બનો આત્મનિર્ભર:દરેક દિશામાં સ્વદેશી ઑપ્શન છે, માત્ર આંખ ખોલવાની જરૂર છે

18 May, 2020 08:59 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

બનો આત્મનિર્ભર:દરેક દિશામાં સ્વદેશી ઑપ્શન છે, માત્ર આંખ ખોલવાની જરૂર છે

મિડ-ડે લોગો

આત્મનિર્ભર બનવા માટે બહુ નાની અને સાદી સમજનો અમલ શરૂ કરી દઈએ તો પણ ખૂબ મોટો ફરક પડશે. આત્મનિર્ભર થવાના હેતુથી જ ‘મેક ઇન ઇન્ડિયા’ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાકે એનો અમલ કર્યો તો કેટલાકે એને હસી કાઢ્યું, પણ આજે સૌકોઈને સમજાઈ રહ્યું છે કે એ સમયે જો જાગૃતિ લાવી દીધી હોત તો જીવનમાં ખૂબ મોટો ફરક આવી ગયો હોત અને આજે વિશ્વ સામે આપણે આત્મનિર્ભર બનીને ઊભા હોત.

જો તમે નોકરિયાત હો અને તમે એવું ધારતા હો કે આત્મનિર્ભર થવું એ તમારા હાથમાં નથી તો આ માન્યતા ખોટી છે. તમે તમારી લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીને દેશ આત્મનિર્ભર થઈ રહ્યો હોય એને સાથ આપવાની પ્રક્રિયા કરી શકો છો અને એ કરવી જ રહી. નાનામાં નાની વાતો એવી છે જેમાં આત્મનિર્ભરતા લાવી શકાય એમ છે. બાથરૂમમાં ફિટ થયેલા નળથી માંડીને કિચનમાં બનતા ફૂડ માટે વાપરવામાં આવતી કુકિંગ રેન્જમાં અને કિચન નિફ કુકિંગ રેન્જથી માંડીને બેડરૂમમાં રહેલાં એસી અને પંખા સુધીની અને બેડરૂમના એસીથી લઈને ડ્રૉઇંગરૂમના ટીવી સુધીમાં આત્મનિર્ભરતા છુપાયેલી છે. માત્ર એને જોવાની છે. મૅગીને બદલે જો સ્થાનિક કંપનીના નૂડલ્સની આદત પાડીએ તો કશું લૂંટાઈ જવાનું નથી. હા, એ સાચું કે નૂડલ્સ ખાવા જ ન જોઈએ, પણ ધારો કે એને તમે લાઇફમાંથી સાવ હાંકી ન શકો તો આવો રસ્તો તો નીકળી જ શકે છે. ડ્રાયફ્રૂટના શોખીન શ્રીમંતના ઘરમાં અમેરિકી મામરો બદામને બદલે કશ્મીરી બદામ આવશે તો એનાથી ન્યુટ્રિશ્યન વૅલ્યુમાં કોઈ ફરક પડવાનો નથી. ચૉકલેટના રવાડે ચડેલાં બાળકોને પેંડા અને થાબડીનો સ્વાદ ચખાડવાનો સમય આવી ગયો છે. લૉકડાઉનના આ સમયમાં જો આ કામ કરી શક્યા હશો તો છોકરાઓ પ્રિઝર્વેટિવ નાખેલી ચૉકલેટની લતમાંથી બહાર આવશે. કોકો પાઉડર નાખીને દૂધ પીવાની આદત ધરાવતાં બાળકોને એક વખત આપણો દેશી મસાલો નાખીને દૂધ પીવડાવજો. આ મસાલા-દૂધ એ પણ આત્મનિર્ભરતાની નિશાની છે અને ઘરમાં આવતા સાબુની પાછળ મલ્ટિનૅશનલ કંપનીનું નામ જોઈને ખરીદવાની આદત છોડશો તો એ પણ આત્મનિર્ભરતા ગણાશે.
આત્મનિર્ભર બનવાનો અર્થ ક્યાંય એવો નથી કે તમે પોતે મૅન્યુફૅક્ચરિંગના રસ્તે ચાલો. નથી એ રસ્તો તમારો તો વાંધો નહીં, પણ એવું તો કરી જ શકો છો તમે કે જે વપરાશમાં આવવાની હોય એ ચીજ તમારા દેશમાં, તમારા દેશવાસીઓએ બનાવી હોય. એક વખત આદત પાડવાનું શરૂ કરજો. કબૂલ કે અમુક ચીજવસ્તુઓને તમે નહીં વાપરી શકો, પણ ૮૦ ટકા પ્રોડક્ટ એવી છે ખરી કે જે તમારા દેશની સમૃદ્ધિ વધારી શકે એમ છે. ધારો કે તમને નૅનો ન ગમતી હોય તો પણ તાતા અને મહિન્દ્ર અને મારુતિ જેવી કંપનીઓ છે એવી જે તમારા દેશમાં જ બને છે અને તમારા દેશના અર્થતંત્રને વિકાસ આપવાનું કામ કરી શકે છે. પૈસો દેશની બહાર જશે તો તમને વિકાસ નહીં સાંપડે, પણ જે પૈસો અહીં રહેવાનો છે એ પૈસો બીજી જ ક્ષણે તમારા અર્થતંત્રને વધારે મજબૂત બનાવવાના કામમાં લાગી જવાનો છે. વિચારો, અર્થતંત્રને વધારે મજબૂત બનાવવા માટે માત્ર તમે જ નહીં, તમારો પૈસો પણ કામ લાગતો હોય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે.

manoj joshi columnists