે’ અને બન્ને પાયા ખાવા બજારમાં ગયા. આવીને ઇંદીવર ઓડકાર પર ઓડકાર ખાય અને બોલતા જાય, ‘બહુત બઢિયા, બહુત બઢિયા.’ સ્ટેજ પર તેમની શાયરીની રજૂઆત માટે આવ્યા તો કહે, ‘આગરા કે પાયે, બહુત બઢિયા’ આટલું કહીને હેડકી ખાય. પછી શાયરી બોલવાનું શરૂ કરે, ‘ક્યા માર સકેગી મૌત ઉસે’ આટલું બોલીને ફરી પાછી હેડકી ખાય, હસતા જાય અને કહે, ‘અગલી બાર બીના પાયા ખાયે સુનાઉંગા. પાયા બહુત બઢિયા થા. અચ્છા તો નમસ્તે.’ આમ કહીને સ્ટેજ પરથી નીચે ઊતરી ગયા.  

 ‘તેમની સાથેના અનેક મજેદાર પ્રસંગો છે. લંડનમાં અમારો એક શો હતો. મુકેશની સાથે ઇંદીવર પણ આ પ્રવાસમાં સાથે આવવાના હતા. તેમને ઠંડી બહુ લાગે. રૂમમાં બેઠા હોઈએ તો પંખો પણ બંધ કરાવે. અમે કહ્યું, ‘લંડનમાં તો ખૂબ ઠંડી હશે, ત્યાં શું કરશો? ઠંડીની ટેવ પાડો.’ એટલે એક દિવસ આવીને કહે, ‘આજકલ ઘર મેં ફુલ એસી કર કે ઔર કાન મેં રૂઇ ડાલકર સોતા હૂં. ઠંડ બહોત લગતી પર ક્યા કરેં? આદત તો ડાલની પડેગી.’ અમારી સલાહ મુજબ ગરમ કપડાં અને ચોરબજારમાંથી ૬૦ રૂપિયાનો લાંબો ઓવરકોટ લઈ આવ્યા. કહે, ‘દેખો, અબ મૈં કૈસા લગતા હૂં?’ અમે મજાક કરતાં કહ્યું, ‘સબ ઠીક હૈ, પર યે બાલ ઠીક નહીં લગતે.’ એટલે ખાસ વિગ બનાવી.

લંડન જવાના દિવસે માથે વિગ અને લાંબો ઓવરકોટ પહેરીને પરસેવે રેબઝેબ થતા ઍરપોર્ટ આવ્યા. અમે કહ્યું, ‘લંડન પહોંચીએ પછી કોટ પહેરજો.’ તો કહે, ‘ના, મને તો અત્યારથી જ ઠંડી લાગે છે.’ પ્લેનમાં બેઠા અને અમને કહેતા જાય, ‘કેટલી ઠંડી છે.’ તેમના ચહેરા પરથી ખબર પડે કે થોડા ગભરાયેલા હતા. મને કહે, ‘દેખો પહલી બાર હિન્દી કવિ લંડન જા રહા હૈ.’ પ્લેન ઊપડ્યું અને તેમણે હસવાનું શરૂ કર્યું. ઍરહૉસ્ટેસ પૂછે, ‘ક્યા હુઆ?’ તો જોર જોરથી હસવા લાગ્યા. મેં ઇશારાથી મગજ પાસે આંગળી ફેરવી તેને સમજાવી. ઇંદીવરને પૂછ્યું, ‘આ શું કરો છો?’ તો કહે, ‘ફ્રૉઇડ (વિખ્યાત માનસશાસ્ત્રી) કહે છે જ્યારે ડર લાગે ત્યારે જોર જોરથી હસવું એટલે ડર ભાગી જાય.’

‘લંડન ઍરપોર્ટ પર તેમનો પાસપોર્ટ ચેક થતો હતો ત્યારે પાછા હસવા લાગ્યા. ઇમિગ્રેશન ઑફિસરને કહે, ‘વેઇટ’. આટલું કહીને પોતાની વિગ કાઢી, ઓવરકોટ ઉતારીને કહે, ‘ધિસ ઇઝ  રિયલ મી.’ ઑફિસર પણ હસવા લાગ્યો.’

હોટેલમાં ટૉઇલેટમાં જાય તો આખા ટૉઇલેટમાં કાગળ પથરાયેલો હોય. કહે, ‘ટૉઇલેટ-પેપર   વાપર્યો પણ મને સંતોષ નથી થતો એટલે આખો રોલ ખલાસ કરી નાખ્યો.’ ત્યાર બાદ  રોલ ટૉઇલેટમાં નાખે અને  ફ્લશ કરે એટલે આખો રોલ બહાર આવે. અમે તો હસી-હસીને લોટપોટ થઈ  જઈએ.

‘શૉપિંગ કરવા ગયા ત્યાં એસ્કેલેટરમાં વિગ ફસાઈ ગઈ. અમે આગળ હતા અને તેઓ પાછળ. અમે જોયું તો ઊભા-ઊભા હસતા હતા. પૂછ્યું કે શું થયું તો કહે, ‘પાછો ફ્રૉઇડ યાદ આવે છે.’ એક દુકાનમાં ખરીદી કરીને બહાર નીકળતા હતા ત્યાં રિવૉલ્વિંગ ડોરમાં વિગ ફસાઈને દુકાનની અંદર પડી ગઈ. બહાર એટલી ઠંડી હતી કે થોડી વાર પછી તેમને ખબર પડી કે માથા પર વિગ નથી. અમે પાછા ફર્યા. સ્ટોર બંધ થવાની તૈયારીમાં હતો એટલે જે છોકરી લૉક કરતી હતી તેને કહે, ‘માય ડિયર, માય હેર ઇઝ ઇનસાઇડ.’ પેલી તો આ સાંભળીને ગભરાઈ ગઈ. તેણે સિક્યૉરિટી ગાર્ડને બોલાવ્યો. એટલી વારમાં અમે ત્યાં પહોંચી ગયા. પેલાને સમજાવ્યો કે તેમની વિગ અંદર રહી ગઈ છે એ લેવા આવ્યા છીએ.’ 

 ‘સૌથી વધુ મજા તો ત્યારે આવી જ્યારે અમે ફરતા હતા ત્યાં જિલેટનો શો-રૂમ જોયો. અમે અંદર ગયા. ઇંદીવર બ્લૅડ્સનાં પૅકેટ્સ જોતાં હતા. તેમણે સેલ્સમૅનને પૂછ્યું, ‘આ ઇમ્પોર્ટેડ છે કે લોકલ?’ પેલો કહે, ‘ધિસ ઇઝ લોકલ.’ એટલે તેમણે કહ્યું, ‘નો, નો, આઇ વૉન્ટ ઇમ્પોર્ટેડ.’ આટલું કહીને તેઓ ચાલવા માંડ્યા.

આણંદજીભાઈ ઇંદીવર સાથેના આ કિસ્સા શૅર કરી રહ્યા હતા ત્યારે મને વિખ્યાત આઇરિશ નવલકથાકાર સૅમ્યુઅલ બેકેટની વાત યાદ આવી, ‘We are all born mad, some remain so.’ આપણે સૌ જન્મજાત તરંગી હોઈએ છીએ. અમુક વ્યક્તિ આજીવન એવી જ રહે છે. કિશોરકુમાર એનો જીવતોજાગતો દાખલો હતો. જોકે તેમની મેડનેસમાં એક મૅથડ હતી એટલે તો તેઓ કહેતા, ‘દુનિયા કહેતી મુઝ કો પાગલ, મૈં સમઝું દુનિયા હૈ પાગલ.’ મોટા ભાગની વ્યક્તિઓને દુનિયાદારીના નામે પોતે જેવા નથી એવા બનીને જીવવાની શીખ મળે છે એટલે જ દંભને આજની સમાજવ્યવસ્થાનું અનિવાર્ય દૂષણ માનવામાં આવે છે. 

ઇંદીવર દંભી નહોતા. નિખાલસતાથી પોતે કરેલા છબરડાઓનું વર્ણન કરતા અને પોતાની જાત પર હસવાની હિંમત ધરાવતા હતા. દરેક જિનીયસ વ્યક્તિઓની એક ખાસિયત હોય છે. જિનીયસ શું કામ, મને તો લાગે છે કે દરેક વ્યક્તિના સ્વભાવમાં, વર્તનમાં કશુંક ન સમજાય એવું હોય છે, એ સમજવાનો મિથ્યા પ્રયત્ન કરવા જેવો નથી.

કલ્યાણજીભાઈ ઇંદીવરની ‘યાદોં કી બારાત’ આગળ વધારતાં કહે છે, ‘આ તો થઈ હસી-મજાકની વાતો. એક યાદગાર કિસ્સો તમને કહું. લંડનમાં અમે શો પૂરો કર્યો અને એક વૅનમાં હોટેલ પાછા ફરતા હતા. વૅન લેડી ડ્રાઇવર ચલાવતી હતી. તે હિન્દી ગીતોની શોખીન હતી. અમારો શો જોવા આવી હતી. ઇંદીવરને જોઈને મને કહે, ‘ધિસ મૅન ઇઝ અ જિનીયસ.’ ઇંદીવર ખુશ થઈને કહે, ‘તું જ્યારે ઇન્ડિયા આવીશ ત્યારે તને કંપની આપીશ.’ પેલી કહે, ‘ત્યારની વાત ત્યારે. અત્યારે જો લંડન જોવું હોય તો મારી સાથે ચાલો. મારા જેવી કંપની બીજી નહીં મળે.’ ઇંદીવર તેમની સાથે ગયા. લેડી ડ્રાઇવરની રંગીન તબિયત અને અંગત જીવનની નિખાલસ વાતો સાંભળીને તેમણે ત્યાં ને ત્યાં એક ગીત લખ્યું...

‘મુઝે નહીં પૂછની તુમસે બીતી બાતેં

કૈસે ભી ગુઝારી હો તુમને અપની રાતેં

જૈસી ભી હો, તુમ આજ સે બસ મેરી હો

મેરી હી બન કે રહેના

મુઝે તુમસે હૈ બસ ઇતના કહેના...’

હોટેલ પાછા આવીને એ જ રાતે ઇંદીવરે આ ગીત પૂરું કર્યું...

‘બિતે હુએ કલ પે તુમ્હારે અધિકાર નહીં હૈ મેરા

ઉસ દ્વાર પે મૈં ક્યોં જાઉં જો દ્વાર નહીં હૈ મેરા

બિતા હુઆ કલ તો બિત ચુકા

કલ કા દુઃખ આજ ન સહના

મુઝે નહીં પૂછની હૈ તુમસે બિતી બાતેં

કૈસે ભી ગુઝારી હોં તુમને આપની રાતેં

મૈં રામ નહીં હું ફિર ક્યું ઉમ્મીદ કરું સીતા કી

કોઈ ઇન્સાનોં મેં ઢૂંઢે ક્યું પાવનતા ગંગા કી

દુનિયા મેં ફરિશ્તા કોઈ નહીં હૈ, ઇન્સાન બન કે રહેના

મુઝે નહીં પૂછની તુમ સે બિતી બાતેં

કૈસે ભી ગુઝારી હોં તુમને અપની રાતેં...’

એ દિવસોમાં આશા પારેખ અને ફિરોઝ ખાનની ફિલ્મ ‘અનજાન રાહેં’ માટે અમે ઇંદીવર સાથે કામ કરતા હતા. આ ગીત ફિલ્મ માટે રેકૉર્ડ કરવું એમ નક્કી કર્યું. ફિરોઝ ખાન પહેલાં રાજી નહોતા. તેમને આ ગીત ભજન જેવું લાગતું હતું, કારણ કે એમાં રામ અને સીતાનો ઉલ્લેખ હતો. અમે સમજાવ્યા કે ફિલ્મની એક સિચુએશન માટે આ ગીત ફિટ છે અને હિટ જવાના પૂરેપૂરા ચાન્સ છે. આ ગીતનો વિચાર જ અલગ છે એટલે લોકોને જરૂર ગમશે. કમને તેઓ તૈયાર થયા. મુકેશના સ્વરમાં આ ગીત રેકૉર્ડ કર્યું જે ખૂબ જ લોકપ્રિય થયું.’ 

ઇંદીવરે કલ્યાણજી—આણંદજી સાથે સૌથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એ ઉપરાંત બપ્પી લાહિરી, રાકેશ રોશન, અન્નુ મલિક અને બીજા સંગીતકારો સાથે મળીને તેમણે અનેક લોકપ્રિય ગીતો આપ્યાં. એ સંગીતકારોના ઇંદીવર સાથેનાં સ્મરણો આવતા રવિવારે.

columnists rajani mehta