રાજકીય પક્ષો માટે ન કોઈ નિયમ, ન કોઈ કાનૂન!

12 November, 2019 03:01 PM IST  |  Mumbai | Taru Kajaria

રાજકીય પક્ષો માટે ન કોઈ નિયમ, ન કોઈ કાનૂન!

દેવેન્દ્ર ફડણવીસ

‘ઝિંદગી કૈસી હૈ પહેલી, કભી યે રુલાયે, કભી યે હસાયે’ ‘આનંદ’ ફિલ્મનું આ ગીત સાંભળતાં દરેકને લાગે કે કવિએ મારી જિંદગી પરથી લખ્યું હશે! તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામો સંદર્ભે આ ગીત એક શબ્દફેર સાથે ગાઈ શકાય : ‘વિક્ટરી, કૈસી હૈ પહેલી!’ ચૂંટણી પહેલાં તો ભાજપને આત્મવિશ્વાસ હતો કે શિવસેના સાથેની યુતિને જ નહીં, પોતાને એકલાને પણ બહુમત મળી જશે પરંતુ પરિણામ આવ્યાં ત્યારે અહેસાસ થયો કે એ તો ભાજપનો ઓવર કૉન્ફિડન્સ હતો! ભાજપની ૧૦૫ અને શિવસેનાની ૫૬ મળીને ૧૬૧ બેઠક સાથે યુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છતાંય આ લખાય છે ત્યાં સુધી ભાજપની સરકાર રચાઈ નથી. રાજ્યનો મુખ્યપ્રધાન ભાજપનો બને કે શિવસેનાનો અને પ્રધાનમંડળમાં કયાં ખાતાં કોને મળે એ માટે યુતિમાં અંદરોઅંદર મહાજંગ જામી પડ્યો છે. શિવસેનાની દાધારંગાઈ જુઓ, ભાજપ કરતાં લગભગ અડધી બેઠકો મળી છે પણ સરકારમાં પચાસ ટકા ભાગ અને મુખ્યપ્રધાનની ખુરશીની માગણીને એ વળગી રહી છે. જેની સાથે મળીને ચૂંટણી લડ્યા અને જનતા પાસે મત માગવા ગયા એ ભાજપ માટે શિવસેનાના નેતાઓ એલફેલ બોલે છે અને મુખપત્ર ‘સામના’માં લખે છે. બીજી બાજુ ભાજપ પણ પોતાનો અધિકાર ઓછો કરવા આતુર નથી અને તેના તરફથી પણ શિવસેનાને ઉશ્કેરે એવાં નિવેદનો થયાં કરે છે. દરમિયાન શિવસેના તેના કટ્ટર વિરોધી એવા કૉંગ્રેસ અને એન.સી.પી. સાથે સોદાબાજી કરીને સત્તા પર આવવા વાટાઘાટો કરવા લાગી છે અને ભાજપ શિવસેનાના ઉમેદવારોને પોતાનામાં ભેળવવાની પેરવી કરી રહ્યો છે!

આ બધું જોતાં, સાંભળતાં અને વાંચતાં વિચાર આવે કે આ બેઉની લડાઈમાં પેલા લાખો મતદાતાઓનું શું, જેમણે યુતિની ઝોળીમાં મતો નાખીને તેને બહુમતી અપાવી? એ નાગરિકો અને મહારાષ્ટ્ર રાજ્યે શા માટે આવી અરાજકતામાં રહેવું પડે? તેમણે તો મતદાનને દિવસે નિષ્ઠાપૂર્વક લાઇનમાં ઊભા રહીને પોતાની ફરજ બજાવી હતી. દેશની તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટણીઓ યોજાતી હોય છે. ચૂંટણી પંચ અને સંબંધિત વિભાગના અધિકારીઓ, સ્ટાફ, પોલીસકર્મી ઇત્યાદિએ દિવસો સુધી આકરી ફરજ બજાવી હોય છે. અનેક શિક્ષકોએે પણ પોતાની રુટિન ફરજ ઉપરાંત ચૂંટણીમાં સેવા આપવી પડતી હોય છે. આમ સેંકડો-હજારો લોકોની મહેનતથી પાર પડે છે ચૂંટણીઓ. પરિણામો પછી યુતિની અંદર સર્જાયેલી આંતરિક રસ્સીખેંચ એ સહુ સાથે છેતરપિંડી સમાન છે. મત જોઈતા હતા ત્યારે બન્ને પક્ષો એક થઈ ગયા અને હવે સત્તા ભોગવવાની લાલસામાં દુશ્મન સાથે દોસ્તી કરવા તૈયાર છે! ક્યાંકથી રાજ્યપાલના સાશનની ચીમકી સંભળાઈ રહી છે તો કેટલાકને ‘ફરી ચૂંટણી કરાવવાની’ ચળ ઊપડી છે! નાગરિકોને ફાળ ન પડે તો શું થાય બીજું!

રાજ્યની સલામતી, સ્થિરતા અને આર્થિક સજ્જતાના ભોગે પણ પોતાની સત્તાલાલસાની મમત અને અહમ્ને વળગી રહેતા આવા રાજકીય પક્ષો મતદાતાઓનું તો જાણે અસ્તિત્વ જ ન હોય એમ વર્તી રહ્યા છે! ખરેખર, વિચાર આવે છે કે આપણે નાગરિકો આટલા લાચાર શા માટે છીએ? નાગરિકો પ્રત્યે વફાદારી નિભાવવાની ચિંતા આ રાજકારણીઓને કેમ નથી? નાગરિકો અને દેશની જનતા સમક્ષ જાહેરમાં બોલ્યા હોય કે ચૂંટણીઢંઢેરામાં વચનો આપ્યાં હોય તે પાળવાની તેમની ફરજ કેમ નથી? કોઈ વેપારી કે ઉદ્યોગપતિએ પોતાનાં ઉત્પાદનો વિશે આપેલી ખાતરી ખોટી પડે તો તેની સામે પગલાં લેવાની જોગવાઈ છે. કોઈ ડૉક્ટર દરદીની સારવાર અધવચ્ચે છોડીને તેને જોખમી સ્થિતિમાં ધકેલી દે કે કોઈ હૉસ્પિટલ દરદી પ્રત્યે બેદરકાર રહે તો તેની સામે ફરિયાદ થઈ શકે. કોઈ સ્કૂલ કે કૉલેજ નિયમનું પાલન ન કરે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવે, તો બહુમતી મળ્યા પછી પણ બે અઠવાડિયાં સુધી રાજ્યને યોગ્ય શાસનથી વંચિત રાખનારા રાજકારણીઓની સાન ઠેકાણે લાવવાની કોઈ જોગવાઈ કેમ ન હોય?

કોઈ ઉદ્યોગ કે વ્યવસાયમાં કોઈ વ્યક્તિને નોકરીએ રાખવાની હોય તો એ પહેલાં તેના કેટલા બધા ઇન્ટરવ્યુ થાય છે. ઉમેદવારને જે વિભાગમાં કામ કરવાનું હોય તેના નાના-મોટા કેટલાય સાહેબો સાથેના ઇન્ટરવ્યુઝ પસાર કરી લે પછી હ્યુમન રિસોર્સ એટલે કે એચ. આર. વિભાગ સાથેના ઇન્ટરવ્યુમાં બધું ફાઇનલ થાય. ઉમેદવાર એ બધા કોઠા પાર કરી લે અને જોબ ઑફર થાય તો તેણે કંપની સાથે કરાર કરવો પડે જેમાં તેની જોબ અંગેની બધી જ વિગતો અને કંપનીની શરતો ઇત્યાદિ લખેલી હોય. તેણે એનું ચુસ્તપણે પાલન કરવું પડે. માત્ર જોબ માટે જ નહીં, બે વ્યક્તિ કે એકમો વચ્ચે વ્યાપાર, શિક્ષણ, અમુક પ્રોપર્ટી લેવા-વેચવાની કે તેના જેવી બીજી કોઈ પણ બાબત નક્કી થાય ત્યારે તે અંગેના કરાર કે અગ્રીમેન્ટ્સ થતા હોય છે. આવા કરારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતા હોય છે અને તે પાળવાના હોય છે. પરંતુ રાજકારણીઓ અને રાજકારણ જાણે આ બધાથી પર હોય એવું લાગે છે.

આશા કરીએ કે આ લેખ છપાય ત્યાં સુધીમાં રાજ્યના શિરેથી રાજકારણીઓએ જાણી જોઈને ઊભી કરેલી આ પનોતી ઊતરી ગઈ હોય. ભૂતકાળમાં પણ અનેક વાર મતપેટીઓ દ્વારા વ્યક્ત થયેલા નાગરિકોના મંતવ્યની ઠેકડી ઊડાડવામાં આવી છે. જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે સવાલ થાય છે કે કૉર્પોરેટ મૅનેજમેન્ટમાં જેમ કોઈ પણ પ્રોજેક્ટનું આયોજન કરતી વખતે જુદી-જુદી શક્યતા વિચારીને વિકલ્પો તૈયાર રાખવામાં આવે છે તેમ જ ચૂંટણી સંદર્ભે સર્જાતી આવી અરાજકતાના ઉકેલ રૂપે વિકલ્પો ઉપલબ્ધ ન હોવા જોઈએ? ચૂંટણી પંચે આ દિશામાં વિચારે અને બંધારણમાં પણ એવી જોગવાઈ સામેલ કરાય તો દેશમાં ચૂંટણી પછી સર્જાતી આવી અકારણ અરાજકતાથી અમુક અંશે ચોક્કસ બચી શકાય.

columnists indian politics