એક ખૂણે રાહ જોતી ક્ષણ મળે છે

14 March, 2021 01:23 PM IST  |  Mumbai | Hiten Anandpara

એક ખૂણે રાહ જોતી ક્ષણ મળે છે

એક ખૂણે રાહ જોતી ક્ષણ મળે છે

આપણે જેટલું ઇચ્છીએ છીએ એટલું મળતું નથી. એમાં પણ સ્કૂલનું પરિણામપત્રક જ જોઈ લો. કોઈને ઇચ્છાપૂર્તિમાં ડિસ્ટિંક્શન મળે તો કોઈને ૩૫ ટકાના ફાંફાં હોય. મળવું અને મેળવવું એ પુરુષાર્થ ઉપરાંત નિયતિ પર નિર્ભર છે. કર્મનાં બંધનો વિશે તો કોઈ સદ્ગુરુ પ્રકાશ પાડી શકે. આબિદ ભટ્ટ પાસેથી કઈ શીખ મળે છે એ જોઈએ...

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ
એમ ઊજળું મરણ કરી દઈએ
હોય ત્રીજું ના આપણી વચ્ચે
રોજ એવું સ્મરણ કરી દઈએ
આપણી જિંદગી ઉજાડવાનું કે ઉજાળવાનું કામ આપણા જ હાથમાં હોય છે. જો આવડત અને આયોજન ઓછાં પડે તો વિકાસ પર એની વિપરીત અસર થવાની. આ વિકાસ માત્ર ભૌતિક નથી હોતો, એક સફર ભીતર તરફની પણ હોય છે. એ દૃષ્ટિ વિકસતાં વાર લાગે. એ જો પ્રાપ્ત થાય તો કદાચ મરીઝ કહે છે એવા તારતમ્ય લઈ જાય જેમાં કડવું સત્ય પણ ઉજાગર થઈ શકે...

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી
અમૃત મળે તો શું કરું? એમાં અસર નથી
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી
પ્રત્યેક અવસ્થાનું પોતાનું ગણિત હોવાનું. ચાર પગથિયાં કૂદી જતા પગને બે પગ માંડતાં તકલીફ પડે એ ઉંમરનું સત્ય છે. પહેલાં જે સાચું લાગતું હતું એ બાલિશ લાગે અને જે બાલિશ લાગતું હતું એમાં સાર્થકતા દેખાતી થઈ જાય. અનેક પ્રકારના પડકારો અને સમસ્યાઓ આપણને શીખવતાં જાય. ડેસ્ક પર ફાઇલોની થપ્પીની જેમ એ જમા થયા જ કરે અને ઉકેલાય નહીં તો ધૂળ માત્ર ફાઇલો પર નહીં, આપણી ફીલિંગ પર પણ ચડી જાય. ત્યારે ઘાયલસાહેબ કહે છે એવી ગૂંગળામણ ઘેરી વળે...

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા
હંમેશાં ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતાં
નવું-નવું લાવવું અઘરું હોય છે. નવું લાવવું પણ ખાસ્સી જહેમત તો માગી જ લે. પ્રયાસો અને પુરુષાર્થની ચક્કી ચાલુ રાખવી જ પડે. કમ્પલ્ઝન હોય તો સર્જન થતું હોય છે. સંશોધકોમાં તો કેટલા બધા લોકોની ચેતના ઉમેરાય ત્યારે કશીક નવી શોધ નીપજે. કોરોનાની રસી એનું ઉદાહરણ છે. આ ત્વરાથી રસી બનતી આખા જગતે અગાઉ જોઈ નથી. મોટી સમસ્યા મોટા ઉકેલ તરફ દોરી ગઈ. રડારોળ કર્યા જ કરત તો રસી રિસાઈને હજી અવતરી ન હોત. ડૉ. કેતન કારિયા પ્રિસ્ક્રિપ્શનમાં એવી વાત આપે છે, જે કોઈ કેમિસ્ટની દુકાને નહીં મળે...

બને તો અકારણ દુઆ પણ ન માગો
મહેનત મુજબ જે મળે; એ ઘણું છે
ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો
ફક્ત જૂઠ અટકે ગળે; એ ઘણું છે
કોરાનાના નામે અનેક જૂઠ ચાલ્યાં. પ્રારંભિક કાળમાં તો કેટલાય ધર્માંધ લોકો માસ્ક બાંધવા પણ તૈયાર નહોતા. પોતે જાણે જન્મથી જ આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિક હોય એમ કેટલાયે રાજકારણીઓએ અને કટ્ટર ધાર્મિકોએ તો વૅક્સિનને પણ ગુનેગારના કઠેડામાં ઊભી કરી દીધી. અશ્ક માણાવાદરીનો આક્રોશ અસ્થાને નથી...

પ્રહાર પહેલાં કરે છે ને સારવાર પછી
દયા એ ક્રૂરને આવે છે અત્યાચાર પછી
કરો છો હમણાં તમે કૉલ ને કરાર પછી
અનુભવ એનો મળે છે શું થાશે ત્યાર પછી
જે લોકો વૅક્સિનનો વિરોધ કરતા હતા એ પણ અંદરખાને લેતા થઈ ગયા. દેખાડવાના અને ચાવવાના દાંત જુદા. શંકા ચોકસાઈ માટે થાય તો સારી, પણ ચોવટ માટે થાય તો નકામી. સુરેશ પરમાર ‘સૂર’ ખુલાસો આપે છે...

જ્યારે મળે બોલે નહીં, એવી રીતે જુએ
જાણે કે મારા જીવની ઊલટતપાસ છે
આ જિંદગી માટે, કોઈ કારણ નહીં જડે
ને મોતના એકાદ નહીં, બહાનાં પચાસ છે

ક્યા બાત હૈ
રોજ ઇચ્છાનાં નવાં કામણ મળે છે
જીવવાનું એટલે કારણ મળે છે

માર્ગ હંમેશાં બતાવ્યો કષ્ટમાં તેં
તું નથી, પણ તું જ છે, ધારણ મળે છે

સાંજ પડતાં ધીરે ઢળતી પાંપણોને
કો’ સ્મરણનું હાંફતું એ ધણ મળે છે

છેક ભીતર કોઈના મણકા ફરે છે
શ્વાસને બસ, હર પળે ઈંધણ મળે છે

હું અપેક્ષાની સરકતી નાવમાં છું
ખૂબ મોડી છિદ્રની સમજણ મળે છે

ઘૂમરાતા એ સમયની ચીસ ડૂબી
લાંગરેલાં દૂર સૌ સગપણ મળે છે

સામટી આ શૂન્યતા વ્યાપી રહી છે
એક ખૂણે રાહ જોતી ક્ષણ મળે છે

- ભાર્ગવી પંડ્યા
ગઝલસંગ્રહ : ‘હોવાપણાના છાંયડે’

columnists weekend guide